બુધવાર, 10 ઑક્ટોબર, 2018

ચિત્રસૃષ્ટિનો રાજવી

 
કોઈપણ માણસના મૂલ્યાંકનનો માપદંડ શું? તેણે દુનિયાને આપેલો વારસો. તમે આપેલું અમૂલ્ય પ્રદાન તમને શખસમાંથી શખ્સિયત બનાવી દે છે. ભારતના ચિત્ર જગતમાં આવી અનેક હસ્તીઓ છે, પણ સર્વકાલીન ચિત્રકારોમાં સૌથી ઉપર કોઈનું નામ મૂકવું હોય તો કોનું મૂકવું? રાજા રવિ વર્મા.
એક ત્રાજવામાં તેમણે દોરેલા ચિત્રો મૂકો, બીજા ત્રાજવામાં પ્રકૃતિનું સૌંદર્ય મૂકો તો સંભવ છે કે ત્રાજવું બંને બાજુ એકસરખું આવીને ઊભું રહેશે.
વાઇસરોયે તેની પ્રતિભા જોઈને તેને રાજાની ઉપાધિ આપી હતી. તેની પાસે ક્યાં રાજ્ય હતું? તેમનું રાજ્ય હતું ચિત્રસૃષ્ટિ. ત્યારે ઇન્ટરનેટ નહોતું તોય રાજા રવિ વર્માનું નામ દેશભરમાં વાઇરલ થયેલું.
જેટલી લોકપ્રિયતા મળી, એટલી બદનામી પણ વેઠવી પડી. ચિત્રકારીને બૂલંદી આપી અને માણસ જાતની નિમ્નતા નિહાળી. ચિત્રકળામાં તેમણે એવા કેટલા...ય પ્રયોગો કર્યા જે ભારતમાં હજુ સુધી કોઈએ કર્યા નથી.
આજે આપણે પોસ્ટર, કેલેન્ડર, તસવીરમાં જે દેવી-દેવતાના દર્શન કરીએ છીએ તે રાજા રવિ વર્માની કલ્પનાશીલતામાંથી ઊતરી આવ્યા છે. મંદિર પ્રવેશના આંદોલનો તો બહુ વર્ષો પછી થયા. એ પહેલા રાજા રવિ વર્માએ દેવતાઓને મંદિર બહાર લાવવાનું કામ કર્યું હતું.
૨૯ એપ્રિલ ૧૮૪૮માં કેરળના કિલિમાનૂરમાં તેમનો જન્મ. તેમના કાકા કુશળ ચિત્રકાર હતા. તેમને જોઈને જ રાજા રવિ વર્માને ચિત્રકળાની ચસ્કો લાગ્યો હતો. ભત્રીજાની પ્રતિભા પારખી કાકા તેને ચિત્રકળા શીખવા માટે ત્રાવણકોર (કેરળ ત્યારે એ નામથી ઓળખાતું)ના રાજમહેલમાં લઈ ગયા. એ સમયે રામાસ્વામી નાયડુ રાજ ચિત્રકાર હતા.
તેઓ વોટર પેઇન્ટિંગના મહારથી હતા. કાકાએ રવિને તેમની પાસે તાલીમ માટે મૂક્યા. થોડા વર્ષોમાં રવિ વોટર પેઇન્ટિંગમાં ઉસ્તાદ બની ગયા.
જોકે રવિ વર્માની ખ્યાતિ ઓઇલ પેઇન્ટિંગને કારણે થઈ છે. ત્યારે ભારતમાં કોઈ ઓઇલ પેઇન્ટિંગ કરતું નહોતું. તૈલ ચિત્રો દોરાયા પછી સૌથી લાંબા સમય સુધી ટકી રહે છે. કહેવાય છે કે સૌથી પહેલા ઓઇલ પેઇન્ટિંગની શરૃઆત ભારત અને ચીનમાં થયેલી, પરંતુ બહુ સફળ નીવડી નહીં. ગમે તેમ કરીને આ કળા ગ્રીક સામ્રાજ્યમાં પહોંચી, વિકાસ પામી, ફરીથી ખતમ થઈ ગઈ. નવજાગૃતિ કાળ દરમિયાન યુરોપના ચિત્રકારોએ ઓઇલ પેઇન્ટિંગની કળાને પુનઃજીવિત કરી. ૧૯મી સદીમાં રવિ વર્મા દ્વારા તે ભારતમાં પરત ફરી.
રવિ વર્મા ૨૦ વર્ષના હતા ત્યારે નેધરલેન્ડના મશહૂર ચિત્રકાર થિયોડોર જેનેસન ભારત આવેલા. રવિ તેમની પાસેથી ઓઇલ પેઇન્ટિંગની ટેકનિક શીખ્યા. એટલું જ નહીં. તેમાં મહારત હાંસલ કરી. પોટ્રેટ બનાવવાની કળા પણ તેમની પાસેથી જ શીખ્યા. પોટ્રેટ બનાવવામાં તેઓ એટલા કાબેલ હતા કે રાજા-મહારાજાઓ તેમની આગળ લાઇન લગાવીને ઊભા રહેતા. આજના કરોડો કહી શકાય એટલા રૃપિયા રાજા રવિ વર્મા ત્યારે ચાર્જ કરતા. તેમણે બનાવેલો મહારાણા પ્રતાપનો પોટ્રેટ અને વડોદરાના રાજા-રાણીના પોટ્રેટ આજે પણ સ્મરણીય છે. તાલીમ પૂરી કર્યા પછી તેમના મનમાં સૌથી પહેલો સવાલ ઊઠયો, હું કયા વિષયના પેઇન્ટિંગ બનાવું? જવાબ મેળવવા તેઓ મહિનાઓ સુધી યાત્રા કરતા રહ્યા અને ભારતના આત્માને સમજવા પ્રયત્નરત રહ્યા. અંતે તેમને સમજાયું, ભારતનો આત્મા ધર્મગ્રંથો અને મહાકાવ્યોમાં વસે છે. 
તેમણે હિંદુ દેવી-દેવતાઓને માનવીય છબિ આપવાનું યજ્ઞાકાર્ય કર્યું. સરસ્વતી, લક્ષ્મી, દૂર્ગા, રાધા અને કૃષ્ણની જે છબિઓ આજે આપણે નિહાળીએ છીએ તે આમની સર્જનશીલતામાંથી ઊતરી આવી છે. તેમના ઘણા બધા ચિત્રો આજે પણ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં સુરક્ષિત છે. ઘણા બધા તો એવું માને છે કે આજના સમયમાં ત્યાં રહેલા ચિત્રોની કીમત તે મહેલ કરતા પણ ઝાઝી છે. વિચારમગ્ન યુવતી, દમયંતી અને હંસ વચ્ચેનો સંવાદ, સંગીત સભા, અર્જુન અને સુભદ્રા, વિરહ વ્યાકુળ યુવતી, શકુંતલા, રાવણ દ્વારા જટાયુ વધ, ઇન્દ્રજીત વિજય, નાયર જાતિની સ્ત્રી, દ્રૌપદી કીચક, રાજા શાંતનું અને મત્સ્યગંધા અને રાજા દૂષ્યંત સાથે શકુંતલાના ચિત્રો પ્રસિદ્ધ છે.
રાજા રવિ વર્માના ચિત્રોની ખૂબ ડીમાન્ડ હતી. જે ધનાઢ્ય હોય તે તો મોંઘા ચિત્રો ખરીદે, પરંતુ આમ આદમીનું શું? વળી, રવિ વર્માએ જે દેવી-દેવતાઓના ચિત્રો બનાવ્યા હતા તેની સૌથી વધુ જરૃર આમ આદમીને હતી. આથી તેમણે ૧૮૯૪માં વિદેશથી કલર લિથોગ્રાફિક પ્રિન્ટિગ પ્રેસ ખરીદ્યો. તેમાં છાપીને તેઓ દેવી-દેવતાઓના ચિત્રો વેચવા લાગ્યા. મંદિરમાં ન જઈ શકવાનો સમાજના નિમ્ન વર્ગનો પરિતાપ ઓછો થયો. તેઓ ઘરમાં દેવતાઓની તસવીર રાખી તેની પૂજા કરવા લાગ્યા. આ બદલ રૃઢિચૂસ્તોએ રવિ વર્માની ભરપૂર ટીકા કરી જ્યારે આલોચકોએ તેમના વખાણ.
એમ. એફ. હુસેને જે પરેશાની સહન કરવી પડી એવી જ રવિ વર્માએ પણ સહેવી પડેલી. હુસેનને આધુનિક જમાનામાં આટલો ત્રાસ સહેવો પડયો તો ૧૨૫ વર્ષ પહેલા વર્માની હાલત શું થઈ હશે તે વિચારી જુઓ.  રવિ વર્મા પર આક્ષેપ હતો કે તેણે ઉર્વશી અને રંભા જેવી અપ્સરાઓની અર્ધનગ્ન તસવીરો બનાવી. ઘણા બધા લોકોએ આ ચેષ્ટાને હિંદુ ધર્મનું અપમાન કરવા બરાબર સમજી. આ માટે તેમના પર  કેસ થયા. વર્ષો સુધી તેમને દેશમાં આમથી તેમ રખડવું પડયું. આર્થિક રીતે ધોવાઈ ગયા. માનસિક રીતે પણ તૂટી ગયા. રોષે ભરેયેલા રૃઢિચૂસ્તોએ તેમને મુંબઈ ખાતેનો પ્રિન્ટિંગ પ્રેસ સળગાવી દીધો. તેમાં તેમના અનેક  બહુમૂલ્ય ચિત્રો રાખ થઈ ગયા. પ્રિન્ટિંગ પ્રેસમાં મોટું આર્થિક નુકસાન વેઠવું પડયું. છેવટે તેમણે તે પ્રેસ પોતાના જર્મન ચિત્રકાર મિત્રને વેચી દીધો.
