મીઠા સત્યાગ્રહ
કૂચ સાબરમતીથી નડિયાદના લસુંદ્રાને બદલે દાંડી સુધી લંબાવાઇ હતી
- ઐતિહાસિક દાંડીકૂચને 89 વર્ષ
- પહેલા લસુંદ્રામાં મીઠુ પકવવાનું
આયોજન હતુઃ કૂચ લંબાવવામાં સુરતના ક્લ્યાણજીભાઇ મહેતા અને મહાદેવભાઇ દેસાઇની મહત્વની
ભૂમિકા હતી
અમદાવાદ
સાબરમતી આશ્રમથી સુરત નજીક નવસારીના દાંડી સુધી ઐતિહાસિક દાંડીકૂચને ૮૯ વર્ષ થયા
છે. સત્યાગ્રહમાં લોકજાગૃતિ લાવી રાષ્ટ્રવાદની ભાવના કેળવવા મીઠા સત્યાગ્રહ થયો
હતો. મીઠા સત્યાગ્રહનો કાર્યક્રમ પહેલા નડીયાદ પાસેના લસુંદ્રા નજીક દરિયાના
પાણીને ઉકાળીને ત્યાં જ મીઠાના કાયદાનો ભંગ કરવાનો હતો. પણ કલ્યાણજીભાઇ મહેતા અને
મહાદેવભાઇ દેસાઇની મહત્વની ભૂમિકાથી આ કૂચ દાંડી સુધી લંબાવાઇ હતી. ઇતિહાસ વિષયના
પ્રાધ્યાપક અને સંશોધક ડો.પીયૂષ એસ.અંજીરીયાએ સવિનય કાનૂન ભંગ અંગેની કેટલીક અજાણી
વાતો પણ શોધી છે.
પંડિત જવાહલાલ નહેરુના પ્રમુખપદે ૩૧
ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ લાહોરમાં રાવિના કિનારે કોંગ્રેસનું અધિવેશન
મળ્યું હતું. જેમાં સંપુર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિના ધ્યેયની જાહેરાત કરતો ઠરાવ પસાર
કરાયો હતો. આ અધિવેશનને ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસને સ્વાધીનતા દિન તરીકે
જાહેર કર્યો હતો. અને સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે 'સવિનય કાનૂન ભંગ'ની લડત શરૂ
કરવાની સત્તા આપતો ઠરાવ પણ કરાયો હતો. ૪ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ ગાંધીજીએ
વાઇસરોયને જાણ કરતો એક ઐતિહાસિક પત્ર રેજિનાલ્ડ રેનોલ્ડ્ઝ મારફતે લખી મોકલ્યો હતો.
જેમાં ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરશે અને મીઠા કાયદાનો ભંગ કરવાના પોતાના
ઇરાદાની જાણ કરી હતી.
મીઠા સત્યાગ્રહનો કાર્યક્રમ પહેલા
અમદાવાદના સાબરમતી આશ્રમથી લઇને નડિયાદ પાસેના લસુંદ્રા પાસે દરિયાના પાણીને
ઉકાળીને ત્યાં જ મીઠાના કાયદાનો ભંગ કરવાનો હતો. પણ કલ્યાણજીભાઇ મહેતા અને
મહાદેવભાઇ દેસાઇની મહત્વની ભૂમિકાથી આ કૂચ છેક નવસાીર સુધી લંબાવવામાં આવી હતી.
સુરતના કલ્યાણજીભાઇ મહેતાએ દાંડીકૂચની મહત્તાની જાણ મહાદેવભાઇ દેસાઇને કરતા તેઓ
સાથે સરદાર વલ્લભભાઇ પટેલ સાથે મળીને ગાંધીજીને આ કૂચ લંબાવવા જણાવ્યું હતું.
અમદાવાદથી નવસારી નજીક દાંડી વચ્ચેનું
અંતર આશરે ૩૦૦ કિલોમીટર જેટલું છે. અમદાવાદના સાબરમતી આશ્રમથી અસલાલી, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, ભરુચ, સુરત, નવસારી વગેરે
ગામોને આવરી લેવાયા હતા.
દાંડીકૂચમાં
ગાંધીજી સાથે અન્ય ૮૦ સ્વાતંત્ર્યસેનાઓ જોડાયેલા:અન્ય લોકોને ગામકક્ષાએ કામ કરવા
જણાવાયું હતું
બુધવાર ૧૨ માર્ચ, ૧૯૩૦ની વહેલી
સવારે ગાંધીજીએ તેમના ૭૮ સાથી સાથે સાબરમતી આશ્રમથી બુધવારે સવારે ૬ઃ૩૨ કલાકે
સ્વાતંત્ર્ય ધર્મયુધ્ધ અંગની વ્રજયાત્રા શરૂ કરી. ગાંધીજીની ટુકડીમાં ૭૮ બહાદુર
લડવૈયાઓ જોડાયા હતા. સાબરમતી આશ્રમથી શરૂ થયેલીકૂચ તા.૧૪મી માર્ચે માતર આવી પહોંચી
હતી.ત્યારે અહીથી કાકાસાહેબ કાલેલકરનો પુત્ર સતીષ અને ડી.એ.વી. કૉેલજ, દહેરાદુનના
વિદ્યાર્થી ખડગ બહાદુરસિંહ કૂચમાં સામેલ થતા કૂચ કરનારાઓ સંખ્યા ગાંધીજી સહિત ૮૧
થઇ હતી. મીઠાનો વેરો પ્રજાના તમામ વર્ગોને શ્રીમંત-ગરીબ એકસરખો સ્પર્શતો હોવાથી
ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કૂચમાં ગાંધીજીએ નિયત કરેલા
લોકો સિવાય અન્યોને ગામોમાં જ કાર્યક્રમ કરવા માટે જણાવાયું હતું.