ગુરુવાર, 8 માર્ચ, 2018


આ છે, સુરતની ગુલાબી ગેંગ, સ્વાભિમાન સાથે રીક્ષા દોડાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહી છે


- સુરતમાં 34 જેટલી ગુલાબી રીક્ષાઓ દોડે છે: મહિલાઓ મહિને મહેનતનાં રૃ.10થી 30 હજાર કમાય છે
'રામ ગોપાલ વર્મા કી આગ' આમ તો આ ફિલ્મમાં ખાસ યાદ કરવા જેવુ કશું નથી પરંતુ ફિલ્મમાં જે લીડ એક્ટ્રેસ છે એ રીક્ષા ચલાવવાનું કામ કરે છે. અને એ ઘૂંઘરૃનાં મુખેથી એક ડાયલોગ બોલાઇ છે, '' લડકી ઓટો નહી ચલા સકતી ઐસા ભગવત ગીતા મેં લીખા હૈ ક્યા?'' આ ડાયલોગ બોલતી વેળા પણ તેની એક્ટીંગ તો ઓવર જ હતી પણ ડાયલોગ મજાનો હતો.
એ ફિલ્મી ડાયલોગ હકીકતની દુનિયામાં ચરિતાર્થ થયો છે. દરેક ક્ષેત્રને ખૂંદી વળેલી નારી હવે રીક્ષા ચલાવવામાં પણ આગળ આવી રહી છે. સુરતમાં હાલ ૩૪ જેટલી પીંક ઓટો રીક્ષા સુરતના રોડ પર દોડી રહી છે જાણે સ્વાભિમાની 'ગુલાબી ગેંગ'

૨જી જુલાઇ ૨૦૧૭નો દિવસ સુરતની મહિલાઓ માટે સોનેરી સૂરજ બનીને ઉગ્યો એવુ કહેવા કરતા એ રવિવાર ગુલાબી રવિવાર બનીને આવ્યો હતો. શહેરમાં પ્રથમ વખત મહિલાઓ માટે પિંક રીક્ષા પ્રોજેકટનું લોકાર્પણ થયુ હતું. રીક્ષા પણ પિંક અને રીક્ષા ચલાવનાર મહિલાનો ડ્રેસ પણ પિંક. જાણે સુરતમાં મહિલાઓની ગુલાબી ક્રાંતિની શરુઆત થઇ.
મહાનગર પાલિકાનાં યુસીડી વિભાગનાં પ્રોજેક્ટ ઓફિસર આર.સી.પટેલે જણાવ્યુ કે સુરતમાં પિંક ઓટો પ્રોજેકટને સારો પ્રતિસાદ મળ્યો છે. ૯૦ જેટલી મહિલાઓ ટ્રેનિંગ લઇ રહી છે. તેમાંથી ૩૪ મહિલાઓ ઓલરેડી રીક્ષા ચલાવે છે. સુરતનાં રોડ પર હાલ ૩૪ રીક્ષાઓ દોડી રહી છે.

બાકીની અંડર પ્રોસેસ છે. રીક્ષા લેનાર મહિલાને ગવર્મેન્ટની વાજપેયી બેંકેબલ યોજનામાંથી ૩૦ ટકા સબસીડીનો લાભ મળે છે અથવા મનપાની દીનદયાળ અંત્યોદય યોજનામાં માત્ર સાત ટકા વાર્ષિક વ્યાજ લાગે છે. ચારથી પાંચ વર્ષનાં સરળ હપ્તાથી મહિલાઓને રીક્ષા આપવામાં આવે છે.
શહેરની કોઇપણ આઠ ધોરણ પાસ મહિલાઓ આ પ્રોજેક્ટનો લાભ ઉઠાવી શકે છે. ૩૪ રીક્ષાઓમાંથી સૌથી વધુ ઉધના, લિંબાયત વિસ્તારમાં છે એ પછી કતારગામ, વરાછા, રાંદેર, અડાજણ વગેરે વિસ્તારમાં પણ રીક્ષાઓ દોડે છે. મહિલાઓ સ્વાભિમાન સાથે મહિને ૧૦થી ૩૦ હજાર રુપિયાની કમાણી કરી લે છે. સુરતમાં સાત જગ્યાએ આ પ્રોજેક્ટના સેન્ટર ચાલે છે. માહિતી માટે ૦૨૬૧-૨૬૩૬૩૯૬ પર સંપર્ક કરી શકાશે.

