શુક્રવાર, 23 નવેમ્બર, 2018

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કૃષિ સંશોધન અને શિક્ષણ, દ્વિપક્ષીય રોકાણ સહિતના ક્ષેત્રોમાં પાંચ સમજૂતી

-     રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે


-     ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોવિંદ મેલબોર્નમાં આજે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધ


 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સ્કોટ મોરીસનને સિડનીમાં મળ્યા હતાં. ઓસ્ટ્રેલિયના પ્રવાસે જનારા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે. 

બંને દેશોએ કૃષિ સંશોધન અને શિક્ષણ, વિકલાંગતા, દ્વિપક્ષીય રોકાણ, વૈજ્ઞાનિક સહકાર અને સંશોધન અને સંયુક્ત પીએચડી સમજૂતી અંગે કરાર કરવામાં આવ્યા હતાં. 

કોવિંદ બુધવારે સિડની પહોંચ્યા હતાં. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ પહેલા વિયેતનામ ગયા હતાં અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતાં. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું હતું કે કોવિંદના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે પાંચ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન મરાઇજ પેન અને ભારતના કૌશલ્ય વિકાસ અને એન્ટ્રેપ્રોન્યરશીપ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડે હાજર રહ્યાં હતાં.

પ્રથમ સમજૂતી વિકલાંગતા અને વિકલાંગ વ્યકિતઓને મદદરૃપ થવાના ક્ષેત્ર માટે કરવામા આવી છે.

બીજી સમજૂતી દ્વિપક્ષીય રોકાણના ક્ષેત્રમાં ઇન્વેસ્ટ ઇન્ડિયા અને ઓસ્ટ્રેડ વચ્ચે કરવામાં આવી છે. 

ત્રીજી સમજૂતી સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટીટયૂટ, રાંચી અને કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કેનબેરા વચ્ચે વૈજ્ઞાનિક સહકાર અને સંશોધન વધારવા માટે કરવામાં આવી છે. 

ચોથી સમજૂતી આચાર્ય એન જી રંગા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ગુંતુર અને યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, પર્થ વચ્ચે કૃષિ સંશોધન અને શિક્ષણમાં સહકાર વધારવા માટે કરવામાં આવી છે. 

પાંચમી સમજૂતી ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ફરમેશન ટેકનોલોજી, નવી દિલ્હી અને ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, બ્રિસબેન વચ્ચે જોઇન્ટ પીએચડી પ્રોગ્રામ માટે કરવામાં આવી છે. કોવિંદ શુક્રવારે મેલબોર્નમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.

 

આજે તહેવારોની ત્રિવેણી : દેવ દિવાળી, ગુરુ નાનક જયંતિ, કારતક પૂર્ણિમા ઉજવાશે

Image result for gurunanak jayanti
-     ગુરુ નાનક દેવની ૫૫૦મી જયંતિ નિમિત્તે ગુરુદ્વારામાં વિશિષ્ટ આયોજનો

-     દેવ દિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ યોજાશે : શેત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ : હેમચંદ્રસૂરીશ્વરજીની જયંતિ ઉજવાશે


અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે દેવ દિવાળી, ગુરુ નાનકદેવજીની ૫૫૦મી જયંતિ અને કાર્તિકી પૂર્ણિમાની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દેવ દિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ-વિશિષ્ટ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૈન સાધુ-સાધ્વજી ભગવંતોના ચાતુર્માસનું પરિવર્તન થવા ઉપરાંત શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો પણ પ્રારંભ થશે.

હિંદુ પંચાંગ અનુસાર કારતક માસની પૂનમને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

 

જેમ દિવાળી પાંચ દિવસની હોય છે તેમ દેવોની દિવાળી અગિયારસથી લઇને પૂનમ સુધી એમ પાંચ દિવસ માટે ઉજવાતી હોય છે. દેવ દિવાળી ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેની સાથ જ દિવાળીના પર્વની સમાપ્તિ થાય છે.

આજે વિક્રમ સંવત ૨૦૭૫ની સૌપ્રથમ  પૂર્ણિમા હોવાથી અંબાજી, ચોટીલા, ડાકોરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે.

 

આજે તુલસી વિવાહની પણ સમાપ્તિ થશે. આ ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રખર વ્યાકરણકાર હેમચંદ્રચાર્યસૂરીશ્વરજી મ.સા.નો જન્મોત્સવ ઉજવાશે. 

શીખ કોમના જગતગુરુ શ્રી ગુરુ નાનકદેવજીની ૫૫૦મી જન્મજયંતિ ઉજવાશે. આ પ્રસંગે ગુરુદ્વારામાં ભજનકીર્તન, પ્રવચન, કથા, ગુરુ કા લંગરનું તેમજ રાત્રે આતશબાજીનું પણ આયોજન કરાયું છે. ગુરુ નાનક દેવજી શીખ કોમના સંસ્થાપક જ નહીં માનવધર્મના ઉત્થાપક પણ હતા. ગુરુ નાનક જયંતિ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરના ગુરુદ્વારાઓમાં વિશિષ્ટ શણગાર પણ કરાયો છે.