રવિવાર, 26 ઑગસ્ટ, 2018

પોરબંદર 1028 વર્ષનું થયું- નારિયેળી પુનમ રક્ષાબંધનને દિવસે



  • આજે પોરબંદર એક હજાર અને અઠ્ઠાવીસ વર્ષનું થયું! પોરબંદરનો આજે ૧૦૨૯મો સ્થાપના દિન છે.
  • યોગાનુયોગ એ છે કે ઘૂમલીના જેઠવા વંશના સ્ટેટ પોર્ટ તરીકે ઈ.સ. ૯૯૦ની શ્રાવણી પૂનમે પૌરવેલાકુળની સ્થાપના થઈ અને
  • બરાબર ૭૯૫ વર્ષ પછી ઈ.સ. ૧૭૮૫ની શ્રાવણી પૂનમે રાજધાની તરીકે પોરનું તોરણ બંધાયું! બન્ને પ્રસંગો શનિવારે સવારે બન્યા છે!
 
૧૭૮૫થી ૧૯૪૮ સુધીના ૧૬૩ વર્ષ જેઠવા વંશની રાજધાની તરીકે રહીને ફેબુ્રઆરી ૧૯૪૮માં પોરબંદર રાજ્યનું વિલીનીકરણ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયું. આ પછી ૩૦મી સપ્ટેમ્બર ૧૯૪૯થી પોરબંદર નગરપાલિકા કામ કરતી થઈ. નગરપાલિકાના ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ શહેરના બાહોશ વકીલ પી.ડી. કક્કડ સાહેબ હતા. યાદ રહે નગરપાલિકાનો આરંભ તો ૧૮૮૭થી થઈ ગયો હતો પણ ત્યારે રાજ્ય દ્વારા નિમાતા પ્રમુખ હતા. ચૂંટાતા પ્રમુખો નહિં.
 
પોરબંદર નગરપાલિકાના નિમણુંક પામેલા પ્રથમ પ્રમુખ વાડિયા હતા. ૧૯૮૭માં નગરપાલિકાની શતાબ્દી પણ ઉજવાઈ હતી. ૧૯૫૦માં સીટી બસ શરૃ થઈ, સરદાર પટેલના હાથે કીર્તિમંદિરનું ઉદઘાટન થયું અને રૃપાળીબા મહિલા બાગ ખુલ્લો મુકાયો.
 
૧૯૫૪ના યાદગાર ત્રણ પગલાં તે આર્યકન્યા ગુરુકુળના સંચાલન હેઠળ મહિલા કોલેજનો શિલાન્યાસ, દરિયા મહેલમાં રાજમાતા રામબાના સ્મરણમાં શિક્ષણની કોલેજનો આરંભ અને આજની સ્ટેટ લાયબ્રેરીના ઉપલે મજલે ગામના વિચારવાન નાગરિકો દ્વારા થિયોસોફીકલ સોસાયટી, શ્રી સુદામા લોજની શરૃઆત.