રીક્ષાભાડાની કમાણીથી કાર ખરીદી
પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા રીનાબેન પટેલે કહ્યું કે શરૃઆતનો મહિનો ખુબ કપરો લાગ્યો. પણ લડી લેવાનુ નક્કી કરીને ઝંપલાવ્યુ હતુ બાદમાં કામમાં મજા આવવા લાગી. હવે ત્રણ સંતાનોના ભવિષ્યની ચિંતા નથી. તેને સારૃ શિક્ષણ આપી શકાય છે. સમાજમાં પણ સન્માન વધી ગયુ એટલુ જ નહી લોકો ઘણીવાર સાથે સેલ્ફી લે છે ત્યારે સેલિબ્રિટી જેવુ પણ ફિલ થાય છે. રીનાબેન મુખ્યત્વે સ્કૂલની વર્દીમાં રીક્ષા ચલાવે છે.

તેમની પાસે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ છે. મહિલા ચાલક હોવાથી માતા-પિતા નિશ્વિત બની જાય છે. સ્કૂલ સિવાયના ટાઇમમાં સ્પેશ્યલ ભાડા પણ કરે છે. જેના કારણે તેમણે રીક્ષાભાડાની કમાણીથી ઇકો કાર પણ હપ્તેથી ખરીદી લીધી છે. પિંક રીક્ષાએ તેની લાઇફને ગ્રીન બનાવી દીધી છે તેવુ તેમણે જણાવ્યુ હતું.

પુરૃષોની પજવણી હવે નહિવત થઇ ગઇ
ઉધનામાં રહેતા પૂનમબેન પટેલે કહ્યું કે અગાઉ જોબ કરતી પણ ટાઇમના બંધનનાં કારણે પરિવારને સમય ફાળવી શકાતો ન હતો અને ઇન્કમ પણ લિમિટેડ હતી. રીક્ષાના કારણે સ્વતંત્રતા મળી અને સંતોષ પણ. જ્યારે રીક્ષા ચલાવવાની શરૃ કરી એ સમયે પુરૃષ રીક્ષાચાલકો ઓવરટેક કરીને કે કટ મારીને પજવતા તો કોઇ બાઇક ચાલકો પણ સ્પીડથી બાજુમાંથી પસાર થઇ જતા આ બધુ થતુ ત્યારે રીક્ષા છોડી દેવાની ઇચ્છા થતી પરંતુ કાઉન્સેલિંગ દરમિયાન આપેલી સમજણથી કામ ચાલુ રાખ્યુ અને હવે આજે એ પજવણી નહિવત છે. લોકોને પણ ખ્યાલ આવી ગયો છે આ મહિલાઓ મહેનત કરીને બેઠા થવાનો પ્રયાસ કરે છે એમને પજવવા ન જોઇએ પણ પ્રોત્સાહન આપવુ જોઇએ.



આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો આરંભ 8 માર્ચ, 1910ના રોજ થયો

- 1909માં અમેરિકાની મહિલા કામદારોએ મહાહડતાળ પાડી હતી

- અમેરિકામાં સ્ત્રી કામદારોનું શોષણ અને 15 કલાક કામ કરવું પડતું હતું

19મી સદીમાં રશિયા, પોલેન્ડ, ઇટાલી જેવા દેશોમાંથી હજારો નાગરિકો અમેરિકામાં સ્થળાંતર કરી ગયા હતા. આ પૈકી સ્ત્રી-કામદારો અમેરિકાના કાપડ-સુતર ઉદ્યોગમાં કામ કરતી. એમણે અત્યંત ઓછા વેતન સાથે દિવસના 15 કલાક કામ કરવું પડતું. કારખાનાના માલિકો સોય, દોરા, વીજળી-એ બધાનો ખર્ચ પણ સ્ત્રી-કામદારોના વેતનમાંથી કાપી લેતા...!

કાપડ ઉદ્યોગની આ કામદાર મહિલાઓએ એમના કામની પાળી 10 કલાકની થાય એ હેતુસહ તા.8 માર્ચ, 1857ના દિવસે મોરચો કાઢ્યો અને ફેકટરીના દરવાજે પિકેટિંગ કર્યુ. પોલીસે લાઠી-ગોળીના દમનથી આ વિરોધને દબાવી દીધો.

આ લડતની 51મી વર્ષગાંઠે તા.8 માર્ચ, 1908ના રોજ ફરી એકવાર, 15,000 કામદારોએ કામના કલાકો 10 કલાક પૂરતા મર્યાદિત કરવા ઉપરાંત બાળમજૂરી નાબૂદ કરવા, વેતનદર વધારવા અને મતાધિકારની માગણી સાથે ન્યુયોર્કના રસ્તાઓ ગજવ્યા. પોલીસે આ  વખતે પણ દમનનો દોર છુટો મૂકી દીધો.

બીજા જ વર્ષે, ઇ.સ.1909માં કાપડ-સુતરના ઉદ્યોગોની તમામ ફેકટરીઓમાં મહાહડતાળ પાડવામાં આવી. 20 થી 30 હજાર સ્ત્રી-કામદારોએ બરફ વરસાવતા શિયાળાની ઠંડીમાં 13-13 સપ્તાહો સુધી હડતાળ ચલાવી. મહિલા કામદારોએ આ તમામ સમયગાળા દરમિયાન ફેકટરીઓ ખાતે પિકેટિંગ કર્યુ.

એના બીજા વર્ષે એટલે કે ઇ.સ.1910માં સમાજવાદી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના 17 દેશોના 100 સ્ત્રી-કામદારોના પ્રતિનિધિઓ એકઠા મળ્યા હતા. જર્મન મહિલા આગેવાન કલેરા ઝેટકિને અમેરિકી ઔદ્યોગિક મહિલા - કામદારોની ઉપરોક્ત અડગ લડતથી પ્રભાવિત થઇને આ લડતની યાદમાં વિશ્વભરમાં તા.૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને સર્વાનુમતે વધાવી લેવાયો. આમ, તા.8 માર્ચનો દિવસ જગતના નારી આંદોલનના ઇતિહાસમાં આગવો બની રહ્યો છે.


નેફિયો રિયોએ નાગાલેન્ડના મુખ્યમંત્રી પદના શપથ લીધા

Image result for nefia rio new cm of nagaland

- શપથ સમારોહમાં અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મળા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂ હાજર રહ્યા


નાગાલેન્ડમાં નવનિર્વાચિત સરકારના CM નેફિયો રિયોએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. કોહિમા લોકલ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં નેફિયોની સાથે 10 ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા.

આવુ પહેલીવાર બન્યુ જ્યારે રાજ્યમાં નવી સરકાર માટે આટલા વિશાળ સ્તરે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મળા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂ પણ હાજર રહ્યા.

શપથ ગ્રહણ માટે કોહિમા લોકલ ગ્રાઉન્ડની જ પસંદગી કેમ કરવામાં આવી. કેમ કે 1963માં તત્કાલિન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને અહીંયાથી નાગાલેન્ડ રાજ્યની રચનાનું એલાન કર્યુ હતુ. રાજ્યમાં પૂર્ણ થયેલ વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટી ( NDPP)એ પ્રગતિ કરી હતી, જે બાદ પાર્ટીએ BJPની સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો.

નાગાલેન્ડના રાજ્યપાલ પીબી આચાર્ય દ્વારા NDPP નેતા નેફિયો રિયોની CM તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતીય બંધારણની કલમ 164 (1) અનુસાર રાજ્યપાલે આ નિમણૂક કરી છે. રાજ્યપાલે નેફિયો રિયોથી 16 માર્ચ સુધી પોતાનો બહુમત સાબિત કરવાનું કહ્યું છે. આજે માર્ચે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ થશે. ભાજપ-એનડીપીપીએ એક સાથે ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓએ 32 ધારાસભ્યોનું સમર્થન રજૂ કરવાનું કહ્યું હતુ.

Happy Women’s Day
Image result for happy womens day


એશિયા કપ તીરંદાજીમાં ભારતની મુસ્કાન-પ્રોમીલાએ ગોલ્ડ જીત્યા


- બેંગકોકમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં ભારતનું પ્રભુત્વ  :ભારતે બે બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યા
એશિયા કપ તીરંદાજીમાં ભારતની મુસ્કાન કરીર અને પ્રોમીલા દૈમારીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્ટેજ-વન ઈવેન્ટમાં ભારતની પ્રોમીલાએ મહિલાઓની રેક્યુર્વે ઈવેન્ટમાં અને મુસ્કાને કમ્પાઉન્ડ ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી. જ્યારે ભારતની મધુ વેદવાન અને ગૌરવ લામ્બેએ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજીની ફાઈનલમાં ભારતની મુસ્કાન કરીરે ફાઈનલમાં મલેશિયાની ઝાકરીયા નાધીરાહને માત્ર ત્રણ પોઈન્ટથી હરાવીને ગોલ્ડમેડલ જીત્યો હતો. મુસ્કાને ૧૩૯-૧૩૬થી ફાઈનલ જીતી હતી. જ્યારે રેક્યુર્વે ઈવેન્ટની ફાઈનલમાં પ્રોમીલાએ રશિયાની સ્ટાર ખેલાડી એર્ડીનીવા નાતાલ્યાને ૭-૩થી હરાવીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.મેન્સ રેક્યુર્વે ઈવેન્ટમાં ગૌરવ લામ્બેએ અને વિમેન્સ રેક્યુર્વે ઈવેન્ટમાં મધુ વેદવાને બ્રોન્ઝ સફળતા હાંસલ કરી હતી. વેદવાને ૬-૫થી મોંગોલિયાની ઈન્ખ્તુયાને હરાવી હતી. જ્યારે લામ્બેએ મલેશિયાના કમરુદ્દીન હાઝીકને પરાસ્ત કર્યો હતો. ભારતની યશ્વી ઉપાધ્યાય, દિવ્યા ધયાલ અને હિવરાલે મ્રીનાલ અનિલને ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો.



આંદામાનમાં ૧૬ દેશોની નૌકા કવાયત શરૃ : ભારતના ૧૭ યુધ્ધ જહાજ જોડાયા


- ૧૯૯૫માં પહેલી વાર 'મિલન' કવાયત હાથ ધરાઇ હતી
- આઠ દિવસીય કવાયતમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને સિંગાપોર પણ જોડાયા

- કટોકટીના કારણે માલદિવ્સે કવાયતમાં ભાગ લેવાના ભારતના આમંત્રણનો ઇનકાર


એશિયા વિસ્તારમાં વધતી જતી ગંતદીલી વચ્ચે ભારતીય નૌકા દળે આંદામાન-નિકોબાર ટાપુઓ ખાતે અગ્રણી નૌકા શક્તિઓ સાથે મળી  આઠ દિવસીય કવાયત હાથ ધરી હતી. દ્વીવાર્ષિક કવાયત 'મિલન' ભારતના બે પાડોશીઓ માલદિવ્સ અને શ્રીલંકામાં કટોકટી અને અશિયા વિસ્તારમાં ચીનની વધતી જતી શક્તિ વચ્ચે આ કવાયત હાથ ધરાઇ રહી છે. ભારતીય નૌકાદળના અધિકારીઓએ કહ્યું હતું કે કવાયતમાં ભારતના ૧૭ અને ઓસ્ટ્રેલિયાના ૧૧ સહિત બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાંમાર, સિંગાપોર, શ્રીલંકા અને થાઇલેન્ડ સહિત કુલ ૨૮ યુધ્ધ જહાજો ભાગ લઇ રહ્યા છે.

દસમી કવાયતનો ઉદ્દેશ ક્ષેત્રિય સહકાર વદારવા અને  મહત્વની  સમુદ્રી રેખાઓમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને  રોકવાનો છે. હાલમાં કટોકટીમાંથી પસાર થઇ રહેલા માલદિવ્સે કવાયતમાં ભાગ લેવાના ભારતના આમંત્રણનો ઇનકાર કર્યો હતો.'યુધ્ધ જહાજો ઉપરાંત ૧૬ દેશોના ૩૯ પ્રતિનીધી મંડળો પણ આંતરરાષ્ટ્રીયઅને  પ્રતિષ્ઠીત કાર્યક્રમમાં ભાગ લેશે જે ૧૯૯૫ પછીથી સૌથી મોટો મેળાવડો હશે.

કવાયત દરમિયાન વિવિધ દેશોના પ્રતિનીધી મંડળો ક્ષેત્રિય સુરક્ષાની સ્થિતિ અને ચીનની વધતી જતી દખલગીરી અંગે ચર્ચા કરશે. હદ્દો જેટી પર પોતાના આગમન સમયે તમામ વિદેશી જહાજોનું ભારતીય પરંપરાગત રીતે બેન્ડ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારતના આંદામાન-નિકોબાર કમાન્ડના ૧૧ અને  પૂર્વિય ફલિટના છ જહાજો ભાગ લઇ રહ્યા છે.

નવેમ્બરમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને મહત્તવના દરિયાઇ રૃટને સુરક્ષિત બનાવવા એક નવી રણનીતી ઘડવા લાંબા સમયથી બાકી ચૌતરફી કવાયત કરવા તૈયારી દર્શાવી હતી. આંદામાન-નિકોબર કમાન્ડના નેજા હેઠળ આ કવાયત હાથ ધરાઇ રહી છે. પહેલી વાર ૧૯૯૫માં 'મિલન'કવાયત હાથ ધરાઇ હતી જેમાં માત્ર પાંચ ડ નૌકાદળોએ ભાગ લીધો હતો.



ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસમાં પહેલીવાર એક મહિલાની કોમ્બેટ ફોર્સમાં ભરતી કરાઇ



- એરફોર્સના અધિકારીની પુત્ર ૨૫ વર્ષની પ્રકૃત્તિ હવે સરહદની સુરક્ષા કરશે


ઇન્ડો-તિબેટીયન બોર્ડર  પોલીસ દળમાં પહેલા જ વાર એક મહિલાની સીધી બરતીથી કોમ્બેટની ભૂમિકામાં નિમણુંક કરવામાં આવી હતા. વર્ષ ૨૦૧૬માં સરકારે પહેલી વાર  કેન્દ્રના સશસ્ત્ર દળોમાં મહિલા અધિકારીની નિમણુંક કરવાની પરવાનગી આપી ત્યાર પછીથી ઇન્ડો તિબેટીયન બોર્ડર  પોલીસ દળ સૌથી છેલ્લું છે.

માત્ર પ્રાકૃત્તિ તરીકે જ ઓળખાવાનું  પસંદ કરતી ૨૫ વર્ષની આ યુવતીએ ૨૦૧૬માં પહેલી જ ટ્રાયલમાં સીએપીએફની ભરતી માટેની UPSC ની પરિક્ષા પાસ કરી હતી.'મને હમેંશા યુનિફોર્મ પહેરવાની અને દેશની સેવા કરવાની ઇચ્છા થતી હતી. ઇન્ડિયન એરફોર્સમાં સેવા બજાવતા મારા પિતાએ હમેંશા મને પ્રેરણા આપી હતી.ITBP મારી પહેલી પસંદગી હતી'એમ પ્રકૃત્તિએ કહ્યું હતું. માર્ચ મહિનામાં એણે  વાંચ્યું હતું કે ભારત સરકાર પહેલી જ વાર મહિલાઓને પણ ITBPમાં કોમ્બેટ ઓફિસર તરીકે પસંદ કરશે.

ત્યાર પછી બિહારના સમસ્તીપુરની રહેવાસી પ્રાકૃત્તિએ નક્કી કર્યું હતું કે જો મને પસંદ કરવામાં આવશે તો હું ITBP માં જોડાઇશ. પ્રકૃત્તિ એ એન્જીનીયરિંગમાં બેચલરની ડીગ્રી લીધી છે. હાલમાં તે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ITBP  ના એકમમાં છે. ટુંક સમયમાં તે દેહરાદૂનમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીના જોડાશે. દેહરાદૂનમાં ટ્રેનિંગ પછી તેને બોર્ડ પોસ્ટમાં સહાયક કમાન્ડન્ટ તરીકે મુકવામાં આવશે.હાલમાં આ ફોર્સમાં મહિલાઓ તો ફરજ બજાવે જ છે, પરંતુ માત્ર કોન્સટેબલની ભૂમિકામાં જ છે.