મંગળવાર, 12 જૂન, 2018


દોઢસો વર્ષથી ચાલતી ગુજરાતની પાંચ નેરોગેજ ટ્રેનો હેરિટેજ તરીકે ચાલુ રખાશે


દોઢસો વર્ષથી ચાલતી ગુજરાતની પાંચ નેરોગેજ ટ્રેનો હેરિટેજ તરીકે ચાલુ રખાશે
- ડભોઈનું નેરોગેજ નેટવર્ક એશિયામાં સૌથી મોટું છે, પહેલી ટ્રેનના એન્જિન તરીકે બળદો વપરાતા હતા
- ૧૯મી સદીમાં ચાલુ થયેલી ટ્રેન ૨૧મી સદીમાં પણ દોડે છે  
દેશભરમાં નેરોગેજ રેલવે ટ્રેક મિટરગેજમાં પરિવર્તિત થઈ રહ્યો છે. રેલવે નેટવર્ક ઝડપી બનાવવા માટે મિટરગેજ અનિવાર્ય પણ છે. જોકે એમ કરવાં જતાં ગુજરાતની ઐતિહાસિક નેરોગેજ રેલવેને નુકસાન થઈ રહ્યું હતું. માટે સરકારે હવે ડભોઈ નેટવર્ક હેઠળ આવતી પાંચ ટ્રેનો યથાવત ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કેમ કે આ ટ્રેન રેલવે ઈતિહાસનો અત્યંત મહત્ત્વનો ભાગ છેે અને દુનિયામાં બહુ ઓછા સ્થળોએ હવે નેરોગેજ ચાલે છે. જ્યાં જ્યાં નેરોગેજ ચાલે છે, ત્યાં ત્યાં તેનો પ્રવાસન તરીકે વિકાસ થયો છે.
૧૮૫૩માં ભારતમા રેલવે શરૃ થયા પછી સુધારાવાદી વડોદરા નરેશ ગાયકવાડે પોતાના રાજ્યમાં રેલવે શરૃ કરાવી હતી. ગાયકવાડ્સ બરોડા સ્ટેટ રેલવેના ઈતિહાસમાં તેની વિગતો નોંધાયેલી છે. એ પ્રમાણે પ્રથમ રેલવે ડભોઈ અને મિંયાગામ વચ્ચે ૧૮૬૨માં શરૃ થઈ હતી. ૩૨.૩૦ કિલોમીટર લાંબી આ રેલવે શરૃઆતમાં એન્જિન ન હોવાથી બળદ વડે ખેંચાતી હતી.
ભારતમાં કોઈ પણ દેશી રાજ્ય દ્વારા શરૃ થયેલી એ પ્રથમ રેલવે હતી. એ પછી દેશના નાના-મોટાં ૩૪ રજવાડાઓએ વડોદરાના પગલે ટ્રેન શરૃ કરી હતી.
ગાયકવાડી યુગમાં અઢી હજાર વર્ષ જૂના નગર ડભોઈનો દબદબો હતો, માટે રેલવેના કેન્દ્ર તરીકે તેને પસંદ કરવામાં આવ્યુ હતુ. વધતું વધતું નેટવર્ક સવા ચારસો કિલોમીટર લાંબુ બન્યું હતું. હવે ઘણા ટ્રેક બંધ કરી દેવાયા છે, ઉખેડીને મિટરગેટ કરી દેવાયા છે, તો પણ ડભોઈ એશિયાનું સૌથી મોટું નેરોગેજ નેટવર્ક છે.
હવે દુનિયાભરમાં નેરોગેજ ટ્રેક નષ્ટ થઈ રહ્યાં છે. અઢી ફીટ પહોળાઈ ધરાવતા આ ટ્રેક પર ટ્રેન ઝડપ હાંસલ કરી શકતી નથી. બીજી તરફ રેલવે નેટવર્કને ઝડપી બનાવવું જરૃરી છે. માટે બધા જ નેરોગેજ મિટરગેજમાં પરિવર્તિત થઈ રહ્યાં છે. પરંતુ ઐતિહાસિક મહત્ત્વ જોતાં ડભોઈ નેટવર્કની પાંચ ટ્રેનોને એમ જ ચાલુ રહેવા દેવાનો નિર્ણય રેલવે મંત્રાલયે કર્યો છે.
છેક ૧૯મી સદીમાં શરૃ થયેલી આ રેલગાડી ૨૧મી સદીમાં પણ ચાલી રહી છે. આ પાંચ લાઈનમાં ડભોઈ-મિયાંગામ (૩૩ કિલોમીટર), મિયાંગામ-માલસર (૩૮), પ્રતાપનગર-જંબુસર (૫૧), મોટીકરાલ-ચારોણડા (૧૯) અને બિલિમોરા-વઘઈ(૬૩)નો સમાવેશ થાય છે.
સ્થાનિક કક્ષાએ આ ટ્રેનોનો વપરાશ ઘણો થાય છે. પરંતુ સરકારે હજુ સુધી તેને પ્રવાસન તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો નથી. બીજી તરફ નેરોગેજના ઘણા શોખીનો દુનિયાભરમાંથી આ ટ્રેનમાં મુસાફરી કરવા નિયમિત આવતા રહે છે.
  બધી ટ્રેન સરેરાશ રીતે કલાકના ૨૦-૨૫ કિલોમીટરથી વધુ ઝડપે દોડતી નથી. એમાં પણ પ્રતાપનગર (ગાયકવાડી યુગમાં આ સ્ટેશનનું નામ ગોયાગેટ હતું) અને જંબુસર વચ્ચે દોડતી ટ્રેન તો કલાકના ૧૪.૫ કિલોમીટરની એવરેજ ઝડપે દોડે છે.
ભારતમાં કેટલીક નેરોગેજ ટ્રેન ચાલે છે, જેમ કે દાર્જિલિંગની નિલગીરી એક્સપ્રેસ, દક્ષિણ ભારતની ઉટી એક્સપ્રેસ, કાલકા-શિમલા, માથેરાન ટોય ટ્રેન વગેરે.. એ બધી હેરિટેજ જાહેર થઈ ચૂકી છે અને પ્રવાસન માટે જ ચલાવાય છે. ગુજરાતમાં પણ આ નેરોગેજ ઉપરાંત ગીરમાંથી પસાર થતી નેરોગેજ રેલવે પ્રવાસીઓને આકર્ષે છે. માટે સરકારે તેને સાચવી રાખવાનો યોગ્ય નિર્ણય લીધો છે


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો