મંગળવાર, 12 જૂન, 2018


બાળ મજૂરી દિવસ - ૧૨મી જૂન





દોઢસો વર્ષથી ચાલતી ગુજરાતની પાંચ નેરોગેજ ટ્રેનો હેરિટેજ તરીકે ચાલુ રખાશે


દોઢસો વર્ષથી ચાલતી ગુજરાતની પાંચ નેરોગેજ ટ્રેનો હેરિટેજ તરીકે ચાલુ રખાશે
- ડભોઈનું નેરોગેજ નેટવર્ક એશિયામાં સૌથી મોટું છે, પહેલી ટ્રેનના એન્જિન તરીકે બળદો વપરાતા હતા
- ૧૯મી સદીમાં ચાલુ થયેલી ટ્રેન ૨૧મી સદીમાં પણ દોડે છે  
દેશભરમાં નેરોગેજ રેલવે ટ્રેક મિટરગેજમાં પરિવર્તિત થઈ રહ્યો છે. રેલવે નેટવર્ક ઝડપી બનાવવા માટે મિટરગેજ અનિવાર્ય પણ છે. જોકે એમ કરવાં જતાં ગુજરાતની ઐતિહાસિક નેરોગેજ રેલવેને નુકસાન થઈ રહ્યું હતું. માટે સરકારે હવે ડભોઈ નેટવર્ક હેઠળ આવતી પાંચ ટ્રેનો યથાવત ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કેમ કે આ ટ્રેન રેલવે ઈતિહાસનો અત્યંત મહત્ત્વનો ભાગ છેે અને દુનિયામાં બહુ ઓછા સ્થળોએ હવે નેરોગેજ ચાલે છે. જ્યાં જ્યાં નેરોગેજ ચાલે છે, ત્યાં ત્યાં તેનો પ્રવાસન તરીકે વિકાસ થયો છે.
૧૮૫૩માં ભારતમા રેલવે શરૃ થયા પછી સુધારાવાદી વડોદરા નરેશ ગાયકવાડે પોતાના રાજ્યમાં રેલવે શરૃ કરાવી હતી. ગાયકવાડ્સ બરોડા સ્ટેટ રેલવેના ઈતિહાસમાં તેની વિગતો નોંધાયેલી છે. એ પ્રમાણે પ્રથમ રેલવે ડભોઈ અને મિંયાગામ વચ્ચે ૧૮૬૨માં શરૃ થઈ હતી. ૩૨.૩૦ કિલોમીટર લાંબી આ રેલવે શરૃઆતમાં એન્જિન ન હોવાથી બળદ વડે ખેંચાતી હતી.
ભારતમાં કોઈ પણ દેશી રાજ્ય દ્વારા શરૃ થયેલી એ પ્રથમ રેલવે હતી. એ પછી દેશના નાના-મોટાં ૩૪ રજવાડાઓએ વડોદરાના પગલે ટ્રેન શરૃ કરી હતી.
ગાયકવાડી યુગમાં અઢી હજાર વર્ષ જૂના નગર ડભોઈનો દબદબો હતો, માટે રેલવેના કેન્દ્ર તરીકે તેને પસંદ કરવામાં આવ્યુ હતુ. વધતું વધતું નેટવર્ક સવા ચારસો કિલોમીટર લાંબુ બન્યું હતું. હવે ઘણા ટ્રેક બંધ કરી દેવાયા છે, ઉખેડીને મિટરગેટ કરી દેવાયા છે, તો પણ ડભોઈ એશિયાનું સૌથી મોટું નેરોગેજ નેટવર્ક છે.
હવે દુનિયાભરમાં નેરોગેજ ટ્રેક નષ્ટ થઈ રહ્યાં છે. અઢી ફીટ પહોળાઈ ધરાવતા આ ટ્રેક પર ટ્રેન ઝડપ હાંસલ કરી શકતી નથી. બીજી તરફ રેલવે નેટવર્કને ઝડપી બનાવવું જરૃરી છે. માટે બધા જ નેરોગેજ મિટરગેજમાં પરિવર્તિત થઈ રહ્યાં છે. પરંતુ ઐતિહાસિક મહત્ત્વ જોતાં ડભોઈ નેટવર્કની પાંચ ટ્રેનોને એમ જ ચાલુ રહેવા દેવાનો નિર્ણય રેલવે મંત્રાલયે કર્યો છે.
છેક ૧૯મી સદીમાં શરૃ થયેલી આ રેલગાડી ૨૧મી સદીમાં પણ ચાલી રહી છે. આ પાંચ લાઈનમાં ડભોઈ-મિયાંગામ (૩૩ કિલોમીટર), મિયાંગામ-માલસર (૩૮), પ્રતાપનગર-જંબુસર (૫૧), મોટીકરાલ-ચારોણડા (૧૯) અને બિલિમોરા-વઘઈ(૬૩)નો સમાવેશ થાય છે.
સ્થાનિક કક્ષાએ આ ટ્રેનોનો વપરાશ ઘણો થાય છે. પરંતુ સરકારે હજુ સુધી તેને પ્રવાસન તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો નથી. બીજી તરફ નેરોગેજના ઘણા શોખીનો દુનિયાભરમાંથી આ ટ્રેનમાં મુસાફરી કરવા નિયમિત આવતા રહે છે.
  બધી ટ્રેન સરેરાશ રીતે કલાકના ૨૦-૨૫ કિલોમીટરથી વધુ ઝડપે દોડતી નથી. એમાં પણ પ્રતાપનગર (ગાયકવાડી યુગમાં આ સ્ટેશનનું નામ ગોયાગેટ હતું) અને જંબુસર વચ્ચે દોડતી ટ્રેન તો કલાકના ૧૪.૫ કિલોમીટરની એવરેજ ઝડપે દોડે છે.
ભારતમાં કેટલીક નેરોગેજ ટ્રેન ચાલે છે, જેમ કે દાર્જિલિંગની નિલગીરી એક્સપ્રેસ, દક્ષિણ ભારતની ઉટી એક્સપ્રેસ, કાલકા-શિમલા, માથેરાન ટોય ટ્રેન વગેરે.. એ બધી હેરિટેજ જાહેર થઈ ચૂકી છે અને પ્રવાસન માટે જ ચલાવાય છે. ગુજરાતમાં પણ આ નેરોગેજ ઉપરાંત ગીરમાંથી પસાર થતી નેરોગેજ રેલવે પ્રવાસીઓને આકર્ષે છે. માટે સરકારે તેને સાચવી રાખવાનો યોગ્ય નિર્ણય લીધો છે



વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ બ્રાઝિલનું રશિયામાં આગમન



- બ્રાઝિલની ટીમ સૌથીવધુ પાંચ વખત ફિફા વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ચૂકી છે : નેમાર બ્રાઝિલનો ટ્રમ્પકાર્

- ફ્રાન્સની ટીમ પણ રશિયા આવી પહોંચી : ગુરુવારથી ૩૨ ટીમ વચ્ચે ફૂટબોલનું 'વિશ્વયુદ્ધ'

ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા, ટેનિસમાં રોજર ફેડરર મેદાનમાં ઉતરે ત્યારે રમતપ્રેમીઓની અપેક્ષાનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આવું જ સ્થાન બ્રાઝિલનું છે. છઠ્ઠી વખત વર્લ્ડકપ ટાઇટલ જીતવા માટે બ્રાઝિલની ટીમ સોમવારે ફૂટબોલના 'વિશ્વયુદ્ધ' ની 'રણભૂમિ' રશિયામાં આગમન કર્યું છે.

બ્રાઝિલ ૨૦૦૨ બાદ પ્રથમવાર વર્લ્ડચેમ્પિયન બની શકશે કે કેમ તેનો સઘળો મદાર હાલના સુપરસ્ટાર નેમાર, ગેબ્રિયલ જીસસ, રોબર્ટો, વિલિયન, પોલિન્યો જેવા મિડફિલ્ડર, થિએગો સિલ્વા, માર્સેલો વિયેરા જેવા ડિફેન્ડર્સ પર રહેશે.

બ્રાઝિલની ટીમ ૧૭ જૂને સ્વિત્ઝર્લેન્ડ સામે રમી ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં પોતાનું અભિયાન આરંભશે. બ્રાઝિલના ગૂ્રપમાં સ્વિત્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા, સર્બિયા  અન્ય ટીમ છે. આમ, બ્રાઝિલને નોકઆઉટ રાઉન્ડમાં  પ્રવેશવામાં ખાસ સમસ્યા નહીં નડે તેમ જણાઇ રહ્યું છે.

બ્રાઝિલ ઉપરાંત ફ્રાન્સની ટીમ સોમવારે રશિયા આવી પહોંચી હતી. ૧૯૯૮માં એકમાત્ર વાર ચેમ્પિયન બનેલી ફ્રાન્સની ટીમ ગત વખતે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઇ હતી.ફ્રાન્સની ટીમમાં પોલ પોગ્બા, એન્ટોઇન ગ્રીઝમેન, ઓલિવર ગિરોર્ડ, કેલિન એમ્બપૈ જેવા સ્ટાર પ્લેયર્સ છે. ફ્રાન્સના ગૂ્રપ 'સી' માં ઓસ્ટ્રેલિયા, પેરુ, ડેન્માર્ક અન્ય ટીમ છે. ફ્રાન્સની ટીમ ૧૬ જૂને ઓસ્ટ્રેલિયા સામે પ્રારંભિક મેચમાં રમશે.

બ્રાઝિલ કે જર્મની વર્લ્ડ ચેમ્પિયન બનશે

 વિવિધ આંકડાકીય પરિમાણો, ખેલાડીઓના વર્તમાન ફોર્મના આધારે ગોલ્ડમેન સેશ દ્વારા કઇ ટીમ આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનશે તેનું પૂર્વાનુમાન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેમનું માનવું છે કે, બ્રાઝિલ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે ફેવરિટ છે. જોકે, અહીં એ વાત નોંધનીય છે કે ગોલ્ડમેન દ્વારા ૨૦૧૪ના વર્લ્ડકપ અગાઉ પણ બ્રાઝિલને ચેમ્પિયન બનવા માટે ફેવરિટ ગણવામાં આવ્યું હતું અને ત્યારે તેનો સેમિફાઇનલમાં જર્મની સામે પરાજય થયો હતો. હવે આ વખતે તેમનું માનવું છે કે, બ્રાઝિલ, જર્મની, ફ્રાન્સ, પોર્ટુગલ સેમિફાઇનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. આ સિવાય બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, આર્જેન્ટિના, સ્પેન ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી શકે તેની સંભાવના નહિવત્ છે.

માન્ચેસ્ટર સિટીના સૌથી વધુ પ્લેયર્સ

ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં માન્ચેસ્ટર સિટીના સૌથી વધુ ૧૬, રિયલ મેડ્રિડ ક્લબના ૧૫, બાર્સેલોનાના ૧૪, પેરિસ સેન્ટ જર્મેઇનના ૧૨, ટોટ્ટેનહામ હોટસ્પરના ૧૨ જ્યારે બાર્યન મ્યુનિચ-ચેલ્સી-યુવેન્ટ્સ-માન્ચેસ્ટર યુનાઇટેડના ૧૧-૧૧ કરારબદ્ધ પ્લેયર્સનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાની એક જ ક્લબ અલ હિલાલના ૧૦ પ્લેયર્સ ફિફા વર્લ્ડકપમાં જોવા મળશે. આ સિવાય જર્મનીની બાયર્ન મ્યુનિચના ૭, સ્પેનની રિયલ મેડ્રિડના ૬ પ્લેયર્સનો સમાવેશ થાય છે. બ્રાઝિલની ટીમના ચાર પ્લેયર્સ માન્ચેસ્ટર સિટી સાથે જોડાયેલા છે.

આર્જેન્ટિનાની ટીમ  'ઓલ્ડેસ્ટ' , ફ્રાન્સની ટીમ 'યંગેસ્ટ'

૨૦૧૪ના વર્લ્ડકપ માફક આ વખતે પણ આર્જેન્ટિનાની ટીમ સૌથી વધુ સરેરાશ વય ધરાવે છે. આર્જેન્ટિનાની ટીમની સરેરાશ વય ૩૦ વર્ષ ૩ માસ છે. આર્જેન્ટિનાના અડધોઅડધ પ્લેયર્સ ૩૦ વર્ષ ૩ માસની વય કમસેકમ ધરાવે છે. આ પછી પનામાની ટીમના પ્લેયર્સની સરેરાશ વય ૨૯ વર્ષ ૭ મહિના, કોસ્ટા રિકાની ટીમના પ્લેયર્સની સરેરાશ વય ૨૯ વર્ષ ૬ માસ છે. ૨૫  વર્ષ ૨ માસ સાથે ફ્રાન્સ યંગેસ્ટ અને ૨૫ વર્ષ ૫ માસ સાથે ઇંગ્લેન્ડ બીજા ક્રમની સૌથી યુવા ટીમ છે.

કઇ ટીમના પ્લેયર્સને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ ?

ટીમ             કુલ આંતરરાષ્ટ્રીય મેચ

પનામા            ૧૪૧૫

મેક્સિકો            ૧૪૧૧

કોસ્ટા રિકા       ૧૧૫૪

બેલ્જિયમ         ૧૦૫૪

જાપાન            ૧૦૦૪

સ્પેન                ૯૭૬

ઉરુગ્વે              ૯૫૪

જર્મની             ૯૨૯

આઇસલેન્ડ      ૯૧૬

ક્રોઅશિયા         ૯૧૦

પોર્ટુગલ           ૯૦૦




ફૂટબોલ વર્લ્ડકપ : જાણી-અજાણી વાતો



: ૧૯૫૮ બાદ પ્રથમવાર ઇટાલી ક્વોલિફાઇ થવામાં સફળ રહ્યું નથી.

: ઇંગ્લેન્ડની ૬૨માંથી ૧૧ મેચ ૦-૦થી ડ્રો રહી છે, જે રેકોર્ડ છે.

: સૌથી વધુ ૧૧ રેડકાર્ડનો રેકોર્ડ બ્રાઝિલને નામે છે. આ પછી આર્જેન્ટિના (૧૧), ઉરુગ્વે (૦૯)નો ક્રમ આવે છે.

: પેરુ ૧૯૮૨ બાદ પ્રથમવાર વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થયું છે.

: એક જ વર્લ્ડકપમં સૌથી વધુ ૧૭૧ ગોલનો રેકોર્ડ ૧૯૯૮ અને ૨૦૧૪માં થયો હતો. જ્યારે એક જ વર્લ્ડકપમાં સૌથી ઓછા ૧૪૫ ગોલનો ૨૦૧૦માં બન્યો હતો.

: છેલ્લા ત્રણેય વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ જર્મનીને જ નામે છે. જર્મનીએ ૨૦૦૬માં ૧૪, ૨૦૧૦માં ૧૬ અને ૨૦૧૪માં ૧૮ ગોલ ફટકાર્યા હતા.

: રશિયા સૌપ્રથમ વાર ફિફા વર્લ્ડકપની યજમાની કરશે.

: યજમાન રશિયા ૧૧મી વખત ફિફા વર્લ્ડકપમાં ભાગ લેશે. ૧૯૬૬માં ચોથો ક્રમ ફિફા વર્લ્ડકપમાં રશિયાનો શ્રે દેખાવ છે.

: વર્લ્ડકપ ૨૦ વખત યોજાઇ ચૂક્યો છે. જેમાં બ્રાઝિલ સૌથી વધુ પાંચ જ્યારે ઇટાલી, જર્મની ચાર-ચાર વખત ચેમ્પિયન રહી ચૂક્યા છે.

: બે દેશ સંયુક્ત રીતે ફિફા વર્લ્ડકપના યજમાન બન્યા હોય તેવું સૌપ્રથમવાર ૨૦૦૨ના વર્ષમાં બન્યું હતું, એ વખતે દક્ષિણ કોરિયા-જાપાને સાથે યજમાની કરી હતી.

: વર્લ્ડકપમાં સૌથી વધુ ઉંમરે ગોલ કરવાનો રેકોર્ડ કેમરૃનના રોજર મિલાને નામે છે. મિલાએ ૧૯૯૪માં રશિયા સામેની મેચમાં ગોલ કર્યો ત્યારે તેમની ઉંમર ૪૨ વર્ષ હતી.

: સોચીનું ફિશ્ત સ્ટેડિયમ ફિફા વર્લ્ડકપનું યજમાન છે. ૨૦૧૪માં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક્સનો ઉદ્ધાટન-સમાપન સમારોહ ફિશ્ત સ્ટેડિયમમાં જ યોજાયો હતો.

: ૧૯૩૦માં સૌપ્રથમ ફિફા વર્લ્ડકપ યોજાયો અને તેમાં યજમાન ઉરુગ્વે જ ચેમ્પિયન બન્યું હતું.

: ૧૯૬૬માં ફિફા વર્લ્ડકપ શરૃ થવાનો હતો તેના સાત દિવસ અગાઉ જ  ટ્રોફી ચોરાઇ ગઇ હતી. : રશિયાના પૂર્વના છેડે આવેલા ઇકાતેરિનબર્ગ અને પશ્ચિમના યજમાન શહેર કેલિનિઇનગ્રાડ વચ્ચે ૧૫૦૦ માઇલનું અંતર છે. આટલું જ અંતર મોસ્કો થી લંડન વચ્ચેનું છે.

: ૨૦૧૪માં યોજોલા ફિફા વર્લ્ડકપની પ્રત્યેક મેચમાં સરેરાશ ૫૩ હજાર પ્રેક્ષકો હતા.

: ફિફા વર્લ્ડકપમાં ઇટાલીની સૌથી વધુ ૨૧ મેચ ડ્રો રહી છે.

: ઇન્ડોનેશિયા સૌથી ઓછી એક મેચમાં રમવાનો રેકોર્ડ ધરાવે છે. ૧૯૩૮માં તેણે આ કમનસિબ રેકોર્ડ બનાવ્યો હતો.

: મેક્સિકોને નામે સૌથી વધુ ૨૫ મેચમાં પરાજયનો રેકોર્ડ છે. તેનો ૧૪ મેચમાં વિજય થયો છે અને ૧૪ મેચ ડ્રો રહી છે.

: ૨૦૨૬માં યોજાનારા ફિફા વર્લ્ડકપમાં ૪૮ ટીમ ભાગ લેતી જોવા મળી શકે છે.

: જે પણ દેશ ફિફા વર્લ્ડકપની યજમાની કરે ત્યાં  ૯ મહિના બાદ સૌથી વધુ સંખ્યામાં બાળકો જન્મતા હોવાની વાયકા છે.

: મોટાભાગની ટીમ તેમના પ્લેયર્સને ફિફા વર્લ્ડકપ દરમિયાન શારિરીક સંબંધ બાંધવાની મનાઇ ફરમાવે છે.

: ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ફિફા વર્લ્ડકપ દરમિયાન સ્ટેડિયમમાં ૭.૫૦ લાખ લીટર બીયરનું વેચાણ થયું હતું.

: વર્લ્ડકપની એક જ મેચમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ રશિયન સ્ટ્રાઇકર ઓલેગ સેલેન્કોને નામે છે. તેણે ૧૯૯૪ના વર્લ્ડકપમાં કેમરુન સામે પાંચ ગોલ ફટકાર્યા હતા.

: એક જ મેચમાં સૌથી વધુ ગોલ કરવાનો ટીમ રેકોર્ડ હંગેરીને નામે છે. ૧૯૮૨માં હંગેરીએ અલ સાલ્વાડોર સોમ ૧૦-૧થી વિજય મેળવ્યો હતો.

: ૨૦૦૨ના વર્લ્ડકપમાં તુર્કીના હકાન સુકુરે દક્ષિણ કોરિયા સામે મેચ શરૃ થયાની ૧૧મી સેકન્ડમાં જ ગોલ ફટકારી દીધો હતો. વર્લ્ડકપમાં ફાસ્ટેસ્ટ ગોલનો આ રેકોર્ડ છે.

: સૌથી ઝડપી રેડ કાર્ડનો રેકોર્ડ ઉરુગ્વેના ડિફેન્ડર જોસ બેતિસ્તાને નામે છે. તેને મેચ શરૃ થયાની ૫૬મી સેકન્ડમાં રેડ કાર્ડ મળ્યો હતો.

: ફ્રાન્સના સ્ટ્રાઇકર જસ્ટો ફોન્ટેનને નામે એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ છે. તેમણે ૧૯૫૬ના ફિફા વર્લ્ડકપમાં માત્ર ૬ મેચમાં ૧૩ ગોલ ફટકાર્યા હતા.

: વર્લ્ડકપની એક જ મેચમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ ૨૬ જૂન ૧૯૫૪ના બન્યો હતો. જેમાં ઓસ્ટ્રીયાએ સ્વિત્ઝર્લેન્ડને ૭-૫થી હરાવ્યું હતું.

: હાલ રમી રહેલા પ્લેયર્સમાંથી જર્મનીના થોમસ મુલરને નામે વર્લ્ડકપમાં સૌથી વધુ ૧૦ ગોલ કરવાનો રેકોર્ડ છે. તે ૬ ગોલ ફટકારશે તો વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ ફટકારવાનો મિરોસ્લેવ ક્લોસ (૧૬)નો રેકોર્ડ તોડશે.

: ગર્ડ મુલર છેલ્લા એવા પ્લેયર છે જેમણે એક જ વર્લ્ડકપમાં ૧૦ ગોલ ફટકાર્યા હતા, તેમણે ૧૯૭૦માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

: જે પણ ટીમ તેના જ દેશનો કોચ ધરાવે છે તેની જ ટીમ ચેમ્પિયન બને છે.

: ઉરુગ્વેના વોશિંગ્ટન ટેબરેઝ ચોથી વખત કોચિંગ કરશે. વર્લ્ડકપમાં સૌથી વધુ વાર કોચિંગનો આ રેકોર્ડ છે. તેમના કોચિંગ હેઠળ ઉરુગ્વેનો વર્લ્ડકપમાં ૧૫માંથી ૬ મેચમાં વિજય, ૬મેચમાં પરાજય થયો છે.

: જોકે, વર્લ્ડકપમાં સૌથી વધુ ૨૫ મેચમાં કોચિંગ કરવાનો રેકોર્ડ જર્મનીના હેલ્મટ સ્કોનને નામે છે.

: યજમાન રશિયા ૧૯૯૪, ૨૦૦૨, ૨૦૧૪માં એમ ત્રણ વાર વર્લ્ડકપમાં ભાગ લઇ ચૂક્યું છે અને તે દરેક વખતે ગ્પ સ્ટેજમાં ત્રીજા ક્રમે આવ્યું છે.

: ક્વોલિફાઇંગ રાઉન્ડમાં દરેક મેચ જીતનારી જર્મની એકમાત્ર ટીમ છે.

: સબયા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માત્ર બીજીવાર વર્લ્ડકપમાં ભાગ લેશે.

: સ્વિત્ઝર્લેન્ડ એકમાત્ર વાર ૧૯૫૪માં વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. આ પછી તે કદી ત્રીજા રાઉન્ડથી આગળ વધી શક્યું નથી.

: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફિફા વર્લ્ડકપ-૨૦૧૮ના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૧૮ ગોલ ફટકારેલા છે.

: ક્રોએશિયાનો છેલ્લા ત્રણેય વર્લ્ડકપની પ્રથમ મેચમાં પરાજય થયો છે.

: વર્લ્ડકપ-૨૦૧૮માં ભાગ લઇ રહેલા તમામ દેશમાં આઇસલેન્ડની સૌથી ઓછી ૩.૩૪ લાખની વસતિ છે.

: આફ્રિકન દેશમાંથી નાઇજીરિયાએ સૌથી વધુ ૬ વાર વર્લ્ડકપમાં ભાગ લીધો છે.

: ટયુનિશિયાએ ૧૯૭૮માં ફિફા વર્લ્ડકપની તેની પ્રથમ મેચમાં મેક્સિકો સામે વિજય મેળવ્યો હતો. આ પછી તેણે ૧૯૬૨, ૧૯૯૪ના વર્લ્ડકપમાં ભાગ લીધો છે અને ક્યારેય જીતી શક્યું નથી. હવે તે આ વખતે વિજય મેળવી શકે છે કે કેમ તે આગામી દિવસોમાં માલૂમ પડશે.  

: ઇરાને પ્રથમ વાર સતત બે વર્લ્ડકપમાં ક્વોલિફાઇ કર્યું છે.

: વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થયા બાદ સાઉદી અરેબિયા બે કોચને પાણીચું પકડાવી ચૂક્યું છે.

: ૧૯૭૮ બાદ આર્જેન્ટિના (૦૪) કરતા જર્મની (૦૫) વધુ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

: જોઆચીમ લૌના કોચપદ હેઠળ જર્મનીની આ છઠ્ઠી મેજર ટુર્નામેન્ટ છે. તેમના માર્ગદર્શન હેઠળ જર્મનીએ દરેક વખતે આ મેજર ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

: વર્લ્ડકપમાં સ્પેનના છેલ્લા ૨૦માંથી ૯ ગોલ ડેવિડ વિલાએ ફટકારેલા છે.



અકોટીના ભીખીબહેને સૌથી પહેલાં વલ્લભભાઈને 'સરદાર' કહ્યા હતા



- ૧૯૨૮-૨૦૧૮ : આજે ૯૦મો 'બારડોલી સત્યાગ્રહ વિજય દિન'

- ખેડૂતોને ડરાવવા અંગ્રેજોએ તેમની ૧૬ હજારથી વધુ ભેંસો જપ્ત કરી લીધી હતી


સત્યાગ્રહમાં મહિલાઓએ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો

બરાબર ૯૦ વર્ષ પહેલા ૧૯૨૮માં વલ્લભભાઈ પટેલને અંગ્રેજો સામે સફળતા મળી હતી. એ સફળતા બારડોલી સત્યાગ્રહની હતી, જે પછીથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા હતા. બારડોલી કોલેજના પૂર્વ પ્રાધ્યાપક મગનભાઈ આઈ.પટેલે પોતાના પીએચ.ડી. નિબંધમાં નોંધ્યા પ્રમાણે ભીખીબહેને સૌથી પહેલા વલ્લભભાઈને સરદાર કહ્યાં હતા. ભીખીબહેન બારડોલી પાસે આવેલા આકોટી ગામના વતની હતા. એ સત્યાગ્રહમાં મહિલાઓનો અત્યંત મહત્ત્વનો ફાળો હતો.

૨૯ લાખ ખર્ચ, ૩૨ લાખ આવક

બારડોલીના નવા આવેલા અને બિનઅનુભવી કલેક્ટરે સ્થિતિ તપાસ્યા વગર મહેસૂલ ૩૦ ટકા સુધી વધારી દીધું હતું. ખેતરમાં ધાન પેદા થાય કે ન થાય અંગ્રેજોએ નક્કી કરેલી રકમ સરકારને ચૂકવી આપવાની. તેની સામે બારડોલીના લોકોમાં રોષ ફેલાઈ રહ્યો હતો.

બે વર્ષ પહેલાં વળી બારડોલી પૂરનો ભોગ બન્યું હતું. ખેતી લગભગ નિષ્ફળ હતી, ભૂખમરાની સ્થિતિ હતી. જિલ્લાનો ખેત ઉત્પાદન ખર્ચ ૩૨ લાખ રૃપિયા જ્યારે ખેત પેદાશની આવક ૨૯ લાખ જેટલી હતી. એટલે કે જિલ્લાના ખેડૂતો ૩ લાખથી વધુ રૃપિયાની ખાદ્યમાં ચાલતા હતા. એ સંજોગોમાં પણ મહેસૂલ તો ચૂકવવાનું જ હતું.

બારડોલીની આ સમસ્યા સ્થાનિક નેતા નરહરિ પરીખ દ્વારા ગાંધીજી સુધી પહોંચી. વિવાદ થયો એટલે સરકારે પહેલા મહેસૂલ ઘટાડી ૨૯ ટકા કર્યું, પછી વળી ૨૨ ટકા કર્યું. પણ ખોટ ખાઈ રહેલા ખેડૂતો શું ચૂકવી શકે? માટે ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સત્યાગ્રહની આગેવાની લેવા જણાવ્યું. વલ્લભભાઈએ બારડોલીમાં ધામા નાખ્યા અને ખેડૂતો, અધિકારી, સ્થાનિક વેપારી વગેરેના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની શરૃઆત કરી. વલ્લભભાઈ સ્થાનિક લોકોની હિંમત તપાસ્યા વગર ક્યારેય લડત આગળ ધપાવતા ન હતા.

બે ગજથી વધુ જમીન નહીં જોઈએ

અંગ્રેજોની સિમ્પલ સિસ્ટમ હતી, ભાગલા પાડો. માટે એક બાજુ લડતની તૈયારી આરંભાઈ તો બીજી તરફ સરકારે અમુક ખેડૂતોને 'મહેસૂલ ભરી આપો.. નહીંતર માલ-મત્તા-જમીન જપ્ત થશે..' એ પ્રકારની નોટીસ મોકલવી શરૃ કરી દીધી. સરકારે કુલ ૬ હજારથી વધુ નોટીસ રવાના કરી હતી. નોટીસનો ઈરાદો દબાણ પેદા કરી ભંગાણ પાડવાનો હતો. કેમ કે એક-બે જણા પણ મહેસૂલ ભરી દે તો લડત ભાંગી પડે. બીજી બાજુ વેપારીઓને ત્યાં અંગ્રેજ સરકારે દરોડા પાડવાની શરૃઆત કરી અને દંડ ચાલુ કરી દીધો. જમીન જપ્તીના જવાબમાં વલ્લભભાઈએ કહ્યું હતુ કે માણસને બે ગજથી વધુ જમીન ન જોઈએ.