રવિ વર્મા પર બીજો આરોપ એ લાગ્યો કે તેણે પોતાની પ્રેમિકા સુગંધાના ચહેરા પરથી સરસ્વતી અને લક્ષ્મીનું ચિત્ર બનાવ્યું. સુગંધાની માતા વેશ્યા હતી. કટ્ટરપંથીઓએ રવિ વર્મા પર હિંદુ ધર્મને અપવિત્ર કરવાનો આક્ષેપ મૂક્યો.  આ મામલે પણ તેમને લાંબા સમય લગી મુશ્કેલીનો સામનો કરવો પડેલો.
ઘણા ટીકાકારો એમ પણ કહે છે કે રવિ વર્માએ ધર્મનો સહારો લઈને પોતાની કળા ચમકાવી. તેઓ બેશક સારા ચિત્રકાર હતા, પરંતુ તેમણે એવા પુરા કલ્પનોનો સહારો લીધો જે પહેલેથી જ લોકપ્રિય હતા. અવનીંદ્રનાથ ટાગોર સહિત બંગાળ સ્કૂલના ઘણા ચિત્રકારોએ તો તેમને ચિત્રકાર માનવાનો જ ઇનકાર કરી દીધો હતો. કારણ કે તેઓ યુરોપિયન શૈલીમાં ચિત્રો દોરતા હતા. બંગાળ સ્કૂલના ચિત્રકારો જળરંગનો ઉપયોગ કરતા હતા. તેઓ તૈલરંગી ચિત્રકારોને સ્વીકારવા તૈયાર નહોતા. તેમ છતાં એક વાત તો બધાએ કબૂલવી પડે કે તેમના જેટલી લોકપ્રિયતા આજ સુધી કોઈને સાંપડી નથી.
૧૯૦૪માં તેમને દેશનું શીર્ષ સન્માન કેસર-એ-હિંદ એનાયત કરવામાં આવ્યું. એ સમયનો તે ભારત રત્ન જેવો ખિતાબ હતો. જે પહેલી વખત કોઈ કલાકારને મળ્યો હતો. ત્યારે તેમની ઉંમર ૫૬ વર્ષ હતી.
આજે બોલીવુડ દર વર્ષે ૨,૦૦૦ ફિલ્મ બનાવે છે. ચલચિત્રની દુનિયાનું બીજ રોપવામાં પણ આ જ ચિત્રકાર નિમિત્ત બન્યો હતો. આજથી એક સદી પહેલા દાદા સાહેબ ફાળકેએ ગોધરા ખાતે ફોટોગ્રાફર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. બાદમાં તેઓ વડોદરા ગયા. ત્યાં પેઇન્ટિંગ અને ફોટોગ્રાફીનું શિક્ષણ મેળવ્યું.  એ પછી તેઓ રવિ વર્માના પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરીએ રહી ગયા. ધીમે-ધીમે મહાન ચિત્રકારની સમિપ આવતા ગયા. રવિ ફાળકેની પ્રતિભા પામી ગયા હતા. તેમણે પ્રિન્ટિંગ પ્રેસ વેચ્યા પછી જે પૈસા હાથમાં આવ્યા તે ફાળકેને તેનું નવું સાહસ કરવા માટે આપી દીધા. 
બે ઓક્ટોબર ૧૯૦૬ના રોજ તેમણે આ દુનિયા છોડી દીધી. જોકે તેમના ચિત્રો હજુય પ્રાણવાન છે. આજેય ધબકે છે. થોડાક વર્ષો પછી દાદાસાહેબ ફાળકેએ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી. ફાળકે જો બોલીવુડના પિતામહ હતા તો પ્રપિતામહ હતા રાજા રવિ વર્મા. 
રવિ વર્માએ આપેલા પૈસાના સહારે દાદા સાહેબ ફાળકે ચલચિત્ર બનાવતા થયા અને એ જ બોલીવુડે લગભગ એક સદી પછી રવિ વર્માના જીવન પર રંગ રસિયા પિક્ચર બનાવી ત્યારે જાણે એક વિશાળ ચક્ર સમાપ્ત થયું. ચિત્રથી ચલચિત્ર અને ચલચિત્રમાંથી ફરી ચિત્ર સુધી. ભારતના દેવી-દેવતાઓને ચહેરો આપનારા રવિ વર્માને રંગ રસિયામાં રણદીપ હુડાએ ચહેરો આપ્યો. આ દુનિયા અને તેમાં રહેલી સર્વ કળાઓ કેવી અજબ-ગજબ છે. સલામ ભારતના મહાન રંગરેઝને.

એશિયન પેરા ગેમ્સમાં ભારતની એકતા ભ્યાનને ગોલ્ડ મેડલ

Image result for ekta bhyan win gold medal

એકતાએ વિમેન્સ ક્લબ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ હાંસલ કર્યો
ભારત ૪ ગોલ્ડ-૬ સિલ્વર સાથે મેડલ ટેબલમાં ૯મા સ્થાને

એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લિટ્સે પ્રભાવશાળી દેખાવ જારી રાખ્યો છે. મંગળવારે વિમેન્સ ક્લબ થ્રો ઇવેન્ટમાં એકતા ભ્યાને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 
       

યુથ ઓલિમ્પિક્સમાં ભારત માટે સુવર્ણ દિવસ : જેરેમી, મનુને ઐતિહાસિક ગોલ્ડ મેડલ

યુથ સમર ઓલિમ્પિક્સ ૨૦૧૦ના વર્ષથી યોજાઇ રહી છે. જેમાંથી ૨૦૧૦ અને ૨૦૧૪ એમ બંને ઓલિમ્પિક્સમાં ભારતના એથ્લિટ્સ એકપણ ગોલ્ડ મેડલ જીતી શક્યા નહોતા. અલબત્ત, ૨૦૧૮ની યુથ સમર ઓલિમ્પિક્સનો પ્રારંભ થયાને હજુ ત્રણ દિવસ થયા છે ત્યાં તે ભારત માટે યાદગાર પુરવાર થઇ રહી છે. યુથ સમર ઓલિમ્પિક્સમાં રવિવારે  જેરેમી લાલરિનનુગાએ વેઇટલિફ્ટિંગમાં જ્યારે સોમવારે મનુ ભાકેરે શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આમ, ભારત ૨ ગોલ્ડ-૩ સિલ્વર સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. 

૧૬ વર્ષીય મનુ ભાકેરે એર પિસ્તોલ ઇવેન્ટમાં ૨૩૬.૫ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હરિયાણાની મનુ અગાઉ વર્લ્ડકપ, કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
ભારતના વેઇટલિફ્ટર જેરેમી લાલરિનનુગાએ યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ જેરેમી યુથ ઓલિમ્પિક્સમાં  ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય બની ગયો છે. મિઝોરમના આઇજોલના આ ૧૫ વર્ષીય વેઇટલિફ્ટરે ૬૨ કિગ્રા વજનજૂથમાં ૧૨૪ કિલોગ્રામ અને ૧૫૦ કિલોગ્રામ એમ કુલ ૨૭૪ કિલોગ્રામ ઉંચકીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. અગાઉ જેરેમી વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ પણ અપાવી ચૂક્યો છે.