સોમવાર, 11 ફેબ્રુઆરી, 2019

અર્ધ કુંભ એટલે ધૂણી ધખાવેલા નાગા સાધુઓ, કલા, સંસ્કૃતિ અને વિવિધતાનો મેળો

 
પ્રયાગરાજ ખાતે હાલ અર્ધ કુંભ મેળો ચાલી રહ્યો છે.અર્ધ કુંભ ધૂણી ધખાવેલા નાગા સાધુઓ, કલા, સંસ્કૃતિ અને વિવિધતાનો મેળો છે. સમુદ્રમંથન દરમિયાન નીકળેલા અમૃત કળશની દેવ-દાનવો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરુપ ધારણ કરી અમૃત કળશને સ્વર્ગમાં લઈ ગયા હતા. તે દરમિયાન અમૃતના ટીપા હરિદ્રાર, ઉજ્જૈન, નાસીક અને પ્રયાગરાજમાં પડયા હતા જેથી આ ચારેય પવિત્રધામ પર કુંભ મેળાનું આયોજન થાય છે.
નાગા સાધુના ત્રણ તબક્કા હોય છે. પ્રથમ મહાપુરુષ જેને છ વર્ષ માટે બ્રહ્મચર્યાનું પાલન કરવું પડે છે.શારીરિક ઈચ્છાઓ અને જરુરિયાતો પર કાબૂ મેળવે ત્યારે તે મહાપુરુષ તરીકે ઓળખાય છે. બીજો તબક્કો એટલે અવધૂત, જેમાં સાધક પારિવારીક, સામાજિક સંબંધો, દુખ,ચિંતા, ભૌતિક સુખ સંપત્તિનો ત્યાગ કરવો પડે છે. અને ત્રીજો તબક્કો નાગા તરીકે ઓળખાય છે જેમાં સાધક ભૌતિક અને આધ્યાત્મિક પરીક્ષણોમાંથી પસાર થઈને વૈદિક મંત્રોચ્ચારનું રટણ કરે છે. આ ત્રણેય તબક્કાના અંતે તે નાગા સાધુ તરીકે ઓળખાય છે.