બુધવાર, 20 જૂન, 2018

ગુરૃવારે લાંબામાં લાંબો દિવસ અને રાત્રિ ટૂંકી થશે

Image result for thursday will be longest day and shortest night

- સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રી જોવા મળશે

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.૨૦ અને ૨૧મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. ગુરૃવાર તા.૨૧મી જૂન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે.

આ ખગોળીય ઘટનામાં સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા.૨૧મી જૂને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ૨૮ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૨ મિનિટ, અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટ, સુરતમાં દિવસ ૧૩ કલાક ૨૨ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૮ મિનિટ, થરાદમાં દિવસ ૧૩ કલાક ૩૧ મિનિટ, રાત્રિ ૧૧ કલાક ૨૯ મિનિટ, મુંબઇમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૪૭ મિનિટ સમયગાળામાં રહેશે. તા.૨૨મી જૂનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવત પ્રમાણે ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે.

ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રિ જોવા મળશે.

વધુમાં ૨૧મી જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઇ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે.


પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ને ખુણે નમેલી હોય છે. પૃથ્વીનું માથુ દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે. તા.૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસ રાત્રિ ટૂંકી ત્યારબાદ સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત્રિ લાંબીનો લોકો અનુભવ કરશે.


૭૫૦થી વધુ દિવ્યાંગ બાળકો યોગ નિદર્શન દ્વારા ઈતિહાસ રચશે

Image result for yoga day 2018

- ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં

- રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી હાજર રહેશે

૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતમાં સતત ૪થા વર્ષે સ્ટેડીયમ ખાતે રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. જેમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૃપાણી, કેન્દ્રીય કાયદા ન્યાય રાજ્ય મંત્રી તથા અન્ય નેતાઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળે થનારી ઉજવણીમાં એક કરોડ અને ૨૫ લાખ લોકો સ્વયંભૂ ભાગ લેવાના છે.

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતેના યોગ દિવસની ઉજવણીમાં દિવ્યાંગ બાળકો પણ લઈને સાયલન્ટ યોગનું નિદર્શન કરશે. જેમાં ૭૫૦થી ૧૨૦૦ જેટલા દિવ્યાંગ બાળકો એક સાથે યોગ કરીને એક નવો ઈતિહાસ રચશે. સમગ્ર વિશ્વમાં ૩૫૦ દિવ્યાંગ બાળકોના યોગ નિદર્શનનો રેકર્ડ છે.


આથી આ વર્ષે અમદાવાદ ખાતે ફરીથી નવો વિશ્વ વિક્રમ પણ સ્થપાશે. દિવ્યાંગ બાળકોના સાયલન્ટ યોગ અંતર્ગત દરેક બાળકને હેડફોન અપાશે. જે બ્લ્યુ ટુથથી કનેકટ થઈને દરેક બાળક એક સાથે યોગ નિદર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે.


ગાંધીજીએ ઉપવાસની પરંપરા કોચરબ સત્યાગ્રહ આશ્રમથી શરુ કરી હતી


- આશ્રમ શરૃ થયા પછી ૧ જુન ૧૯૧૫ના રોજ એક આશ્રમવાસી જૂઠ્ઠુ બોલ્યા અને ગાંધીજીએ ઉપવાસ કર્યો

- કોચરબ સત્યાગ્રહ આશ્રમના ૧૦૩ વર્ષ

મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ આવીને કોચરબ ગામમાં તેમના મિત્ર જીવણલાલ વ્રજરાય દેસાઇનો બંગલો ભાડે લઇને ૨૫મે ૧૯૧૫ના રોજ આશ્રમની સ્થાપના કરી. અહીં શરૃઆતમાં ૨૫ લોકો રહેતા હતા સમય જતાં આ સંખ્યા ૮૦ની થઇ હતી

આશ્રમની સ્થાપના અને નામકરણ  

વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનાર મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફરીને આશ્રમ ક્યાં સ્થાપવો તેની કામગીરી શરૃ કરી તે સમયે રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને શાંતિનિકેતનમાં આશ્રમ સ્થાપવા માટે રજૂઆત  કરી હતી.

પછી રાજકોટવાસીઓએ ગાંધીજીને આશ્રમ સ્થાપવા માટે ભારે આગ્રહ કર્યો પરંતુ ગાંધીજી જ્યારે અમદાવાદથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદમાં જગ્યા પસંદ કરીને આશ્રમ સ્થાપવાની કવાયત હાથ ધરીને કહ્યું કે, આશ્રમનો ખર્ચ અમે સૌ ઉપાડી લઇશું. વળી ગાંધીજીના મિત્ર જીવણલાલ વ્રજરાય દેસાઇ(બેરીસ્ટર)નો બંગલો ભાડે લઇને  ૨૦ મે ૧૯૧૫ના રોજ અહીં પૂજન કર્યું હતું.

૨૨ મે એ અહીં રહેવા આવ્યા અને ૨૫ મે ૧૯૧૫ ના રોજ કોચરબ ગામમાં કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીએ મિત્રોની સાથે વાતચીત કરી આશ્રમના વિવિધ નામ મળ્યા જેમ કે, સેવાશ્રમ, તપોવન વગેરે જે ગાંધીજીને યોગ્ય ન લાગ્યા. ગાંધીજીએ તો સત્યની પૂજા કરવી હતી માટે આશ્રમનું નામ 'સત્યાગ્રહ' આપવામાં આવ્યું.

આ કોચરબ સત્યાગ્રહ આશ્રમમાં  ગાંધીજી કેટલો સમય રોકાયા હતા?

કોચરબ સત્યાગ્રહ આશ્રમનું આ એક મકાન છે, જ્યાં ગાંધીજીએ પોતાના તપસ્વી જીવનનાં યાદગાર વર્ષો વિતાવ્યાં હતાં. જ્યાંથી ગાંધીજીએ સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશો ફેલાવ્યો હતો. જગપ્રસિધ્ધ આ કોચરબ સત્યાગ્રહ આશ્રમ સાબરમતી લઇ ગયા તે પહેલાં આશરે બે વર્ષ ગાંધીજી સુધી આશ્રમમાં રોકાયા હતા.

આશ્રમમાં સ્થાપના પછી કેટલા લોકો રહેતા હતા

કોચરબ આશ્રમની શરૃઆતમાં ગાંધીજી સાથે ૨૦થી ૨૫  લોકો રહેતાં હતાં, જેમાં દક્ષિણ આફ્રિકાના લોકો, દક્ષિણ ભારતના લોકો અને તેલુગુ ભાષાના લોકો રહેતા હતા.

આ ઉપરાંત કસ્તુરબા, સુંદરમ, નાયકર, રૃખીબેન, સંતોકબેન, મણીલાલ, રાધાબેન, રામદાસ, દેવદાસ, કાકાસાહેબ કાલેલકર, વિનોબાજી, મામાસાહેબ ફડકે, અમૃતલાલ ઠક્કર, દૂદાભાઇ, દાનીબેન, લક્ષ્મીબેન અને સ્વામીઆનંદ વગેરે કોચરબ આશ્રમમાં રહીને વિવિધ પ્રવૃતિઓ કરતાં હતાં.

આમ ૨૫ લોકોથી શરૃ થયેલા આશ્રમમાં જોતજોતામાં ૮૦ જેટલી સંખ્યા થઇ હતી. જેથી આશ્રમ નાનો પડવા લાગ્યો અને સમય જતાં આ આશ્રમને સાબરમતી ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સત્યાગ્રહ આશ્રમ વિવિધ ઘટનાઓની સાક્ષી પુરે છે

ગાંધીજી આ આશ્રમમાં રહીને ચંપારણનો સત્યાગ્રહ કરવા કોચરબ આશ્રમથી ગયા હતા. બિહારમાં જમીનદારો અને અંગ્રેજો ગળીના ખેતરમાં કામ કરતાં ખેતમજૂરોનું ભયંકર શોષણ કરતાં હતાં અને 'તીન ગઠીયા' નામનો  કાયદો ચાલતો હતો ત્યારે ગાંધીજી ત્યાં ગયા અને કિસાનોને મળીને સત્યાગ્રહ શરૃ કર્યો.


આશ્રમ શરૃ થયા પછી ૧ જુન ૧૯૧૫ના રોજ એક આશ્રમવાસી જૂઠ્ઠુ બોલવાનું માલૂમ પડયું તેથી ગાંધીજીએ ઉપવાસ કર્યો પછી જૂઠની કબૂતાલ થઇ પછી ગાંધીજીએ ભોજન કર્યું હતું. આમ  સત્યની શોધ માટેની ઉપવાસની પરંપરાનો  પહેલો ઉપવાસનો સાક્ષી આ આશ્રમ બન્યો છે. 

ગાંધીજીનો આશ્રમ સ્થાપવાનો હેતુ દેશને માટે સમર્પિત થઇને લોક સેવાના કાર્યકરોની સેના તૈયાર કરવાનો હતો. ગાંધીજીનું જીવન સત્યને માટે સમર્પિત હતું. સત્યને માટે એ મરવા પણ તૈયાર હતા.