Wednesday, 18 April 2018


સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ત્રણ સફારી પાર્ક વિકસાવાશે
Image result for zoo in gujarat

- સૈધ્ધાંતિક મંજૂરી બાદ બાંધકામ શરૃ કરાશે
- કુલ ૧૬ દિપડા અને ૮ વાઘને તેમાં રખાશે: સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી મંજૂરી આપશે
ગુજરાતના ત્રણ જિલ્લા સુરત, નર્મદા અને તાપી ખાતે વધુ ત્રણ સફારી પાર્ક વિકસાવાશે. આ ત્રણેય જિલ્લામાં કુલ ૧૪૬ હેક્ટર વિસ્તારમાં બનનારા સફારી પાર્કની અંદર કુલ ૧૬ દિપડા અને ૮ વાઘને રખાશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની સૈધ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ બાંધકામ શરૃ કરાશે. આખરી મંજૂરી માટેની આખરી કામગીરી ગુજરાત સરકાર દ્વારા શરૃ કરાઈ છે.

આ અંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્યનાં ૨૩ અભયારણ્યો તથા ૪ રાષ્ટ્રીય ઉધાનો તથા ૧ કન્ઝર્વેશન રીઝર્વ મળીને કુલ ૨૮ રક્ષિત વિસ્તારો છે. રાજ્યનો કુલ ૧૭૩૨૬.૯૩ ચો.કી. મીટર વિસ્તારને અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન તરીકે રક્ષિત કરાયો છે. છેલ્લી વસતી અંદાજ મુજબ બૃહદ ગીરમાં ૫૨૩ જેટલા સિંહો અને જુદા જુદા જિલ્લામાં અંદાજે ૧૩૯૫ દિપડા તથા ૩૪૩ રીંછ નોંધાયેલા છે.

તેઓએ કહ્યું કે લોક જાગૃતિ મારફતે વન્યપ્રાણીઓને સંરક્ષણ પૂરું પાડવા લોક સહકાર મળી શકે તે હેતુથી રાજ્યમાં ત્રણ સફારી પાર્ક બનાવાશે. આ વર્ષના બજેટમાં તેના માટે ટોકન જોગવાઈ કરાઈ છે. સુરતના માંડવી તાલુકાનાં ખોડંબા ખાતે ૫૦ હેક્ટરમાં સફારી પાર્ક બનશે. જેમાં ૧૦ દિપડા રખાશે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ડોક પાતળ ખાતે ૩૨ હેક્ટરમાં બનનારા પાર્કમાં ૬ દિપડા મુકાશે. જ્યારે નર્મદાના તિલકવાડા તાલુકાનાં કાકડીયા ગામે ૬૪ હેક્ટરમાં થનારા સફારી પાર્કમાં ૮ વાઘ મુકાશે.

મંત્રીએ કહ્યું કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની મંજૂરીમાં પ્રથમ તબક્કે સૈધ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ બાંધકામ શરૃ કરી શકાય છે. તમામ બાંધકામ પૂર્ણ થયા બાદ આખરી મંજૂરી મેળવવી વન્યપ્રાણીઓને પ્રદર્શન માટે સફારી પાર્કમાં રાખી શકાય છે.

આંબરડી સફારી પાર્કમાં વધુ એક સિંહ અને ચાર સિંહણ રાખવા મંજૂરી

અમરેલી જિલ્લામાં ધારીથી ૬ કીલોમીટર દૂર આંબરડી સફારી પાર્ક છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ ૫-૬-૧૭ના રોજ આંબરડી સફારી પાર્કને આખરી મંજૂરી આપી હતી. આ પાર્કનો કુલ વિસ્તાર ૩૮૬ હેક્ટરનો છે. આ પાર્કમાં હાલમાં એક સિંહ તથા બે સિંહણ દર્શન માટે રાખેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ વધુ એક સિંહ તથા ચાર સિંહણ મળીને કુલ પાંચ વન્ય પ્રાણીને રાખવાની મંજૂરી આપી છે. પ્રવાસીઓ માટે અહીં ૨૦ સીટની ત્રણ બસો પણ મુકાઈ છે. ઓક્ટોબર- ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના અંત સુધીમાં કુલ ૪૪૯૪૬ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આજે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ મહાલક્ષ્મી-સરસ્વતીના પૂજનનો શુભ દિવસ

- આજે ભગવાન પરશુરામ જયંતી પણ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે
- અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરમાં રથપૂજન કરાશે : આ વખતે અખાત્રીજે લગ્નનાં કોઇ મુહૂર્ત નથી
Image result for akhatrij of 2018
વર્ષમાં કેટલાક જ દિવસ એવા આવે છે જેમાં શુભ કાર્ય કરવાનો સમય જોવા માટે ચોઘડિયા જોવાની જરૃર રહેતી નથી. આવા વણજોયા મુહૂર્તના દિવસમાં અખા ત્રીજનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે અખા ત્રીજે ખૂબ જ લગ્નપ્રસંગ પણ યોજવામાં આવતા હોય છે. અખાત્રીજ એ  મહાલક્ષ્મી-સરસ્વતીના પૂજનનો શુભ દિવસ છે.

શાસ્ત્રવિદોની દ્રષ્ટિએ અખા ત્રીજનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે અક્ષત્ કહેતા ચોખાથી ભગવાનનું પૂજન કરનામાં આવે છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે પણ અખા ત્રીજની તિથિ હતી. આ ઉપરાંત આ દિવસે જ ભગવાન પરશુરામનું પ્રાગટય થયું હતું.

વૈષ્ણવ ધર્મમાં વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન પણ અખા ત્રીજના દિવસે જ થાય છે. જગન્નાથ પુરી અને અમદાવાદમાં જે પ્રસિદ્ધ રથયાત્રા યોજાય  છે રથના નિર્માણ કાર્યનો પણ આ જ દિવસે પ્રારંભ થતો હોય છે. અમદાવાદમાં આ રથપૂજન મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં ઉજવાશે. આ વખતે અધિક જેઠ મહિનો આવતો હોવાથી રથયાત્રાની તૈયારી માટે એક મહિનો વધુ મળી ગયો છે.

સાધુ પ્રેમવત્સલદાસે જણાવ્યું હતું કે, 'સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩મા વચનામૃતમાં કહ્યું છે કે ઋતુ અનુસાર ભગવાનની ચાકરી કરવી જોઇએ. વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેના માટે ચંદનના વાઘાના શણગારથી સજાવવામાં આવે છે.

આજે જૈનો  વર્ષીતપના પારણાં કરશે

અખા ત્રીજના દિવસે જૈનો દ્વારા વર્ષી તપના પારણા કરવામાં આવતા હોય છે. આદિનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કર્યા પછી ૧૩ માસ ૧૦ દિવસ સુધી અખંડ તપની આરાધના કરી હતી અને તેમની સ્મૃતિમાં આજ પર્યંત વર્ષી તપની આરાધના કરવામાં આવે છે. આ તપ સૌથી જૂનું અને મોટામાં મોટું તપ છે. જૈન આરાધકો અત્યંત શ્રદ્ધાથી આ તપની આરાધના કરે છે અને શેરડીના રસથી પારણું કરે છે. જે પણ જૈન દેરાસરોમાં આદિનાથ પ્રભુની સ્થાપના થઇ હશે ત્યાં આજે શેરડીના રસનો પ્રક્ષાલ કરાશે. ઋષભદેવ ભગવાનના પારણાનો દિવસ અક્ષય તૃતિયાનો જ હતો. સમગ્ર દેશમાંથી ૫ હજારથી ૧૦ હજાર ભાવિકો આવો તપ પૂર્ણ કરશે.