Friday, 4 January 2019

આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર ઘણું પાછળ હોવાથી મળી એઈમ્સની સુવિધા


-       નવા હોસ્પિટલ બિલ્ડીંગ માટે આધુનિક સાધનોનું આગમન 
-       ડબલ લાભ... એઇમ્સ ને લીધે રાજકોટને મળશે મેડીકલ કોલેજ 
-  પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૫૦ કરોડની મીની એઇમ્સ જેવી હોસ્પિટલ બે મહિનામાં ચાલુ થશે
 
રાજકોટને એઇમ્સની આધુનિક આરોગ્ય લક્ષી સારવાર ઉપલબ્ધ થનાર હોવાની વિગતો જાહેર થયા બાદ આજે સિવીલ હોસ્પિટલના તજજ્ઞોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ કેન્દ્ર સ્થાને રહ્યું હોવાથી અહીં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૫૦ કરોડના કરોડ જે હોસ્પિટલ ઉભી થઇ રહી છે તેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું હોવાથી બે મહિનામાં જ ૨૦૦ બેડની આધુનિક હોસ્પિટલ શરૂ થઇ જશે. 

રાજકોટની સિવીલ હોસ્પિટલમાં કેમ્પસમાં જે નવી હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમાં આધુનિક મશીનો પણ ટુંક સમયમાં આવનાર હોવાનું જણાવી મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, હૃદય રોગની ચિકિત્સા માટે ટુડી ઇકો મશીનનો ઓર્ડર અપાઇ ગયો છે. ડીઝીટલ એકસ - રે મશીન અત્યારે જ આવી ગયું છે. તે તો રૂમનું બાંધકામ પુરૂ થયા બાદ તે કાર્યરત થયા બાદ ડીઝીટલ એકસ - રે ની કામગીરી શરૂ થશે. રાજકોટને એઇમ્સની સુવિધા મળતા વધુ એક ૧૦૦ બેઠકની અન્ડર ગ્રેજયુએટ મેડીકલ કોલેજની સુવિધા ઉભી થશે પોસ્ટ ગ્રેજ્યુએટની ૪૦ સીટો વધશે એ જ રીતે સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સુવિધા પણ ઉભી થશે. તેથી એઇમ્સના આગમન સાથે રાજકોટને વધુ એક મેડીકલ કોલેજમાં લાભ મળશે. જેનું સંચાલન દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે. 

મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં હવે લાઈબ્રેરી શરૂ કરાઈ

ટેકનોલોજીના યુગમાં નાગરિકોમાં વાંચનની આદત ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં 'અનુભૂતિ' ડબામાં વાચનાલય શરૂ કર્યું છે. નવા વર્ષના મુહૂર્ત પર શરૂ કરાયેલાં વાચનાલયને પ્રવાસીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ એક્સપ્રેસના તમામ એક્ઝિક્યુટીવ ડબામાં વાચનાલય શરૂ કરવાની યોજના પશ્ચિમ રેલવેની છે.
મંગળવારે પહેલી જાન્યુઆરીના શતાબ્દી એક્સપ્રેસના અનુભૂતિ ડબામાં ૭૦ પુસ્તકો સાથે વાચનાલયની શરૂઆત કરવામાં આવી હતી. વાચનાલયમાં રાજકરણ, કથા, આત્મચરિત્ર, બાળકથા જેવા પુસ્તકોને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. વિવિધ સંસ્થાએ દાનના સ્વરૂપમાં આપેલાં પુસ્તકો વાચનાલયમાં પ્રવાસીઓ માટે મફતમાં ઉપલબ્ધ કરી આપવામાં આવ્યાં છે. આમાંથી ૩૫ પુસ્તકો બાળકો માટે રહેશે.
શતાબ્દીમાં એક્સપ્રેસમાં લક્ઝુરિયસ ડબાને અનુભૂતિ ડબા તરીકે જોડવામાં આવ્યાં છે. પ્રવાસીઓ આ બુક ટ્રેનની મુસાફરી શરૂ થાય ત્યારે પુસ્તક લઈ શકાશે અને ટ્રેનમાંથી ઉતરતી વખતે ટિકિટ ચેકીંગ સ્ટાફને આપવાનુ રહેશે.
મધ્ય રેલવેએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ડેક્કન ક્વીન અને પંચવટી એક્સપ્રેસમાં પ્રવાસીઓને આ સુવિધા શરૂ કરીને આપી હતી. આ ટ્રેનના પ્રવાસીઓને આ સુવિધાનો સારો પ્રતિસાદ મળ્યાની માહિતી મધ્ય રેલવેએ આપી હતી.


ઇસરો ૨૦૧૯માં ચંદ્રયાન-૨ સહિત ૩૨ સ્પેસ મિશન લોન્ચ કરશે

ચંદ્રયાન-૨ ફેબુ્રઆરીની મધ્યમાં લોન્ચ કરાય તેવી શક્યતા
૨૦૧૯નું વર્ષ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દિ તરીકે ઉજવાશે
 

ભારત ચાલુ વર્ષે ચંદ્રયાન-૨ સહિતના ૩૨ અવકાશ અભિયાન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર(ઇસરો)ના અધ્યક્ષ સિવન કે. એ નવા વર્ષના સંદેશમાં જણાવ્યું છે કે ૨૦૧૯નું વર્ષ ઇસરો માટે પડકારજનક રહેશે. ૨૦૧૯માં ૩૨ અવકાશ અભિયાન લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. 
આ ૩૨ અભિયાનોમાં ૧૪ લોન્ચ વેહિકલ, ૧૭ સેટેલાઇટ અને એક ટેક ડેમો મિશનનો સમાવેશ થાય છે. 
૨૦૧૯ના ૩૨ મિશનમાં ચંદ્રયાન-૨ પણ છે. ચંદ્રયાન-૨ જાન્યુઆરીથી ૧૬ ફેબુ્રઆરી, ૨૦૧૯ની વચ્ચે લોન્ચ કરવામાં આવશે. 
સૂત્રોના જણાવ્યા ચંદ્રયાન-૨ ફેબુ્રઆરીની મધ્યમાં લોન્ચ કરવામાં આવશે પણ અત્યાર સુધી તેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
ઇસરોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ અંગે અમે ખૂબ જ મહેનત કરી રહ્યાં છીએ. ફેબુ્રઆરીમાં આ મિશન લોન્ચ થવાની પૂરી શક્યતા છે. 
૮૦૦ કરોડ રૃપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ચંદ્રયાન-૨ મિશન ૧૦ વર્ષ અગાઉ લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-૧નું એડવાન્સ વર્ઝન છે. 
ઇસરોના અધ્યક્ષે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દીનું વર્ષ છે. જેના સંદર્ભમાં ૧૨ ઓગસ્ટ, ૨૦૧૯થી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઇસરોના અધ્યક્ષે ૨૦૧૮ના વર્ષને ભારતીય અવકાશ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ રહ્યું હોવાનું ગણાવ્યું હતું.