ભારતની મહિલા
ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી
ભારતની મહિલા
ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ સાઉથ આફ્રિકા સામેની વન ડેમાં ત્રણ વિકેટ ઝડપવાની સાથે
આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
હતો. ૩૪ વર્ષીય ઝુલને
કારકિર્દીની ૧૫૩મી મેચમાં ૧૮૧મી વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયાની કેથરીન ફિટ્ઝપેટ્રિકનો
૧૦ વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ઝુલનની સિદ્ધિને યાદગાર બનાવતા
ભારતે સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી ચતુષ્કોણીય વન ડે શ્રેણીમાં યજમાન ટીમ સામે સાત
વિકેટથી જીત મેળવી હતી.
છેલ્લા ૧૦ વર્ષથી ફિટ્ઝપેટ્રિકનો આ રેકોર્ડ અડીખમ હતો. વર્ષ ૨૦૦૨માં તા. ૬ જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ સામેની વન ડેથી
આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કરનારા ઝુલન ૧૦ ટેસ્ટ રમી ચૂકી છે અને
તેમાં તેણે ૪૦ વિકેટ ઝડપી છે. જ્યારે ૬૦ ટી-૨૦માં તેના નામે ૫૦ વિકેટ છે. વર્ષ ૨૦૦૬-૦૭માં
ઝુલનના વિજયી દેખાવને સહારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સૌપ્રથમ વખત ઈંગ્લેન્ડની
ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતી હતી. તેને ૨૦૦૭ - વુમન ક્રિકેટર ઓફ ધ યરનો ,૨૦૧૦ - અર્જુન એવોર્ડ અને ૨૦૧૨
- પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.