Tuesday, 29 January 2019


123 વર્ષ જુના ઉદવાડા રેલવે સ્ટેશનને રૂ.20 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે

 

- નવા આધુનિક બિલ્ડીંગમાં પારસીના ઘરોમાં જેવું નકશી કામ હોય તેવું કામ કરાશે

- ઇમારતમાં વપરાનાર લાકડા અને ટાઇલ્સ પણ હેરિટેજ સ્ટાઇલમાં હશે

- એસી અને નોન એસી વેઇટીંગ રૂમ સહિતની અત્યાધુનિક સુવિધા ઉભી કરાશે : ૩૦ એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 

ઉદવાડાને હેરિટેજ પર્યટન સ્થળ તરીકે જાહેર કરાયા બાદ હવે રેલવે વિભાગ દ્વારા ૧૨૩ વર્ષ જૂના ઉદવાડાના રેલવે સ્ટેશનને ૨૦ કરોડના ખર્ચે હેરિટેજ લુક આપી કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. પ્લેટફોમ નં. ૧ ની લંબાઇમાં વધારો કરવાની સાથે અત્યાધુનિક બિલ્ડિંગમાં અનેક સુવિધા સાથે પારસી ઘરોમાં જે પ્રકારના નકશી કામ કરાયું છે, તે મુજબ જ નકશી કામગીરી હાથ ધરાઇ છે.
ઉદવાડા ગામે આવેલી પારસીઓના જાજરમાન ઇતિહાસની ધરોહર સમી પારસી અગિયારીમાં વાર-તહેવારે ભારત સહિત વિદેશી પારસીઓ આવે છે. રમણીય દરિયા કિનારે વસેલા ઉદવાડા ગામનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવા કેન્દ્ર સરકારે ઉદવાડાનો હેરિટેજ પર્યટન સ્થળની યાદીમાં સમાવેશ કર્યો હતો. ભાજપના સાંસદ એવા કેન્દ્રીાય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગામને દત્તક પણ લીધું હતું. હવે રેલવે વિભાગે ૧૨૩ વર્ષ જૂના રેલવે સ્ટેશનને પણ હેરિટેજ લુક આપવાનું નક્કી કરી રૂ.૨૦ કરોડના ખચેઁ સ્ટેશનની કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરી છે. 
જે અંતર્ગત પ્લેટફોમ નં.૧ની લંબાઇ ૧૯ કોચના બદલે ૨૬ કોચ સુધી કરવાની તેમજ અત્યાધુનિક બિલ્ડિંગમાં એસી અને નોન એસી વેઇટીંગ રૂમ , ઓફિસ , ટિકીટ બારી સહિતની સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત પ્લેટફાોમ પર શેડ, મુસાફરોને બેસવા માટે બાકડા હેરિટેજ સ્ટાઇલમાં બનાવાશે. નવા આધુનિક બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં પારસી ઘરોમાં જે નકશી કામ હોય છે તે પ્રકારનું નકશી કામ કરવામાં આવશે. ઇમારતમાં ઉપયોગમાં લેવાનાર લાકડા અને ટાઇલ્સ પણ ખાસ હેરિટેજ સ્ટાઈલમાં પસંદ કરાશે. જેને કારણે દરેક પારસીઓને પોતાના ઘરે આવ્યા હોવાનો એહસાસ કરાવશે. 

એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર આવાગમન માટે નવો ફુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે. હેરિટેજ સ્ટેશનને લુક આપવાની કામગીરી ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. રેલવે સ્ટેશનને પણ હેરિટેજ રેલવે સ્ટેશન જાહેર કરતા પશ્વિમ રેલવે ડિવિઝનમાં ઉદવાડા હેરિટેજ રેલવે સ્ટેશનનું એક નવું છોગું  છે.


બ્રિટનના કિંગ જ્યોર્જના નામ પરથી માતાએ નામ રાખ્યુ હતુ, જાણો જ્યોર્જ ફર્નાન્ડિઝના જીવન અંગે


 Image result for george fernandes
દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝનુ 88 વર્ષે નિધન થયુ છે.જ્યોર્જ ફર્નાન્ડિઝની કેરિયર અનેક ઉતાર ચઢાવોથી ભરેલી રહી હતી.
તેમનો જન્મ 3 જૂન, 1930ના રોજ મેંગ્લોરમાં જોન ફર્નાન્ડિઝને ત્યાં થયો હતો.તેઓ પોતાના 6 ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા.તેમની માતા બ્રિટનના રાજા કિંગ જોર્જ-5ની પ્રશંસક હતી અને તેના કારણે તેમણે જ્યોર્જ નામ રાખ્યુ હતુ.કિંગ જ્યોર્જનો જન્મ પણ 3 જૂનના રોજ જ થયો હતો.જ્યોર્જ ફર્નાન્ડિઝ 10 ભાષાઓના જાણકાર હતા એવુ કહેવાય છે.
જ્યોર્જના પિતા તેમને વકીલ બનાવવા માંગતા હતા.જોકે જ્યોર્જને તેમાં સ્હેજ પણ રસ નહોતો.તેમને એક તબક્કે પરિવારજનોએ ક્રિશ્ચિયન મિશનરીમાં પાદરી બનવા માટે પણ મોકલ્યા હતા.જોકે તેમણે ચર્ચ છોડીને મુંબઈની વાટ પકડી હતી.મુંબઈમાં તેમણે ટ્રેડ યુનિયનના આંદોલનોમાં ભાગ લેવાનુ શરુ કર્યુ હતુ.1974માં તેમણે દેશવ્યાપી હડતાળનુ નેતૃત્વ કર્યુ હતુ.
જેલમાં રહીને તેમણે મુઝ્ઝફરપુરમાંથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.ઈમરજન્સીમાં તેઓ સરકારની સામે પડ્યા હતા અને તેમની ધરપકડ પણ થઈ હતી.
1977માં ઈમજન્સી પુરી થયા બાદ પહેલી વખત જેલમાં રહીને મુઝ્ઝફરનગરમાંથી જ્યોર્જ ફર્નાન્ડિઝ ચૂંટણી જીતીને નવ વખત સાંસદ બન્યા હતા.
મોરારજીના નેતૃત્વમાં બનેલી જનતા સરકારમાં તેમને ઉદ્યોગમંત્રીનુ પદ મળ્યુ હતુ.તેમણે સંખ્યાબંધ વિદેશી કંપનીઓ સામે તે વખતે કાર્યવાહી કરી હતી અને તેના કાણે કોકાકોલા તેમજ આઈબીએમ જેવી કંપનીઓને ભારત છોડી દીધુ હતુ.
જનતા પાર્ટીમાં પડેલા ભંગાણ બાદ તેમણે સમતા પાર્ટી સ્થાપી હતી.જ્યારે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની સરકારમાં રક્ષામંત્રી તરીકે પરમાણુ પરીક્ષણમાં તેમનુ યોગદાન રહ્યુ હતુ.જોકે તેમના કાર્યકાળ દરમિયાન સેનાના કોફિન ગોટાળામાં તેમનુ નામ ઉછળ્યુ હતુ.જોકે બાદમાં અદાલતે તેમને ક્લીન ચીટ આપી હતી.
જ્યોર્જ ફર્નાન્ડિઝ 2009માં મુઝ્ઝફરનગરમાંથી ચૂંટણી લડ્યા હતા.આ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.એ પછી તેઓ રાજ્યસભામાં સાંસદ બન્યા હતા.
1971માં તેમણે તત્કાલીન કેન્દ્રીય મંત્રી હુમાયુ કબીરની પુત્રી લેલા કબીર સાથે લગ્ન કર્યા હતા.જોકે બંનેના લગ્ન જીવનમાં 1984માં ભંગાણ પડ્યુ હતુ.જોકે 25 વર્ષ બાદ લેલા કબીર ફરી જ્યોર્જની સાથે રહેવા આવ્યા હતા અને તેમની દેખભાળ કરતા હતા.

છોડવું હોય તેને છોડતાં કોણ રોકે છે ? ખોટ્ટાં બહાનાં કર્યે કેમ ચાલે ભૈ ?
Image result for gandhi
-     ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
-     નક્કી તો દરેકે પોતે કરવાનું હોય છે કે શું પસંદ કરવું, શુભ યા અશુભ, આરોગ્યદાયક ચીજ કે બીમારીને આમંત્રણ ?

આજે ૨૯ જાન્યુઆરી. આવતી કાલે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ. ત્રીસ જાન્યુઆરી. ગાંધીજી વિશે મબલખ લખાયું છે અને વંચાયું પણ છે. એવો એક કિસ્સો યાદ આવે છે. 

એક માતા પોતાના સાત આઠ વર્ષના બાળકને લઇને આવી અને બાપુને ફરિયાદ કરી કે આ છોકરો ગોળ બહુ ખાય છે. બહુ સમજાવ્યો પરંતુ માનતો નથી. 
બાપુએ એક સપ્તાહ પછી આવવાની વિનંતી કરી. એક સપ્તાહ પછી પેલી માતા બાળકને લઇને આવી ત્યારે બાપુએ વહાલ વર્ષાવતાં પેલા ટાબરિયાને કહ્યું, હવેથી ગોળ નહીં ખાતો હં કે.. પેલી માતા નવાઇ પામી. બાપુ આટલું તો તમે ગયા અઠવાડિયે પણ કહી શક્યા હોત. ના, બાપુએ કહ્યંુ, એ સમયે હું પોતે ગોળ ખાતો હતો. પહેલાં મેં છોડી જોયો. જાતઅનુભવે સમજ્યા બાદ એને કહ્યું. હવે એ જરૂર માનશે.
હજુ કેટલાક રસપ્રદ આંકડા આ સંદેશામાં છે. આપણને સૌને રસ પડે અને પ્રોત્સાહક થઇ પડે એવા આ આંકડા છે. શુદ્ધ ઘીનો કિલોનો ભાવ છે ૬૦૦ રૂપિયા. એની સામે તમાકુનો ભાવ છે કિલોના ૧૭૦૦ રૂપિયા. આમ આદમી શુદ્ધી ઘીના વિકલ્પ રૂપે તમાકુ પસંદ કરીને આરોગ્યને જોખમાવે છે. ગાય કે ભેંસનું દૂધ પચાસથી સાઠ રૂપિયે લિટર મળે છે. બીજી બાજુ દેશી વિદેશી શરાબનો લિટરનો  ભાવ સાડા છસોથી સાતસો રૂપિયા છે. અહીં લઠ્ઠા કે ગટરિયા દારુની વાત નથી, બ્રાન્ડેડ શરાબની વાત છે એે ધ્યાનમાં રહે. 
એક બહુ જાણીતું વાક્ય છે- એન એપલ અ ડે કીપ્સ ડૉક્ટર અવે. રોજ એક સફરજન ખાઓ તો સાજા સારા રહો, ડૉક્ટરની જરૂર ન પડે. સફરજનનો ભાવ છે કિલોએ સોથી સવાસો રૂપિયા. એની સામે સુગંધી સોપારીનો ભાવ છે કિલોના છસો રૂપિયા. 
બજારમાં આંટો મારો તો જાણવા મળે કે સફરજન કરતાં સડેલી અને સુગંધ તથા સેકેરિન ઉમેરવાથી મીઠ્ઠી લાગતી સોપારી વધુ વેચાય છે. આ તો માત્ર ચાર પાંચ દાખલા છે. આવી બીજી ઘણી વિગતો રોજબરોજના જીવનમાં નોંધી શકાય. એક તરફ છે તંદુરસ્તી, બીજી તરફ છે ડૉક્ટર અને દવાઓનાં તગડાં બિલ. 
એક પલ્લામાં છે સ્વાસ્થ્ય અને બીજામાં છે સ્વાસ્થ્ય સામે ખતરો. ગંભીર માંદગી. નક્કી તો દરેકે પોતે કરવાનું હોય છે કે શું પસંદ કરવું, શુભ યા અશુભ, આરોગ્યદાયક ચીજ કે બીમારીને આમંત્રણ ? વિચારજો અને તમને ગમે તો અમલમાં મૂકજો. ગાંધી બાપુને તમારો નિર્ણય ગમે એવો નિર્ણય લેજો.