શનિવાર, 8 જૂન, 2019

ચીનની જેમ ભારત પણ અંતરિક્ષમાં કરશે યુધ્ધની કવાયત

 
સેટેલાઈટને તોડી પાડતી મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યા બાદ ભારતે હવે અંતરિક્ષમાં ચીનની જેમ યુધ્ધાભ્યાસ કરવાનુ નક્કી કર્યુ છે.
ચીનને ટક્કર આપવા માટે ભારતે મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ સેનાની ત્રણે પાંખની એક સંયુક્ત ડિફેન્સ સ્પેસ એજન્સીની પણ શરૂઆત કરી છે. હવે એક ડગલુ આગળ વધીને ભારતે અવકાશમાં યુધ્ધાભ્યાસ કરવાનુ નક્કી કર્યુ છે. જેને 'ઈન્ડિયન સ્પેસ એક્સ' નામ અપાયુ છે.
આ કવાયતમાં સૈન્ય અને વૈજ્ઞાનિકો ભાગ લેશે.એક અધિકારીએ કહ્યુ હતુ કે, અંતરિક્ષનુ પણ સૈન્યકરણ થઈ રહ્યુ છે અને તેની સાથે સાથે દુનિયાના દેશો વચ્ચે આ માટે સ્પર્ધા પણ ચાલી રહી છે. જુલાઈના અંતિમ સપ્તાહમાં થનારા યુધ્ધાભ્યાસનો હેતુ ભારતની સ્પેસ વોર માટે શું તૈયારીઓ છે તેની સમીક્ષા કરવાનો છે.
અન્ય એક અધિકારીના કહેવા પ્રમાણે ભારતે સ્પેસમાં વિરોધીઓ પર નજર રાખવાની, દુશ્મન દેશની મિસાઈલની આગોતરી ચેતવણી મળી શકે અને કોમ્યુનિકેશન સિસ્ટમ વિકસાવવાની જરૂર છે. આ કવાયતથી સેનાની વિશ્વસનિયતા વધશે અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનશે.
ભારત માટે અંતરિક્ષ અભિયાન એટલા માટે પણ જરૂરી છે કે, લાંબા સમયથી સ્પેસમાં મોજુદગી હોવા છતા ચીનની બરોબરી થઈ શકી નથી. ચીને કોમ્યુનિકેશન, નેવિગેશન સહિત 100 થી વધારે અવકાશી મિશનને અંજામ આપ્યો છે. તેની પાસે મિલિટરી માટેના આગવા સેટેલાઈટ્સ છે. ભારતે તાજેતરમાં જ ખાસ મિલિટરી માટેના બે સેટેલાઈટ્સ લોન્ચ કર્યા છે. બાકી અત્યાર સુધી સેના રિમોટ સેન્સિંગ ઉપગ્રહો પર આધાર રાખતી હતી.
ભારતે હવે અંતરિક્ષમાં પણ લશ્કરી પગ પેસારો કરવાનુ નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે ભારતે 740 કિલોના ઉપગ્રહને નષ્ટ કરવા માટે એક મિસાઈલ લોન્ચ કરી હતી. જેને મિશન શક્તિ નામ અપાયુ હતુ.