શુક્રવાર, 1 માર્ચ, 2019

હરખ તું હિન્દુસ્તાન : અભિનંદનનું અભિવાદન

 

- પકડાયાના બે દિવસ બાદ અંતે પાકિસ્તાને વિંગ કમાન્ડરને છોડવા પડયા

- વતન પાછો ફરીને ખૂબ ખુશ છું : સરહદમાં આવ્યા પછી વિંગ કમાન્ડર અભિનંદનની પહેલી પ્રતિક્રિયા

 
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાને મોડી સાંજે સોંપણી કરી હતી. પાકિસ્તાને દિવસ દરમિયાન સતત પાયલટ અભિનંદનને સોંપવાના સમયમાં ફેરફાર કર્યે રાખ્યો હતો. વિવિધ દસ્તાવેજોના બહાને વિંગ કમાન્ડર અભિનંદનને ભારતની સરહદે લઈ આવવામાં પાકિસ્તાને છેક રાત પાડી દીધી હતી. અભિનંદનની વતન વાપસી થઈ તે પછી દેશભરમાં ઉજવણી શરૃ થઈ હતી. સોશિયલ મીડિયામાં લોકોએ લાગણીસભર પ્રતિક્રિયા આપીને અભિનંદનને આવકાર આપ્યો હતો.
ભારતીય વાયુસેનાના સાહસી પાયલટ અને અનોખા પરાક્રમના કારણે આખા દેશમાં હીરો બની ગયેલા અભિનંદને રોકી રાખવાના પાકિસ્તાને છેક સાંજ સુધી સીધા કે આડકતરા પ્રયાસો કર્યા હતા. અભિનંદનને અગાઉ બોર્ડર પાર કરાવવા માટે બપોરનો સમય નક્કી થયો હતો, પણ પાકિસ્તાને સતત સમયમાં ફેરફાર કર્યો હતો.
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત જતા અટકાવવા માટે પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. અરજદારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે આ ભારતીય પાયલટે પાકિસ્તાનમાં બોમ્બવર્ષા કરવા માટે સરહદ ઓળંગી હતી, પરંતુ ઈસ્લામાબાદ હાઈકોર્ટે એ અરજી ફગાવી દીધી હતી અને પાક. સરકારના નિર્ણયમાં ફેરફાર કરવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે પાયલટની સોંપણી થતી હોવાથી તેમાં હસ્તક્ષેપની મનાઈ કરી હતી.
પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોએ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી તેને ભગાડવામાં ભારતના મિગ-૨૧ વિમાનોએ સફળતા મેળવી હતી, પરંતુ એ દરમિયાન એક મિગ-૨૧ તૂટી પડયું હતું અને તેમાં સવાર વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને ઝડપી લઈને પૂછપરછ કરી હતી. ભારતના આ સાહસિક પાયલટે પાકિસ્તાને પૂછેલા સવાલોનો હિંમતભેર અને સલૂકાઈથી સામનો કર્યો હતો. પાકિસ્તાની અધિકારીઓના દબાણ છતાં દેશની સુરક્ષાને લગતા સવાલોનો જવાબ આપ્યો ન હતો.
તે પછી પાકિસ્તાન ઉપર ચોમેરથી આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હતું અને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી જીનીવા સંધિ પ્રમાણે પાકિસ્તાન ઉપર પાયલટની સોંપણીની ફરજ પડી હતી. તે પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ૧લી માર્ચ અને શુક્રવારે ભારતને સોંપાશે એવી જાહેરાત કરી હતી.
અભિનંદનની વતન વાપસી માટે વાઘા બોર્ડર ઉપર લોકોનો જમાવડો થયો હતો. અભિનંદનનું ઉષ્માભેર સ્વાગત કરવા માટે લોકો સવારથી જ તિરંગા અને ફૂલહાર સાથે બોર્ડર ઉપર પહોંચી ગયા હતા.
વાઘા બોર્ડરે લોકોએ છેક મોડી રાત સુધી ખડે પગે, થાક્યા વગર અભિનંદનની રાહ જોઈ હતી. અભિનંદનની વતન વાપસી થઈ પછી દેશમાં ઠેર-ઠેર ઉજવણી થઈ હતી. સોશિયલ મીડિયામાં લોકોએ અભિનંદનની વતન વાપસી અંગે લાગણીસભર પ્રતિક્રિયા આપી હતી. વેલકમ હોમ અભિનંદનના હેશટેગથી લોકોએ અભિનંદનના સાહસને બિરદાવીને ઉમળકાભેર દેશના રીઅલ હીરોનું સ્વાગત કર્યું હતું.
મોડી સાંજે વાઈસ ચીફ માર્શલ આર.જી.કે. કપૂરે એક નિવદનમાં જાહેરાત કરી હતી, 'વિંગ કમાન્ડર અભિનંદનની સોંપણી થઈ ચૂકી છે. નિયમ પ્રમાણે તેમનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. વિંગ કમાન્ડરને પાછા મેળવ્યા તેનો અનહદ આનંદ છે' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુની રેલીમાં વિંગ કમાન્ડર અભિનંદનનો ઉલ્લેખ કરીને કર્યું હતું : 'દરેક ભારતીયને અભિનંદન ઉપર ગૌરવ છે.'
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના સ્વાગતમાં ટ્વીટ કરતા કહ્યું હતું, 'વિંગ કમાન્ડર અભિનંદન, તમારું પ્રેમભર્યું સ્વાગત છે. તમે દેશને ગૌરવ અપાવ્યું છે'. અન્ય વિપક્ષી નેતાઓએ પણ વિંગ કમાન્ડરના સન્માનમાં ટ્વીટ કરીને અભિનંદનની વતન વાપસીને ગૌરવપૂર્ણ ગણાવી હતી.
વિંગ કમાન્ડર અભિનંદનને વાઘા બોર્ડરથી અમૃતસર લઈ આવવામાં આવ્યા હતા અને અમૃતસરથી દિલ્હીના પાલમ એરપોર્ટે પહોંચ્યા પછી તેમનું ફરીથી મેડિકલ ચેકઅપ થયું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે વતન વાપસી પછી અભિનંદને પહેલી પ્રતિક્રિયા આપતા જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે એવા હતા કે વતન આવ્યા પછી ખૂબ ખુશ છું. વાયુસેનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે પાકિસ્તાન ઓથોરિટીને કોઈ જ સવાલ પૂછ્યા નથી.
પાકિસ્તાને વિંગ કમાન્ડરના નિવેદનનું વિડીયો રેકોર્ડિંગ કર્યું
વૈશ્વિક ઈમેજ સુધારવા માટે પાકિસ્તાને પોતાની રીતે યોગ્ય જણાય તેવા ત્રણ વિડીયો બનાવ્યાં, ૨૦ રીટેક કરાવ્યાં

