ગુરુવાર, 5 એપ્રિલ, 2018


૫૭ વર્ષ અગાઉ પંડિત નહેરૃએ નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કર્યુ હતું


- ભરૃચ જિલ્લાના નવા ગામ ખાતે તા.૫-૪-૧૯૬૧ના રોજ
- વિવિધ સરકારોને નર્મદા યોજના પૂરી કરતા ૫૬ વર્ષ, પાંચ મહિના અને ૧૨ દિવસ થયા
સરદારસરોવર નર્મદા યોજનાનું ખાતમુહુર્ત તા.૫-૪-૧૯૬૧ના રોજ એટલે કે ૫૭ વર્ષ પહેલા પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નહેરૃના હસ્તે નવાગામ ખાતે કરાયું હતું.  ૧૯૪૭માં નર્મદા યોજનાનું મોજણી અને સંશોધન કાર્ય શરૃ કરવામાં આવેલ હતુ. નવાગામ ખાતે બંધ બાંધવા માટે પ્રથમ રજુઆત લોહ પુરૃષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી. ૧૯૬૦માં ભારત સરકાર નિયુક્ત સલાહકારોએ નવાગામ બંધ સ્થળની મુલાકાત લીધી હતી અને સરોવરની પૂર્ણ જળસપાટી ૩૨૦ ફુટની ભલામણ કરી હતી.

૧૯૭૯ જાન્યુઆરી માસમાં ડાયવરમેન ચેનલ ચાલુ કરવામાં આવી હતી. એ પછી ડીસેમ્બરમાં નર્મદા પાણી મતભેદ  ટ્રીબ્યુનલે તેનો આખરી ચુકાદો આપ્યો. આ યોજના સામે ૧૯૯૪ માર્ચમાં નર્મદા બચાવો આંદોલન દ્વારા સુપ્રિમ કોર્ટમાં રીટ પીટિશન દાખલ થઇ હતી. તા.૫મી મેના રોજ સુપ્રિમ કોર્ટે ડેમની ઉંચાઇ ૮૦.૩૦ મીટરે સ્ટે ઓર્ડર આપ્યો અને ડેમનું કામ બંધ થયુ હતું.

૧૯૯૯ ૧૯મી ફેબુ્રઆરીએ સુપ્રિમ કોર્ટે વચગાળાના હુકમમાં ડેમની ઉંચાઇ ૮૦.૩૦ મીટરથી વધારી ૮૫ મીટર કરવાની મંજુરી આપી હતી એ પછી તબક્કાવાર મંજુરી મળતા નર્મદા બંધનું  ક્રોકીટ કામ ૧૨૧.૯૨ મીટરની ઉંચાઇ સુધી કરવામાં આવેલુ હતુ. ડેમની કુલ લંબાઇ ૧૨૧૦ મીટર છે અને કુલ ૧ થી ૬૪ બ્લોક બનાવેલા છે. બ્લોક નં.૨૧ થી ૫૧માં ૩૦ ગેટ બેસાડવાની કામગીરીનો શુભઆરંભ તા.૧૨-૬-૨૦૧૪ના રોજ થયો હતો. તા.૩૧-૧૨-૨૦૦૬ના રોજથી નર્મદા બંધનું કામ બંધ હતું.

સાત વર્ષ પાંચ મહિના અને અગિયાર દિવસ કામ બંધ રહ્યા બાદ તા.૧૨-૬-૨૦૧૪ના રોજ શરૃ કરવામાં આવેલું હતું. ૬૦ ગુણ્યા ૫૫ ફુટના ૨૩ ગેટ અને ૬૦ ગુણ્યા ૬૦ ફુટના ૭ એવા કુલ ૩૦ ગેટ બનાવવામાં આવ્યા છે. આ ૩૦ ગેટનું વજન ૧૩૦૦૦ મેટ્રીક ટન છે. રેડીયલ ગેટ બનાવવા માટે ૧૯૯૪-૯૫માં ૪૦ કરોડના ખર્ચે સ્ટીલ ખરીદ કરવામાં આવેલુ હતું.  તા.૧૭-૬-૨૦૧૭ના રોજ નર્મદા યોજનાના દરવાજા બંધ કર્યા હતા. તા.૧૭-૯-૨૦૧૭ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમનું લોકાર્પણ કર્યુ હતું.  વિવિધ સરકારોને આ યોજના પુરી કરતા ૫૬ વર્ષ પાંચ મહિના અને ૧૨ દિવસ થયા છે.