બુધવાર, 20 માર્ચ, 2019

આજે વર્લ્ડ સ્પેરો ડે / નવનિર્માણ આંદોલનમાં ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી આજે પણ અમદાવાદની પોળમાં છે

 

-     1974ના રોટી રમખાણમાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી છે

-     અમદાવાદની ઢાળની પોળમાં આ ખાંભી આજે ય મોજુદ છે

 Today World Sparrow Day
20 માર્ચ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે. આજથી 45 વર્ષ પહેલાં 2 માર્ચ 1974એ ગુજરાતમાં ફાટી નીકળેલાં રોટી રમખાણમાં પોલીસ ગોળીબારમાં એક ચકલી મૃત્યુ પામી હતી. જીવદયા પ્રેમીઓએ તેની ખાંભી આસ્ટોડિયામાં આવેલી ઢાળની પોળમાં બનાવી હતી. ખાંભીની કાયમી જાળવણી માટે તેનું રિનોવેશન કરાયું છે. સાડા ચાર દાયકા પહેલાની આ ઘટનામાં પો‌‌ળના રહીશો આખાય સમગ્ર આસ્ટોડિયામાં ચકલીની સ્મશાન યાત્રા કાઢી હતી.

એ પછી જે સ્થળે ગોળી વાગવાથી ચકલીનું મૃત્યુ થયું હતું ત્યાં જ તેની ખાંભી બનાવવામાં આવી હતી. આજે પણ ઢાળની પોળમાં આ ખાંભીનું અસ્તિત્વ છે. સ્થાનિક રહીશ ધીરેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, મનુષ્ય વિકાસની દોડમાં નિર્દોષ પ્રાણીઓ અને પક્ષીઓ તરફ બેદરકાર ન રહે અને તેમનો વિચાર કરે તે હેતુથી આ સ્મારક બનાવાયું હતું.


નિવૃત્ત જસ્ટિસ પીનાકી ચંદ્ર ઘોષ ભારતના પ્રથમ લોકપાલ નિમાયા


 
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષને આજે ભારતના પ્રથમ લોકપાલ તરીકે નિમવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા માટે લોકપાલની નિમણુંક કરાય છે.
 આમ તેઓ પ્રથમ લોકપાલ તરીકે પસંદ કરાયા હતા. સશ્ત્ર લીમા બલના પૂર્વ વડા અર્ચના રામાસુંદરમ, પૂર્વ ચીફ સેક્રેટરી દિનેશ જૈન, મહેન્દ્ર સિંહ અને ઇદ્રજીત પ્રસાદ ગૌતમને લોકપાલના નોનજ્યુશિયલ સભ્યો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
 ભ્રષ્ટાચાર વિરોધી આ સંસ્થામાં જસ્ટિસ દિલીપ ભોંસલે, પ્રદીપ મોહંતી, અભિલાશ કુમારી અને અજય કુમાર ત્રિપાઠીને જ્યુડિશિયલ મેમબર્સ તરીકે નિમવામાં આવ્યા હતા.
આ નિમણુંકો વડા પ્રધાન મોદીના અધ્યક્ષતા હેઠળની સમિતિ એ કરી હતી જેને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મંજૂરી આપી હતી. વિરોધ પક્ષોએ મોદી સરકાર પર લોકપાલની નિમણુંકમાં વિલંબ કરવાનો આક્ષેપ કર્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના સાહસિક-વીર જવાનોને કર્યાં સન્માનિત

દેશની સુરક્ષા માટે દિવસ રાત પોતાનો જીવ જોખમમાં મૂકનારા જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કર્યા હતા. 
આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.  આ સન્માન સમારોહમાં અનેક વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. 
શહિદ જવાનોની બહાદુરીના સન્માન મેડલ તેમની પત્નીઓને આપવામાં આવ્યા હતા.  જેમાં જમ્મુ કાશ્મીરના 14 વર્ષના ઈરફાન રમઝાન શેખને પણ સન્માનિત કરાયો હતો. 
જમ્મુ-કાશ્મીરના શોપિયાન જિલ્લામાં ઘર પર હુમલો કરનાર આતંકવાદીઓ સાથે બાથ ભીડનાર ૧૬ વર્ષના તરૃણ ઇરફાન રમઝાન શેખને આજે રાષ્ટ્રપતિએ શોર્ય ચક્ર એનાયત કર્યો હતો.
સામાન્ય રીતે શોર્ય ચક્ર કોઇ યુધ્ધમાં દુશ્મનો સામે બહાદૂરી બતાવનાર અર્ધ લશ્કરી દળના જવાનને જ અપાય છે. પરંતુ ભાગ્યે જ એવું બને કે કોઇ નાગરિકને આ એવોર્ડ અપાય. ભણીને આઇપીએસ બનવા ઇચ્છતા ઇરફાન રમઝાન શેખને નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે એવોર્ડ અપાયો હતો.
૧૬-૧૭ ઓકટોબર, ૨૦૧૭ની રાત્રે આતંકીઓએ શેખના ઘરને ઘેરી લીધો હતો. તેના પિતા મોહમ્મદ રમઝાન શેખે તેમનો પ્રતિકાર કરતાં આતંકીઓએ તેમની પર ગોળીઓ છોડી હતી. ધરમાં ત્રાટકેલા ત્રણ આતંકીઓએ તેના પિતાને ધક્કો મારતા ઇરફાન વચ્ચે પડયો હતો અને  આતંકીઓ સાથે ભીડી ગયો હતો.
અંતે આતંકીઓ ભાગી ગયા હતા, પરંતુ ફાયરિંગ કરી તેના પિતાને ઘાયલ કરી ગયા હતા જે અંતે હોસ્પિટલમાં ગુજરી ગયેલા. ઇરફાને બહાદૂરથી એક આતંકીને પકડી લીધો હતો અને ગોળીઓ લાગી હોવા છતાં એને છોડયો નહતો. દરમિયાન ફાયરિંગમાં આતંકીને પણ ગોળીઓ વાગી હતી અને ઇરફાન પણ ઘાયલ થયો હતો.



CRPFનો 80મો સ્થાપના દિન

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે આજે ગુડગાંવમાં  સી.આર.પી.એફ. જવાનોની પરેડનું  નિરીક્ષણ કર્યું હતું.  આ પ્રસંગે દોભાલે જવાનોને સરહદની સુરક્ષા માટે  ખડે પગે તૈનાત રહેવા બદલ અભિનંદન પાઠવી  વિવિધ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. 
અજીત દોભાલે પુલવામામાં તાજેતરમાં થયેલા હુમલા અંગે જણાવ્યું હતું  કે, પુલવામામાં થયેલા આતંકી હુમલાને દેશ ક્યારેય ભૂલ્યો નથી અને ભૂલશે નહીં. પુલવામામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું હતું  કે, દેશ આ જવાનોના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. 


ટેસ્ટ ઈતિહાસના 142 વર્ષમાં પ્રથમવાર ક્રિકેટરો નામ-નંબરવાળી ટીશર્ટ પહેરશે

 

- એશિઝથી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે

- ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ સિરીઝથી નિયમ અમલી : ખેલાડીઓ ૧થી ૯૯ નંબરમાંથી કોઈ પણ નંબર પસંદ કરી શકશે


ક્રિકેટના સૌથી જૂના અને લાંબા ફોર્મેટ તરીકે ઓળખાતા ટેસ્ટ ક્રિકેટમાં સમયની સાથે પરિવર્તન થવા જઈ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ક્રિકેટરોે તેમની ટીશર્ટની પાછળ તેમના નામ અને પસંદગીના નંબરો લખવાની છુટ આપવામાં આવી છે. આઇસીસીએ ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રારંભ અગાઉ આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓને તેમના નામ અને નંબર વાળી ટીશર્ટ પહેરવાની પરવાનગી આપી છે અને આ નવી શરૃઆત ઓગસ્ટમાં રમાનારી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝથી થશે, જે આઇસીસીની ટેસ્ટ ચેમ્પિયનશીપની સૌપ્રથમ સિરીઝ હશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અત્યાર સુધી રમાતી પરંપરાગત દ્વિપક્ષિય ક્રિકેટ સિરીઝને ભેગી કરીને એક ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાડવા જઈ રહી છે અને આ ચેમ્પિયનશીપ અંતર્ગત દરેક સિરીઝના પરીણામને આધારે બંને ટીમોને પોઈન્ટ્સ અપાશે અને નિર્ધારિત સમયના અંતે સૌથી વધુ પોઈન્ટ્સ ધરાવતી ટીમને ટેસ્ટ ચેમ્પિયનશીપ વિજેતા જાહેર કરવામાં આવશે. 
ચાલુ વર્ષે ઓગસ્ટમાં રમાનારી એશિઝ ટેસ્ટ સિરીઝની ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે અને તે ૨૦૨૧માં ઈંગ્લેન્ડમાં રમાનારી ફાઈનલની સાથે પુરી થશે. બે વર્ષ ચાલનારી આ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં નવ ટીમો વચ્ચે અંદરોઅંદર મુકાબલા ખેલાશે. 
આઇસીસીએ આ નવા નિયમ પાછળનું કારણ આપતાં કહ્યું છે કે, ખેલાડીને આસાનીથી ઓળખી શકાય તે માટે અમે આ નિયમમાં ફેરફાર કર્યો છે. 
સામાન્ય રીતે અત્યાર સુધી માત્ર મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચોમાં જ આવું જોવા મળતું હતુ. જોકે ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્યિયનશીપમાં ખેલાડીઓ ચાર દિવસની મેચોમાં તેમના નામ અને નંબર વાળી ટીશર્ટ પહેરતા હતા.
જોકે ઈ.સ. ૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાયેલી સૌપ્રથમ ટેસ્ટમાં ખેલાડીઓ સફેદ કપડાં પહેરીને રમવા ઉતર્યા હતા, તેના કારણે આજ દિન સુધી ટેસ્ટ ક્રિકેટ માત્ર સફેદ કપડાંમાં જ રમાતું આવ્યું છે. ખેલાડીઓ ૧ થી લઈને ૯૯ સુધીમાં કોઈ પણ નંબર પસંદ કરી શકશે. 
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે તારીખ ૧ ઓગસ્ટથી એજબેસ્ટોનમાં એશિઝ ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે અને આ સિરીઝમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે. છેલ્લે રમાયેલી એશિઝ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ ૦-૪થી હાર્યું હતુ અને હવે તેઓ એશિઝ પાછી જીતવાની કોશીશ કરશે.