વિશ્વમાં પાકિસ્તાનની ઓળખ આતંકવાદને છાવરતા દેશ તરીકેની છે તેને સુધારવા માટે અને શાંતિપ્રિય દેશ હોવાનો દેખાડો કરવા માટે પાકિસ્તાન અભિનંદનની વતન વાપસીનો પણ તેની રીતે ઉપયોગ કર્યો હતો. તે માટે પાકિસ્તાને અભિનંદનનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું.
વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની સોંપણી થાય તે પહેલાં પાકિસ્તાને અભિનંદનનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું. ૨૦ રીટેક કરાવીને પાકિસ્તાન ઓથોરિટીએ અભિનંદનના ત્રણ વિડીયો બનાવ્યા હતા. પોતાની ઈમેજ સારી બતાવવા માટે અને કેવી રીતે અને બહુ જ સારપથી અભિનંદનની સોંપણી થઈ તે બતાવતા વિડીયો બનાવવા પાછળ એટલો સમય ખર્ચાયો હતો કે તેના કારણે પાકિસ્તાને અભિનંદનને વાઘા બોર્ડર ઉપર લઈ આવવામાં મોડી સાંજ પાડી દીધી હતી.
વિંગ કમાન્ડર અભિનંદનનું નિવેદન લેવામાં પણ પાકિસ્તાને સતત રીટેક કરાવ્યા હતા. દેશની ઉજળી છબી દેખાય અને યુદ્ધ કેદી અભિનંદન સાથે સારો વર્તાવ કર્યો હતો તે બતાવવા પાકિસ્તાને બનતા તમામ પ્રયાસો કર્યા હતા. અગાઉ પણ અભિનંદને એક વિડીયોમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેની સાથે સારો વર્તાવ થયો છે અને ભારત જઈને પણ તે એ નિવેદનમાં ફેરફાર કરશે નહીં. તેમ છતાં પાકિસ્તાનની સરકારને સંતોષ થયો ન હતો એટલે વારંવાર વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું.
પાયલટ અભિનંદનને ભારતની ઓથોરિટીને સોંપ્યા તેની એક કલાક પહેલાં તેમનો એક વિડીયો પાક. મીડિયામાં વહેતો કર્યો હતો. જેમાં તેમની પાસે કેવી રીતે પકડાયા અને કેવું વર્તન થયું તે બોલાવવામાં આવ્યું હતું. સરકારે એ વિડીયો જારી કરીને સરકારે બહુ જ સારું કામ કર્યું હોવાનું સાબિત કરવાની કોશિશ કરી હતી.
ભારતીય પાયલટને મુક્ત કરવાનું પાક.નું પગલું સરાહનીય : ચીન

ભારતીય પાયલટ અભિનંદનને મુક્ત કરવાના પાક. સરકારના પગલાંને મિત્ર દેશ ચીને વખાણ્યું હતું. લુચ્ચા ચીને તો ઉત્સાહમાં આવીને ભવિષ્યની શાંતિ મંત્રણા માટે અત્યારથી પાકિસ્તાનને ક્રેડિટ આપતા કહી દીધું હતું કે પાકિસ્તાને ભારતીય પાયલટને ભારતને સોંપીને શાંતિ અને વાતચીત માટેની પૂર્વભૂમિકા બાંધી દીધી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા નિવેદનમાં કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી ઓછી થાય તેવા સંજોગો સર્જાયા છે. પાકિસ્તાન સરકારે યુદ્ધકેદી તરીકે પડકાયેલા ભારતીય વિંગ કમાન્ડરને છોડવાનો જે નિર્ણય કર્યો છે તે શાંતિ માટેની પહેલ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી દિવસોમાં શાંતિ સ્થપાશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભારતના પાયલોટ પાસે પાકિસ્તાની રુપિયા હોય છે, જાણો પાક કેદમાં રહેલા બીજા ત્રણ પાયલોટોની કહાની


 
વાયુસેનાના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને આજે ભારત મુક્ત કરવાનુ છે.
આ પહેલા ભારતીય વાયુસેનાના પાયલોટ કે નચિકેતાનુ મિગ 27 કારગીલ યુધ્ધ દરમિયાન 1999માં ક્રેશ થયુ હતુ અને તેઓ પણ પાકિસ્તાની સેનાના જવાનોના હાથે પકડાયા હતા.આઠ દિવસ બાદ નચિકેતાના છુટકારો થયો હતો.
નચિકેતા કહે છે કે પાયલોટનુ દિલ હંમેશા કોકપિટમાં હોય છે.અભિનંદન પાછા આવશે અને બહુ જલ્દી વિમાનની કોકપિટમાં પાછા ફરશે.2017માં રિટાયર થયેલા નચિકેતા જેવા પેરાશૂટ વડે નીચે ઉતર્યા કે પાક સેનાના જવાનોએ તેમને મારવાનુ શરુ કરી દીધુ હતુ.એક સિનિયર પાકિસ્તાની ઓફિસરે જવાનોને સમજાવીને તેમનો જીવ બચાવ્યો હતો.નચિકેતાને તેમની ટ્રેનિંગ પાકિસ્તાનીઓની વચ્ચે સર્વાઈવ થવા માટે કામમાં આવી હતી.
1971માં એર કોમોડોર જે એલ ભાર્ગવ પણ પાકિસ્તાનના હાથે પકડાઈ ગયા હતા.તેઓ એક વર્ષ પાકની કેદમાં રહ્યા હતા.તેઓ કહે છે કે જો લોકોએ અભિનંદનનો ફોટો અને વિડિયો શેર ના કર્યા હોત તો સાબિત કરવુ મુશ્કેલ થાત કે તે પાકિસ્તાનમાં જીવતા પકડાયા છે.ભાર્ગવ કહે છે કે મને તેઓ સુવા દેતા નહોતા, મારી પાસે જાણકારી માંગતા હતા.એક વખત તેમણે મને પૂછ્યુ હતુ કે તમારી સ્કવોડ્રનમાં બેસ્ટ પાયલોટ કોણ છે અને મેં તેમને કહ્યુ હતુ કે એ તો તમારી સામે બેઠો છે.
ભાગર્વનુ કહેવુ છે કે વાયુસેનાના પાયલોટ ઉડાન ભરે ત્યારે તેમને સર્વાઈવર કિટ, એક પિસ્ટલ અને પાકિસ્તાની રુપિયા અપાતા હોય છે.
તેમનુ વિમાન પાંચ ડિસેમ્બરે તોડી પાડવામાં આવ્યુ હતુ.તેઓ પેરાશૂટથી નીચે ઉતર્યા હતા.પોતાનો જી સુટ( જે વિમાન ઉડાવતી વખતે પાયલોટ પહેરે છે)ઝાડીમાં સંતા્ડયો હતો.ઘડિયાળ પાકિસ્તાની સમય પ્રમાણે સેટ કરી હતી.તેઓ 12 કલાક સુધી પાકિસ્તાનીઓની વચ્ચે પોતાની ઓળખ છુપાવવામાં સફળ રહ્યા હતા.સ્થાનિક લોકોને તેમણે ક્હ્યુ હતુ કે હું પાકિસ્તાની સેનાનો જવાન છું અને મારુ નામ મન્સૂર અલી છે.કોઈને શક જાય તો ખિસ્સામાં રહેતા પાકિસ્તાની રુપિયા તેઓ બતાવી દેતા હતા.એક હેડમાસ્ટરને શંકા જતા તેણે ભાર્ગવનુ સરનામુ પુછ્યુ હતુ.ભાર્ગવે પોતે રાવલપિંડીના રહેવાસી હોવાનુ કહ્યુ હતુ.
હેડમાસ્ટરે ભાર્ગવને કહ્યુ હતું કે તમે ભારતમાં છો.ભાર્ગવને અંદાજ આવી ગયો હતો કે હેડ માસ્ટર ખાતરી કરવા જુઠ્ઠુ બોલે છે.ભાર્ગવે કહ્યુ હતુ કે મને પાકિસ્તાન મોકલવામાં આવે.એટલે હેડમાસ્ટરને સંતોષ થયો હતો.જોકે એક પાકિસ્તાની જવાને મને કલમા પઢવા કહ્યુ હતું .જેના કારણે હું પકડાઈ ગયો હતો.એ પછી મને પાક સેનાના હવાલે કરી દેવાયો હતો.
એર માર્શલ કરિઅપ્પા પણ 1965ના યુધ્ધ બાદ 4 મહિના પાકની કેદમાં રહ્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, એક અજાણ્યો ડર સતાવતો રહેતો હતો.યુધ્ધ ચાલુ છે કે ખતમ થઈ ગયુ તેની જાણકારી પણ મને અપાતી નહોતી.મારુ વિમાન યુધ્ધના અંતિમ દિવસે જ તોડી પડાયુ હતુ અને હું સીધો પાક સેના વચ્ચે જ પડ્યો હતો.
કરિઅપ્પા અભિનંદનના મામલામાં સોશ્યલ મીડિયાના રોલથી નારાજ છે.તેમના કહેવા પ્રમાણે અભિનંદને પોતે જે માહિતી આપવાની પાકિસ્તાનને ના પાડી તે મીડિયા અને સોશ્યલ મીડિયામાં લોકોએ સામેથી વાયરલ કરી દીધી હતી.

