ગુરુવાર, 21 ડિસેમ્બર, 2017

વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને સિલ્વર


- રશિયા ચેમ્પિયન : ઈરાન ત્રીજા ક્રમે

ઈન્ડિયા ગ્રીન ટીમે અમદાવાદમાં યોજાયેલા વર્લ્ડ યુથ અંડર-૧૬ ચેસ ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રશિયાને ગોલ્ડ અને ઈરાનને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. કર્ણાવતી કલબમાં રમાયેલી ૨૫ દેશોની વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડ ચેમ્પિયનશીપમાં ભારતે ત્રણ ટીમોને સ્પર્ધામાં ઉતારી હતી, જેમાંથી ઈન્ડિયા-ગ્રીન બીજા ક્રમે રહી હતી, જ્યારે ઈન્ડિયા રેડને પાંચમું સ્થાન મળ્યું હતુ અને ઈન્ડિયા બ્લુ ૧૩માં ક્રમે રહી હતી.

નવમા અને આખરી રાઉન્ડમાં ઈન્ડિયા ગ્રીને ૩.૫-૧.૫થી કઝાખ્સ્તાનને પરાજય આપ્યો હતો. ઈન્ડિયા ગ્રીન તરફથી આર.પ્રગ્ગનાનાન્ધાએ કાઝીબૅક નોગેરબેક સામેની બાજી ડ્રો કરી હતી. જો કે ભારતના નિતિન સરિન, પી. ઈનિયન અને આર. વૈશાલીએ જીતની હેટ્રિક સર્જતાં ઈન્ડિયા ગ્રીને વિજય મેળવતા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઈરાને આખરી મુકાબલામાં ૪-૦થી બેલારુસને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જ્યારે આઠમાં રાઉન્ડના અંતે જ ટાઈટલ નિશ્ચિત કરી ચૂકેલા રશિયાને ઈન્ડિયા રેડે આખરી રાઉન્ડમાં ૨.૫-૧.૫થી અણધાર્યો પરાજય આપ્યો હતો.

એવોર્ડ સમારંભમાં ચેસની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિડેના વાઈસ પ્રેસિડેન્ટ ડીવી સુધીર, ઓલ ઈન્ડિયા ફેડરેશનના સેક્રેટરી ભરત સિંહ ચૌહાણ, ગુજરાજ સ્ટેટ ચેસ એસોસિએશનના અજય પટેલ અને સેક્રેટરી ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


રાજસ્થાનમાં ગીતા અંગેની સ્પર્ધામાં ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓ પ્રથમ



- ગીતા અંગેના નિબંધ લેખનમાં નદીમ ખાન પ્રથમ જ્યારે શ્લોક પઠનમાં ઝહિન અને ઝોરાબીયા નકવી ઝળક્યા.

 રાજસ્થાનમાં, હિન્દુ ધર્મના પાયાના પુસ્તક ભગવદ્ ગીતાના ધર્મોપદેશ અંગેની સ્પર્ધામાં ચાર મુસ્લિમ યુવાનો પ્રથમ આવ્યા છે. અત્રેના 'અક્ષય પાત્ર' ફાઉન્ડેશને યોજેલા ગીતા મહોત્સવ (ગીતા ફેસ્ટ) દરમિયાન આ કિશોરો પ્રથમ આવ્યા છે.

ગીતા અંગેના નિબંધ લેખનની સ્પર્ધામાં ૧૦માં ધોરણનો વિદ્યાર્થી નદીમ ખાન પ્રથમ આવીને ઇનામ જીત્યો છે. તો ગીતાના શ્લોકોના પઠનમાં નીચલા ધોરણના વિદ્યાર્થીઓ મઝીદ ખાન, જહીન નકવી અને ઝોરાબીયા નકવીને સ્પર્ધામાં વિવિધ સ્થાન અને ઇનામો મળ્યા છે. તેમ ફાઉન્ડેશને માહિતી આપી હતી.
નદીમ ખાનના પિતા અશ્ફાક ખાને કહ્યું હતું કે, 'મારા પુત્રને સંસ્કૃતમાં ઉંડો રસ છે. તે હંમેશા તે વિષયને વાંચે છે. મારા ભણવા જતા સંતાનોમાં તે સૌથી નાનો અને તેજસ્વી છે. તેને શિક્ષણમાં ખુબજ રસ છે અને વૈજ્ઞાનિક બનવા માંગે છે. ૧૬ વર્ષીય નદીમ ખાન, સરકારી શાળાનો વિદ્યાર્થી છે. જે કનોટા નજીકના સ્લમ વિસ્તારમાં રહે છે.


જ્યારે ઝહીન નકવી અને તેની પિતરાઇ બહેન ઝોરાબિયા નકવી અનુક્રમે બીજા અને ચોથા ધોરણના વિદ્યાર્થીઓ છે. તેમણે ગીતાના શ્લોકો સંસ્કૃતમાં બોલવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 'જુનિયર ગૃપ'માં ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. જ્યારે મજીદ ખાન ધો. ૮નો વિદ્યાર્થી છે. જેણે આ સ્પર્ધાના ગીતા ઉપદેશની સ્પર્ધામાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધા ગત મહિને યોજાઇ હતી. જેમાં કુલ ૮૦,૦૦૦ સિનિયર-જુનિયર વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારે યોજાતી સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં આ મુસ્લિમ યુવાનોએ પોતાની યોગ્યતા સિદ્ધ કરી હતી.


ચીન સરહદે ફરજ બજાવતા જવાનને પણ 'ઉદાર પેન્શન યોજના'નો લાભ

- પાકિસ્તાન સરહદે ફરજ બજાવતા સૈનિકની જેમ

- અકસ્માત મૃત્યુ કે શહાદતના સંજોગોમાં ૧૦૦ ટકા પેન્શન ફાળવવાની જોગવાઇ

હવે ભારત-ચીન વચ્ચેની ૪૦૦૦ કિ.મી. લાંબી સરહદની સુરક્ષા કરનારા જવાનો, સૈનિકોને પણ સરકારની ઉદાર પેન્શન યોજનાનો (લિબરલ ફેમિલી પેન્શન) લાભ મળી શકશે.

અત્યાર પર્યંત આ પેન્શન યોજનાનો લાભ, પાકિસ્તાન સાથેની સરહદે ફરજ બજાવતા સૈનિકોને જ મળતો હતો. કેમકે તે સતત સંવેદનશીલ અને કાશ્મીર સરહદે ઘુસણખોરી તો પંજાબ સરહદ કેફી દ્રવ્યોની દાણચોરી માટે કુખ્યાત છે. તેથી પાકિસ્તાન સરહદે લાઇન ઓફ કંટ્રોલ (L.O.C) અને ઇન્ટરનેશનલ બોર્ડર (I.B) પર ફરજ બજાવતા જવાનોને જ તે લાભ અપાતો હતો.


સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામને એ બાબતે મંજૂરી આપી છે કે ભારત-ચીન સરહદે 'લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ' (L.O.C) પર ફરજ બજાવતા જવાનોને પણ તે ઉદાર યોજનાનો લાભ અપાશે. આ યોજનામાં છેલ્લા પગારની રકમ અનુસાર ૧૦૦ ટકા પેન્શન આપવાની જોગવાઇ છે જે સામાન્ય પેન્શન યોજના હેઠળ ૩૦ ટકા જ આપવાની જોગવાઇ છે. આ યોજના હેઠળ સામાન્યત: સૈનિકના આકસ્મિક મૃત્યુ કે શહાદતને લક્ષમાં લેવામાં આવે છે.


વડોદરામાં સ્થાપનારી દેશની પહેલી રેલવે યુનિ.ને કેબિનેટની લીલી ઝંડી

-૩૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશેઃરેલવેના આધુનિકરણને ધ્યાનમાં રાખીને શિક્ષણ અપાશે

વડોદરામાં સ્થાપાનારી દેશની પહેલી નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટીને કેન્દ્ર સરકારની કેબિનેટે મંજુરી આપી દીધી છે.

આ યુનિવર્સિટીની સ્થાપના યુજીસીના ધારાધોરણ પ્રમાણે ડિમ્ડ યુનિવર્સિટી તરીકે થશે.સરકારે એપ્રિલ ૨૦૧૮ સુધીમાં તમામ પ્રકારની માન્યતાઓ યુનિવર્સિટીને મળી જાય તે માટે કવાયત શરુ કરી છે.જુલાઈ ૨૦૧૮થી યુનિવર્સિટીનુ શૈક્ષણિક કાર્ય શરૃ થશે.

રેલવે મંત્રાલય દ્વારા યુનિવર્સિટીને નાણાકીય અને માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે.યુનિવર્સિટીના ચાન્સેલર અને  વાઈસ ચાન્સેલરની પણ નિમણૂંક કરવામાં આવશે.યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો અને વ્યવસાયીઓની નિમણૂંક થશે અને રેલવે મંત્રાલયથી સ્વતંત્ર રહીને કામ કરવાની તેને સત્તા અપાશે.

રેલવે યુનિવર્સિટી માટે વડોદરા સ્થિત રેલવે એકેડમીની સુવિધા અને જગ્યાનો ઉપયોગ થશે.જેમાં જરૃરીયાત પ્રમાણે ફેરફારો પણ કરવામાં આવશે.યુનિવર્સિટીમાં ૩૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.રેલવે મંત્રાલય નવી યુનિવર્સિટીને ફંડ આપશે.


ભારતીય રેલવ દ્વારા આગામી વર્ષોમાં હાઈ સ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેન,ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર જેવા પ્રોજેક્ટસ અમલમાં મુકાવા જઈ રહ્યા છે ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રેલવે યુનિવર્સિટીમાં શિક્ષણ આપવામાં ાવશે.