આજે પીએમ મોદી દેશના 25 લાખ ચોકીદારોસાથે કરશે ચર્ચા, ઓડિયો બ્રિજથી કરશે સંબોધન



વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોળીના પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના ૨૫ લાખ ચોકીદારો અને આમ આદમીને ઓડિયો બ્રિજના માધ્યમથી એકસાથે સંબોધવાના છે. બુધવારે સાંજે તેઓ મૈં ભી ચોકીદાર કેમ્પેન હેઠળ હોળી પર્વ નિમિત્તે દેશના તમામ વર્ગના લોકોને સંબોધશે. 

ભાજપ મીડિયા ઈન્ચાર્જ અનિલ બાલુનીએ મંગળવારે સાંજે આ સત્તાવાર માહિતી આપી હતી. બાલુનીએ કહ્યું કે ભલે એ સિક્યોરિટી ગાર્ડ હોય કે એટીએમ ગાર્ડ કે પછી મોલનો સિક્યુરિટી ગાર્ડ, વડા પ્રધાન ઇચ્છે છે કે દરેક આમ આદમી ન્યૂ ઈન્ડિાની રક્ષા માટે સજ્જ બને.

આ દીકરીએ દેશને અપાવ્યો ગોલ્ડ, માતા કરે છે ઘરકામ, કહાની જાણી કરશો સલામ


ગોવાની સબિતા યાદવે સ્પેશલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં સિંગલ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે ડબલ્સમાં સિલ્વર મેડલ જીતીને બે મેડલ દેશને અપાવ્યા છે. આ પરાક્રમ બાદ હવે 17 વર્ષની સબિતા ઘર પરત ફરી તેની માતાને સરપ્રાઇઝ આપવા માંગે છે.

સબિતાને બૌદ્ધિક વિકલાંગતા સાથે સરખી રીતે બોલવામાં પણ મુશ્કેલી થાય છે. તેને કહ્યું કે,‘મારા પિતાનું નિધન થઈ ગયું છે અને મારી માં બીજાના ઘરમાં કામ કરે છે.આર્થિક રીતે કમજોર પરિવારની દીકરી સબિતા ખૂબજ ઉત્સાહિત અને મેહનતી છે. રિપોર્ટ મુજબ સબિતાએ એક સ્પેશિયલ સ્કૂલમાં એડમિશન લીધુ હતું જ્યાં તેને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાં સબિતાને લાગ્યું કે તેની રુચિ ટેબલ ટેનિસમાં વધુ છે.


ટેબલ ટેનિસના કોચ શીતલ નેગીએ કહ્યું કે,‘સબિતાના હાર્ડ વર્કના કારણે તેનું સપનું પુરુ થયું છે.તેમને કહ્યું કે,‘હું સબિતાને 2 વર્ષથી ઓળખું છું અને તેનામાં ઘણો આત્મવિશ્વાસ છે. ખૂબજ ઓછા લોકોને ખબર છે કે સ્પેશિયલ ઓલિમ્પિક એથ્લીટને પણ જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય સ્તરને પાર કર્યા બાદ આંતરરાષ્ટ્રીય લેવલે રમવાની તક મળે છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ 2019માં ભારતનું પ્રદર્શન ખૂબજ સારું રહ્યું છે. ભારત હાલ મેડલ લિસ્ટમાં 163 મેડલ સાથે ટોપ પર છે. જેમાં 44 ગોલ્ડ, 52 સિલ્વર અને 67 બ્રોન્જ સામેલ છે. ચીન આ યાદીમાં બીજા નંબરે છે.


આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ

 

આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજોપ્તી સામે ચકલીની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં.

ચકા-ચકીની વાર્તા માત્ર વાર્તા જ બની રહેશે. વૃક્ષોનું નિકંદન, મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશન, કારખાના-વાહનોનો ઝેરી ધુમાડો વગેરેના કારણે શહેરોમાંથી તો ઠીક ગામડાઓમાં પણ ચકલીઓ લુપ્ત થઈ રહી છે.

એક હતી ચકી, એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બંનેએ રાંધી ખીચડી…’ વાર્તા કહેનારી દાદીમાઓ પણ હવે જોવા મળતી નથી, જેના લીધે આજની કોમ્પ્યુટર, મોબાઈલ અને ઈન્ટરનેટયુક્ત પેઢીને પર્યાવરણ અને પ્રકૃતિ સાથેનો લગાવ પણ ઘટી ગયો છે. અત્યારની સ્થિતિ જોતાં આવનારી પેઢીને ચકલીઓ માત્ર ફોટામાં જ જોવા મળશે તે નક્કી છે.

વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 70 થી 80 ટકા જેટલી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ૦ ટકા ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે.

સતત 8 વર્ષથી ખંભીસરમાં યુવાનો દ્રારા ચકલી બચાવો અભિયાન મોડાસાના ખંભીસરમાં છેલ્લા 8 વર્ષ થી સતત ચકલીઓ સહિતના અન્ય પક્ષીઓના અસ્તિત્વને ટકાવી રાખવા કુંડા તેમજ માળા અભિયાન ચલાવવામાં આવે છે.ચકલીઓના ગામ તરીકે જાણીતા બનેલા ખંભીસરમાં દર વર્ષે યુવાનો દ્રારા પોતાના પોકેટમનીમાંથી બચત કરી અભિયાન ચલાવવામાં આવે છે.

ટીમ ખંભીસરના નામથી કામ કરતા યુવાનોના સંગઠન દ્રારા ચાલુ વર્ષે ગામમાં ઘરદીઠ બે માળા અને બે કુંડા લગાવવામાં આવ્યા છે અને દરેક યુવાનોને પોતાના મહોલ્લામાં નિયમિત ચણ અને પાણી ભરાય તેની જવાબદારી સોપાઈ છે.

દર વર્ષે ઉનાળાના પ્રારંભમાં પોતાના ગામ સહિત આજુબાજુના અન્ય વિસ્તારોમાં પણ પક્ષીઓને રહેવા અને પાણી પીવાની તકલીફ ન પડે તે માટે માળા અને કુંડા લગાવવામાં આવે છે તેનો અંદાજે પચાસ હજાર થી વધુ ખર્ચ યુવાનો ઉઠાવે છે.

ગ્રામજનો દ્રારા પણ પોતાના ઘરઆંગણે લગાવેલા માળા અને કુંડાની યોગ્ય જાળવણી થાય તેમજ પક્ષીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરે છે. ટીમ ખંભીસર દ્રારા ખંભીસર સહિત આજુબાજુના અન્ય ગામોમાં 1૦૦૦ જેટલા માળા અને કુંડા લગાવી પર્યાવરણ સહિત પક્ષીઓ બચાવવા માટેનો સંદેશ સમગ્ર સમાજને આપ્યો છે.

નિદોર્ષ ચકલીઓ માટે રેડીયશન ઘાતક નિવડી રહ્યુ છે 

આડેધડ વૃક્ષછેદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વ્યાપ વધવાને કારણે ફ્રેન્ડલી નેબરહૂડ કહી શકાય તેવી ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ટીવીના દ્રશ્ય-શ્રાવ્ય તરંગોના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીયશને પણ કોઈ કસર છોડી નથી.
ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો, ખેત ઉત્પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ, બ્રીડીંગ ઓપર્ચ્યુનીટીમાં ઘટાડો સહિતના પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.



ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Image result for sarita gayakwad win gold medal

ડાંગ જિલ્લાના કરાડીઆંબાની સરિતા ગાયકવાડે પંજાબ ખાતે યોજાયેલી એથ્લેટિક્સ ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી ગોલ્ડન ગર્લ બની હતી.

અમેરિકાના કોચ ગાલીના મામેના માર્ગદર્શન હેઠળ પ્રેકટીસ કરે છે.સોમવારે સરિતા ગાયક્વાડે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ડાંગ જિલ્લાના ડાંગ એકસપ્રેસ મુરલી ગાવિતે  પંજાબ ખાતે બે ગોલ્ડ મેડલ મેળ્યા બાદ ડાંગની કુમારી સરિતા ગાયકવાડે પણ ગોલ્ડ મેળવી કુલ 3 મેડલ પ્રાપ્ત કર્યા છે.