ગુરુવાર, 18 એપ્રિલ, 2019


પુરુષોના 65 કિલોગ્રામ વેઈટ રેન્જમાં પ્રથમ નંબરે આવ્યા ભારતીય પહેલવાન બજરંગ પુનિયા

 
સ્ટાઈલ કુશ્તીમાં ફરીથી વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ પુરુષોની 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં ફરી વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બજરંગ પુનિયાએ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની બુધવારે જાહેર કરેલી તાજી યાદીમાં ફરી એક વાર 65 કિલોગ્રામ વેઈટ રેન્જમાં દુનિયા પ્રથમ નંબરના પહેલવાન બની ગયા છે. 25 વર્ષીય હરિયાણવી પહેલવાન પુનિયાએ ગયા વર્ષે એશિયાઈ અને રાષ્ટ્રમંડળ રમતોમાં ગોલ્ડ મેડલ જીતવા સિવાય વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે. જેનાથી તેમને 58 અંક મળ્યા છે.
 


જાણો ક્યારે થઈ વિશ્વ ધરોહર દિવસની શરૂઆત અને શું છે તેનું મહત્વ
 
વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવા માટે યૂનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાણકારી મળી શકે. આ દિવસની ઉજવણી સાથે લોકો સુધી સંદેશ પણ પહોંચે છે કે આપણી ઐતિહાસિક ધરોહરોની  સંભાળ રાખવાની પણ જરૂર છે. 
આ ઐતિહાસિક સ્થળોનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ હોય છે. આ યાદીમાં એવા સ્થળનો સમાવેશ કરવામાં આવે છે જેને યૂનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત હોય. કોઈ સ્થાન વિશે યૂનેસ્કો માને છે કે માનવ સંસ્કૃતિ માટે તે જરૂરી છે અને તે સ્થાનનું સાંસ્કૃતિક અને ભૌતિક મહત્વ છે તો તેને વિશ્વ ધરોહર તરીકે માન્યતા મળે છે. 
18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની શરૂઆત 1982થી થઈ. આ પ્રસ્તાવને નવેમ્બર 1983માં યૂનેસ્કોએ માન્યતા આપી અને ત્યારબાદ દર વર્ષે 18 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે. યૂનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવા કે વન ક્ષેત્ર, પર્વત, તળાવ, સ્મારક, ભવન કે શહેરનો સમાવેશ થાય છે. વર્ષ 2013 સુધીમાં દુનિયાના લગભગ 981 સ્થળોને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં ઈટલીના 49, ચીનના 45, સ્પેનના 44, ફ્રાંસ અને જર્મનીની 38 ધરોહરનો સમાવેશ થાય છે.