શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018


માનવ-માનુષનો ચેક રીપબ્લીક જૂનિયર ડબલ્સમાં સિલ્વર મેડલ


ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અને માનુષ શાહે ચેક રીપબ્લીક જૂનિયર સર્કિટ ટેબલ ટેનિસમાં અનુક્રમે જૂનિયર અને કેડેટ કેટગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ફાઇનલમાં માનવ- માનુષની જોડીનો ચીનની ડબલ્સ ટીમ ચીનબિંગ અને યુ હેઇની સામે ૧૨-૧૪, ૮-૧૧, ૧૧-૯, ૧૧-૧૩ થી પરાજય થયો હતો. માનવ જૂનિયર બોયસમાં વર્લ્ડ નંબર વન છે. જો કે ફાઇનલમાં પરાજીત રહેલા માનવ-માનુષે સેમિ ફાઇનલમાં અબ્દેલ અઝીધ- રોસી કાકનો (ઇજીપ્ત-ઇટાલી)ની જોડીને ૧૧-૮, ૧૧-૬, ૧૧-૬ થી હરાવી અપસેટ સર્જ્યો હતો કેમ કે આ જોડી વર્લ્ડ નંબર ત્રણ છે.
ગૌરવની વાત એ છે કે ભારતની માનવ-માનુષની જોડીના બંને ખેલાડીઓ ગુજરાતના છે. આ બંનેએ જ આઇટીટીએફ સર્કિટ ૨૦૧૭માં વર્લ્ડ જુનિયર સર્કિટ કેડેટ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપ્ટેમ્બરમાં સ્લોવેનિયા ઓપન જુનિયર-કેડેટમાં પણ તેઓ ચેમ્પિયન બન્યા હતા.


અમદાવાદથી જામનગર વચ્ચેની ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સનો આજથી પ્રારંભ


-મુખ્યમંત્રી વિજય રૃપાણી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાવશે

-આગામી સમયમાં દીવ, મુન્દ્રાની ફ્લાઇટ પણ શરૃ થશે
અમદાવાદથી જામનગરનું ૩૫૧ કિલોમીટરનું અંતર રોડ મુસાફરી દ્વારા કાપવામાં સામાન્ય રીતે ૬ કલાકનો સમય થતો હોય છે. પરંતુ હવે માત્ર સવા કલાકમાં અમદાવાદથી જામનગર પહોંચી જવાશે. કેમકે, કેન્દ્ર સરકારની યોજના 'ઉડે દેશ કા આમ નાગરિક' (ઉડાન) હેઠળ ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સ હેઠળ શનિવારથી અમદાવાદ-જામનગરની ફ્લાઇટનો પ્રારંભ થશે.