Thursday, 17 August 2017

દાદાભાઇ નવરોજીઆઝાદીની લડાઇમાં સ્વરાજ શબ્દનો પ્રથમ વાર ઉલ્લેખ દાદાભાઇ નવરોજીએ કર્યો હતો. તેમણે ૧૯૦૬માં કોગ્રેસના કલકતા અધિવેશનમાં સ્વરાજની માંગણી કરતા કહયું હતું કે અમે કૃપા કે વિનંતી કરતા નથી.અમે તો માત્ર સ્વરાજ ઝંખીએ છીએ.ત્યાર પછી સ્વરાજ શબ્દનું આઝાદીની લડતમાં મહત્વ ખૂબજ વધી ગયું હતું.૧૯૦૯માં ગાંધીજીએ પણ હિંદ સ્વરાજ નામની પુસ્તિકા લખી હતી.

દાદાભાઇ નવરોજીએ દેશની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને તારણ કાઢયું હતું કે ભારતના લોકોની માથાદિઠ વાર્ષિક આવક માત્ર ૨૦ રુપિયા જેટલી છે. અંગ્રેજ સરકાર ભારતનું શોષણ કરીને નફાના કરોડો રુપિયા ઢસેડી જાય છે.આજ રુપિયા ફરી લોન સ્વરુપે દેશને આપે છે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.

દાદાભાઇએ પોવર્ટી એન્ડ અન બ્રિટીશ રુલ ઇન્ડિયા નામનું પુસ્તક લખીને પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ઇસ ૧૮૯૨માં લિબરલ પાર્ટીના ઉમેદવાર બની ફિન્સબરી સેન્ટ્રલ મત વિસ્તારમાંથી ભારતીય મૂળના પ્રથમ બ્રિટીશ સાંસદ પણ હતા.

દાદાભાઇ લંડનની કોલેજમાં ભણાવતા હતા ત્યારે ભારતીય વિધાર્થીઓ મળવા આવતા જેમાં ગાંધીજી પણ હતા.


આઝાદીની લડતના પાયાના પથ્થર ગણાતા આ સ્વાતંત્રસેનાનીનો જન્મ નવસારીમાં થયો હતો.  

ભારતની 7 ઓળખ 


યોગ અને આયુર્વેદ

વૈદિક ભારતની અદ્ભુત દેન એટલે યોગ-ધ્યાન અને આયુર્વેદ. તન અને મનની શુદ્ધિ માટે સદીઓથી ભારતીયો યોગને પ્રયોજે છે. યોગ અને ધ્યાન માનસિક સ્થિરતા આપવાની સાથે સાથે સાધકને આધ્યાત્મિક યાત્રા પણ કરાવે છે. મોક્ષ માટે ધ્યાન અને યોગનું મહત્વ આપણા પૌરાણિક ગ્રંથોમાં ઋષિઓએ સમજાવ્યું છે. યોગ મનની સ્થિતિ બહેતર બનાવે છે તો આયુર્વેદ તનને તંદુરસ્ત રાખે છે. કહેવાય છે કે લુપ્ત થઈ રહેલી આ વિદ્યા પાસે તમામ દુઃખની સારવાર હતી.

સહિષ્ણુતા અને વિવિધતામાં એકતા 

ભારતમાં મહાન યોદ્ધાઓ જન્મ્યા છે, જે વિશ્વવિજેતા બની શકે એવા સક્ષમ હોવા છતાં તેમણે પરપ્રાંત ઉપર હુમલો કરીને બર્બરતા આચરી નથી. સહિષ્ણુતા ભારતીયોની પરંપરા રહી છે. એ જ રીતે વિવિધતામાં એકતા એ સદીઓથી ભારતની ઓળખ છે. જુદી-જુદી ભાષા, પહેરવેશ, રીતભાત સહિતની કેટલીય બાબતોમાં ભારતીયો એકમેકથી અલગ છે છતાં એક છે. આ એકતા ભારતનો પ્રાણ છે.

લોકશાહી અને મધ્યમવર્ગ

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. ૧૨૫ કરોડની જનતા હંમેશા લોકશાહીનું સન્માન જાળવે છે. ક્યારેક સત્તાપક્ષ વિપક્ષ હોય તો ક્યારેક વિપક્ષ સત્તાપક્ષ હોય છે, પણ દરેક સ્થિતિમાં રાજકીય પાર્ટીઓએ પણ જનાદેશનું પાલન કર્યું છે. શરીરમાં જે કામ કરોડરજ્જુ કરે છે એ કામ દેશમાં મધ્યમવર્ગ કરે છે. મધ્યમવર્ગ ઉપર વિશ્વ આખાની નજર છે. ભારતના વિશાળ મધ્યમવર્ગમાં વિશ્વને ગ્રાહકો દેખાય છે અને દેશનું અર્થતંત્ર પણ મધ્યમવર્ગથી ધમધમે છે.

શૂન્ય 

શૂન્યની શોધ પહેલાં ય ગણતરીઓ થતી જ હતી, પણ શૂન્યની શોધથી ગણિતમાં ક્રાંતિ થઈ હતી. એ શોધના કારણે જ પછી કમ્પ્યુટરમાં થતી ગણતરીને પણ આધાર મળ્યો. એ શોધ પાંચમી સદીમાં આર્યભટ્ટે કરી હતી. શૂન્યની ગણતરીના આધારે જ ભારતના અદ્ભુત સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, પણ એ પહેલાંની ભૂમિકા ૩જી સદીમાં થયેલા પિંગળાચાર્યએ બાંધી આપી હતી એમ પણ કહેવાય છે. વિશ્વના દેશો ભારતના સંપર્કમાં આવ્યા પછી તેમણે પણ તબક્કાવાર શૂન્યને અપનાવવાનું શરૃ કર્યું.

