૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1965-1972
એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૬૫ : પાકિસ્તાનને પાઠ ભણાવાયો
કચ્છનું રણ રેઢું માનીને પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરી હતી.૧૯૬૨માં ચીન સામે ભારતની હાર પછી ભારતને નબળું પડેલું ધારી પાકિસ્તાની સત્તાધિશ જનરલ અયુબખાને કચ્છ-પંજાબ-કાશ્મીર એમ ત્રણ મોરચે મોટે પાયે જંગ આદર્યો હતો. પરંતુ દરેક મોરચે પાકિસ્તાનના ભાગે સિકસ્ત આવી હતી. ઉલટાના ભારતીય દળો પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને એ જમીન પર ભારતે દાવો કાયમી રાખ્યો હોત તો પાકિસ્તાનનો ઘણો ભાગ ભારતમાં હોત.
૨૦ મે, ૧૯૬૫ : એવરેસ્ટ પર પ્રથમ ભારતીય
આર્મી અધિકારી કર્નલ અવતાર સિંહ શિમા ૧૯૬૫ના એવરેસ્ટ મિશનના આઠ પૈકીના એક સભ્ય હતા. અગાઉ બે વખત નિષ્ફળ થયા પછી તેઓ ત્રીજી વખત એવરેસ્ટ પર જઈ રહ્યાં હતા અને ૨૦મી મેના દિવસે સફળ પણ થયા. એ વખતે તેઓ પ્રથમ ભારતીય હતા જે જગતનું સૌથી ઊંચુ શીખર એવરેસ્ટ સર કરી શક્યા હોય. બાદમાં સરકારે તેમનું પદ્મશ્રી વડે સન્માન કર્યું હતુ. બાદમાં બચેન્દ્રી પાલ ૧૯૮૪માં એવરેસ્ટ સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતા.
૧૭ નવેમ્બર, ૧૯૬૬ : ભારતીય સૌંદર્યની કદર
લંડનમાં ચાલી રહેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતીય સ્પર્ધક રિટા ફારિયાની સ્ટેજ પર એન્ટ્રી થઈ. સ્પર્ધા માટે કુલ ૬૬ સુંદરીઓ દુનિયાના ખુણે ખુણેથી લંડન પહોંચી હતી. ભારત જેવા થર્ડ વર્લ્ડ ગણાતા દેશની તો ત્યાં ગણતરી જ ક્યાંથી હોય? ગોવામાં ૧૯૪૩માં જન્મેલી અને વ્યવસાયે ડોક્ટર-મોડેલ રિટાએ કેટલાંક કપડાં પણ સ્પર્ધામાં પહેરવા માટે બીજા પાસેથી મેળવ્યા હતા. સ્પર્ધાના અંતે રિટાને મિસ વર્લ્ડ જાહેર કરવામાં આવ્યા. ત્યારે તેઓ માત્ર ભારતીય નહીં પણ પહેલા એશિયન યુવતી હતા, જેમને આવુ સન્માન મળ્યું હોય. ૭૪ વર્ષના રિટાદેવી હવે આર્યલેન્ડમાં તેમના પરિવાર સાથે રહે છે. વર્ષો પછી ઐશ્વર્યા, સુસ્મીતા સેન, લારા દત્તા વગેરેએ પણ વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધાઓમાં ભારતનું નામ ઊજળું કર્યું હતું.
૧૯૬૭ : ખેતી પ્રધાન દેશમાં હરિતક્રાંતિ
ભારતમાં ખેતી તો હજારો વર્ષથી થતી આવે છે, પણ અંગ્રેજકાળમાં આખા દેશ સાથે ખેતી પણ વેર-વિખેર થઈ હતી. આઝાદી પછી ભારતના ખેતરો ખરેખર સોનું ઉગલી શકે એટલા માટે બિયારણ સુધારણાની જરૃર હતી. ખેતી સમૃદ્ધ કરવા માટે બિયારણ સમૃદ્ધ હોવું જોઈએ એવો આઈડિયા કોઈને આવ્યો ન હતો ત્યારે કૃૃષિ વિજ્ઞાાની એમ.એસ.સ્વામીનાથને નવાં બીજ પેદા કર્યા. અમેરિકામાં એ કામગીરી નોર્મન બોર્લોગ નામના કૃષિ વિજ્ઞાાની બે દાયકા અગાઉ કરી ચૂક્યા હતા. એ પછીના બે દાયકામાં અનેક કૃષિ પેદાશોમાં ભારતે શીખરો સર કર્યા. એટલે ભારત પાસે અનાજની કમી નથી. એક સમયે અનાજની આયાત કરતા ભારતે ૨૦૧૬માં ૨૭.૩ કરોડ ટન અનાજ પેદા કર્યું હતું.
૨૯ મે, ૧૯૬૮ : વિશ્વ ચેમ્પિયન દારા સિંહ
કુસ્તી ભારતની પરંપરાગત રમત ખરી, પણ ખેલાડી ક્યાં? આધુનિક ભારતમાં નામશેષ થઈ રહેલી આ રમતના કોઈ એક ખેલાડીનું નામ આપવાનું આવે તો અચૂકપણે દારા સિંહ યાદ આવે. મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં અમેરિકી રેસલર (કુસ્તીબાજ) લો થેસ્ઝને હરાવીને દારા સિંહ ચેમ્પિયન બન્યા હતા. ૧૯૮૩માં દારા સિંહે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી, ત્યાં સુધીમાં કુલ ૫૦૦ સ્પર્ધા રમ્યા હતા. તેમાંથી કેટલી મેચમાં તેમની હાર થઈ હતી? એક પણ નહીં! પછી તો ટીવી સિરિયલ રામાયણમાં હનુમાનના રોલ માટે દારા સિંહ વધુ પ્રચલિત થયા હતા.
૧ માર્ચ, ૧૯૬૯ : રાજધાની નામે રેલવે ક્રાંતિ
ભારતમાં આજે રેલ મુસાફરીમાં રાજધાની એક્સપ્રેસ સૌથી ઊચ્ચ કક્ષાની ટ્રેનો ગણાય છે. ઝડપી અને ભારતના પાટગર સાથે રાજ્યના પાટનગર કે મોટાં શહેર જોડતી રાજધાનીની શરૂઆત ૧૯૬૯ની ૧લી માર્ચે શરૃ થઈ હતી. પાટનગર દિલ્હીથી કલકત્તાના રેલવે સ્ટેશન હાવડા વચ્ચે પહેલી આખેઆખી એર કન્ડીશન્ડ ટ્રેન દોડી હતી. માત્ર ૩ સ્ટોપ સાથે ૧૪૪૫ કિલોમીટરનું અંતર એ ટ્રેને ૧૭ કલાક ૨૦ મિનિટમાં પૂર્ણ કર્યું હતુ. આજે દેશમાં ૨૨ રાજધાની દોડે છે. તો વળી શતાબ્દી, દુરન્તો વગેરે જેવી બીજી સુવિધાજનક ટ્રેનો પણ ખરી.
૧૯૭૦ : જગતનો સૌથી મોટો ડેરી પ્રોગ્રામ શરૃ થયો
'નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ' દ્વારા ૧૯૭૦માં 'ઓપરેશન ફ્લડ' નામે ડેરી સુધારણાની શરૂઆત કરવામાં આવી. એ પછી સ્થિતિ આવી કે ૧૯૯૮માં ભારત અમેરિકાને પાછળ રાખીને દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાષ્ટ્ર બન્યું. ડેરી સુધારણાની આગેવાની આણંદ સ્થિત અમુલ ડેરીએ લીધી હતી અને તેની પાછળ કેરળના એન્જિનિયર વર્ગિસ કુરિયનનું ભેજું હતું. કનૈયાનો દેશ ગણાતો ભારતવર્ષ એ પછી ખરા અર્થમાં ગૌ-પાલકો અને દૂધ-ઉત્પાદન કરનારા ખેડૂતોને ગૌરવ અપાવી શક્યો. ૨૦૧૫-૧૬માં ભારતે ૧૫.૫૫ કરોડ ટન દૂધનું ઉત્પાદન કર્યું હતું. સમયે અનાજની આયાત કરતા ભારતે ૨૦૧૬માં ૨૭.૩ કરોડ ટન અનાજ પેદા કર્યું હતું.
ડિસેમ્બર, ૧૯૭૧ - બાંગ્લાદેશને આઝાદી અપાવી
પાકિસ્તાનનો એક ભાગ પશ્ચિમમાં એટલે કે આજનું પાકિસ્તાન અને બીજો ભાગ ૩ હજાર કિલોમીટર દૂર પૂર્વમાં. દુનિયામાં કોઈ દેશના ન હોય એવા જરાસંઘના શરીર જેવા તેના બે ફાડિયા હતા. એ ફાડિયા ૧૯૭૧માં નોખા પડયા જ્યારે ઈન્દિરા ગાંધીએ લશ્કરી પગલાં લઈને પૂર્વ પાકિસ્તાનને કાયમી ધોરણે પાકિસ્તાનથી નોખો પાડી દીધો. બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરો ભારતમાં મોટેપાયે ઘૂસી આવતા હતા એ મોટી સમસ્યા હતી. આઝાદી પછી એ દેશ બાંગ્લાદેશ નામે ઓળખાય છે. પરંપરાગત દુશ્મન પાકિસ્તાન કરતા બાંગ્લાદેશ સાથે ભારતના સબંધો ઘણા સારા છે.
૧૯૭૧ - સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ
આજે ભારતમાં બધુ મળીને ૧૦૦૦થી વધુ ફિલ્મો વર્ષે તૈયાર થાય છે એ વાતની કોઈ નવાઈ નથી. ભારત આખા જગતમાં સૌથી વધુ ફિલ્મો બનાવે છે. ભારતે પ્રથમવાર એ સિદ્ધિ ૧૯૭૧માં હાંસલ કરી હતી. ત્યારે ભારતે એક વર્ષમાં ૪૩૩ ફિલ્મો બનાવી હતી. આ વખતે એ આંકડો આખી દુનિયામાં સૌથી મોટો હતો. બોલિવૂડ ઉપરાંત ભારતમાં દસેક ફિલ્મ ઈન્ડસ્ટ્રી નોંધપાત્ર કામ કરે છે.
૧૫ ઓગસ્ટ, ૧૯૭૨ - દેશમાં પિન-કોડ પ્રથા દાખલ થઈ
૧૭૬૪માં ભારતમાં પહેલી પોસ્ટ ઓફિસ મુંબઈમાં અંગ્રેજોએ શરૃ કરી હતી. એ પછી તો આખા દેશમાં પોસ્ટ ઓફિસો શરૃ થઈ પણ ત્યાં સુધી ટપાલ સરળતાથી પહોંચાડવી કઈ રીતે? એ માટે જરૃર પડી પિન-કોડ એટલે કે પોસ્ટલ ઈન્ડેક્સ નંબરની. દેશના વિભાગો પ્રમાણે નંબર આપી દેવાયા અને પછી સરનામા સાથે પિન-કોડ લખવાની પ્રથા શરૃ થઈ. ૧૯૭૨ની ૧૫મી ઓગસ્ટે ભારતે પિન-કોડ પ્રથા શરૃ કરી હતી. ભારતમાં ૬ આંકડાના પિન-કોડ વપરાય છે અને પિન-કોડ મુજબ દેશના ૯ ઝોન પડેલા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો