શુક્રવાર, 19 એપ્રિલ, 2019


દેશ સહિત દુનિયાભરમાં આજે ગુડ ફ્રાઈડેની ઉજવણી

આજના દિવસે પ્રેમ, ક્ષમા અને કરૂણાનો સંદેશ આપનાર ઈસામસીને સુડીએ ચડાવાયા હતા. પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે ઉપર ઈસામસીને યાદ કર્યા હતા.
દેશ સહિત દુનિયાભરમાં આજે ગુડ ફ્રાઈડેની ઉજવણી થઈ રહી છે. ચર્ચમાં આજે પ્રાર્થના સભા આયોજિત થઈ રહી છે. આજના દિવસે પ્રેમ, ક્ષમા અને કરૂણાનો સંદેશ આપનાર ઈસામસીને સુડીએ ચડાવાયા હતા. પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે ઉપર ઈસામસીને યાદ કર્યા હતા.


આજે વર્લ્ડ હેરિટેજ ડે


 
આજે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવશે, પરંતુ હેરિટેજ સંબંધિત જાણકારી છે, ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યા બાદ પણ પોળ વિસ્તારમાં રહેલા કેટલાક લોકોને આજે પણ તેમનું મકાન હેરિટેજ દરજ્જો ધરાવે છે તેવી જાણકારી નથી. વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ વધારો થયો છે પરંતુ આજે પણ હેરિટેજ વૉકમાં કેટલાક એવા સ્થાપત્યો છે. જેને હેરિટેજ વૉકમાં સ્થાન આપવામાં આવતું નથી. જેના કારણે સામાન્ય લોકો હેરિટેજની સંપૂર્ણ જાણકારી મેળવવામાં અસમર્થ રહે છે. ઉપરાંત હેરિટેજ સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા કેટલાક લોકોનું માનવું છે કે વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા પછી હેરિટેજ દર્શન વ્યાપાર બન્યું છે.
જૂના સમયમાં અમદાવાદ કાપડ, કિનખાબ અને ગળીના ઉદ્યોગ માટે જાણીતું હતું, અહીંની કલા-કારીગરી જગવિખ્યાત હતી અને કિનખાબની માગ પરદેશમાં પણ રહેતી હતી.
વેપાર કરવાની છૂટ મેળવવા માટે મોગલ સમ્રાટ સમક્ષ રજૂઆત કરવા આવેલા વલંદાઓના પ્રતિનિધિ સર ટોમસરોએ પણ અમદાવાદમાં નિવાસ કરેલો અને ફુવારા પાસે 'વલંદાની હવેલી'ના નામે જાણીતી મોટી ઇમારત હતી, જે પડી જવાથી નાશ પામી છે.
૧૯૪૬ સુધી બીજા વિશ્વયુદ્ધના કારણે પેટ્રોલની તંગી હતી અને ૧૯૪૭માં જ્યારે શહેરમાં બસ સેવા શરૃ થઇ ત્યારે પણ પેટ્રોલ મર્યાદિત જથ્થામાં મળતું હોવાથી, પ્રથમ ખાનગી બસોમાં કોલ-ગેસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શહેરીજનોને સસ્તા દરે મુસાફરીની સવલત આપવા માટે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશની સૌપ્રથમ સરકારી બસ સેવાની શરૃઆત કરી હતી.
શહેરની પોળમાં ૨૨૩૬ હેરિટેજ મકાનો, ૪૪૯ મંદિર - મસ્જિદ - દરવાજાઓ આવેલા છે. જેને જોવા માટે વિદેશી પ્રવાસીઓની સરેરાશ વાર્ષિક સંખ્યા ૧.૩૮ લાખ છે. જ્યારે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા ૭૪ લાખ જેટલી છે.
શહેરની આસપાસ હેરિટેજ સ્થાપત્યોમાં સમાવેશ કરી શકાય તેવી ૨૦ જેટલી વાવ આવેલી છે, પરંતુ પાંચ જેટલી વાવ સિવાય મોટાભાગની વાવની હાલત કફોડી છે. વાવનું સંવર્ધન યોગ્ય રીતે કરવામાં આવતું નથી, ઉપરાંત લોકોમાં જાગૃતિ ન હોવાથી વાવનો ઉપયોગ ડમ્પયાર્ડ તરીકે કરે છે.
ગુજરાત વર્નાક્યુલકર સોસાયટી દ્વારા ૧૮૫૦ અને ૧૮૫૧માં ત્રણ કન્યાશાળાઓ શરૃ થઇ હતી, અને ૧૮૭૦માં ફિમેલ ટ્રેનિંગ કોલેજ શરૃ થઇ હતી.
કર્ણાવતી નગરની સ્થાપના ૧૦૯૪માં થઇ હતી. તે પહેલા શહેરનું નામ આશાપલ્લી હતું. આશાપલ્લી નામ આશા ભીલ પરથી રખાયું હોવાની વાયકા છે.
૧૯૫૬નાં દુષ્કાળમાં માત્ર અમદાવાદ શહેરના જ ૩૨,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, જેથી તેને છપ્પનીયોકાળ તરીકે પણ ઓળખાય છે.
૧૬૧૮માં શહેનશાહ જહાંગીરના માતા જોધાબાઇ અને અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વહાણો અંગ્રેજ વેપારીઓ અને ચાંચિયાઓએ લૂટયાં હતાં.


દમણનો જૂના પુર્તગીઝ ફોર્ટ અને ચર્ચ અત્યારે પણ પર્યટકોને આકર્ષિત કરે છે

દમણ એટલે એવી પર્યટન જગ્યા કે જ્યાં વર્ષે દહાડે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે.દમણમાં આવેલી અનેક ઐતિહાસિક જગ્યાઓ પર્યટકોને અહીં ખેંચી લાવે છે. દમણનો જૂના પુર્તગીઝ ફોર્ટ અને ચર્ચ અત્યારે પણ પર્યટકોને આકર્ષિત કરે છે. સાથે પુર્તગીઝોનો કિલ્લો કે જેની ચારે બાજુ ફરી શકાય છે. આ કિલ્લા પરથી મોટી અને નાની દમણને નિહાળી શકાય છે. કિલ્લા પર આવેલી પુર્તગીઝ સમયની તોપ અત્યારે પણ છે. આ સાથે 450 વર્ષ જૂની દમણ નગરપાલિકાને જોવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે દિવસે પ્રવાસન સ્થળ દમણમાં આવેલી અનેક હેરિટેજ સાઈટોને નિહાળવા જેવી છે.


આજે વર્લ્ડ બાયસિકલ ડે: સાયકલ સાથે જોડાયેલો છે ભાવનગરનો રસુપ્રદ ઇતિહાસ

1943ની 19મી એપ્રિલે અંગ્રેજ ઘાયલ વૈજ્ઞાનિક હોક મેનને બ્રિટનમાં યુધ્ધના સમયે અન્ય વાહન પર પ્રતિબંધ હતો તે સમયે સાયકલ પર હોસ્પિટલ લવાયેલ અને તેનો જીવ બચી ગયો હતો. સાયકલ એમ્બ્યુલન્સ યાત્રાના આ દિવસને વિશ્વના દેશો 'બાયસીકલ ડે' તરીકે ઉજવે છે. સાયકલ સાથે ભાવનગરનો પણ રસપ્રદ ઇતિહાસ ધરોબાયેલ છે.

આજે બાયસીકલ ડે ભાવનગરનો બાયસીકલનો એક આગવો ઇતિહાસ છે. સાયકલ ઉપર લાઇટના કાયદા અંગે સત્યાગ્રહ થયો હોય અને તેમા સત્યાગ્રહીની કાયદાકીય રીતે જીત થઇ હોય તે ભારતભરની ઐતિહાસિક ઘટના છે. 1950થી 1970એ બે કાયદા સાયકલનો સુવર્ણ ઇતિહાસ રહ્યો છે.

ભાવનગરમાં સાયકલના લાયસન્સ અને સાયકલ પર બત્તી રાખવા અંગેનો એક ઐતિહાસિક બનાવ છે. મુંબઇ પોલીસ એક્ટ મુજબ આજે પણ સાયકલ ઉપર લાઇટ હોવાનો કાયદો છે પણ તેનું અમલીકરણ હવે હેલમેટના કાદા જેવું છે. 1950 થી 1970ના બે દાયકામાં સાયકલ પર લાઇટના કાયદાનું કડક રીતે પાલન કરવામાં આવતું હતુ. લાયસન્સ વગરના સાયકલ સવારને પોલીસ પકડી નામ લખતી અને બીજે દિવસે કોર્ટમાં દંડ થતો આ માટે ઘણા સાયકલ સવારો પાછલા વ્હીલ પર ફીટ કરેલો ડાયનામો ચલાવી આગળ લાઇટ રાખતા તો વળી કેટલાક લોકો કેરોસીનવાળુ ટમટમીયુ રાખતા.

આ કાયદા અંગે 1964માં એક રસપ્રદ ઘટના બની હતી. શહેરના ગાંધીવાદી સજ્જન જયંતીભાઇ કાપડીયા સાયકલ પર લાઇટના કડક કાયદાનું કડક અમલ કરતા. એક દિવસ રાત્રે દુકાન વધાવી ઘરે સાયકલ પર પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસે અટકાવી સાયકલ પર લાઇટ ન હોવાનું જણાવી નામ લખ્યું હતુ. જયંતીભાઇએ દલિલ કરી કે સાયકલ પર કેરોસીન પુરેલુ ટમટમીયુ નહીં પરંતુ ફાનસ લટકાવ્યું છે તેનો પ્રકાશ વધારે પડે. જો કે, પોલીસે દલિલ ન સાંભળી કેસ કરી નાખ્યો હતો.

બીજા દિવસે કોર્ટમાં જયંતીભાઇએ મેજીસ્ટ્રેટ સામે જાતે ઉભા રહી દલિલો કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જજ શૈલતએ તેમની દલિલ ગ્રાહ્ય રાખી કોઇપણ દંડ વગર જવા દીધા હતા. ત્યારપછી આ જયંતીભાઇ કાપડીયા સાયકલ ચલાવી ત્યાં સુધી ફાનસ લટકાવીને ચલાવતા રહ્યા.

બાયસીકલના કાયદાકાળ દરમિયાન બત્તીના કાયદા ભંગના સૌથી વધુ કેસ ભાવનગરના ડોન-ડાયમંડ ચોકમાં નોંધાયેલા કારણ કે તે સમયે ભાવનગર ગામતળમાં વસતા લોકો શનિ-રવિ અને રજાના દિવસોમાં ઉજાણી કરવા ઘોઘાસર્કલ આવતા અને પરત ફરતા અંધારૃ થઇ જતા બત્તીના કેસ નોંધાતા. આમ તે સમયે સાયકલ એટલે કે બાયસીકલ પ્રતિષ્ઠા અને ગૌરવનો મુદ્દો રહેતી.

કૃષ્ણકુમારસિંહજીએ પોતાના વૈદ્યને પીતળના હેન્ડલવાળી સાયકલ ભેટ આપી હતી

સાત દાયકા પહેલા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમની તબીબી સેવા કરનાર કમ્પાઉન્ડર ડો.ભાણજીભાઇ વૈદ્યને શષ્ટકોણ પિતળના હેન્ડલવાળા સાયકલ ભેટ આપેલ. ડો.ભાણીજીભાઇ એ 36 વર્ષ સુધી પોતાના વિરભદ્ર અખાડા પાસેથી નિલમબાગ પેલેસ સુધી રોજ જવા આવવામાં આ સાયકલનો ઉપયોગ કરતા તેઓ માત્ર 15 મીનીટમાં નિલમબાગ પહોચતા આ ઉપરાંત ભાવનગરમાં સો વર્ષ કરતા પણ જુની સાયકલ વિરભદ્ર અખાડાવાળા મધુભાઇ શાહ પાસે છે. તેઓ નિવૃત થયા પછી પણ 14 વર્ષથી રોજ સાયકલ લઇને દરબારગઢ ખાતે એસબીઆઇના ફોરેન એક્સચેઇજ ડીપાર્ટમેન્ટમાં એકપણ રૂપિયાનું વેતન લીધા વગર સેવા આપવા જાય છે.

બળદગાડુ તૂટયા બાદ હનુમાનજીની મૂર્તિ ટસની મસ ન થતા અહીં જ સ્થાપના થઈ

 

- 100 વર્ષ પુરાણા પાઘડીવાળા સંકટમોચન

- ખેરગામ નજીકના રૂમલા ગામે મંદિરમાં દર શનિવારે રાતે ત્રણ કલાક નિયમિત ભજનો ગવાય છે


ખેરગામ સમીપના રૂમલા ગામે સો વર્ષથી વધુ પુરાણા પાઘડીવાળા સંકટ મોચન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થશે. લોકવાયકા મુજબ, બળદગાડામાં હનુમાનજીની અને અન્ય મૂર્તિઓ લઈ જતા હતા ત્યારે આ મંદિરની જગ્યાએ બળદગાડાનો આક તૂટી જતા મૂર્તિઓને ઉંચકીને બીજા બળદગાડામાં મુકવા માટે અનેક પ્રયત્નો થયા પણ આ સંકટ મોચન મૂર્તિ ટસની મસ ન થતા ભક્તોએ આ જ જગ્યાએ સવાસો એક વર્ષ પહેલા નાનકડુ મંદિર બનાવેલ અને તેની ભક્તિભાવથી પૂજા - અર્ચના કરતા આવ્યા છે.
રૂમલા ગામના ગ્રામજનોએ ભેગા થઈ આ મંદિરનો તા. ૨-૬-૧૯૯૨ ના દિને પુનર્નિર્માણ કરી ભગવાન શિવ-પાર્વતી અને રામ-લક્ષ્મણ-જાનકીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ મનાવ્યો. અગ્રણીઓની દેખરેખથી આ મંદિર સંકુલ સુંદર બનાવાયું છે, જેમાં શિવજીની તામ્રવર્ણી ઘણી ઉંચી પ્રતિમા પણ મુકાયેલી છે.
દર શનિવારે રાત્રે ત્રણ કલાકના નિયમિત ભજનો ગવાય છે. શ્રાવણમાં પહેલા સાત દિવસની ને હવે ત્રણ દિવસીય ભજન સપ્તાહ થાય છે. જેમાં ગામની ૧૯ થી વધુ ભજન મંડળીઓ ઉત્સાહથી ભજનો ગવાય છે.
ગુજરાતમાં અને કદાચ દેશમાં પણ પાઘડીવાળા હનુમાનજીનું એકમાત્ર સ્થાનક રૂમલા ગામમાં જ છે, જેનું સત્ હોય દક્ષિણ ગુજરાતમાંથી બજરંગ બલીના ભક્તો દર્શન કરવા પૂજા-અર્ચન માટે આવે છે અને દાન પ્રવાહ પણ વહાવડાવે છે. હનુમાન જયંતિ નિમિત્તે શુક્રવારે સવારે ૧૧ થી વધુ દંપતિઓ યજ્ઞામાં ભાગ લેશે. મહા આરતી થશે અને ત્યારબાદ સેંકડો હનુમાન ભક્તો મહાપ્રસાદ લેશે. સાંજે ભક્તિસંગીતની રંગત જામશે.

આજે હનુમાન જયંતિ : મંદિરોમાં મહાઆરતી, સુંદરકાંડના પાઠનું વિશિષ્ટ આયોજન


Image result for hanuman jayanti


મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે તેવા હનુમાનજીની જયંતિ આવતીકાલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં આસ્થાપૂર્વક ઉજવવામાં આવશે. પવનપુત્રની જયંતિ નિમિત્તે આવતીકાલે વહેલી સવારથી મોડી રાત સુધી હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. મંદિરોમાં હનુમાન ચાલિસા, સુંદરકાંડના પાઠ, મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે ચૈત્ર પૂર્ણિમા છે ત્યારે આ દિવસ હનુમાન જયંતિનો, પિતૃકૃપા મેળવવાનો છે. ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે શક્તિપીઠ સહિતના માઇમંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટશે. બીજી તરફ બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન માટે ગુરુવારે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોનું આગમન શરૃ થઇ ગયું છે. સાળંગપુરમાં દર વર્ષની જેમ આ વખતે પણ હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે હનુમાનજીની મૂર્તિનો અભિષેક, દાદાનું સમૂહયજ્ઞા પૂજન, દાદાના ભવ્ય અન્નકૂટ દર્શન, સુંદરકાંડના પાઠ યોજવામાં આવશે.

શાસ્ત્રવિદોના મતે હનુમાનજીની ઉપાસના અનેક રીતે ફળદાયી છે. હનુમાન ચાલિસા, સંકટમોનચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપથી પણ બજરંગબલીની કૃપા વરસે છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે.