સોમવાર, 8 એપ્રિલ, 2019

ઓસ્ટ્રેલિયાના ગ્રીમ રીડ ભારતીય મેન્સ હોકી ટીમના નવા કોચ


Image result for graeme-reid-appointed-as-new-coach 

-     ભારતીય હોકી ટીમને ચાર મહિના બાદ નવા કોચ મળ્યા

-     કોચ રીડે ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયાને નંબર-૧ ટીમ બનાવી હતી


ભારતની મેન્સ હોકી ટીમના હેડ કોચ તરીકે ગ્રેહામ રીડની વરણી કરવામાં આવી છે. ૫૪ વર્ષીય રીડ હાલ બેંગાલુરુ ખાતે યોજાઇ રહેલા નેશનલ કેમ્પ દરમિયાન ભારતીય ટીમ સાથે જોડાઇ જશે. રીડને વર્ષ ૨૦૨૦ના અંત સુધીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અલબત્ત, રીડના માર્ગદર્શન હેઠળ ટીમનો દેખાવ સારો રહેશે તો આ કરાર ૨૦૨૨ના એફઆઇએત વર્લ્ડકપ સુધી લંબાવવામાં આવી શકે છે. ભારતીય ટીમના છેલ્લા કોચ હરેન્દ્ર સિંહ હતા. પરંતુ હરેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે ભારતે હોકી વર્લ્ડકપમાં નબળા દેખાવ રહેતા તેમને વિદાય આપવામાં આવી હતી. આમ, ભારતીય ટીમને ચાર મહિના બાદ નવા કોચ મળ્યા છે.

૧૩૦ આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ ધરાવતા રીડે ઓસ્ટ્રેલિયા માટે ડિફેન્ડર-મિડફિલ્ડરની ભૂમિકા સંભાળી હતી. ૧૯૯૨ બાર્સોલોના ઓલિમ્પિક્સમાં ઓસ્ટ્રેલિયાએ સિલ્વર મેડલ જીત્યો ત્યારે રીડ તે ટીમના સદસ્ય હતા. આ ઉપરાંત ૧૯૮૪, ૧૯૮૫, ૧૮૯, ૧૯૯૦માં ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું ત્યારે તેમાં પણ રીડ ટીમના સદસ્ય હતા. રીડ ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયાના હેડ કોચ હતા. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયા નંબર-૧ બન્યું હતું.

ભારતીય મેન્સ ટીમનો તાજેતરમાં અઝલન શાહ હોકીની ફાઇનલમાં પરાજય થયો હતો. આ ઉપરાંત ભુવનેશ્વર ખાતે યોજાયેલા હોકી વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.