મંગળવાર, 12 માર્ચ, 2019

પ્રથમવાર ઈસરો ચંદ્રયાન-૨થી ચંદ્ર પર રોવર પ્રસ્થાપિત કરીને માહિતી મેળવશે

 

-     ઈસરોના ઈતિહાસથી લઈ આવનાર મિશન સુધીના તમામ પ્રોજેક્ટ રજૂ કરાયા

ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક જે.ડી.જોશીએ ઈસરોના ભવિષ્યના પ્રોજેક્ટ વિશે કહ્યું કે, ઈસરો ગગનયાન મિશન અને ચંદ્રયાન-૨ની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન-૨ને GSLV MK3 દ્વારા લગભગ એપ્રિલ ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવશે. જેમાંથી એક રોવરને ચંદ્રની સપાટી પર પ્રસ્થાપિત કરવામાં આવશે, આ રોવરમાંથી એક રોબોટીક કાર નીકળશે જે ચંદ્રની આસપાસ ફરીને ચોક્કસ માહિતી આપશે. 
ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર ભારત દ્વારા ચંદ્ર પર આ પ્રકારની કામગીરી થશે અને ચંદ્રયાન-૨માં કોઈ વ્યક્તિ નહીં ફક્ત સેટેલાઈટ જ જશે. ઉપરાંત સૂર્યના અભ્યાસ માટે આદિત્ય મિશન તેમજ પ્રથમ વખત નાસા અને ઈસરો મળીને NISAR મિશનની તૈયારી કરી રહ્યા છે. મહારાજા સયાજીરાવની જન્મજયંતિ નિમિતે એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટી દ્વારા એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કરેલું છે. જેમાં ૧૩ વિભાગના ૧,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ૨૦૦ પ્રોજેક્ટ રજૂ કર્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આયોજિત આ ફેરમાં પ્રથમવાર ઈસરોએ ભાગ લીધો છે. ઈસરો દ્વારા તેના ઈતિહાસથી લઈને આવનાર મિશન, વિવિધ રોકેટ, દૂરભાષી સેટેલાઈટ વગેરેના મોડલ મૂકવામાં આવ્યા છે. 
સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.કટારીયાએ જણાવ્યું કે, શાળાના વિદ્યાર્થીઓને વધુ એક દિવસ સાયન્સ ફેર જોવાની તક મળે તે હેતુથી આજે તા.૧૨મીને મંગળવારે પણ ફેર ચાલુ રખાશે.
૫૦ વર્ષ પહેલા બળદગાડામાં સેટેલાઈટ લઈ જવાતા હતા
ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે ભારતનું પ્રથમ સાઉન્ડીંગ રોકેટ ૧૯૬૩માં ૨૧ નવેમ્બરની સાંજે સાયકલ પર સ્પેસ સેન્ટરથી લઈ જઈને કેરાલાના થુંબાથી ઈસરો દ્વારા લોન્ચ કરાયું હતું. તેમજ પ્રથમ કોમ્યુનિકેશન સેટેલાઈટ 'એપલ'ને ટેસ્ટિંગ માટે બળદગાડામાં ૧૯૮૧માં લઈ જવાયું હતું.
એક સમયે દુર્લભ ઘોરાડને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાના હતા
સાયન્સ ફેરમાં ભાગ લેનાર ઝુઓલોજી વિભાગની વિદ્યાર્થિની મૃણાલ સોમણે ઘોરાડ પક્ષી પર પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, એક સમયે ભારતમાં ઘોરાડની હજારોની સંખ્યામાં પ્રજાતિ હોવાથી મોરના સ્થાને તેને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાના હતા. પરંતુ આજે સમગ્ર વિશ્વમાં ઘોરાડની ફક્ત ૨૦૦ જ પ્રજાતિ બચી છે. ગુજરાતમાં કચ્છના રણમાં બચેલું એક નર ઘોરાડ ૨૦૧૮માં મૃત્યુ પામ્યું હતું. ઘોરાડ પક્ષીનું નામશેષ થવાનું કારણ માદા ઘોરાડ વર્ષમાં ફક્ત એક જ ઈંડુ મૂકે છે, ઉપરાંત પવનચક્કીઓ તેમજ ઘોરાડ પક્ષીનું વજન વધુ હોવાથી તે ઉંચે ઉડી ન શકતા હોવાથી વીજળીના તાર સાથે અથડાતા મૃત્યુ પામે છે.
પ્લાસ્ટિક બેગમાંથી પેટ્રોલ બનાવી શકાશે
એન્વાર્યમેન્ટલ સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જીનલ પટેલે જણાવ્યું કે, એક કિલો પ્લાસ્ટિક બેગને ૪૦૦ C. તાપમાને બાળવામાં આવે તો તેમાંથી એક કિલો તેલ નીકળે છે. ઉપરાંત તેમાંથી જે ગેસ નીકળે તેનો ઉપયોગ ઈલેક્ટ્રીસીટ ઉત્પન્ન કરવામાં થઈ શકે છે. જો આ તેલને પ્રોસેસ કરીને ચીકાસની માત્રા ઓછી કરીને પાતળુ બનાવી શકીએ તેમજ ફાયર પોઈન્ટ વધારી શકીએ તો પેટ્રોલના સ્થાને વાહનમાં આ તેલનો ઉપયોગ થઈ શકે છે. જે પેટ્રોલ કરતા ઓછુ મોંઘુ હશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો