Sunday, 31 March 2019

ગુજરાતની શૂટર ઈલાવેનિલની ગોલ્ડન સફળતા : ભારતને વધુ ચાર સુવર્ણ ચંદ્રક

 


- એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં સફળતાનો સિલસિલો જારી

- દિવ્યાંશ પનવરે ૧૦ મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો


ગુજરાતની શૂટર ઈલાવેનિલ વાલારિવને એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં વધુ સફળતા મેળવતા મહિલાઓની ૧૦ મીટરની એર રાઈફલ વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ એમ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ભારતના ૧૭ વર્ષીય શૂટર દિવ્યાંશ પનવરે મેન્સની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. દિવ્યાંશની સફળતાને પરીણામે ભારતને મેન્સ ટીમ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. આમ તાઈપેઈમાં ચાલી રહેલી એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતે વધુ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આ સાથે એશિયન એર ગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ૧૬ મેડલમાંથી ૧૦ તો ગોલ્ડ છે. ઉપરાંત ભારતીય શૂટરોએ ૪ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. 
૧૯ વર્ષની ઈલાવેનિલે આ જ ટુર્નામેન્ટમાં અગાઉ સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે પછી તેણે આજે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ૨૫૦.૫ પોઈન્ટના સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. આ ઈવેન્ટમાં તાઈપેઈની તાઈ યિંગ-શિને ૨૫૦.૨ના સ્કોર સાથે સિલ્વર મેડલથી સંતોષ માન્યો હતો. ઈલાવેનિલને માત્ર ૦.૩ પોઈન્ટના અંતરથી ગોલ્ડ મેડલ મળ્યો હતો. સાઉથ કોરિયાની પાર્ક  ૨૨૯.૧ના સ્કોર સાથે ત્રીજા ક્રમે રહી હતી. જોકે ભારતની અપૂર્વી ચંદેલા અને મેઘના સજ્જનાર ફાઈનલમા પ્રવેશવા છતાં મેડલ જીતી શક્યા નહતા. જોકે ઈલાવેનિલ, અપૂર્વી અને મેઘનાની ત્રિપુટી ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતી હતી. 
મેન્સ ઈવેન્ટમાં ભારતના ૧૭ વર્ષના દિવ્યાંશે  ૨૪૯.૭ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાઉથ કોરિયાના કિમ ડાઝિનને ૨૪૭.૪ પોઈન્ટ સાથે સિલ્વર અને તેના જ દેશના શિન મિન્કીને ૨૨૫.૫ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે દિવ્યાંશની સાથે રવિ કુમાર અને દીપક કુમારની ભારતીય મેન્સ ટીમને પણ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

Friday, 29 March 2019


જાણો શા માટે ટ્રેનની પાછળ લખેલો હોય છે X

ટ્રેનમાં તો આપણે સૌએ મુસાફરી કરી છે. ટ્રેનમાં જતી વખતે એ વાતની નોંધ પણ આપણે લેતા હોય કે તેના પર અનેક પ્રકારના નિશાન કરેલા હોય છે. આ નિશાનમાં સૌથી સામાન્ય અને દરેક ટ્રેનમાં જોવા મળતી વસ્તુ છે ટ્રેનના છેલ્લા ડબા પર લખેલો મોટો એક્સ. દરેક ટ્રેનમાં આ નિશાન જોવા મળે છે. આ નિશાન શા માટે હોય છે તેનું કારણ લોકો જાણતા નથી. ભારતમાં ચાલતી દરેક પેસેન્જર ટ્રેન પાછળ સફેદ અથવા તો પીળા રંગથી એક્સ લખેલું હોય છે. 
આ નિશાન દરેક ટ્રેન પાછળ હોય તે અનિવાર્ય છે. આ નિયમ ભારતીય રેલ્વેએ બનાવ્યો છે. આ ઉપરાંત કેટલીક ટ્રેન પાછળ એલવી પણ લખેલુ હોય છે અને એક લાલ રંગની લાઈટ પણ ચાલુ બંધ થતી હોય છે.
ટ્રેન પાછળ લખેલા એલવીનો અર્થ છે લાસ્ટ વ્હીકલ એટલે કે છેલ્લો ડબો. આ એલવી હંમેશા એક્સના નિશાન સાથે લખેલુ હોય છે. આ નિશાન કર્મચારીઓ માટે સંકેત હોય છે કે આ ડબ્બો છેલ્લો છે. જો કોઈ ટ્રેન પાછળ આ નિશાન ન હોય તો સમજી લેવું કે તે ટ્રેન કોઈ આપાતકાલીન સ્થિતિમાં છે. 
ટ્રેનની પાછળ ઝબુકતી લાઈટ કર્મચારીઓને સંકેત કરે છે કે ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ ચુકી છે. આ ટ્રેન ખરાબ વાતાવરણમાં અને રાત્રિના સમયે કર્મચારીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. જેથી કર્મચારીઓ આવતી જતી ટ્રેન વિશે જાણી શકે. 

Thursday, 28 March 2019

'મિશન શક્તિ' પર અમેરિકા ભારતના પડખેઃ અવકાશમાં સાથે મળીને આગળ વધવાની આશા વ્યક્ત કરી

ભારતના મિશન શક્તિથી દુનિયા આખી અચંબિત છે. મિસાઇલ વડે સેટેલાઇટને નિશાન બનાવવામાં ભારતને જે સફળતા મળી છે એનાથી ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તો અમેરિકાએ આ મામલે ભારત સાથે સહયોગની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ ખાતા તરફથી કહેવામાં આવ્યું છે કે તે અવકાશ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના સાથ માટે તૈયાર છે.

અમેરિકાએ કહ્યું કે સ્પેસમાં સુરક્ષાને લઇને બંને દેશો સાથે આગળ વધશે. જોકે અમેરિકાએ એવું પણ કહ્યું છે કે અવકાશમાં ભંગાર અમારી સરકાર માટે ચિંતાનો વિષય છે. અમે આ મુદ્દે ભારત સરકાર સાથે વાત કરીશું. અમેરિકાએ એમ પણ કહ્યું કે ભારત સરકાર તરફથી અવકાશી ભંગાર વિશે જે નિવેદન આપવામાં આવ્યું છે એના ઉપર પણ અમારી નજર છે.

ઉલ્લેખનીય છે કે મિશન શક્તિ અંતર્ગત ભારતે લો અર્થ ઑરબિટમાં સેટેલાઇટને ટાર્ગેટ બનાવવામાં સફળતા મેળવી છે. આ સિધ્ધિ હાંસલ કરનારો ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બન્યો છે.


Wednesday, 27 March 2019

મિશન શક્તિ: અંતરિક્ષમાં 3 મિનિટની અંદર LIVE સેટેલાઈટને નષ્ટ કર્યુ: PM મોદી
 

કેટલાક સમય પહેલા ભારતે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્પેસ પાવરના રૂપે ભારતે પોતાનું નામ નોંધાવ્યુ છે. અત્યાર સુધીદુનિયાના ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ભારત ચોથો દેશ છે. જેણે આજે આ સિદ્ધિ મેળવી છે.

આ દરેક ભારતવાસી માટે ગર્વનો વિષય છે. આપણા વૈજ્ઞાનિકોએ સ્પેસમાં 300 કિમી દૂર LEO ઑરબિટને નષ્ટ કર્યુ. આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતુ. જેને એ સેટ મિસાઈલ દ્વારા ત્રણ મિનિટમાં જ નાશ કરાયુ. મિશન શક્તિ અત્યંત કઠિન ઑપરેશન હતુ. પીએમે સ્પષ્ટ કર્યુ કે ભારત હંમેશા અંતરિક્ષમાં હથિયારોની હોડના વિરુદ્ધ રહ્યુ છે. 
ભારતે મિશન શક્તિને ત્રણ મિનિટમાં પૂર્ણ કર્યુ. એન્ટી સેટેલાઈટ એ સેટ મિસાઈલ ભારતની વિકાસ યાત્રાની દ્રષ્ટિથી દેશને નવી દિશા આપશે. આ કોઈ દેશના વિરુદ્ધ નહોતુ. આ કોઈપણ આંતરરાષ્ટ્રીય કાનૂન અથવા સંધિ સમજોતાનુ ઉલ્લંઘન કરતુ નથી. અમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા માટે કર્યો છે. એક મજબૂત ભારતનુ હોવુ ઘણુ જરૂરી છે. અમારો લક્ષ્ય યુદ્ધનો માહોલ બનાવવો નથી. 

ભારતનો 'મત્સ્યવેધ': ઉડતાં સેટેલાઈટને તોડવાનું સફળ પરીક્ષણ


-ભારતના વિજ્ઞાાનીઓએ અંતરીક્ષમાં ઉપગ્રહને ધ્વસ્ત કરી અનોખી-ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરીઃ ચાર દેશોની કલબમાં સામેલ


-સેટેલાઈટ તોડી પાડયો એ નુકસાન નથી, ભારતની સફળતા છે : સમગ્ર મિશન ૩ મિનિટમાં પૂર્ણ : જળ-જમીન-આકાશ ઉપરાંત યુદ્ધના ચોથા ક્ષેત્ર અવકાશમાં ભારતનો પ્રવેશ

 
ભારતે ૨૭મી માર્ચે અવકાશ વિજ્ઞાાન ક્ષેત્રે નવી સિદ્ધિ નોંધાવી હતી. 'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)' દ્વારા લૉન્ચ થયેલા ઉપગ્રહને ભ્રમણકક્ષામાં જ મિસાઈલ વડે તોડી પાડવામાં આવ્યો હતો.
અલબત્ત, ઉપગ્રહ તોડી પાડવો એ નુકસાન નથી, પરંતુ સિદ્ધિ છે. કેમ કે ભ્રમણકક્ષામાં ઘૂમતા અને કાર્યરત (લાઈવ) ઉપગ્રહોને પૃથ્વી પરથી કોઈ મિસાઈલ કે અન્ય ઉપકરણ દ્વારા ઉડાવી દેવાની ક્ષમતા અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશો રશિયા, અમેરિકા અને ચીન પાસે જ હતી. હવે એ ક્લબમાં ભારતનો સમાવેશ થયો છે. 
સેટેલાઈટ તોડી પાડવાનું કામ 'ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)' દ્વારા બનાવેલા મિસાઈલે કર્યું હતુ. અગાઉ ડીઆરડીઓએ બે ઉપગ્રહો 'માઈક્રોસેટ-આર' અને 'માઈક્રોસેટ-ટીડી' તૈયાર કર્યા હતા. આજે તોડી પાડેલો ઉપગ્રહ આ બે પૈકીનો એક હોવો જોઈએ. સામાન્ય રીતે ડીઆરડીઓ તેની સિદ્ધિ પોતાની પ્રેસનોટ દ્વારા રજૂ કરતું હોય છે.
પરંતુ આ મહત્ત્વની જાહેરાત ડીઆરડીઓને બદલે ખુદ વડા પ્રધાને કરી હતી. જે રીતે મહાભારતમાં અર્જૂન નીચે જોઈને ઉપર ઘૂમતી માછલીને વિંધિ બતાવે છે એ રીતે ભારતે જમીન પરથી આકાશી ઉપગ્રહનું નિશાન પાર પાડયુું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યુ હતુ કે ભારતે આજે સવારે જ પોતાના ઉપગ્રહને પોતાના સેટલાઈટ વડે તોડી પાડયો છે. એટલે કે સેટેલાઈટને ફાયર કરી શકે એવી 'એન્ટી-સેટેલાઈટ (એએસએટી)' મિસાઈલ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. પૃથ્વીની સપાટીથી ૩૦૦ કિલોમીટર ઊંચે આવેલી લૉ-અર્થ ઑરબિટ (એલઈઓ)માં આ ઉપગ્રહ ભારતે થોડા સમય પહેલા ગોઠવ્યો હતો.
આજે સવારે ડીઆરડીઓ દ્વારા જ વિકસાવાયેલા બેલેસ્ટીક મિસાઈલ દ્વારા આ ઉપગ્રહ તોડી પાડવામાં આવ્યો હતો. જમીન-જળ-આકાશ ઉપરાંત અવકાશ એ હવે માનવજાત માટે યુદ્ધનું ચોથું મેદાન છે. ભવિષ્યમાં અવકાશમાં પણ યુદ્ધ ખેલાઈ શકે છે. એ વખતે પહોંચી વળાય એ માટે આ ટેકનોલોજી ઉપયોગી છે. નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી વખતે કરેલા સંબોધન પછી વડા પ્રધાનનું આ બીજું અચાનક કરવામાં આવેલું રાષ્ટ્રજોગ સંબોધન હતું. 
ઈસરોએ જાન્યુઆરીમાં એક ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. માત્ર ૨૭૭ કિલોમીટર ઊંચે ગોઠવાયેલો એ ઉપગ્રહ ડીઆરડીઓ માટે જ હતો. ઈસરોની માફક ડીઆરીઓ પણ ભારતની સંસ્થા છે. ડીઆરડીઓનું કામ મુખ્યત્વે ભારત માટે વિવિધ મિસાઈલ્સ, ડિફેન્સ ટેકનોલોજી તૈયાર કરવાનું છે. એક સમયે ડૉ.અબ્દુલ કલામ ડીઆરડીઓના વડા હતા. એ વખતે જ ભારતે એકથી એક ચડિયાતા મિસાઈલ્સ વિકસાવ્યા હતા.
હવે ડીઆરડીઓ મોટે ભાગે મિસાઈલ્સ ટેસ્ટિંગનું જ કામ કરે છે. પરંતુ આ એન્ટી સેટેલાઈટ (ઉપગ્રહ પ્રતિકારક) મિસાઈલ દ્વારા ડીઆરડીઓએ પોતાની સફળતા સાબિત કરી દેખાડે છે. યોગાનુયોગે મિસાઈલ્સ જે ટાપુ પરથી લૉન્ચ કરવામાં આવ્યુ હતું એ ઓડિશાના કાંઠે આવેલા ટાપુને હવે 'અબ્દુલ કલામ આઈલેન્ડ (જૂનું નામ- વ્હિલર ટાપુ)' નામ આપવામાં આવ્યું છે. 
ભારત પહેલા રશિયા, અમેરિકા અને ચીન આ સિદ્ધિ મેળવી શક્યા છે. અવકાશ એ આંતરરાષ્ટ્રીય માલિકીનું ક્ષેત્ર છે. માટે ત્યાં સામાન્ય રીતે બીજા દેશના ઉપગ્રહને નુકસાન ન કરી શકાય. એ માટે વિશ્વના દેશોએ મળીને ૧૯૬૭માં 'આઉટર સ્પેસ ટ્રીટી (બાહ્યાવકાશ સંધિ)' પર સહી કરી હતી.
એ સંધિનો આ પ્રયોગ દ્વારા ભંગ નથી થયો, એવો વડા પ્રધાને દાવો કર્યો હતો. આ સંધિ પ્રમાણે કોઈ દેશે અવકાશનો ઉપયોગ લશ્કરી હેતુ માટે કરવો ન જોઈએ. કેમ કે ભારતનું આ મિશન માત્ર ટેકનોલોજી હાંસલ કરી લીધી છે એવુ દેખાડવા માટે જ હતું.
એન્ટી સેટેલાઈટએ ભારતની ક્ષમતા બહારની વાત છે: ૨૦૧૬માં નિષ્ણાતોએ કહ્યું હતું

પશ્ચિમના દેશો હંમેશા વિજ્ઞાાન-ટેકનોલોજી ક્ષેત્રે ભારતની ક્ષમતાને ઓછી આંકતા આવ્યા છે. બીજી તરફ ભારતના વિજ્ઞાાનીઓએ વારંવાર પશ્ચિમના દેશો અને તેના ટેકનોલોજી નિષ્ણાતોને ખોટા પાડી શકે એવી સિદ્ધિઓ હાંસલ કરી બતાવી છે. ભારત એન્ટિ-સેટેલાઈટ ટેકનોલોજી હાંસલ કરી શકે એ વાતમાં માલ નથી એવુ ૨૦૧૬માં 'ધ ડિપ્લોમેટ' મેગેઝિનને આપેલા ઈન્ટર્વ્યૂમાં બે નિષ્ણાતોએ કહ્યું હતુ.
માઈકલ લિસનર અને વિક્ટોરિયા સેમસન નામના એન્ટિ સેટેલાઈટના સ્પેશિયાલિસ્ટ સંશોધકોએ આ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતુ કે ભારત માટે આ ક્ષમતા બહારની વાત છે. અલબત્ત, ભારત વર્ષોથી એન્ટિ સેટેલાઈટ પર કામ કરે છે, પરંતુ એ ટેકનોલોજી ઘણી જટીલ છે, ભારત આસાનીથી સિદ્ધિ મેળવે એવી શક્યતા નથી.
વિક્ટોરિયા અને માઈકલે 'ધ સ્પેસ રિવ્યુ' મેગેઝિનમાં પણ લખેલા આર્ટિકલોમાં ભારત આ નહીં કરી શકે એવો સૂર વ્યક્ત કર્યો હતો. માઈકલે તો ૨૦૧૧માં સ્પેસ રિવ્યુમાં લખેલા લેખમાં હેડિંગ જ એવુ રાખ્યું હતુ કે એન્ટિ-સેટેલાઈટ ટેકનોલોજીએ ભારત માટે કાગળનો વાઘ છે. 
આ ટેકનોલોજીનો ઉપયોગ શું?

સેટેલાઈટ તોડી પાડવાની ટેકનોલોજી અડધી સદીથી છે. પરંતુ આજ સુધીમાં કોઈ એવો પ્રસંગ આવ્યો નથી કે જ્યારે એક દેશે બીજા દેશનો ઉપગ્રહ તોડી પાડયો હોય. માટે આ ટેકનોલોજી વારંવાર ઉપયોગમાં આવે એ પ્રકારની નથી. પરંતુ એક રીતે બ્રહ્માસ્ત્ર જેવું હથિયાર છે, જેનો સામાન્ય સંજોગોમાં ઉપયોગ ન કરવાનો હોય. ભારતે પણ આ ટેકનોલોજી કોઈ દેશનો ઉપગ્રહ તોડી પાડવા માટે નહીં પરંતુ ભારત આ સિદ્ધિ માટે સક્ષમ હોવાનું દર્શાવવા જ હાંસલ કરી છે.
વડા પ્રધાને પોતાના ભાષણમાં સ્પષ્ટતા કરી હતી કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મત્સ્યવેધથી ચિંતા કરવા જેવું નથી.  વડા પ્રધાને એટલે પોતાના વકતવ્યમાં 'ડિફેન્સિવ (સંરક્ષણાત્મક)' શબ્દ વાપર્યો હતો. ચીન પાસે આ ટેકનોલોજી એક દાયકા પહેલાથી છે, માટે ભારતે તેને આ સિદ્ધિ દ્વારા શાંતિપૂર્ણ રીતે પણ કડક સંદેશો આપ્યો છે. અવકાશના લશ્કરી ઉપયોગના વિરોધમાં ભારત છે અને હંમેશા રહેશે એવી ખાતરી પણ વડા પ્રધાને આપી હતી.
ઉપગ્રહ નથી તો કંઈ નથી

આપણને એ વાતનો ખ્યાલ ન હોય પણ આપણી રોજીંદી અનેક જરૃરિયાતો ઉપગ્રહો પૂરી કરે છે. જીપીએસ ચાલુ કરવાનું હોય કે મોબાઈલમાં લાઈવ મેચ જોવાની હોય, આફત વખતે સેટેલાઈટ ઈમેજિસથી નુકસાન તપાસવાનું હોય કે પછી દેશના રેલવે ટાઈમટેબલને સાચવવાનું હોય.. બધામા ઉપગ્રહો અનિવાર્ય છે. હવે કોઈ દેશ બીજા દેશનો ઉપગ્રહ તોડી પાડે તો મોટું નુકસાન થઈ શકે. અમેરિકી સરકારનું ૯૦ ટકા કામ ઉપગ્રહ આધારીત છે. એ રીતે ભારતમાં પણ સેટેલાઈટ્સનું મહત્ત્વ વધતું જાય છે. 
ભૂતકાળમાં રશિયા-અમેરિકા-ચીનની તોડફોડ

* સૌથી પહેલા ઉપગ્રહને તોડી પાડવાનું પરાક્રમ રશિયાએ ૧૯૬૭માં કર્યું હતું. ત્યારે રશિયાએ પોતાના એક ઉપગ્રહને બીજા ઉપગ્રહ દ્વારા ઉડાવી દીધો હતો. બીજા ઉપગ્રહને પહેલા ઉપગ્રહ સાથે અથડાવ્યો હતો. 
* રશિયાની આ સિદ્ધિથી અમેરિકાને ચિંતા થઈ હતી. માટે અમેરિકાએ ફાઈટર વિમાનમાંથી મિસાઈલ્સ ફાયર કરીને પોતાનો ઉપગ્રહ તોડી બતાવ્યો હતો. 
* કૉલ્ડ વૉર ખતમ થયા પછી ચીને ૨૦૦૭માં પોતાના ૮૬૫ કિલોમીટર ઊંચી ઉપગ્રહને પોતાના મિસાઈલ્સ વડે વીંધી નાખીને શાંત થયેલું સ્પેસ વૉર ફરી આરંભ્યુ હતું. 
હવે રશિયા ફરીથી એન્ટી સેટલાઈટ મિસાઈલ્સ બનાવી રહ્યું છે અને ૨૦૨૨ સુધીમાં એ તૈયાર થઈ જશે. 


Monday, 25 March 2019

પાક.ના આતંક ઉપર નજર રાખવા ઈસરો EMISAT ઉપગ્રહ લોંચ કરશે

- ૨૮ વિદેશી સેટેલાઈટ સહિત ઈસરોનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ

- EMISATને તૈયાર કરતા આઠ વર્ષ લાગ્યાં

 
અમેરિકા, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ સહિતના દેશોના ઉપગ્રહો અવકાશમાં છોડાશે 
ઈસરો આગામી ૧લી એપ્રિલે ૨૮ વિદેશી સેટેલાઈટ સહિત ભારતના મહાત્વાકાંક્ષી EMISAT સેટેલાઈટનું લોંચિંગ કરશે. ૨૧મી માર્ચે થનારું લોચિંગ થોડા દિવસ પાછું ઠેલાયું હતું. EMISAT ઉપગ્રહ આતંકવાદી પ્રવૃત્તિ ઉપર નજર રાખશે.
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપર નજર રાખવા માટે ઈસરો દ્વારા એક સેટેલાઈટ લોંચ કરવામાં આવશે. EMISAT નામના સેટેલાઈટ ઉપર છેલ્લાં આઠ વર્ષથી કામ થતું હતું અને આખરે એમાં સફળતા મળી હતી. આ ઉપગ્રહ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિ ઉપર નજર રાખશે અને તેનાથી લશ્કરને માહિતગાર કરશે.
આ ઉપગ્રહ ભારતની ઈલેક્ટ્રોનિક્સ ગુપ્તચર એજન્સીનું કામ કરશે. સીમાપાર થતી માનવીય હિલચાલ ઉપર અને ઈલેક્ટ્રોનિક્સ ઈક્વિપમેન્ટ ઉપર આ ઉપગ્રહ નજર રાખશે. EMISAT સેટેલાઈટ ૭૪૯ કિલોમીટરની ઊંચાઈએ સ્થિર થઈને કામગીરી કરશે એવું ઈસરોના વિજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
આ સિવાય ૧લી એપ્રિલે થનારા સેટેલાઈટ લોન્ચિંગમાં ૨૮ વિદેશી ઉપગ્રહોનું પણ ઈસરો લોન્ચિંગ કરશે. અમેરિકા સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, લિથુઆનિયા સહિતના ડઝનેક દેશોના વિવિધ ૨૮ ઉપગ્રહો ભારત અવકાશમાં છોડશે. આ ઉપગ્રહો ૫૦૪ કિલોમીટરની ઊંચાઈએ સ્થિર રહીને જે તે દેશ માટે કામ કરશે.

Saturday, 23 March 2019


સ્પેશિયલ ઓલિમ્પિક : ભારતને 85 ગોલ્ડ સાથે 368 મેડલ

 - વિશ્વના ૧૯૦ દેશોની સ્પર્ધામાં ભારતની સફળતા

- ભારતના પાવરલિફ્ટિંગમાં ૨૦ અને રોલસ સ્કેટિંગમાં ૧૩ ગોલ્ડ


ભારતના સ્પેશિયલ ઓલિમ્પિકના ખેલાડીઓએ દોહામાં યોજાયેલી મેગા ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ૮૫ ગોલ્ડની સાથે ૩૬૮ મેડલ્સ જીતી લીધા હતા. ભારતીય ખેલાડીઓએ ૧૫૪ સિલ્વર અને ૧૨૯ બ્રોન્ઝ મેડલ્સ પણ પ્રાપ્ત કર્યા હતા. દોહામાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં વિશ્વના ૧૯૦ દેશોના ૭,૫૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 

સ્પેશિયલ ઓલિમ્પિકમાં માનસિક રીતે ક્ષતિ ધરાવતા ખેલાડીઓ ભાગ લે છે. દોહામાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ૨૪ જેટલી રમતોમાં સ્પર્ધા યોજાઈ હતી. ભારતના ખેલાડીઓએ એથ્લેટિક્સ, ગોલ્ફ, વોલીબોલ, એક્વેટિક, સાઈક્લિંગ, જુડો, પાવરલિફ્ટિંગ, ટેબલ ટેનિસ, રોલર સ્કેટિંગ, બેડમિંટન, બાસ્કેટબોલ ટ્રેડિશનલ, હેન્ડબોલ ટ્રેડિશનલ અને ફૂટબોલ સેવન-સાઈડ ફિમેલ જેવી ઈવેન્ટ્સમાં સફળતા હાંસલ કરી હતી. 

ભારતીય ખેલાડીઓએ પાવરલિફ્ટિંગની ઈવેન્ટમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં ૨૦ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ઈવેન્ટમાં ભારતે ૩૩ સિલ્વર અને ૪૩ બ્રોન્ઝની સાથે કુલ ૪૩ મેડલ્સ હાંસલ કર્યા હતા. જ્યારે રોલર સ્કેટિંગમાં ભારતને ૧૩ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૧૬ બ્રોન્ઝ મળ્યા હતા. સાઈક્લિંગમાં ભારતને ૧૧ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ એમ કુલ ૪૫ મેડ્લ્સ મળ્યા હતા. જ્યારે એથ્લેટિક્સમાં ભારતને પાંચ ગોલ્ડ અને ૨૪ સિલ્વર સાથે ૩૯ મેડલ્સ પ્રાપ્ત થયા હતા. 

સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતને નવમી વખત ભાગ લીધો હતો. આ ઈવેન્ટ દર બે વર્ષે યોજાય છે. 


Friday, 22 March 2019


ભારતીય મહિલા ફુટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપનું ટાઇટલ કર્યું કબજે

ફાઇનલમાં નેપાળને 3-1થી આપ્યો પરાજય
ભારતીય મહિલા ફુટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ભારતીય ટીમ સતત પાંચમી વખત ટ્રોફી જીતવામાં સફળ રહી છે. યજમાન નેપાળ સામેની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો 3-1થી વિજય થયો હતો. ભારત તરફથી ડાલમિયા છિબ્બરે મેચની 26મી મિનિટે ગોલ કરીને ભારતને 1-0ની સરસાઇ અપાવી હતી. ત્યારબાદ નેપાળે વળતો પ્રહાર કરતા 33મી મિનિટે સંબિત્રા ભંડેરીએ ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કરી દીધો હતો. 
બીજા હાફમાં ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ગ્રેસ ડેંગ્મીએ 63મી મિનિટે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું હતું. અંજુ તમંગે 76મી મિનિટે ગોલ કરીને ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો. 
ભારતે કોઈપણ મેચ ગુમાવ્યા વિના આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. આ પહેલા ભારતીય મહિલા ટીમે સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 4-0થી પરાજય આપ્યો હતો. 
 આજે 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ

લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવા અભિયાન
સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.

ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.

પાણી કેવી રીતે બચાવી શકાય.?

૧) રોજ કપડા ધોવાને બદલે બે દિવસે ભેગા કરીને ધોવાનું વિચારો જેથી વેસ્ટ પાણીને અન્ય કામો જેવા કે જાજરૂ સાફ કરવામાં પાણી ઉપયોગ લઈ શકાય., કનિદૈ લાકિઅ (૨) નાહવાની ડોલમાં ટબની સાઈઝ નાની રાખીએ જેથી પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકીએ., (૩) ઘરે પધારેલ મહેમાનોને નાના ગ્લાસમાં પાણી આપી શકાય, લાકોને પૂછીને પાણી આપવું, જગથી આપવું જેથી સાફ પાણી ફેંકી ન દેવું પડે., (૪) બ્રશ કે દાઢી કરતી વખતે ગેંડીનો નળ ચાલુ ન રાખવો, પાણી ભરેલ ટમ્બલર રાખો., કનિદૈ લાકિઅ (૫) પીવાના પાણીના માટલા પાસે, પાણિયારા પાસે ડોલ મૂકી વધારાનું પાણી ગટરમાં જવા દેવાને બદલે ડોલમાં નાખો, આ પાણી પોતું કરવામાં વાપરી શકાય, બગીચામાં વૃક્ષોને પાવા પણ ઉપયોગ માં લઇ શકાય., (૬) ઉનાળામાં બે- ત્રણ વખત સ્નાન કરવાને બદલે સ્પંજ કરો., (૭) કાર, સ્કૂટર ધોવાને બદલે ભીના પોતાંથી સાફ કરો, નળીથી ગાડી સાફ કરો નહીં., (૮)સંડાસમાં ઘણા લોકો પાણીની નળી મુકી દેતા હોય છે, સેફટી ટેન્ક સાફ કરવાના હેતુથી તે નુકશાનકર્તા છે., (૯) ટપકતા નળોને તાત્કાલીક રીપેર કરાવવા એક નળમાંથી એક દિવસના અંતે અઢાર લીટર પાણીનો વ્યય થાય છે. મોટાભાગના ફલેટમાં આ સમાધાન થતા નથી., (૧૦) ખેતી માટે વાડીમાં ખુલ્લા ધોરીયાથી પિયત કરવાને બદલે ડ્રીપ ઈરીગેશન કે અનડર ગ્રાઉન્ડ પાઈપ પાથરીને ખેતીમાં પાણીનો ઉપયોગ કરવો., (૧૧) વરસાદના પાણીને સામુહિક બધા જ સાથે મળીને બોર, કુવા કે ભૂગર્ભ ટાંકાઓ પાણીથી ભરીએ, વહી જતા પાણીને જમીનમાં ઉતારીએ., (૧૨) પીવાના પાણીને ઉકાળીને જંતુ રહિત કરવું પછી જ પીવા માટે ઉપયોગમાં લેવું., (૧૩) ગટરના પાણીને ખુલ્લા ન છોડતા ભૂગર્ભ પાઈપ લાઈને અથવા સોસ ખાડા કે હજમ બનાવી નકામાં પાણીને જમીનમાં ઉતારીએ., (૧૪) આર.ઓ.મશીનના વેસ્ટ પાણીનો અન્ય કામોમાં ઉપયોગ કરો., (૧૫) શાવરને બદલે બાલ્ટી ભરીને નહાવાથી ૮૦ ટકા પાણી બચે છે. દેશના ૨૦ ટકા લોકો આમ કરશે તો દરરોજ ૬૨૫ કરોડ લિટર પાણી બચશે., (૧૬) જમવામાં ઓછા વાસણોનો ઉપયોગ કરો, યુઝ એન્ડ થ્રો ડીસો વાપરો, જરૂરીયાત હોય ત્યાં. (૧૭) પાણીને 'રીયુઝ' ફરી ઉપયોગમાં આવે તેવા પ્રયત્નો કરવા., (૧૮) મકાન ધોવા માટે પાણીની નળીને બદલે પોતું વાપરી પાણીને બચાવીએ., (૧૯) દરેક ઘરે પાણીના મીટર હોવા જોઈએ જેથી જરૂરીયાત પુરતો જ ઉપયોગ કરે અને કરકસર કરવાની ઈચ્છા થાય., (૨૦) મોટી મોટી ફેકટરીને ઉભી કરતા પહેલા ચેક ડેમો બનાવે, પાણીનો સંગ્રહ હશે તો ઉપયોગ કરી શકાશે. (૨૧) નદીના શુદ્ધ પાણીને બચાવીએ, ઘર વપરાશના પાણીનો નિકાલ સાઈડમાં ગટરો બનાવી પસાર કરીએ, જેથી સાદુ પાણી ખરાબ ન થાય., (૨૨) સાડી ઉદ્યોગના કારખાનાઓ કે કેમિકલ વાળા કારખાનાઓ વેસ્ટ પાણી બહાર કાઢે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. લોકોએ સંગઠીત થઈ વિરોધ કરતા શીખવું પડશે.