બુધવાર, 11 એપ્રિલ, 2018


ધોલેરામાં ૫૦૦ મેગાવૉટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક સ્થપાશે
 Image result for The,world's,largest,solar,park,in,500,MW,of,Dholera,will,be,set,up,
- મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ
- ૨૦ હજારથી વધુ યુવાનોને રોજગારી મળશે ૨૫ હજાર કરોડનું જંગી મૂડીરોકાણ થશે
ધોલેરા SIR માં વિશ્વનો સૌથી વિશાળ એટલે કે ૫૦૦ મેગાવોટનો સોલાર પાર્ક સ્થપાશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા આ પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઇ છે. પર્યાવરણ પ્રિય ગ્રીન ફિલ્ડ ટેકનોલોજી આધારીત વિકાસમાં સોલાર પાર્ક પુરક બનશે. ધોલેરા ઇન્ટરનેશનલ સિટી અને આસપાસનાં વિસ્તારોમાં મેન્યુફેકચરીંગ ફેસીલીટીઝની સંપૂર્ણ સપ્લાય ચેઇનની તકો ખુલશે.

વડાપ્રધાને ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગા વોટ ઉર્જાનું બિન પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદન કરવાનો જે મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ગુજરાત આ વિશાળ સોલાર પાર્ક દ્વારા મુખ્યમંત્રીનાં માર્ગદર્શનમાં પ્રદાન કરાશે. ધોલેરા એસઆઈઆર પર્યાવરણ પ્રિય ગ્રીન ફિલ્ડ ટેકનોલોજી આધારીત વિકસીત થવાનો છે. તેમાં આ સોલાર પાર્ક પૂરક બનશે. ધોલેરા એસઆઇઆરમાં ખંભાતના અખાતમાં ૧૧૦૦૦ હેકટરમાં આકાર પામનારા આ સોલાર પાર્કમાં રૃ. ૨૫ હજાર કરોડનું અંદાજીત જંગી રોકાણ થવાની શક્યતા છે.

સરકારનો દાવો છે કે આ સોલાર પાર્કને પરિણામે ૨૦ હજારથી વધુ લોકોને રોજગારીનો અવસર મળશે એટલું જ નહીં, ધોલેરા ઇન્ટરનેશનલ સિટી અને આસપાસનાં વિસ્તારોમાં મેન્યુફેકચરીંગ ફેસીલીટીઝની સંપૂર્ણ સપ્લાય ચેઇન માટે મોટી તકો ઉપલબ્ધ બનશે. પ્રાથમિક અભ્યાસોમાં સોલાર ઉર્જાના ઉત્પાદન માટે અહીં વિશાળ સંભાવના દર્શાવાઈ છે.

આ પાર્કમાં સસ્ટેનેબિલિટી, રોજગાર સર્જન તથા ૧૭૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના સર્જનના ભારતનાં લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટેની કામગીરી થશે. ગુજરાતે ધોલેરામાં વિશ્વની સૌથી મોટી ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું નિર્માણ કરવા માટે દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર સાથે સરકારે ભાગીદારી કરી છે.

મુખ્યમંત્રીએ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં સોલર પાર્ક, વિન્ડ પાર્ક તેમજ અદ્યતન એરપોર્ટના નિર્માણ માટેનાં વિવિધ વિકાસલક્ષી વિષયો અંગે યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.



કોમનવેલ્થ 2018માં શુટીંગમાં મિથરવાલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Image result for mitharwal won bronze medal

- ભારત અત્યાર સુધી મેળવ્યા 11 મેડલ

કોમનવેલ્થ  2018ના સાતમા દિવસે ભારત માટે ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મિથરવાલનો આ બીજો મેડલ છે. આ અગાઉ તેણે 10 મીટર સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ 201.1ના સ્કોર સાથે બ્રોન્ઝ પર કબ્જો જમાવ્યો.

આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઓસ્ટ્રેલિયાના ડેનિયલ રેપાચોલીએ મેળવ્યો. તેણે 227.2નો કુલ સ્કોર કરીને ગેમ રેકોર્ડ બનાવ્યો. જ્યારે સિલ્વર મેડલ બાંગ્લાદેશના શકીલ અહેમદે મેળવ્યો જેણે 220.5નો સ્કોર કર્યો. ભારતને આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 11 ગોલ્ડ મળ્યા છે. જ્યારે 4 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ સાથે ભારતને મળેલા કુલ મેડલ્સની સંખ્યા 22 થઈ ગઈ છે. મેડલ ટેલીમાં ભારત હજુ પણ ત્રીજા સ્થાને છે. સાતમા દિવસે ભારતને બોક્સરો પાસેથી મેડલની આશા છે.



ભારતની સ્વતંત્રતામાં સશસ્ત્ર ક્રાંતિકારીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા : મોહન ભાગવત

- સરદારસિંહ રાણાની વેબસાઇટના લોન્ચિંગમાં RSSના સરસંઘચાલકનું ઉદ્બોધન
- ગોળી- પિસ્તોલવાળા તમામ લોકોને એક ત્રાજવે તોલવા જોઇએ નહીં, દેશકાળની પરિસ્થિતિ મુજબ કાર્ય કરવું પડ
સ્વ. સરદારસિંહ રાણાએ કોઇ અંગત સ્વાર્થ વિના દેશ માટે જીવન સમર્પિત કર્યું હતું. ભારતને માત્ર એક માધ્યમથી જ સ્વતંત્રતા મળી છે તેમ કહેવું સહેજપણ યોગ્ય નથી. સત્ય ક્યારેકને ક્યારેયક છાપરે ચડીને બોલે જ છે. સશસ્ત્રચારીઓએ પણ ભારતની સ્વતંત્રતામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. શસ્ત્રચારના માર્ગમાં જે લોકો હતા તેમની પણ સંખ્યા ઓછી નહોતી અને તેઓ ભારતના ખૂણે-ખૂણે હતા તેમ રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે આજે અમદાવાદ ખાતે ક્રાંતિવીર સરદારસિંહ રાણાની વેબસાઇટ લોન્ચિંગના સમારોહમાં જણાવ્યું છે.

અમદાવાદમાં પંડીત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આજે ભારતની સ્વતંત્રતામાં મહત્વનું યોગદાન આપનારા સરદારસિંહ રાણાની વેબસાઇટ www.sardarsinhrana.com નું મોહનરાવ ભાગવત દ્વારા  લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મોહનરાવ ભાગવતે જણાવ્યું હતું કે, 'આપણે સ્વતંત્રતા મેળવી છે ત્યારે હવે સ્વતંત્રતા મેળવવાથી શું પ્રાપ્ત કર્યું તે પણ વિચારવાનું છે. અગાઉ એમ જ માનવામાં આવતું કે આપણા તમામ દુ:ખનું મૂળ અંગ્રેજો જ છે. પરંતુ માત્ર અંગ્રેજોના જવાથી આપણા દુ:ખ દૂર થવાના નથી તેમ લોકો ધીરે-ધીરે અનુભવતા થયા છે.

આપણે ભારતને વિશ્વને નેતૃત્વ પૂરું પાડતું રાષ્ટ્ર બનાવીશું તો જ આપણું જીવન સુખી બનશે. ક્રાંતિવીર સરદારસિંહ રાણાની વેબસાઇટની શરૃઆત કરવી તે પ્રસંગ પુણ્ય સ્મરણ સમાન છે. ભારતની સ્વતંત્રતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્ય કર્યું છે તેમના સ્મરણથી રાષ્ટ્રભાવનાની ચોક્કસ વૃદ્ધિ થશે. ૧૮૫૭ના સ્વતંત્ર સંગ્રામ બાદ ભારતના ભાગ્યોદયનું કાર્ય પૂરજોશમાં થયું હતું. આઝાદી માટેની લક્ષ્યાંક એક હતું પરંતુ તે રાજનૈતિક, સામાજીક સુધારા, મૂળ તરફ પાછા ફરીને પોતાના વિચાર તરફ આગળ વધીને અને છેલ્લે સશસ્ત્ર ક્રાંતિ કે શસ્ત્રાચાર એમ ચાર માર્ગ દ્વારા સિદ્ધ થયું છે.

આજે શરૃ કરાયેલી વેબસાઇટ દ્વારા ક્રાંતિકારીઓ કેવા હતા તેમના મિજાજનો પરિચય થાય છે. ગોળી, પિસ્તોલવાળા તમામ લોકોને એક ત્રાજવે તોલવા જોઇએ નહીં. દેશકાળની પરિસ્થિતિ મુજબ  કાર્ય કરવું પડતું હોય છે. દેશ માટે કઇ રીતે જીવવું તેના માટે સ્વ. સરદારસિંહ રાણાનું જીવન પ્રેરણા સમાન છે. તેમણે દેશ માટે જીવન સમર્પિત કર્યું હતું પરંતુ તેમનામાં અહંકાર નહોતો. આજે લોકો ત્રણ મહિના દેખાડો કરવા માટે સારું કામ કરીને સરકાર સમક્ષ તામ્રપત્ર માટે દાવેદારી નોંધાવે છે. સ્વ. સરદારસિંહ રાણાનું એકમાત્ર લક્ષ્યાંક નિ:સ્વાર્થ ભાવના સાથે દેશ હિતનું હતું. અંગ્રેજો સામે આઝાદીની લડત વખતે વિદેશમાં રહીને સશસ્ત્ર ક્રાંતિ માટે સંખ્યાબંધ ક્રાંતિકારીઓને સરદારસિંહ રાણાએ તૈયાર કર્યા હતા. '  

આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલમેયર ગૌતમ શાહ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ રાણા, દિગ્વિજયસિંહ રાણા, પ્રતાપસિંહ રાણા, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, આઇ.કે.જાડેજા, જયંતિ ભાડેસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું કે, 'ઘણા લોકો સરદારસિંહના યોગદાનથી અજાણ છે, તેમના માટે આ વેબસાઇટ ખૂબ જ ઉપયોગી રહેશે. પોતાના જીવનકાળના લગભગ ૫૦ વર્ષ ભારત બહાર રહીને દેશની આઝાદી માટે લડત ચલાવવી તે અસાધારણ કાર્ય છે. '

૧૯૦૭માં જર્મનીમાં ફરકાવાયેલો તિરંગો રજૂ કરાયો

આજે વેબસાઇટ લોન્ચિંગના સમારોહ દરમિયાન ૧૯૦૭માં જર્મનીમાં મેડમ કામાએ સરદારસિંહ રાણા સાથે જે સૌપ્રથમ તિરંગો બનાવીને ફરકાવ્યો હતો તેના ત્રણ સેટમાંથી એક તિરંગો પણ વિશેષ આકર્ષણ તરીકે મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરદારસિંહ રાણા ક્રાંતિકારી ચળવણના અનસંગ હીરો છે. શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા સાથે મળીને તેમણે ક્રાંતિકારી ચળવળ શરૃ કરી હતી. ભારતમાં બોમ્બ, પિસ્તોલની ક્રાંતિ માટે આ ત્રિપુટીનો મોટો ફાળો હતો. તેમના દ્વારા શરૃ કરાયેલી સ્કોલરશીપ યોજનાનો વીર સાવરકર સહિત અનેક લોકોએ લાભ મેળવ્યો હતો.