પ્રાચીન વિશ્વવિદ્યાલય


નાલંદા, તક્ષશિલા અને વલ્લભી જેવી શિક્ષણ સંસ્થાઓ પ્રાચીન ભારતમાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. પટણાની નજીક આજેય નાલંદાના અવશેષો જોવા મળે છે, તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ૭મી સદીમાં નાલંદાની ભવ્યતા કેવી હશે. એ જ રીતે બીજી મહત્વની યુનિવર્સિટી તક્ષશિલા હતી. ૨૭૦૦ વર્ષ પહેલાં સ્થપાયેલી ગણાતી આ યુનિવર્સિટીમાં ૧૦ હજાર વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવતા હતા. એ જ રીતે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલયની શાખ પણ આખા ભારતમાં પ્રસરી હતી.

મહાકાવ્યો અને ફિલસૂફી

રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો, એટલે કે સ્ટોરીટેલિંગની કળા આપણે ત્યાં પાંચેક હજાર કરતા પણ વધુ જૂની છે. વાલ્મીકિ અને વેદવ્યાસની મહાકાવ્યોની પરંપરા પછી તો કાલિદાસ, માઘ અને ભારવિ જેવા મહાકવિઓએ પણ આગળ ધપાવી. એ પહેલાંના ભારતીય શાસ્ત્રોમાં પણ માનવજીવન અને અધ્યાત્મની ફિલસૂફી ગહન રીતે વ્યક્ત થઈ છે. એમ તો સદીઓ પહેલાં વાત્યાયને કામસૂત્રના માધ્મયથી પ્રેમ કરવાની પરિભાષા વિશ્વ સમક્ષ રજૂ કરી હતી.

મરી-મસાલા અને શાકાહાર

તજ-લવિંગ-મરી-જીરુ સહિતના મસાલા ભારતની વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતાએ જ ભારતને પરાધીન બનાવ્યું હતું. વિદેશીઓ મરી-મસાલાની સોડમથી આકર્ષાઈને જ ભારતમાં આવ્યા હતા. ભારતની બીજી ખાસિયત શાકાહાર છે. આપણે ભારતીયોએ સદીઓથી શાકાહારનું મહત્વ સ્વીકાર્યું છે. વિદેશી ફૂડની ભારતમાં વધતી ડિમાન્ડ વચ્ચે આજેય દેશના ૨૭ ટકા એટલે કે લગભગ ૩૮ કરોડ લોકો શુદ્ધ શાકાહારી છે. ભારત વિશ્વનો સૌથી મોટો શાકાહારી દેશ છે.


૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 2009-2016


ઓગસ્ટ ૨૦૦૯ : સૌને શિક્ષણનો અધિકાર

રહી રહીને સરકારે રાઈટ ટુ એજ્યુકેશન (શિક્ષણનો અધિકાર) પસાર કર્યો અને દેશભરમાં તેનો અમલ પણ શરૃ કર્યો. શિક્ષણના અભાવે કરોડો બાળકો ખોટા માર્ગે ચડી જાય છે. રાતોરાત તેમાં ભલે આસમાની સુધારો ન આવતો હોય તો પણ શિક્ષણ લેવાનું પ્રમાણ વધ્યું છે. એ કાયદા હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોને મફત શિક્ષણ મળતું થયું છે.

૧૯ એપ્રિલ, ૨૦૧૨ : આણ વર્તાવતું અગ્નિ-૫
ભારતનું અગ્નિ-૫ મિસાઈલ એવું છે કે અહીંથી રવાના થાય તો ધરતીનો અડધો ગોળો આવરી લે. એટલે કે ફાયર કરવામાં આવે તો આખેઆખુ ચીન પાર કરીને છેક રશિયા સુધી પ્રહાર કરી શકે. પરમાણુ શસ્ત્ર વહન કરી શકતા અગ્નિ-૫ની રેન્જ ૫ હજાર કિલોમીટરની છે અને ૮ હજાર કિલોમીટર સુધી ભવિષ્યમાં વિસ્તરશે. દુશ્મનોને સખણા રાખવાનું કામ ઘણે અંશે અગ્નિ-૫ એકલું કરી આપે છે, માટે તેને 'વેપન્સ ઓફ પિસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અગ્નિ-૫ જગતના સૌથી શક્તિશાળી મિસાઈલો પૈકીનું એક છે.

૧૫ જુલાઈ, ૨૦૧૨ : રૃપિયાને ઓળખ મળી
છેક ૧૫૪૦ની સાલથી ચલણ તરીકે રૃપિયો વપરાતો આવે છે. ઈન ફેક્ટ, રૃપિયો જગતનું સૌથી પુરાતન ચલણ છે. એ ચલણને ૨૦૧૨માં ડોલર-પાઉન્ડની માફક સત્તાવાર ઓળખ એટલે કે સિમ્બોલ મળ્યો. ૨૦૦૯માં સ્પર્ધા યોજીને નાણા મંત્રાયલે દેશભરમાંથી સિમ્બોલની ડિઝાઈન મંગાવી હતી. જેનો સિમ્બોલ પસંદ થાય તેને અઢી લાખ રૃપિયા જેવુ માતબર વળતર પણ મળવાનું હતું. એ ઈનામ આખરે ઉદય કુમાર નામના ડિઝાઈનરને મળ્યો જેનો સિમ્બોલ હવે વપરાય છે. એ ડિઝાઈન પસંદ કરવામાં અમદાવાદ સ્થિત 'નેશનલ ડિઝાઈન ઈન્સ્ટીટયૂટ (એનઆઈડી)' સહિતની સંસ્થાઓએ ભાગ ભજવ્યો હતો.

નવેમ્બર, ૨૦૧૩ : લિટલ માસ્ટરની લાર્જર સિદ્ધિ
સચિન તેંડુલકરના નામે ક્રિકેટના ઘણા વિક્રમો છે. પણ નવેમ્બર ૨૦૧૩માં નિવૃત્તિ વખતે એક વિક્રમે આખા જગતનું ધ્યાન ખેંચ્યુ હતું. એ વિક્રમ એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન. ૬૬૪ આંતરરાષ્ટ્રીય મેચોમાં સચિને કુલ મળીને ૩૪,૩૫૭ રન નોંધાવ્યા છે. દુનિયામાં કોઈ ક્રિકેટ ખેલાડીએ આવી સિદ્ધિ હાંસલ કરી નથી. ૨૫ વર્ષ લાંબી કારકિર્દીમાં સૌથી વધુ સદી (૧૦૦) જેવા અનેક વિક્રમોની તો વણઝાર સર્જી છે.

૨૭ માર્ચ, ૨૦૧૪ : ભારત પોલિયોમુક્ત થયું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિયમ પ્રમાણે કોઈ દેશમાં સતત ૩ વર્ષ સુધી પોલિયોનો એક પણ કેસ ન નોંધાય તો પછી એ દેશમાંથી પોલિયો નાબુદ થયો છે એમ જાહેર કરી શકાય છે.

ભારતમાં છેલ્લે જાન્યુઆરી ૨૦૧૧માં પોલિયોનો એક કેસ પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો. એ પછી કોઈ કિસ્સો ધ્યાનમાં આવ્યો નથી. માટે ૨૦૧૪ની ૨૭મી માર્ચે સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતે પોલિયો મુક્તિનું સર્ટિફિકેટ આપ્યું હતુ. ભારતે પોલિયોથી છૂટકારો મેળવવાની શરૃઆત છેક ૧૯૯૫માં કરી હતી. એ વર્ષથી ભારતમાં પોલિયોના ટીપાં પવાતા આવે છે. પોલિયો ભારતના બાળકોનો સાઈલેન્ટ દુશ્મન હતો હવે ભારતને તેનાથી આઝાદી મળી છે.

પોલિયો જગતના સૌથી વધુ ઘાતક રોગો પૈકીનો એક રોગ છે. અસરકારકતા ઉપરાંત પોલિયોના મૂળિયા પણ બહુ દૂરના ઈતિહાસમાં જાય છે. ઈજિપ્તના પિરામિડોમાંથી મળેલા ૩ હજાર વર્ષ પુરાણી આકૃતિઓમાં પોલિયોના ચિહ્નો જોવા મળે છે. આપણે જેને પોલિયો તરીકે ઓળખીએ છીએ રોગનું આખુ નામ તો પોલિયોમાયેલાઈટિસ છે.

૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ : મંગળ પર ભારતનો મંગળ પ્રવેશ
બેશક મંગળ પર સંશોધન કરવામાં અમેરિકા-રશિયા-જાપાન જેવા દેશો આગળ છે. પણ એક વાતમાં ભારતે ૨૦૧૪માં વિક્રમ સર્જી દીધો હતો. નવેમ્બર ૨૦૧૩માં ભારતે મંગળયાન રવાના કર્યું હતું અને સફળતાપૂર્વક એ સપ્ટેમ્બર ૨૦૧૪માં મંગળની કક્ષામાં પહોંચ્યુ હતુ. મંગળયાન આજની તારીખે પણ એકમાત્ર સ્પેસક્રાફ્ટ છે, જે પ્રથમ પ્રયાસે મંગળ પર પહોંચી શક્યો હોય. અને ભારત એવો એકમાત્ર દેશ.
એશિયામાં ભારતની અવકાશી પ્રગતી સામે છિંકોટા નાખતુ ચીન મંગળ સુધી પહોંચી શક્યું નથી. ૧૩૫૦ કિલોગ્રામના મંગળયાનને મંગળ સુધી પહોંચવા માટે ૬૬.૬ કરોડ કિલોમીટરનો પ્રવાસ કરવો પડયો હતો. માત્ર ૪૫૦ કરોડ રૃપિયાના મામૂલી બજેટમાં મંગળ સુધી પહોંચીને ભારતે જગતભરની અવકાશ સંશોધન સંસ્થાઓને સરપ્રાઈઝ કરી દીધી છે.

૨૧ જૂન, ૨૦૧૫ : યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા
યોગસન ભારતમાં હજારો વર્ષથી થતાં આવે છે. પરદેશીઓ પણ વર્ષોથી આરોગ્ય સુધારણા માટે યોગનો સહારો લઈ રહ્યા છે. પરંતુ એ યોગને ૨૦૦૧૫માં સત્તાવાર રીતે વૈશ્વિક માન્યતા મળી જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૧ જૂનને 'ઈન્ટરનેશનલ ડે ઓફ યોગ' તરીકે ઉજવવાની જાહેરાત કરી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન પછી રાષ્ટ્રસંઘે યોગને આવકારવાનું મહત્ત્વપૂર્ણ પગલું લીધું હતું.

જાન્યુઆરી ૨૦૧૬ : સંપૂર્ણ શિક્ષિત રાજ્ય કેરળ
શિક્ષણ ક્ષેત્રે પહેલેથી આગળ રહેલા કેરળે જાન્યુઆરી ૨૦૧૬માં સંપૂર્ણ શિક્ષિત રાજ્ય હોવાનો દરજ્જો હાંસલ કર્યો છે. એટલે કે રાજ્યની ૧૦૦ ટકા વસતી લખી-વાંચી શકે છે. પછી તો કેરળે ૧૦૦ ટકા મતદાર નોંધણી ઓનલાઈન, પ્રથમ કમ્પલિટ ડિજિટલ સ્ટેટ, સહિતના અનેક ખિતાબો હાંસલ કર્યા છે.

૨૭ જૂન, ૨૦૧૬ : મિસાઈલ ગૂ્રપમાં ભારતનું સ્વાગત
જેના ડરથી ગઢની રાંગો મજબૂત બનાવી હોય, એ જ વ્યક્તિને ભવિષ્યમાં ગઢની રખેવાળી સોંપવામાં આવે એવું બને ખરું? ભારતને મિસાઈલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજિમ કહેવાતા ગૂ્રપમાં પ્રવેશ મળ્યો એ એવી જ ઘટના છે. કેમ કે ભારત જેવા દેશો મિસાઈલ જેવી આધુનિક ચીજો બનાવી ન શકે એટલા માટે ૧૯૮૭માં ગૂ્રપ સ્થપાયું હતું. ભારતે એ દેશોની મદદ વગર પણ મિસાઈલ ટેકનોલોજી વિકસાવી લીધી એટલે પછી ૩૪ સભ્યો ધરાવતા સંગઠનમાં ભારતને આદરપૂર્વક પ્રવેશ મળ્યો.

જુલાઈ, ૨૦૧૬ : તેજસ વિમાન વાયુસેનામાં શામેલ
ભારતે વર્ષોની મહેનત પછી સ્વદેશી લાઈટ એટલે કે હળવા વજનનું કોમ્બેક્ટ એટલે કે યુદ્ધ કરી શકે એવું લશ્કરી વિમાન તૈયાર કર્યું. અટલ બિહારી વાજપેયીએ વિમાનને બહુ પહેલા તેજસ નામ આપી દીધું હતું. હવે તેનું ભારતમાં ઉત્પાદન શરૃ થઈ ચૂક્યુ છે. ૨૦૧૬માં વિમાનને સત્તાવાર રીતે વાયુસેનામાં પ્રવેશ મળ્યો હતો. અનેક રીતે આ વિમાન અનોખું હોવાથી વિશ્વના ઘણા દેશોની તેના પર નજર છે.


નોંધ - ૭૦ વર્ષમાં એમ તો અનેક ઘટનાઓ બની છે, જ્યારે ભારતવાસીઓની છાતી ગૌરવથી ફૂલી હોય, પરંતુ દરેક ઘટના સમાવી શકાતી નથી.  આ લિસ્ટ સંપૂર્ણ છે અને આ યાદી સિવાયની સિદ્ધિઓ નથી એવુ હરગિઝ નથી. અહીં મહત્ત્વપૂર્ણ કહી શકાય એવા તમામ સફળ વળાંકોને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે.સખણા રાખવાનું કામ અગ્નિ-૫ એકલું કરી આપે છે, માટે તેને 'વેપન્સ ઓફ પિસ' તરીકે ઓળખવામાં આવે છે.  
૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1991-1998 


૧૯૯૧ : પરમ, પ્રથમ સુપરકમ્પ્યુટર


કમ્પ્યુટર કરતાં અનેકગણુ શક્તિશાળી મશીન, જે સુપરમેન જેવી ચમત્કારીક ઝડપે અબજો ગણતરી પળવારમાં કરી આપે એ સુપર કમ્પ્યુટર. ભારતે પ્રથમ સુપર કમ્પ્યુટર 'પરમ' ૧૯૯૧માં તૈયાર કરી કાર્યરત કરી દીધું હતું. પૂનામાં આવેલા સી-ડેક સેન્ટરે તેને ડિઝાઈન અને એસેમ્બલ કર્યું હતું. કમ્પ્યુટર તૈયાર થયા પછી તેના નામ માટે સંસ્કૃત શબ્દ પરમ અપનાવાયો હતો, જેનો અર્થ થાય છે સુપ્રીમ-સર્વોચ્ચ. પરમ સિરિઝમાં ભારતે હવે તો અનેક સુપર કમ્પ્યુટર તૈયાર કરી નાખ્યાં છે.

૨૪ જૂલાઈ, ૧૯૯૧ : આર્થિક ઉદારીકરણની શરૂઆત

'કોઈ આઈડિયાના અમલીકરણનો સમય આવી ગયા પછી તેને પૃથ્વી પરની કોઈ તાકાત રોકી શકતી નથી' એવું મહાન ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોનું વાક્ય ટાંકી કેન્દ્રિય નાણામંત્રી મનમોહનસિંહે બજેટ રજૂ કર્યું હતું. તેમાં દેશની આર્થિક નીતિ બદલવાની વાત હતી, જે આઝાદી પછી લગભગ લકવાગ્રસ્ત થયેલી હતી.

૧૯૯૨માં એ નીતિઓનો અમલ થયો જે લિબરેલાઈઝેશન-પ્રાઈવેટાઈઝેશન-ગ્લોબલાઈઝેશન (એલપીજી)નામે ઓળખાતી થઈ. સરકારે ઉદ્યોગો માટે મોકળું મેદાન ખોલ્યું, પરદેશી કંપનીઓને આવકારી અને બધું સરકાર પોતે જ કરશે એવી ભાવનાનો ત્યાગ કરી ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. એ પછી દેશનું અર્થતંત્ર પાટે ચડયું અને આજે બૂલેટ વેગ હાંસલ કરી રહ્યું છે.

૩૦ માર્ચ, ૧૯૯૨ : સત્યજીત રેને ઑસ્કર

ભાનુ અથૈયાને પ્રથમ ભારતી તરીકે ઑસ્કર મળ્યો હતો તો સત્યજીત રે એવા પ્રથમ ભારતીય હતા જેમને ઑસ્કર સમિતિએ માનદ એટલે કે ઓનરરી એવોર્ડ આપ્યો હતો. અથૈયાને ઑસ્કર મળ્યો એ ફિલ્મ ગાંધીના સર્જક બ્રિટિશ ડિરેક્ટર હતા. જ્યારે સત્યજીત રેનો ઓસ્કર સંપૂર્ણ સ્વદેશી હતો કેમ કે તેમના ડિરેક્શનની કદર માટે ઑસ્કર અપાયો હતો.

એ વખતે રે બિમાર હતા, પથારીવશ હતા. માટે ઓસ્કર સમિતિએ સ્ટેજ પરથી રેનો વિડિયો બતાવીને એવોર્ડની જાહેરાત કરી હતી. બાદમાં ટ્રોફી તેમને પહોંચતી કરવામાં આવી હતી. કુલ ૩૨ નેશનલ ફિલ્મ એવોર્ડ ઉપરાંત રેને પદ્મ ભૂષણ અને ભારત રત્ન જેવા સર્વોચ્ચ સન્માનો પણ મળ્યા હતા.

૨ ઓક્ટોબર, ૧૯૯૨ : ખાનગી ચેનલોની શરૂઆત

ભારતમાં અત્યારે ૮૦૦થી વધારે ચેનલો ટીવી પર ઉપલબ્ધ છે. તેની શરૃઆત ૧૯૯૨માં થઈ જ્યારે ઝી ટીવી નામે પ્રથમ હિન્દી મનોરંજન ચેનલનો આરંભ થયો. ટીવી સિરિયલોની અને ખાસ તો સાંજનો સમય પ્રાઈમ ટાઈમ ગણાવવાની એ પછી શરૃઆત થઈ. મનોરંજન ચેનલોની સફળતાના પગલે ફિલ્મો માટેની ચેનલ, ધર્મની ચેનલ, વિજ્ઞાાન-ટેકનોલોજી, બાળકોની ચેનલો, સમાચાર વગેરેનો પણ પ્રવેશ થયો અને ચેનલ એક વિશાળકાય ઉદ્યોગ બન્યો. દર્શકોને મનગમતા કાર્યકમો જોવા મળતાં થયા એ સૌથી મોટો ફાયદો થયો.

૮ ફેબુ્રઆરી, ૧૯૯૪ : કપિલ દેવની ક્રિકેટ સિદ્ધિ

૧૯૯૪ની ૮મી ફેબુ્રઆરીએ અમદાવાદમાં શ્રીલંકા સામે રમતા કપિલ દેવે ૧૩૦મી ટેસ્ટમાં ૪૩૨મી વિકેટ ઝડપી હતી. એ સાથે જ કપિલ જ દેવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રિચાર્ડ હેડલીનો વિક્રમ પણ તોડી નાખ્યો હતો. એક મહિના પછી માર્ચ, ૧૯૯૪માં કપિલ દેવે પોતાની અંતિમ ટેસ્ટ રમી. એ પછી તેમના નામે ૪૩૪ વિકેટ અને ૫૫૩૮ રન બોલતા હતા.

એ વખતે ૫ હજારથી વધુ રન અને ૪૦૦થી વધુ વિકેટ ઝડપનારા જગતના એકમાત્ર ક્રિકેટર કપિલ દેવ હતા. કપિલ દેવના ઘણા વિક્રમો આજે પણ અતૂટ છે. ૨૨૫ વન-ડેમાં કપિલ દેવના નામે ૩૭૮૭ રન અને ૩૫૩ વિકેટ નોંધાયેલા છે. આજના ખેલાડીઓને ફિટનેસની મોટી સમસ્યા રહે છે, ત્યારે કપિલ દેવ એવા ખેલાડી હતા જેમણે કરિયારમાં ક્યારેય કોઈ ટેસ્ટ ફિટનેસના અભાવે ડ્રોપ કરવી ન પડી હતી. તેમની સિદ્ધિઓને ધ્યાનમાં લઈને આઈસીસીએ કપિલ દેવને હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યું છે.

૧૫ ઓગસ્ટ, ૧૯૯૫ : ઈન્ટરનેટનો પ્રારંભ

વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL) દ્વારા ૧૯૯૫ની ૧૫મી ઓગસ્ટે ભારતમાં જાહેર જનતા માટે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સરકારે શૈક્ષણિક સહિતના હેતુઓથી નેટ કનેક્શનની નેટ પ્રેક્ટિસ તો ૧૯૮૬થી શરૃ કરી હતી. વીએસએનલએલના અધિકારીઓ ઉપરાંત કમ્પ્યુટર પ્રેમી બોલિવૂડ એક્ટર શમ્મી કપૂરે પણ ભારતમાં ઈન્ટરનેટ શરૃ થાય તેમાં રસ લીધો હતો. પ્રથમ સેવા ભારતના ચાર ચાંદ મુંબઈ, દિલ્હી, કલકતા, મદ્રાસમાં શરૃ થઈ હતી. હવે ભારત ફોર-જી સુધી પહોંચી ગયું છે અને ઈન્ટરનેટના અનેક હકારાત્મક ઉપયોગો થઈ રહ્યાં છે.

૧૫ ઓગસ્ટ, ૧૯૯૫ : શાળાએ ભોજન

ગરીબ બાળકો પાસે ખાવાના જ પૈસા ન હોય ત્યારે ભણાવવા ક્યાંથી મોકલવા? અનેક પરિવારોની એ સમસ્યા દૂર કરવા સરકારે ૧૯૯૫માં શાળામાં જ મીડ-ડે મીલ સ્કીમ શરૃ કરી. મધ્યાહન ભોજનને કારણે શિક્ષણ માટે નહીં તો ભોજન માટે બાળકો સ્કૂલે આવતા થયા. આજે મીડ-ડે મીલ સ્કીમ જગતની સૌથી મોટી ભોજન યોજના છે અને ભારતમાં ૧૨ કરોડ બાળકો તેનો લાભ લે છે. યોજનામાં નાની-મોટી ગરબડો હશે, પરંતુ જેનું પેટ ભરાય છે એ બાળકોને તેનાથી કશો ફરક પડતો નથી.

૨૩ ઓગસ્ટ, ૧૯૯૫ : મોબાઈલ ફોનની શરૂઆત

આજે કોઈ મોદી ટેલસ્ટ્રા કંપનીને ન ઓળખે પણ ભારતમાં બે દાયકા પહેલા મોબાઈલની શરૃઆત એ કંપનીએ કરી હતી. એ વર્ષે જ ભારતમાં નોકિયાએ હેન્ડસેટ વેચવાની શરૃઆત કરી હતી. ભારતના મોદી ગૂ્રપ અને ઓસ્ટ્રેલિયાની કદાવર ટેલિકોમ કંપની ટેલસ્ટ્રાએ સાથે મળીને એ સેવા શરૃ કરી હતી. પછીથી એ કંપનીને ભારતી ગૂ્રપે ખરીદી લીધી હતી, માટે આજે ભારતમાં ક્યાંય તેનું નામ નથી. કંપની કલકત્તામાં સ્થપાઈ હતી, માટે તેની શરૃઆત કરવા બંગાળના મુખ્યમંત્રી હાજર રહ્યાં હતાં. અગાઉ કેન્દ્રિય ટેલિકોમ મંત્રી સુખારામ અને બંગાળના મુખ્યમંત્રી જ્યોતિબસુએ એકબીજા સાથે ફોન પર વાત કરીને સત્તાવાર ટેલિફોન સેવાનો આરંભ કરાવ્યો હતો. આજે મોબાઈલ ફોનની અનિવાર્યતા વિશે દેશમાં કોણ અજાણ છે?

ઓક્ટોબર, ૧૯૯૭ : જગતનું એકમાત્ર મરી કેન્દ્ર શરૂ

મરીનો વેપાર એ કદાચ બહુ મહત્ત્વની વાત ન લાગે તો રસોડામાં તપાસ કરી લેવી. કેમ કે કોઈ રસોડું મરી વગરનું ન ચાલે. મસાલા શબ્દ સાથે મરી અનિવાર્યપણે જોડી દેવામાં પણ આવે છે. દક્ષિણ ભારત મરી-મસાલાના વેપાર માટે જાણીતું છે. એટલે જ યુરોપિયનોએ ૫૦૦ વરસ પહેલા ત્યાં સુધી પહોંચવાનો મારગ પણ શોધી કાઢ્યો હતો. એ મરી (અંગ્રેજીમાં પેપર)નું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ (જથ્થાબંધ વેપાર કેન્દ્ર) કેરળના કોચીમાં ૧૯૯૭ના ઓક્ટોબરમાં ખુલ્લું મુકાયુ હતું. આ એક્સચેન્જની સરખામણી ન્યુયોર્કના શેરબજાર સાથે થાય છે. જેમ ન્યુયોર્કના શેરબજારમાં દુનિયાભરની કંપનીઓ વેપાર કરે છે, તેમ કોચીના એક્સચેન્જમાં પણ જગતભરના દેશો વેપાર કરે છે.

૧૧ મે, ૧૯૯૮ : હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું

પરમાણુ શસ્ત્રોના બે પ્રકાર છે, પરમાણુ બોમ્બ અને વધુ ઘાતક હાઈડ્રોજન બોમ્બ. ૧૯૯૮ના આકર ઊનાળામાં ભારતના વિજ્ઞાનીઓ અને સંરક્ષણ નિષ્ણાતોએ પરસેવો પાડીને આખા જગતને ધુ્રજાવતા ધડાકા કર્યા હતા. ૧૧ અને ૧૩ તારીખે ભારતે કુલ મળીને પાંચ અલગ અલગ શસ્ત્રોનંર પરીક્ષણ કર્યું હતું. એ પછી તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતની પરમાણુ તાકાત અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ૧૧મી મે ત્યારથી ભારતમાં 'નેશનલ ટેકનોલોજી ડે' તરીકે ઉજવાય છે. ભારત માટે વિશેષ ગૌરવની વાત એટલા માટે હતી.


કેમ કે દિલ્હીમાં અમેરિકી જાસૂસોની હાજરી અને આકાશમાં અમેરિકી ઉપગ્રહોની નિગરાની છતાં ભારતની ટીમે સમગ્ર મિશન ભારે ચૂપકીદીથી પાર પાડયું હતુ. ગુપ્તતા માટે ડો.અબ્દુલ કલામ, ડો.આર.ચિદમ્બરમ સહિતના વિજ્ઞાનીઓએ લશ્કરી પોશાક ધારણ કર્યો હતો અને તેમને લશ્કરી નામ પણ આપવામાં આવ્યા હતા. જેમ કે મેજર જનરલ પૃથ્વીરાજ એટલે ડો.અબ્દુલ કલામ!  
૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1982-1988

૧૯૮૨ - ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ શરૂ
કરોડો મતદારો હોવાને કારણે ભારતની ચૂંટણી પ્રક્રિયા ખાસ્સી લાંબી ચાલે છે. પરંતુ પહેલા તો મહિનાઓ સુધી ચાલતી. ઝડપી કરવાનું કામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) દ્વારા થયું છે. હવે ભારતની બધી ચૂંટણી ઈવીએમ દ્વારા થાય છે, જેથી ગણતરીના કલાકોમાં પરિણામ મળી શકે છે. વળી ચૂંટણીમાં ચાલતી ગરબડો પર પણ ઈવીએમને કારણે અંકુશ આવ્યો છે. ઈવીએમની શરૃઆત ૧૯૮૨માં કેરળની વિધાનસભા ચૂંટણી વખતે થઈ હતી. મશીનની ડિઝાઈન ડો.અબ્દુલ કલામના સહાધ્યાયી એસ.રંગરાજને કરી હતી.

૨૫ એપ્રિલ, ૧૯૮૨ : કલર ટીવીનું આગમન થયું

બ્લેક-એન્ડ વ્હાઈટ યુગમાં જીવતા ભારતનો કલર ટેલિવિઝનમાં પ્રવેશ થયો એ સાથે મનોરંજનનો વિશાળ મહાસાગર ખૂલ્યો. ૧૯૮૨ના એશિયન ગેમ્સનું આયોજન ધ્યાનમાં લઈને સરકારે દેશમાં કલર પ્રસારણનો નિર્ણય લીધો હતો. ભારતમાં ટીવી ઉત્પાદિત થતા ન હતા માટે સરકારે વિદેશમાંથી ૫૦ હજાર ટીવી આયાત કરવાની મંજૂરી આપી હતી. ગ્રાહકોએ એ કલર ટીવી રૃપિયા ૮ હજારથી ૧૫ હજાર સુધીની કિંમતે ખરીદ્યા હતા. એ ટીવી પર દુરદર્શને એ દિવસે પહેલી વાર બ્લેક એન્ડ વ્હાઈટને બદલે રંગીન પ્રસારણ રજૂ કર્યું હતુ. હવે ભારતમાં વિવિધ પ્રકારની સાડા આઠસોથી વધારે ચેનલો છે અને અડધા કરતાં વધુ ભારતવાસીઓના ઘરમાં ટીવી છે.

૧૧ એપ્રિલ, ૧૯૮૩- ભાનુ અથૈયાને ઑસ્કર મળ્યો
ફિલ્મોમાં કોસ્ચ્યુમ એટલે કે વસ્ત્ર-પરિધાન એ ખાસ ચર્ચાનો વિષય બનતો નથી. પરંતુ ૧૯૮૩માં પ્રથમ વાર ભારતના ફિલ્મ ચાહકોને કોસ્ચ્યુમ ડિઝાઈનર હોવાનું મહત્ત્વ સમજાયું. કેમ કે મહારાષ્ટ્રમાં જન્મેલા ઈન્ડિયન કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાને હોલિવૂડનો સર્વોત્તમ ફિલ્મ એવોર્ડ ઑસ્કર મળ્યો હતો. રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી'ના વસ્ત્રો ડિઝાઈન કરવા માટે ભાનુ અથૈયાને જોન મોલો સાથે સંયુક્ત રીતે ઑસ્કર એટલે કે એકેડમી એવોર્ડ મળ્યો હતો. ભારતની ધરતી પર જન્મેલા તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમને હોલિવૂડનું આ સન્માન મળ્યું હોય. ૨૦૧૨માં તેમણે એવોર્ડ એકેડમી સમિતિને પરત કરી દીધો હતો. કેમ કે તેમને એમ લાગતું હતું કે તેમના ગયા પછી પરિવાર ટ્રોફી સાચવી ન પણ શકે!  પછી તો એ.આર.રહેમાન, રસુલ પોકુટ્ટી, ગુલઝારને પણ સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ માટે ૨૦૦૯માં ઑસ્કર મળ્યો હતો.

૨૫ જૂન, ૧૯૮૩ - ક્રિકેટ વિશ્વવિજેતા ભારત
ક્રિકેટનો એ ત્રીજો વર્લ્ડકપ હતો અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ હોય ત્યાં સુધી બીજા કોઈએ જીતના સપનાં જોવાના ન હતા. લગભગ એવુ જ પરિણામ આવી રહ્યું હતું, કેમ કે ફાઈનલ સુધી તો કેપ્ટન ક્લાઈવ લોઈડની ધરમખ ટીમ પહોંચી ચૂકી હતી. ભારતની ટીમે પ્રથમ બેટિંગ લીધી અને માત્ર ૧૮૩ રન (૫૪.૪ ઓવરમાં) કરી શક્યા. ત્યારે ઈન્ડિઝની જીત નિશ્ચિત મનાતી હતી. પરંતુ કપિલ દેવે ખેલાડીઓમાં જુસ્સો ભરી રાખ્યો હતો. હરીફ ટીમ લોર્ડ્સના મેદાનમાં માંડ ૧૪૦ રન કરી શકી. મેદાનમાં હાજર ૨.૩૨ લાખ પ્રેક્ષકોને ક્રિકેટ વિશ્વના નવા ચેમ્પિયનનો પરિચય પણ મળ્યો. વિજેતા ભારતીય ટીમને ૨૦ હજાર પાઉન્ડની રોકડ રકમ પણ મળી હતી. ભારતે ૨૦૧૧માં પણ ફરીથી વર્લ્ડકપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

૨ એપ્રિલ, ૧૯૮૪ - રાકેશ શર્મા અવકાશયાત્રી બન્યા
ભારત અને રશિયા વચ્ચે થયેલા કરારના ભાગરૃપે ભારતમાંથી પણ એક અવકાશયાત્રીને સોયુઝ-ટી-૧૧ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. એ અવકાશયાત્રી હતા પંજાબમાં જન્મેલા એરફોર્સના પાઈલટ રાકેશ શર્મા. એરફોર્સમાં રહીને તેમણે પાકિસ્તાન વિરૃદ્ધ યુદ્ધ લડયાં હતા. શર્મા સહિત કુલ ૩ પ્રવાસીઓ હતા, જેમને રશિયન બનાવટના સેલ્યુત-૭ સ્પેસ સ્ટેશની સફર કરી હતી. શર્માએ અવકાશમાં કુલ મળીને ૨૧ કલાક, ૪૦ મિનિટ પસાર કરી હતી.
એ દરમિયાન વડાંપ્રધાન શ્રીમતિ ગાંધીએ તેમને પૂછ્યું કે અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? રાકેશ શર્માએ જવાબ આપ્યો : સારે જહાઁ સે અચ્છા! ૧૯૯૨માં પાઈલટ તરીકે નિવૃત્ત થયા પછી તેઓ તેજસ વિમાન જેવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહ્યા છે.
સુપર કમ્પ્યુટર તૈયાર થયા પછી તેના નામ માટે સંસ્કૃત શબ્દ પરમ અપનાવાયો હતો, જેનો અર્થ થાય છે સુપ્રીમ-સર્વોચ્ચ
વાયુસેનાએ 'ઓપરેશન સફેદ સાગર' દ્વારા યુદ્ધ વિમાનો ઈતિહાસમાં પ્રથમ વાર ૩૨ હજાર ફીટ ઊંચે ઊડાવ્યા હતા.

ઓગસ્ટ ૧૯૮૪ : ટેલિકોમ ક્રાંતિની શરૂઆત
અમેરિકા રહેતા એ ભાઈ ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાની પત્નીને ફોન કરી શકતા ન હતા. ભારતમાં ત્યારે પરદેશ તો ઠીક દેશમાં ફોન કરવો પણ કપરો હતો. શું કરવું? એટલે પછી તેમણે ભારતમાં ખૂણે ખૂણે ટેલિફોન પહોંચાડવાની પ્રક્રિયા આરંભી. એ ભાઈનું નામ સામ પિત્રોડા. તેમને ભારતમાં લાવવાનું શ્રેય જોકે રાજીવ ગાંધીને જાય છે. ૧૯૮૪ના ઓગસ્ટમાં 'સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (સી-ડોટ)'ની સ્થાપના કરી. એ પછી દેશમાં જ ફોન ઉત્પાદન અને નેટવર્કનું મજબૂતીકરણ થયું. દેશમાં ઠેર-ઠેર એસટીડી પીસીઓ સ્થાપાયા અને ઘરમાં ટેલિફોન હોવું એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બન્યો.

૮ ઓગસ્ટ, ૧૯૮૪ : ઑલિમ્પિકમાં ભારતની ઉષા
લોસ એન્જેલસ ખાતે યોજાયેલા ઑલિમ્પિક રમતોત્સવનાં ભારતીય એથ્લિટ પી.ટી.ઉષાએ પણ ભાગ લીધો હતો. પરંતુ ભારત માટે ઊષાનું નામ ત્યારે જાણીતું થયું જ્યારે તેઓ ૪૦૦ મિટરની વિઘ્ન દોડની ફાઈનલમાં પહોંચ્યા. જોકે તેમને કોઈ મેડલ ન મળ્યો, પરંતુ ફાઈનલ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય તરીકે આજેય તેમનું જ નામ લેવાય છે. ઉષાને અન્ય સ્પર્ધામાં મળીને નાના-મોટાં ૧૦૧ આંતરરાષ્ટ્રીય મેડલ મળ્યાં છે. તેમની ગણતરી ગ્રેટેસ્ટ ઈન્ડિયન એથ્લિટ તરીકે કરવામાં આવે છે. હવે બાળકીઓને તેઓ વિનામૂલ્યે એથ્લેટિક્સની તાલીમ આપે છે.

ઓક્ટોબર ૧૯૮૪ : હિમસાગર એક્સપ્રેસની શરૂઆત
 અત્યારે ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન વિવેક એક્સપ્રેસ છે. પરંતુ ૧૯૮૪માં કાશ્મીરથી કન્યાકુમારીને જોડતી 'હિમસાગર એક્સપ્રેસ' શરૃ થઈ ત્યારે એ દેશની સૌથી લાંબી ટ્રેન હતી. સૌથી લાંબી ટ્રેન હોવાનો વિક્રમ હિમસાગરે લગભગ ૩ દાયકા સુધી જાળવી રાખ્યો. સપ્તાહમાં એક વાર ઉપડતી આ ગાડી ભારતના ઉત્તર છેડે આવેલા જમ્મુ તાવીથી શરૃ કરીને દક્ષિણ છેડે કન્યાકુમારી ખાતે પ્રવાસ પૂરો કરે છે. કુલ અંતર ૩,૭૧૪ કિલોમીટર છે અને એ પૂરું કરવામાં ૭૦ કલાકનો સમય લાગે છે. ગાડી કુલ ૭૨ સ્ટેશનોએ રોકાતી સરેરાશ ૫૩ કિલોમીટરની ઝડપે સફર કરે છે.
હિમસાગર પ્રવાસ શરૃ કરે ત્યારથી એન્જીન શાંત થાય ત્યાં સુધીમાં પૃથ્વી પોતાની ધરી પર ૩ વખત ફરી ચૂકી હોય છે! કોઈ મુસાફર જમ્મુથી કુમારી સુધી બેઠો રહે તો તેને એ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુ એમ ૧૨ રાજ્યોના પ્રવાસનો લાભ મળે!

૧૯૮૭ : વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન
બુદ્ધિશાળી લોકોની રમત ગણાતી ચેસમાં ભારતે ૧૯૮૭માં વૈશ્વિક સ્તરે નામ કંડાર્યું. ૧૭ વર્ષના ખેલાડી વિશ્વનાથન આનંદે રશિયામાં યોજાયેલી સ્પર્ધામાં હરીફ ખેલાડીને જ મ્હાત કરી દીધા. એ વખતે વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપ જીતનારા આનંદ પ્રથમ એશિયન હતા. બીજા વર્ષે તો પછી આનંદે ગેરી કાસ્પારોવને પણ હરાવ્યા અને એક પછી એક અનેક વિશ્વ સ્પર્ધાઓ જીતી દેખાડી. આજે પણ જગતના સર્વોત્તમ ચેસ ખેલાડીઓમાં આનંદનું નામ મોખરે છે. ખેલ ક્ષેત્રમાં પદ્મવિભૂષણ મળ્યો હોય એવા પણ તેઓ પ્રથમ ખેલાડી છે.

૨૬ જાન્યુઆરી, ૧૯૮૮ : અંગ્રેજો ન કરી શક્યા, ભારતે કર્યું
અંગ્રેજો ન કરી શક્યા અને ભારતે કરી દેખાડયું એવુ કામ એટલે કોંકણ રેલવે તરીકે ઓળખાતો રેલવે પ્રોજેક્ટ. મુંબઈથી શરૃ થઈ દક્ષિણમાં મેંગલોર સુધી લંબાતી રેલવે લાઈનો પશ્ચિમ ઘાટના આકરા પહાડો તોડીને પસાર થાય છે. એ ખડકો તોડવા માટે અંગ્રેજોએ હાથ ઊંચા કરી દીધા હતા. આઝાદી પછી ભારતે એ એન્જિનિયરો માટે પડકાર ગણાતો પ્રોજેક્ટ હાથમાં લીધો અને સફળતાપૂર્વક પૂર્ણ પણ કર્યો. તેમાં સૌથી મહત્ત્વનો ફાળો એન્જિનિયર ઈ.શ્રીધરનનો હતો. કોંકણ રેલવે આજે જગતભર માટે અભ્યાસનો વિષય છે.