બુધવાર, 7 ઑગસ્ટ, 2019

મોદી-શાહે ઇતિહાસ સર્જ્યો : બંધારણના બજારમાં 370 નંબરની દુકાનને ખંભાતી તાળું

 

- કલમ 370ને તલાક: J&Kને દેશનું સૌથી વિકસીત રાજ્ય બનાવાશે: અમિત શાહ

-370ની નાબુદી સાથે જ કાશ્મીરના વિકાસના દ્વાર ખુલ્યા : દેશના બાળકને ફરજિયાત શિક્ષણનો અધિકાર મળ્યો
-કાશ્મીરનું બાળક 370ને કારણે આ અધિકારથી વંચીત રહ્યું : કલમ 370 કાયમી નહીં પણ કામચલાઉ જ હતી
-આ કલમોને કારણે જ કાશ્મીરમાં વકરેલા આતંકવાદે અત્યાર સુધીમાં 41,400 નાગરીકોનો ભોગ લીધો 
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 370ને નાબુદ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પણ નાબુદ થઇ ગયો છે. પરીણામે જ્યારે રાજ્યસભામાં આ આર્ટિકલને નાબુદ કરતો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જેના પર થયેલી ચર્ચાઓનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો.
શાહે આર્ટિકલ 370 અને 3૫એને નાબુદ કરવાના નિર્ણયથી દેશને અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરને શું ફાયદો થશે તે અંગે પોતાનો અભિપ્રાય રજુ કર્યો હતો. અમિત શાહે રાજ્યસભામાં વિપક્ષને જવાબ આપતા કહ્યું હતું કે આર્ટિકલ 370ને કારણે જ કાશ્મીરમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી વગેરે વકર્યા છે. અને જો આ દુષણોને નાબુદ કરવા હોય તો તેના માટે આર્ટિકલ 370ને નાબુદ કરવી અતી જરૂરી છે. 
શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દરેક બાળકને શિક્ષણ મળી રહે માટે શિક્ષણના અધિકારનો કાયદો લાવી પણ આર્ટિકલ 370ને કારણે કાશ્મીરમાં આ કાયદો લાગુ ન થઇ શક્યો પરીણામે આ રાજ્યનું બાળક શિક્ષણના અધિકારોથી વંચીત રહ્યું કેમ કે આર્ટિકલ 370 વચ્ચે આવી રહી હતી.
કાશ્મીરમાં પર્યટન, ઉધ્યોગોનો વિકાસ ન થઇ શક્યો કેમ કે બહારનું કોઇ પણ નાગરીક રાજ્યમાં જમીન ખરીદી નહોતુ શકતું. પણ હવે સરકાર જમ્મુ કાશ્મીરને દેશમાં સૌથી વિકસિત રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ છે. કાશ્મીર ધરતીનું સ્વર્ગ હતું, છે અને રહેશે અને હવે આર્ટિકલ 370ની નાબુદી સાથે જ ધરતીના સ્વર્ગ કાશ્મીરના વિકાસના દરવાજા પણ ખુલ્યા છે. હવે રાજ્યના વિકાસને કોઇ નહી રોકી શકે. 