સુષ્માનુ OICમાં સંબોધન


 Image result for oic-meeting-eam-sushma-swaraj-guest-of-honour-speech
મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશન(OIC)ની બેઠકને ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંબોધન કર્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે આતંકવાદીની લડાઈ કોઈ ધર્મ સામે નથી.હિન્દુ ધર્મગ્રંથ ઋગવેદમાં કહેવાયુ છે કે ભગવાન એક જ છે અને તમામ ધર્મનો અર્થ શાંતિ થાય છે.આજે દુનિયા આતંકવાદથી પરેશાન છે.આતંકવાદી સંગઠનોને થતા ફંડિંગ પર રોક લાગવી જોઈએ.
સુષ્માએ પાકિસ્તાનનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે ભારત આતંકવાદ સામે ઝઝૂમી રહ્યુ છે.આતંકવાદનો વ્યાપ વધી રહ્યો છે.આવામાં આતંકવાદને સંરક્ષણ આપવા પર રોક લાગવી જોઈએ.આતંકવાદી સંગઠનોનુ ફંડિંગ રોકવામાં આવવુ જોઈએ.ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે તે રીતે તમામ ધર્મ શાંતિ  માટે જ છે.
સુષ્માએ કહ્યુ હતુ કે ભારત માટે વૈવિધ્ય અપનાવવુ હંમેશા આસન રહ્યુ છે.કારણકે ભારતીય સંસ્કૃતિના સૌથી જુના મનાતા ધાર્મિક ગ્રંથ ઋગવેદમાં વિવિધતાનો સંદેશ અપાયો છે.ભારતમાં દરેક ધર્મ અને સંસ્કૃતિનુ સન્માન થાય છે.એ જ કારણ છે કે ભારતમાં બહુ ઓછા મુસ્લિમો ઝેરીલા દુષ્પ્રચારથી પ્રભાવિત થતા હોય છે.