સૌરાષ્ટ્રમાં ૧૯૨૨થી ૧૯૩૯
વચ્ચેના ૧૮ સત્યાગ્રહો, લોકલડતોથી રાજકીય જાગૃતિ આવેલી
-રાજકોટ, વઢવાણ, ભાવનગર, મોરબી, ધ્રોળ, ધ્રાંગ્રધ્રા, પાલીતાણા સહિતનાં સ્ટેટમાં આંદોલનોનીઆંધી
ઉઠેલી
દેશ આઝાદ થયો
ત્યારે જે ૫૬૨ દેશી રજવાડાંનાં વિલીનીકરણનો મોટો સવાલ હતો તેમાંના ૨૨૨ તો હાલના
સૌરાષ્ટ્રથી ઓળખાતા વિસ્તારોનાં હતાં. જ્યાં લાંબાગાળાથી રાજાઓ, ઠકરાતોનું શાસન, ક્યાંક તો આપખુદ શાસન હતું એવા આ
વિસ્તારમાં ૧૯મી સદીના પૂર્વાર્ધથી પ્રજાકીય રાજકીય જાગૃતિનો માહોલ ક્રમશઃ રચાતો
ગયેલો અને સીધી બ્રિટિશ હકૂમતનો વિસ્તાર ન હોવા છતાં બ્રિટિશ રાજ્યમાં વખતોવખત થતા
લોકઆંદોલને રાજ-રજવાડાંઓની આપખુદી સામે મક્કમ અવાજ ઊભો કરેલો.
વીસમી સદીની
શરૃઆત અને આઝાદી પ્રાપ્તિ સુધીનાં વર્ષોમાં આ વિસ્તારોમાં ૧૮થી વધુ નોંધપાત્ર
લોકસત્યાગ્રહો થયા હતા અને તેણે અનેક રાજકીય પરિણામ અને પરિમાણ પેદા કર્યાં હતાં.
આપણે ત્યાં બ્રિટિશ શાસન તળેના વહીવટવાળા વિસ્તારો થયેલાં આંદોલનોનો ઈતિહાસ રજૂ
થાય છે તેટલો સૌરાષ્ટ્રના એ આંદોલનો વિશે થતો નથી પણ તે અત્યંત રસપ્રદ છે.
આપણે અહીં જે
૧૮ જેટલા લોક આંદોલનોની અલપ-ઝલપ વિગતો તપાસવાના છીએ તે હત્યાકાંડ, ખેડૂતોના પ્રશ્નો, આપખુદ રાજાશાહી શાસનના
પ્રજાવિરોધી નિર્ણયો, શિકાર સામેની સૂગ, સ્વદેશી ચળવળ કે મિલ હડતાળ, રાષ્ટ્રધ્વજનો મામલો,
રાજ-રજવાડાંઓનાં બેફામ ખર્ચા અને નબળી આર્થિક સ્થિતિ પ્રજામંડળોના
અધિવેશનો પર પ્રતિબંધ જેવા અનેક વિષયોના કારણે થયા હતા. આ બધાનો સમયગાળો ઈ.સ.
૧૯૨૨થી ૧૯૩૯ના વર્ષોનો છે.
જો કે આવાં
લોકસત્યાગ્રહો માટેની રાજકીય જાગૃતિનાં બીજ ૧૮૦૭ના વોકર કરાર, ૧૮૨૨માં પોલિટિકલ એજન્સીએ શરૃ કરેલી કામગીરી, ૧૮૫૭નો
મુક્તિસંગ્રામ, બ્રિટીશ શાસનની આડકતરી અસર, ગાંધીજીના આગમન પછીની પરિસ્થિતિમાં થયેલા સત્યાગ્રહો (ચંપારણ, ખેડા વગેરેના) કાઠિયાવાડ રાજકીય પરિષદ - (૧૯૧૭) અને અન્ય દેશી રાજ્યોમાં
પ્રજાકીય પરિષદો-મંડળોની રચના વગેરેના કારણે વવાયાં હતાં.
'દર્શક' ઈતિહાસ નિધિના ઉપક્રમે ડૉ. એસ.વી. જાનીએ 'સૌરાષ્ટ્રનો
ઈતિહાસ' નામક ગ્રંથ રચ્યો તેમાં બીજ રોપવાથી માંડીને રાજકીય
જાગૃતિનો જે બહુવ્યાપ્ત આયામ રચાયો તેનું વિગતે વર્ણન છે.
માળિયા-મિયાંણા
રાજ્યના ખાખરેચી ગામના ખેડૂતો પર આકરા વેરા, દરબારની ખાતર
બરદાસ્ત ખેડૂતોના ભોગે કરવી, લોકો પાસે કરાવાતી વેઠ સામે
ઉગ્ર વિરોધ હતો.
રાજ્યે
ઠરાવેલું કે જમીન ખાતેદારના મૃત્યુ પછી જમીન પુત્રોના નામે કરવા માટે 'સાકર' વેરો લેવાતો કે પછી ખેડૂતે મકાનમાં
બારી-બારણાં મૂકવાં હોય તો 'હવા વેરા'ના
રૃપિયા પાંચ ભરવા પડે જેવા જોહુકમીભર્યાં પગલાં લેવાતાં હતાં.
એની સામે
લોકલડત થઈ. ૨૬ નવેમ્બર ૧૯૨૯થી ૨૨ જાન્યુઆરી ૧૯૩૦ સુધીનો ૫૮ દિવસનો ખેડૂતોનો
સત્યાગ્રહ ચાલ્યો હતો. ગાંધીજી-સરદાર સાહેબે એને ટેકો આપેલો. પરિણામ સ્વરૃપ રાજવીએ
સમાધાન કરવાની નોબત આવેલી એવો રોમાંચક ઈતિહાસ આ સત્યાગ્રહનો છે.
આ બે તો માત્ર
ઉદાહરણરૃપ ઉલ્લેખો છે. પણ વઢવાણમાં અખબારી સ્વાતંત્ર્ય માટેનો સત્યાગ્રહ ધોલેરાનો
મીઠા સત્યાગ્રહ, વીરમગામનો મીઠા સત્યાગ્રહ,
ભાવનગરનો વિદેશી કાપડ પ્રતિબંધ સત્યાગ્રહ, મોરબી
સત્યાગ્રહ, ધ્રોળનો ધ્વજ સત્યાગ્રહ, વણોદનો
ગણવેશ સત્યાગ્રહ, ધ્રાંગધ્રાનો નાગરિક સ્વાતંત્ર્ય સત્યાગ્રહ,
પાંચ તલાવડા, વળા-વલભીપુર, મોટા ચારોડિયાના સત્યાગ્રહો, રાજકોટ કાપડ મિલ હડતાળ,
રાજકોટ અને લીંબડીના સત્યાગ્રહો, જામનગર રાજ્ય
પ્રજાપરિષદની લડત, જૂનાગઢ રાજ્ય સામેની પ્રજા લડત એવાં
જોરદાર આંદોલનો હતાં કે જેનાથી પ્રજાકીય જાગૃતિ ફેલાઈ હતી.
આપખુદ રાજવીઓને
સમાધાન સાધી પ્રજાના સર્વોપરિપણાનો સ્વીકાર કરવાની નોબત આવી હતી. કેટલાક બનાવોમાં
સફળતા હાંસલ નહોતી થઈ પણ પ્રજામાં ચેતના ફેલાઈ હતી જે રાષ્ટ્રીય સ્તરે થતાં
આંદોલનમાં ભાગ લેવા માટેનું નિમિત્ત બની હતી.
આપણે પ્રજા
તરીકે આ બધો ઈતિહાસ સ્મરવો જોઈએ. આપણે આજકાલ નજીકના ભૂતકાળમાં થયેલાં રાજકીય
પક્ષોના આંદોલન કે પછી સામાજિક મેળાવડાઓની ફળશ્રુતિને જ દ્રષ્ટિ સમક્ષ રાખીયે છીએ
પણ એક પ્રજા તરીકે આજની સ્થિતિએ પહોંચવા કંઈકેટલાય સફળ-નિષ્ફળ આંદોલનોના જે
જનનાયકો હતા તેમને ભાગ્યે જ યાદ કરીએ છીએ. આપણે આપણા જ ઈતિહાસને યાદ કરતા નથી.
સૌરાષ્ટ્રની લોકલડતો (૧૯૨૨થી
૧૯૩૯)
સત્યાગ્રહ
વર્ષ
ક્યાં?
સરધારનો શિકાર સત્યાગ્રહ -
૧૯૨૨ - રાજકોટ સ્ટેટ
વઢવાણમાં અખબારી સ્વાતંત્ર્ય માટે સત્યાગ્રહ -
૧૯૨૯ - વઢવાણ સ્ટેટ
ખાખરેચી સત્યાગ્રહ -
૧૯૨૮ - માળિયા-મિયાંણા
વીરમગામનો મીઠા સત્યાગ્રહ -
૧૯૩૦ - વિરમગામ
ભાવનગર વિદેશી કાપડ પ્રતિબંધ સત્યાગ્રહ -
૧૯૩૦થી ૧૯૩૨ - ભાવનગર સ્ટેટ
મોરબી સત્યાગ્રહ -
ફેબુ્રઆરીથી-જુલાઈ ૧૯૩૧ - મોરબી સ્ટેટ
વણોદનો ગણવેશ સત્યાગ્રહ -
મે ૧૯૧૩ - વણોદ સ્ટેટ
પાંચ તલાવડાનો સત્યાગ્રહ -
૧૯૩૭-૧૯૩૮ - લીલિયા-ભાવનગર સ્ટેટ
વળા (વલ્લભીપુરનો) સત્યાગ્રહ -
જૂન ૧૯૩૮ - વળા સ્ટેટ
મોટા ચારોડિયાનો સત્યાગ્રહ -
૧૯૩૮ - પાલીતાણા સ્ટેટ
રાજકોટ કાપડ મિલ હડતાળ -
૧૯૩૭ - રાજકોટ સ્ટેટ
રાજકોટ સત્યાગ્રહ -
૧૯૩૮-૧૯૩૯ - રાજકોટ સ્ટેટ
લીંબડી સત્યાગ્રહ
૧૯૩૯ લીંબડી સ્ટેટ
જામનગર રાજ્ય પ્રજા પરિષદની લડત
૧૯૩૯ જામનગર સ્ટેટ
જૂનાગઢ રાજ્ય સામેની પ્રજા લડત
૧૯૩૯ જૂનાગઢ સ્ટેટ