શુક્રવાર, 16 નવેમ્બર, 2018

દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનો પર લહેરાશે 100 ફુટ ઊંચો ત્રિરંગો


ભારતીય રેલવેએ દેશના 75 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનોના કેમ્પસમાં આ વર્ષના અંત સુધીમાં 100 ફુટ ઊચો રાષ્ટ્રધ્વજ લગાવવાનો નિર્ણય કર્યો છે. રેલવે બોર્ડે 22 ઓક્ટોબરે આ મામલે આદેશ જાહેર કર્યો છે જેને દરેક ક્ષેત્રીય રેલવને મોકલી દેવામાં આવ્યો છે. આદેશ પ્રમાણે સંબંધિત અધિકારીઓએ આગામી મહિનાના અંત સુધીમાં રાષ્ટ્રધ્વજ લગાવી દેવાનું કામ પૂર્ણ કરવા આદેશ કરાયો છે.


આ આદેશ રેલવે બોર્ડના કાર્યકારી નિર્દેશક(સ્ટેશન વિકાસ) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડે પહલાના A-1 શ્રેણીના દરેક રેલવે સ્ટેશનો પર ઓછામાં ઓછો 100 ફુટ ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવવાનો નિર્ણય કર્યો છે. મુંબઇના 7 રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું કે, રેલવે બોર્ડના આદેશને અક્ષરશ: લાગૂ કરવામાં આવશે.