ગુજરાતી
સાહિત્યમાં ૩૦૦૦ હસ્તપ્રતોમાંથી ફક્ત ૨૦ ટકા જેટલી જ ઉકેલાઈ છે
- હસ્તપ્રતોનો અભ્યાસ ધૂળ
ધોયાનો ધંધો છે પરંતુ સંશોધનનો આનંદ અમૂલ્ય છે
- ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટમાં
હસ્તપ્રતોનું સંપાદન અને વાંચન વિશે સેમિનાર યોજાયો
અત્યારના
સમયમાં જીવન જીવવાની ચાવી મળે તેવી ગુજરાતી સાહિત્યમાં ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦
જેટલી હસ્તપ્રતો છે. પરંતુ તેમાંથી ફક્ત ૨૦ ટકા ઉકેલાઈ છે. બાકીની ૮૦ ટકા
હસ્તપ્રતો વણઉકેલાયેલી છે. આ હસ્તપ્રતો ઈ.સ.૧૧૫૦થી ૧૮૫૦ એટલે ૭૫૦ સમયગાળાની છે.એમ, ગુજરાત
યુનિવર્સિટીના પ્રો. કીર્તિદા શાહનું કહેવું છે.
એમ.એસ.યુનિની ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટમાં
તા.૧૭થી ૨૩ સુધી હસ્તપ્રતોના સંપાદન અને વાંચન વિશે સેમિનાર રાખવામાં આવ્યો છે.
ઈન્સ્ટિટયૂટના ડિરેક્ટર ડો.શ્વેતા પ્રજાપતિએ જણાવ્યું કે, લિપિ વિશેના
સેમિનાર વારંવાર આ ઈન્સ્ટિટયૂટમાં થતા હોય છે. પરંતુ હસ્તપ્રતોમાં જે સાહિત્ય છે
તેને ઉકેલવા માટે તેમજ સંશોધનો થાય તે હેતુથી પ્રથમવાર હસ્તપ્રતો વાંચનનો સેમિનાર
રાખવામાં આવ્યો છે. જેમાં નિષ્ણાંતો દ્વારા ગુજરાતી અને સંસ્કૃત બે વિષયની
હસ્તપ્રતોની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સાત દિવસીય સેમિનારમાં
એમ.એસ.યુનિ. ઉપરાંત વિદ્યાનગર,રાજકોટ, મહેસાણાથી વિદ્યાર્થીઓ આવ્યા છે.
પ્રો. કીર્તિદા શાહે જણાવ્યું કે, હસ્તપ્રતોનો
અભ્યાસ ધૂળ ધોયાનો ધંધો છે પરંતુ સંશોધનનો આનંદ અમૂલ્ય છે. તેનાથી પૈસાદાર નહીં
થવાય પરંતુ જ્ઞાાનમાં ચોક્કસ વધારો થશે. ગુજરાતી સાહિત્યની હસ્તપ્રતોમાં હિંદુ, જૈન અને સૂફી
પરંપરાની કૃતિઓ છે. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યામંદિરમાં
ગુજરાતી સાહિત્યમાં કુરાન, રામાયણ અને મહાભારતની હસ્તપ્રતો
સોના-ચાંદીના વરખથી લખાયેલી છે.
૩૫ મિલિયન હસ્તપ્રતોમાંથી હજારનો પણ અધિકૃત
પાઠ તૈયાર કરાયો નથી
મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ
ટેકનોલોજીના પ્રો.મલ્હાર કુલકર્ણીએ જણાવ્યું કે, દેશમાં વિવિધ લિપિમાં ૩૫ મિલિયન હસ્તપ્રતો
સચવાયેલી છે તેમાંથી હજાર જેટલી હસ્તપ્રતોનો પણ અધિકૃત પાઠ તૈયાર કરાયો નથી.જેનું
મુખ્ય કારણ તાલીમ પામેલા નિષ્ણાંતોની અછત અને સમય માંગી લે તેવું કામ છે.