અમિત શાહે રાજ્યસભામાં કેટલાક આંકડા રજુ કરતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદે 41,400 નાગરીકોનો ભોગ લીધો છે. જેના માટે કોની નીતીઓ જવાબદાર છે
આર્ટિકલ 370 પણ આતંકવાદ માટે જવાબદાર છે, જેને રદ કરતા જ હવે કાશ્મીર ખરા અર્થમાં ભારતનો અભિન્ન અંગ બની ગયું છે. 3૫એને કારણે જ જમ્મુ કાશ્મીરના કુશળ યુવાઓને આગળ આવવાની તક ન મળી. આર્ટિકલ 370 કાયમી નહીં પણ કામચલાઉ જ હતી, અને કામચલાઉ હોય તેને કાયમ માટે કેવી રીતે લાગુ કરી શકાય? તેનું રદ થવું કાશ્મીરના વિકાસ માટે અતી જરૂરી હતું. હવે રાજ્યનો વિકાસ કોઇ નહીં અટકાવી શકે. 
કલમ 370 હટાવવામાં જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં વડાપ્રધાન મોદીના એક વિશ્વાસપાત્ર અિધકારીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની યોજના એક વર્ષ પહેલા જ નક્કી કરી લેવામાં આવી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ જ જમ્મુ-કાશ્મીરમાં અિધકારીઓની નિમણૂકથી લઇને સેનાની પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી રહી હતી. આ યોજનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા બીવીઆર સુબ્રમણ્યમની રહેલી છે. 
છત્તીસગઢ કેડરના1987 બેન્ચના આઇએએસ અિધકારી સુબ્રમણ્યમ હાલમાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ છે. યુપીએથી લઇને એનડીએ સરકાર દરમિયાન આઠથી નવ વર્ષ તે વડાપ્રધાન કાર્યાલયમાં કાર્યરત હતાં. તેઓ વર્લ્ડ બેંકમાં પણ કાર્ય કરી ચૂક્યા છે. 
સુબ્રમણ્યમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ, વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સારા સંબધો છે. અજીત દોવલની સલાહ પર જ તેમને 2018માં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતાં. 
સુબ્રમણ્યમને જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બનાવ્યા પછી કન્દ્ર સરકારે રાજ્યમાં પોતાના વિશ્વાસપાત્ર અિધકારીઓની નિમણૂક કરી છે. સુબ્રમણ્યમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોતાના દાયરામાં જ રહીને કામ કરે છે. 
જમ્મુ કાશ્મીર વિધાન સભામાં સાત બઠકો વધીને 114 થશે

જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ તેનું  સિમાંકન થશે અને તે  અન્વયે રાજ્ય વિધાનમાં સાત બેઠકોનો વધારો થશે હાલ રાજ્ય વિધાન સભામાં  કુલ બેઠકો 107 છે  જે વધીને 114 થશે.
જમ્મુ અને કાશ્મીર વિધાન સભામાં પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરની 24 બેઠકો ખાલી રાખવામાં આવે છે,અત્યાર સુંધી લદ્દાખ વિસ્તારની બેઠકો  સાથે વિધાનસભામાં સભ્યોનું કુલ સંખ્યા બળ 87 જેટલું થાય છે. રાજ્યના  નવા સિમાંકન બાદ લદ્દાખ  અલગ વિધાન સભા વગરનો નવો કેન્દ્ર શાસિત  પ્રદેશ બનશે.જેમા કારગીલ અને લેહ જીલ્લાનો સમાવેસ કરવામાં આવશે.
70 વર્ષથી ન થયું તે અમિત શાહે 70 દિવસમાં કરી બતાવ્યું
70 વર્ષમાં દેશે 1૫ વડાપ્રધાનોનું શાસન જોયું. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના શાસનમાં 370એ કલમ લાગુ થઈ હતી. તે પછી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી ટર્મ સુધીમાં દેશે વડાપ્રધાન પાસે ગૃહ મંત્રાલયનો ચાર્જ હોય એને ગણતરીમાં લઈએ તો 31 ગૃહ મંત્રીઓ જોયા છે, પરંતુ કોઈએ 370 હટાવવાની હિંમત કરી ન હતી.
નહેરૂની પોલિસી અંતર્ગત લેવાયેલો નિર્ણય હોવાથી કોંગ્રેસની સરકારોમાં તો સ્વાભાવિક રીતે જ આ ન થાય, પરંતુ બિનકોંગ્રેસી વડાપ્રધાનોએ કે ગૃહ મંત્રીઓએ પણ 370 હટાવવાનું હિંમતભર્યું પગલું ન ભર્યું. કટોકટી પછી મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા. એ વખતે તેમણે પણ આ દિશામાં કોઈ નવો નિર્ણય ન લીધો.
ચૌધરી ચરણસિંહ, આઈ.કે. ગુજરાલ, દેવેગૌડા, વી.પી. સિંહ, ચંદ્રશેખર સુધીના બિનકોંગ્રેસી વડાપ્રધાનોના કાર્યકાળમાં આ મુદ્દો ઉછળ્યો હોવા છતાં કોઈ જ કામગીરી થઈ ન હતી. તે એટલે સુધી કે ભાજપના જ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનમાં કાશ્મીરની પોલિસી થોડી બદલાઈ હતી, પરંતુ 370 હટાવવાની પહેલ ન થઈ.
વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં પણ એ ન થયું. 2014માં ભાજપના મેનિફેસ્ટોમાં આ મુદ્દો સામેલ હોવા છતાં ભાજપ સરકાર પ્રથમટર્મમાં એ મુદ્દાને છેડવાથી દૂર રહી. એ કામ અમિત શાહે ગણતરીના દિવસોમાં કરી દેખાડયું. અમિત શાહ ગૃહ મંત્રી બન્યા એના 70 દિવસ માંડ થયા છે. જે કામ દેશમાં 70 વર્ષથી ન થયું એ પ્રથમ વખત દેશના ગૃહ પ્રધાન બનનારા, પ્રથમ વખત લોકસભાના સાંસદ બનનારા અમિત શાહે વટભેર કરીને નવો ચીલો પાડયો છે.
ભારતે કાશ્મીર અંગેના નિર્ણયની UNના પાંચ કાયમી સભ્યોને જાણ કરી
જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતા અને રાજયને બે ભાગમાં વહંચી દેવાના બંધારણની કલમ
370ને રદ કરવાના નિર્ણયની ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પાંચ કાયમી સભ્યોના પ્રતિનીધીઓને તેમજ અન્ય દેશોને  જાણ કરાઇ હતી. વિદેશી રાજદૂતોને ભારતે ક્હયું હતું કે આ અમારો આંતરિક નિર્ણય હતો.
કેન્દ્રનો ઇરાદો જમ્મુ અને કાશ્મીર રાજ્યને સુશાસન, સામાજીક ન્યાય અને આર્થિક ખુશહાલ બનાવવાનો છે. એવું જાણવા મળ્યું હતું કે વિદેશ સચિવ વિજય ગોખલેએ સંયુક્ત રાષ્ટ્રસંઘના કાયમી સભ્ય દેશો અમેરિકા,બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયાના પ્રતિનીધીઓને આ અંગેની માહિતી આપી હતી. તો અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બીજા દેશોના પ્રતિનીધીઓને આ નિર્ણયની જાણ કરાઇ હતી.

