અમદાવાદ એરપોર્ટમાં સાસણ ગીરની આબેહૂબ
પ્રતિકૃતિ,
ગર્જના કરતા સિંહોની ઝાંખી
- ૧૧ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં સિંહ, ચિત્તા,કાળિયારની અદલ પ્રતિકૃતિ મૂકાઇ
- સાંસદ પરિમલ નથવાણી, પરેશ રાવલ
દ્વારા લોકાર્પણ
પ્રકૃતિનો ખોળે
બેસીને મહદ્અંશે સાહસની પણ ભૂખ સંતોષે તેવા જૂજ સ્થળોમાં સાસણ ગીરના અભ્યારણ્યનો
પણ સમાવેશ થાય છે. ગુજરાતની ઓળખ સમાન ગીરના જંગલની મુલાકાત કમસેકમ એકવાર લેવી તે
મોટાભાગના પ્રવાસપ્રેમીઓની ઇચ્છાઓમાં સામેલ હોય છે. વ્યસ્ત જીવનને કારણે સાસણ
ગીરના અભ્યારણ્યના પ્રવાસે ના જઇ શકાય તો પણ અફસોસ કરવાની જરૃર નથી. કારણકે, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સાસણ ગીરની અદ્દલ
પ્રતિકૃત્તિ તૈયાર કરવામાં આવી છે.
એશિયન સિંહોના
વિશ્વાસના એકમાત્ર રહેઠાણ એવા સાસણ ગીરની આ પ્રતિકૃત્તિનું સોમવારે અમદાવાદ
એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. જેની
સંકલ્પના-અમલીકરણ ખ્યાતનામ વન્યજીવ પ્રેમી-રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગૂ્રપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીની
મદદથી કરવામાં આવ્યું છે.
અંદાજે ૧૧ હજાર
ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટનું અનાવરણ પરિમલ નથવાણી, લોકસભા સાંસદ-એરપોર્ટ સલાહકાર સમિતિના સદસ્ય પરેશ રાવલના હસ્તે અમદાવાદ
એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગંગલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં
સાસણ ગીરમા જોવા મળતા વિવિધ પ્રાણીઓ-પક્ષીઓ જેમકે સિંહ, ચિત્તા,
બાજ, કાળિયાર, ચીત્તલ,
અજગર વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃત્તિ મૂકવામાં આવી છે.
સાસણ ગીરની જેમ
જ એરપોર્ટમાં મૂકવામાં આવેલી પ્રતિકૃત્તિમાં પણ સૂકા ઘાસનો જ ઉપયોગ કરાયો છે. આ
પ્રતિકૃત્તિ પારદર્શી કાચની પેનલથી ડોમેસ્ટિક એરપોર્ટના અરાઇવલ-ડિપાર્ચર એમ બંને
વિભાગમાંથી જોઇ શકાય છે. ઇન્ટરેક્ટિવ મીડિયા ઉપકરણ દ્વારા ગીરના જંગલમાં સાંભળવા
મળતી સિંહની ત્રાડ-પક્ષીઓના અવાજથી અદ્દલ ગીર જંગલ જેવું તાદ્દશ્ય વાતવરણ સર્જાય
છે.
આ પ્રસંગે
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, 'અમદાવાદની
મુલાકાતે આવતા પ્રવાસીઓે એશિયાટિક સિંહોના રહેઠાણની ઝાંખી પૂરી પાડવા માટે ગીરની
પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર આવ્યો છે. આ પ્રતિકૃતિ વધુ લોકોને ગીરના જંગલની
રૃબરૃ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે. આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો
પ્રત્યે રસ પેદા કરશે.'
અમદાવાદ એરપોર્ટમાં એવિએશન મ્યુઝિયમ બનાવાશે
સાંસદ પરેશ
રાવલે જણાવ્યું હતું કે, 'ભારતરત્ન એર વાઇસ માર્શલ
જેઆરડી તાતાએ અમદાવાદ એરપોર્ટ ખાતે જ દેશમાં સૌપ્રથમ વખત વિમાનનું લેન્ડિંગ
કરાવ્યું હતું. આમ, ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વ ધરાવતા
અમદાવાદ એરપોર્ટમાં એવિએશન મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમ કેવા પ્રકારનું
હશે તે અંગે ચાલી રહેલી વિચારણા અંતિમ તબક્કામાં છે. ' આ
મ્યુઝિયમ ટર્મિનલ-૩ની પાસે બની શકે છે. ઉલ્લેખનીય છે કે, જેઆરડી
તાતાએ ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના કરાચીથી વાયા અમદાવાદ થઇને મુંબઇ સુધી ઉડાન ભરી હતી,
જે દેશની સૌપ્રથમ ફ્લાઇટ હતી.
એરપોર્ટમાં હવે 'મોહનદાસ'થી 'મહાત્મા'ની સફર જાણી શકાશે
અમદાવાદ
એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલના ડિપાર્ચર લોન્જમાં આજે મહાત્મા ગાંધીના જીવનની
ઝાંખીને રજૂ કરતી 'ઇ-ક્લોક'નું
પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ક્રિન ઉપર મહાત્મા ગાંધીના જન્મથી લઇને
દેહાંત સુધીની સફર રજૂ કરવામાં આવી છે. જેના સ્ક્રિનમાં મહાત્મા ગાંધીનું જીવન
દર્શાવાય છે અને હેડફોન દ્વારા તેની કોમેન્ટરી સાંભળી શકાય છે. આમ, મહાત્મા ગાંધીની 'કર્મભૂમિ'માં
પગ મૂકતા જ રાષ્ટ્રપિતાના જીવનની માહિતી મેળવી શકાશે.