ધણીને ઘરમાં પગ નહીં મુકવા દઈએ!

વલ્લભભાઈએ ચતુરાઈ વાપરીને મહિલાઓને પહેલેથી પોતાના પક્ષે કરી લીધી હતી. મહિલાઓ જે પક્ષમાં હોય એ લડત ક્યારેય પાછી પડતી નથી. લડતની નોંધમાં કનૈયાલાલ મુનશીએ નોંધ્યુ છે કે જ્યાં જ્યાં વલ્લભભાઈ જાય ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં ઊમટી પડતી અને વલ્લભભાઈનું સ્વાગત કરતી હતી. ફરતાં ફરતાં વલ્લભભાઈ કોઈના ઘરે જઈને પૂછે કે 'ડર તો નથી લાગતો ને..' તો મહિલાઓ જવાબ આપતી કે 'તમે બેઠા હોય પછી અમારે શી ફીકર?' વલ્લભભાઈ મહિલાઓને પૂછતા કે 'ડરીને તમારા ધણી મહેસૂલ ભરી દેશે તો તમે શું કરશો?' મહિલાઓ જવાબ આપતી કે 'તો પછી ધણીને ઘરમાં પગ નહીં મુકવા દઈએ.'

ભેંસોને જેલમાં પૂરી દીધી

ખેડૂતોને નબળા પાડવા માટે સરકારે ભેંસો જપ્ત કરી લેવાના આદેશ કર્યા હતા. કુલ મળીને ૧૬ હજારથી વધુ ભેંસ જપ્ત કરવામાં આવી હતી. ભેંસોને થાણામાં પુરી દેવાતી હતી. તેના માટે વલ્લભભાઈએ પત્રકારોને કહ્યું હતુ : 'લખજો કે પોલીસથાણામાં ભેંસો પણ ભાષણ આપી રહી છે!' લોકો સરદાર પટેલના પક્ષે જ હતા. એટલે સરકારની અનેક ધાક-ધમકી પછી પણ ડગ્યા નહીં. એક વખત તો કલેક્ટરે ગામ જવાનું હતુ, પણ કોઈએ તેને ટેક્સી ભાડે ન આપી. કલેક્ટરે બધા ટેક્સી ચાલકોના લાઈસન્સ તુરંત રદ કર્યા. એ પછી પણ કલેક્ટરે ચાલતાં જ જવું પડયું.

સફળતાનો યશ ગાંધીજીને

હકીકતે સાત ટકા જ મહેસૂલ વધારો લઈ શકાય એમ હતો એવુ પાછળથી સરકારે પણ સ્વીકાર્યું. લડત શરૃ થઈ ત્યારે ૧૨મી જુને તાલુકાના ૧૧૨ પટેલોમાંથી ૮૪ પટેલ તથા, ૪૫ પૈકી ૧૯ તલાટીઓએ સામૂહિક રાજીનામા આપ્યા. સત્યાગ્રહ સફળ થયો પછીથી ૧૨મી જૂન 'બારડોલી દિવસ' તરીકે ઉજવાય છે. વલ્લભભાઈની લડતનું અંતે ધાર્યું પરિણામ આવ્યું અને સરકારે મહેસૂલ ઘટાડવા તૈયારી દાખવી. માટે એ પછીથી લોકહૃદયમાં વલ્લભભાઈ સરદાર તરીકે સ્થાન પામ્યા હતા. તો પણ સરદાર પટેલે વિજય પછી કહ્યું હતું કે 'હું તો માત્ર ઔષધ આપનારો સાધક છું, વાહવાહી તો ઔષધ આપનાર (ગાંધીજી)ની થવી જોઈએ.'

હિન્દુસાતનનું બારડોલીકરણ

બારડોલી પછી આખા હિન્દુસ્તાનમાં લડી લેવાનો ઉત્સાહ પ્રસરી ગયો હતો. માટે 'હિન્દુસ્તાનનું બારડોલીકરણ' એવા શબ્દ પણ વપરાતો હતો. ચાર મહિના ચાલેલી લડતમાં એક પણ જીવ ગયો ન હતો, માટે ચક્રવર્તી રાજગોપાલાચારી અને સુભાષબાબુ જેવા નેતાઓએ સરદાર પટેલની કામગીરીના સર્વત્ર વખાણ કર્યા હતા.