12મી શતાબ્દિ સુધી જ્મ્મુ - કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય રહ્યુ હતુ

 

-૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું

-૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન ઇસ્લામનું આગમન થયું હતુ.

જમ્મુ કાશ્મીર છેલ્લા ૪૦ વર્ષથી જેહાદી આતંકવાદની પીડા ભોગવી  છે પરંતુ પ્રાચીન સમયમાં તે હિંદુ રાષ્ટ્ર હતું. જયાં હિંદુ અને બૌધ્ધધર્મીઓ મોટી સંખ્યામાં રહેતા હતા. ઇસ પૂર્વે ૩ જી શતાબ્દિમાં સમ્રાટ અશોકે કાશ્મીરમાં બૌધ્ધ ધર્મ ફેલાવ્યો હતો. ત્યાર બાદ કનિષ્ક રાજાએ પણ બૌધ્ધધર્મના મૂળિયા મજબૂત બનાવ્યા હતા. છઠી સદીમાં કાશ્મીરમાં હુણોનું આગમન થયું હતું.
ઇસ ૫૩૦માં કાશ્મીર ઘાટી સ્વતંત્ર બની પરંતુ ત્યાર પછી તે ઉજજૈન સમ્રાજયનો ભાગ બન્યું હતું. વિક્રમાદિત્ય રાજવંશના પતન પછી કાશ્મીરમાં સ્થાનીક શાસકો રાજ કરવા લાગ્યા હતા. હિંદુ અને બૌધ્ધ સંસ્કૃતિનો સમન્વય શરુ થયો હતો. કાશ્મીરના હિંદુ રાજાઓમાં લલિતાદિત્ય (૬૯૭ થી ૭૩૮) સુધી પ્રસિધ્ધ થયા હતા.જેમનું સમ્રાજય પૂર્વમાં બંગાળસ દક્ષિણમાં કોંકણ,ઉત્તર પશ્ચીમમાં તુર્કિસ્તાન અને ઉત્તર પૂર્વમાં તિબેટ સુધી ફેલાયેલું હતું. લલિતાદિત્યએ અનેક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું. 
કાશ્મીરમાં ઇસ્લામનું આગમન ૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન થયું હતું. મુસ્લિમ શાસકોમાં જૈન ઉલ આબદીન (ઇસ ૧૪૨૦-૭૦)માં સૌથી પ્રસિધ્ધ થયો હતો. તાતરોના હુમલા પછી હિંદુ રાજા સિંહદેવ કાશ્મીર છોડી ગયા હતા. ત્યાર પછી ચક શાસકોએ હૈદરશાહની સેનાને ખદેડીને ઇસ ૧૫૨૬ સુધી રાજ કર્યુ હતું. ઇસ ૧૫૮૬માં અકબરે કાશ્મીર જીત્યુ અને ૧૭૫૨માં મોગલ શાસન નબળુ પડતા અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલીએ પડાવી લીધું. ૬૭ વર્ષ સુધી અફઘાનોના પઠાણોનું કાશ્મીરમાં રાજ રહયું હતું. કાશ્મીરના જમ્મુ સ્થળનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે.
અખુનર ક્ષેત્રમાંથી હડપ્પા કાલીન અવશેષો તથા મૌર્ય કુશાણ અને ગુપ્તકાળની કલાકૃતિઓ મળે છે. જમ્મુ ૨૨ જેટલા નાના મોટા રજવાડાઓમાં વહેચાયેલું હતું. ઇસ ૧૭૩૩ થી ૧૭૮૨ સુધી રાજા રંજીતદેવે જમ્મુ પર શાસન કર્યુ હતું પરંતુ તેમના ઉતરાધિકારીઓ નબળા પાકયા હતા. આથી મહારાજા રણજીતસિંહે જમ્મુને પંજાબ સાથે ભેળવી દીધું હતું. ત્યાર પછી ઇસ ૧૮૪૬માં ડોગરા શાહી ખાનદાનના વંશજ રાજા ગુલાબસિંહને જ્મ્મુ સોંપી દીધું હતું. ગુલાબસિંહના શાસનમાં સમગ્ર જમ્મુ કાશ્મીર આવી ગયું હતું. ૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું. ૨૬ ઓકટોબર ૧૯૪૭ના રોજ ભારતીય સંઘમાં એક સમજૂતી હેઠળ તેનો વિલય થયો હતો.

પેલેસ્ટિનીયન શરણાર્થીઓ માટે ભારતે આપ્યા 50 લાખ ડૉલર્સ

 


- અન્ય દેશોને પણ સહાય કરવાની ભારતે અપીલ કરી

- 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનનો પ્રવાસ કર્યો હતો

પેલેસ્ટિનીયન શરણાર્થીઓ માટે ભારતે પચાસ લાખ ડૉલર્સની સહાય કરી હતી અને દુનિયાભરના દેશોને પણ આ શરણાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી.
2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનની મુલાકાત લીધી હતી. તેમણે હજ્જારો શરણાર્થીઓને સહાય માટે સબડતા જોયા હતા. એ સમયે તેમણે પેલેસ્ટિનીયન  શરણાર્થીઓને મદદ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. 
યુનોની યુએનરિલિફ એન્ડ વર્ક એજન્સીના વડા મથકે પેલેસ્ટાઇન ખાતેના ભારતીય પ્રતિનિધિ સુનીલ કુમારે ભારત તરફથી 50 લાખ ડૉલર્સ અર્પણ કર્યા હતા. ભારતે બીજા દેશોને પણ આ શરણાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી.