આજે રામનવમી
રામનવમીની ઉજવણી સાથે આદ્ય શક્તિના પર્વ ચૈત્રી નવરાત્રિની
પણ પૂર્ણાહૂતિ
રામનવમીની ઉજવણી નિમિત્તે
મંદિરોમાં ૫૬ ભોગ ધરાવાશે : રામ કથાના પઠનનું પણ આયોજન
જેમનું નામ માત્ર અદ્ભૂત સંજીવની છે, જેના
હૃદયપૂર્વક સ્મરણમાત્રથી વ્યક્તિનો ઉદ્ધાર થઇ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા
ભગવાન રામની આવતીકાલે જન્મજયંતિ 'રામનવમી' આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. મંદિરોમાં
ભગવાન રામના જન્મોત્સવનું વિશિષ્ટ આયોજન પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે રામનવમીની
ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિ થશે.
રામ નવમી નિમિત્તે અનેક
સ્થાનોએ રામકથાના પઠનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન રામની મૂર્તિની
સેવા-પૂજા કરવામાં આવે છે તેમજ વ્રત-ઉપવાસ પણ કરે છે. રામ નવમી
નિમિત્તે શોભા યાત્રા પણ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના કાળા રામજી મંદિર ખાતે
ભગવાન રામની જન્મપત્રિકાનું વાચન થશે. કેલિકો ડેમ વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ
પુરાણા કાળા રામજી મંદિરમાં વર્ષોથી રામ નવમીમાં ભગવાન રામચંદ્રજીની જન્મ
પત્રિકાનું વાચન થાય છે. સામાન્ય રીતે રામ ભગવાનની પ્રતિમા શ્વેત રંગની હોય છે.
પરંતુ અહીંની પ્રતિમા શ્યામ રંગની હોવાથી તે કાળા રામજી મંદિર તરીકે ઓળખાય છે.
આજે ભગવાન
સ્વામિનારાયણની ૨૩૮મી જયંતિની ઉજવણી
આજે રામનવમી ઉપરાંત
ભગવાન સ્વામિનારાયણની ૨૩૮મી જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે
સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણની જયંતિની ભક્તિપૂર્વક ઉજવણી થશે. આ
દિવસે ધૂન-ભજન-કીર્તન, શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન
સ્વામિનારાયનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ખાતે વિક્રમ સંવત ૧૮૩૭માં થયો હતો.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની નિશ્રામાં
તીર્થધામ સાળંગપુર ખાતે સાંજે સ્વામિનારાયણ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે.
આજે સાંઇ બાબાનો પ્રાગટય દિન
અમદાવાદ સહિત
ગુજરાતભરમાં આવતીકાલે શિરડી સાંઇ બાબાના પ્રાગટય દિનની પણ ઉજવણી કરાશે. ગુજરાતથી અનેક ભક્તો આ નિમિત્તે સાંઇ બાબાના દર્શન માટે શિરડી પણ
પહોંચ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો