સોમવાર, 1 મે, 2017

સવાસો વર્ષ ૫હેલાંનું ગુજરાત તસવીરોમાં...

ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની ગઈકાલ રજૂ કરતા એવા જ કેટલાક ફોટોગ્રાફ્સ ...

ગ્રામગરીમા(૧૮૮૦), સૌરાષ્ટ્ર

આ તસવીર જોકે ૧૯મી સદીની ગ્રામિણ જિંદગીની છે. નોંધપાત્ર વાત એ છે કે સોરઠના કોઈ ગામની તસવીરમાં મહિલાઓ આગળ છે અને પુરુષો પાછળ શિસ્તબદ્ધ રીતે ઉભા છે. એ જમાનામાં અનાજ દળવાની ઘંટી દરેક ઘરમાં રહેતી હતી. મહિલાઓ પણ તેના પર જ લોટ તૈયાર કરી રહી છે.

જય સોમનાથ (૧૮૬૯), પાટણ


આજનું સોમનાથ મંદિર તો રોશનીથી ઝળાંહળાં થાય છે, કેમ કે આઝાદી પછી તેનું બાંધકામ થયું છે. પરંતુ મૂળ મંદિર કેવું હતું? ગઝનીના આક્રમણે તોડી પાડયુ એ મંદિર કેવુ હતું? તેનો ખ્યાલ સોમનાથની આ ૧૮૬૯માં લેવાયેલી તસવીર પરથી આવે છે. ગુજરાતની ઓળખની વાત આવે ત્યારે આ મંદિરનો ઉલ્લેખ દરેક વળાંક પર અવશ્યપણે કરવો પડે. સરદાર પટેલે આઝાદી પછી મંદિરનો જિરણોદ્ધાર કરાવ્યો અને કનૈયાલાલ મુનશીને મંદિરની જવાબદારી સોંપી હતી. મુનશીએ બાદમાં 'જય સોમનાથ' જેવી નમૂનેદાર નવલકથા પણ આપી.

બુલફાઈટ (૧૮૯૦), વડોદરા


વડોદરાના મરાહાજાઓ પ્રજાના મનોરંજન માટે જાત-ભાતના કાર્યક્રમ કરતાં હતા. સામસામા આખલાઓને અથડાવી બુલફાઈટની સ્પર્ધા વડોદરા નરેશ યોજતા હતા. એવી જ એક ફાઈટની આ તસવીર ૧૮૯૦ના દાયકાની છે. રાજવી, મહાજનો, નગરજનો.. સૌ કોઈ બે બળિયાની બથ્થંબથ્થી જોવા એકઠા થઈ ગયા છે.

હિરા ભાગોળ (૧૮૮૦), ડભોઈ



ઈતિહાસમાં દર્ભાવતી દરીકે દર્જ થયેલા ડભોઈને હિરા સલાટ અને કવિ દયારામે અનોખી ઓળખ અપાવી છે. ૧૨મી સદીમાં બંધાયેલા કિલ્લાના આ દરવાજાનું બાંધકામ હિરાધર સલાટે કર્યું હતુ. ખાસ તો દરવાજાની કમાનો બાંધવાની આવડત હિરા સિવાય કોઈ પાસે હતી નહીં. માટે ઈતિહાસમાં એ હિરા ભાગોળ તરીકે ઓળખાય છે. આવી જોકે એકથી વધુ ભાગોળ ડભોઈ ફરતે હતી. હિરાએ ડભોઈ જેવી જ કમાન ઉત્તર ગુજરાતના ઝીંઝુવાડામાં પણ બનાવી હતી.

હિરણ નદી (૧૯૦૦), સાસણ



સાસણના પાદરમાંથી પસાર થતી હિરણ નદી ગીરને લીલુંછમ રાખવાનું મહત્ત્વનું કામ કરે છે. માત્ર ૪૦ કિલોમીટર લંબાઈ ધરાવતી આ નદીને કારણે કમલેશ્વર ડેમ ભરાયેલો રહે છે. કવિ દાદે હિરણ હલકારી જોબનવાળી, નદી રૃપાળી નખરાળી... કહીને લડાવી છે. હિરાણકાંઠે વસતા માલધારીઓ અને ગામવાસીઓની ભેંસો આજે પણ આ રીતે જ હિરણના પાણીમાં જ પડી રહેવાનું પસંદ કરે છે.

ઉપરકોટ (૧૯૫૫), જૂનાગઢ


રાજા ઉગ્રસેનના સમયનો ગણાતો અને ગુજરાતના સૌથી જુના કિલ્લામાં સ્થાન ધરાવતો ઉપરકોટ જૂનાગઢના જરા ઊંચાણવાળા વિસ્તાર પર ઉભો છે.

બ્રિટિશ સત્તા (૧૮૯૦), કપડવંજ


કરપટ-વાણિજ્યમ્માંથી કપડવંજ એટલે કે કાપડની ભૂમિ તરીકે ઓળખીતા થયેલા શહેરની આજે કાપડ-કેન્દ્ર તરીકેની ઓળખ સાવ ભૂંસાઈ ગઈ છે. ચાલુક્ય વંશ વખતે વિકસેલું આ શહેર વેપારનું મહત્ત્વનું કેન્દ્ર હતું. 

રેલગાડી(૧૮૬૩), ડભોઈ



વડોદરા રાજ્યએ ૧૮મી સદીના મધ્યભાગે જ ગુજરાતમાં પણ રેલવેનો આરંભ કરાવી દીધો હતો. શરૃઆતી રેલવે જોકે એન્જિનના અભાવે આ રીતે બળદગાડાથી ખેંચવામાં આવતા હતા. આગળનો થોડો ભાગ પ્રવાસીઓ માટે અને પાછળનો ભાગ કપાસની ગાંસડીઓથી ભરેલો દેખાય છે. ડભોઈમાં અસ્તિત્વ ધરાવતું એ નેરોગેજ રેલવેનું નેટવર્ક હવે ધીમે ધીમે સંકેલાઈ રહ્યું છે.

કુંવર સેના(૧૯૦૩), રાજકોટ



૧૯૦૩માં બ્રિટિશ વાઈસરોય જ્યોર્જ કર્ઝન (લોર્ડ કર્ઝન નામે વધુ જાણીતા) રાજકોટના પ્રવાસે આવ્યા હતા. એ વખતે રાજકોટ કુંવરના બોડીગાર્ડ આ રીતે લાઈનબદ્ધ ઉભા રહી ગયા હતા. કર્ઝનની સેવામાં જરા પણ ઓછું ન આવે એટલા માટે ઘોડાની ગોઠવણી પણ તેમની ગુણવત્તા પ્રમાણે કરવામાં આવતી હતી. એ વખત બ્રિટિશરોની ગુલામીનો હતો. માટે ભલભલા રાજા-મહારાજાઓ પણ વાઈસરોય સામે લાઈનમાં ઉભા રહી જતાં હતા.


સૂરાવલી(૧૯૩૫), જૂનાગઢ




વીસમી સદીની શરૃઆતની આ તસવીર ચાર ગામઠી સંગીતકારોની છે. તુંબડા અને અન્ય વન્ય પેદાશોમાંથી વાદ્ય બનાવીને તેઓ વગાડી રહ્યાં છે. ઘરે ઘરે ફરી આ રીતે સંગીત રેલાવવાની પરંપરા આજે પણ છે, પરંતુ બહુ મર્યાદિત માત્રામાં. એક સમયે જૂનાગઢ આસપાસ ચોક્કસ ગામોના અનો ચોક્કસ કોમના લોકો આ રીતે સંગીત રેલાવીને જ પોતાનું પેટ ભરતાં હતા.


ચિત્તાસેના (૧૮૯૫), વડોદરા




ચિત્તા હવે ભારતમાં ક્યાંય રહ્યાં નથી. પરંતુ ચિત્તા બિલાડ કૂળના એકમાત્ર એવા શિકારી પ્રાણીઓ છે
જેને પાળી શકાય અને એ જંગલમાં મોટાં પ્રાણીનો શિકાર પણ કરી શકે. માટે ભાવનગર તથા વડોદરાના રાજવીઓ આ રીતે ચિત્તાની સેના તૈયાર કરાવી રાખતા હતાં. શિકારનું મન થાય ત્યારે પાળેલા ચિત્તાને શિકાર પાછળ છૂટા મુકવામાં આવતા હતા. ૧૮૯૫ની આ તસવીરમાં ચિત્તા છૂટોદોર મળે તેની રાહ જોઈ રહ્યાં છે.


રાજાની છત્રી (૧૮૭૦), ભુજ



ભુજ શહેરની એક સમયે ઓળખ ભાગોળે આવેલી જાડેજા રાજપૂતોની છત્રી (મૃત્યુનું સ્મારક) હતી. ૧૮૭૦ની આ તસવીરમાં કેટલીક ઐતિહાસિક છત્રીઓ દેખાય છે, જે ભૂકંપ વખતે ભારે નુકસાનગ્રસ્ત પણ થઈ હતી. આગળ એક ઉંટ સવાર તથા અન્ય નાગરિકો બેઠા છે.


ખંભાળિયા ગેટ (૧૮૭૦), જામનગર



વજીર મેરુ ખવાસે જામનગર ફરતે કુલ સાત દરવાજા બંધાવ્યા હતા. એમાંનો આ ખંભાળિયા ગેટ ૧૭૮૮માં બન્યો હતો અને તેની તસવીર ૧૮૭૦માં લેવાઈ હતી. એક સમયે ખખડી ગયેલો દરવાજો રિપેર કર્યા પછી હવે ફરીથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રાજાશાહી વખતના સંભારણા તરીકે હવે આ એક જ દરવાજો ઉભો છે.

પથ્થરની ખાણ, પોરબંદર



મહાત્મા ગાંધી અને હિંસક અથડામણ પહેલા પોરબંદર તેના પથ્થરો માટે જાણીતું શહેર હતું. પોરબંદર 
આસપાસની પથ્થરની ખાણોમાંથી વિશિષ્ટ પ્રકારનો પથ્થર નીકળે છે, જેનો જોટો ક્યાંય જડે એમ નથી.દેશના ઘણા જાણીતા બાંધકામો આ પથ્થરથી થયા છે. જેમ કે ચેન્નઈમાં આવેલું સધર્ન રેલવેનું હેડક્વાટર. ચૂનાના એ પીળાશ પડતાં, થોડા સફેદ કલરના પથ્થરો મોટે ભાગે તો તેના સૌંદર્યને કારણે નિકાસ પામતા હતા. ગુજરાતમાં અનેક શહેરોના છેડે આવેલા આધુનિક દરવાજા સહિતના બાંધકામો આ પથ્થરથી થયા છે.


ભદ્ર કિલ્લો (૧૮૭૨), અમદાવાદ



અમદાવાદનો ભદ્ર વિસ્તાર અજાણ્યો નથી, પરંતુ આ ફોટામાં દેખાય છે એવો જોવા મળે એવું પણ શક્ય નથી. એક સમયે અમદાવાદ શહેરની રક્ષા કરતો કિલ્લો હવે ભીડભાડ વચ્ચે ઘેરાઈ ગયો છે. પૂરતિ માહિતી અને સાઈન-બોર્ડના અભાવે ઘણા પ્રવાસીઓ ભદ્રના કિલ્લા સુધી જઈને પણ તેની મુલાકાત લીધા વગર પાછા ફરે છે.


પનિહારી (૧૮૮૦), કાઠિયાવાડ



સોરઠની ભીલ મહિલાઓ માથે હેલ લઈને પાણી ભરવા જઈ રહી છે. સૌરાષ્ટ્રના અનેક ગામડાંઓમાં પાણીની સમસ્યા સદીઓથી ચાલી આવતી સમસ્યા છે. અનેક સરકારો આવી અને ગઈ પરંતુ પાણીનો પ્રશ્ન હલ કરી શકે એટલું પાણી કોઈ બતાવી શક્યા નથી. એટલે આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં તો માથે બેડલું લઈને પનિહારીઓએ પાણી ભરવા જવું પડે છે. કાઠિયાવાડના કોઈ વિસ્તારની આ ૧૮૮૦ના દાયકામાં લેવાયેલી તસવીર છે.



શિકાર, ગીર



રાજવીઓ પ્રજાવત્સલ હતા, એમ શિકાર પ્રેમી પણ હતા. પરિણામે એક સમયે તો સિંહની વસતી નષ્ટ થવા પહોંચી હતી. રાજા-મહારાજા આ રીતે નિર્દોષ પ્રાણીને બંદૂકના ભડાકે ઉડાવી દઈને કોઈ પરાક્રમ કર્યું હોય એમ મૃતદેહ સાથે ઉભા રહી ફોટા પડાવતા હતા.

વિહંગાવલોકન, પાલનપુર



નવાબી શહેર પાલનપુરનો ઈતિહાસ તો છેક સંવત પહેલા સુધી પહોંચે છે. એક સમયે ચંદ્રવતીના રાજવીઓનું અહીં રાજ હતું. પછી ચૌહાણ, પછી બીજા વંશો, પછી નવાબો.. એક પછી એક સત્તાના સરનામાં બદલતાં રહ્યા. એક સમયે પાલનપુર પાસે પોતાનું એરપોર્ટ પણ હતું.



મસ્જિદ (૧૮૬૬), અમદાવાદ



અમદાવાદમાં આજે શાહપુર મસ્જિદ તરીકે ઓળખાતુ બાંધકામ હકીકતે તો શેખ હસન મહમંદ 
ચિસ્તીની કબર છે અને પથ્થરવાળી મસ્જિદ તરીકે પણ ઓળખાય છે. ૧૫૬૫માં તેનું બાંધકામ શરૃ 
કરવામાં આવ્યુ હતું, પણ ક્યારેય પુરું થઈ શક્યું નહીં. ૫૯ ફીટ લાંબી અને ૩૮ ફીટ પહોળી મસ્જિદનો આ ફોટો ૧૮૬૬ના વખતનો છે.

અનાજની કોઠી (૧૮૭૩), અમદાવાદ



અનાજ ભરવાની કોઠી હવે રહી નથી, તેનું સ્થાન આધુનિક કબાટો, પતરાંની પેટીઓે લઈ લીધું છે. પરંતુ એક સમયે માટીની બનેલી વિશાળકાય દરેક ઘરમાં રહેતી અને આખા વર્ષનું અનાજ તેમાં ભરવામાં આવતુ હતું. સોરઠના કેટલાક ગામોમાં હજૂય આવી કોઠી જોવા મળી જાય છે. ગુજરાતી જીવનમાં એક સમયે કોઠી એટલી બધી મહત્ત્વની હતી કે 'એક છોકરો રિસાણો.. કોઠી આડો ભીસાણો..એવા જોડકણાં પણ ગાવામાં આવતા હતા.


ગોળ ઉત્પાદન (૧૯૩૭), સોરઠ



ગુજરાતના જગવિખ્યાત ફોટોગ્રાફ પ્રાણલાલ પટેલે ગોળ બનાવવાની આખી પ્રક્રિયાની ફોટોગ્રાફી કરી હતી. એ સિરિઝ પૈકી આ એક ફોટામાં ખેડૂતો ઘાણીમાં શેરડીનો કૂચો કરવાનું કામ કરે છે. ગોળ આજે પણ એટલી જ લિજ્જતથી ખવાય છે અને તેની બનાવટની પ્રક્રિયામાં ખાસ ફેરફાર થયો નથી. સૌરાષ્ટ્રમાં તાલાળા-કોડિનાર વિસ્તારમાં ગોળના અઢળક દેશી ઉત્પાદનકેન્દ્રો આવેલા છે.
1લી મે થી  રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ)


RERA - ઘર ખરીદનારાઓના અધિકારોની રક્ષા થશે અને બાંધકામ વ્યાવસાયિકો પર જવાબદારી વધશે.


લાંબા સમયથી વિલંબિત રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ(રેરા) આજથી ગુજરાત સહિત ૧૩ રાજ્યોમાં અમલમાં આવી જશે.

પહેલી મેથી આ કાયદાનો અમલ કરનારા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને બિહાર તથા કેન્દ્રશાસિત પ્રદેશો અંદામન-નિકોબાર, ચંડીગઢ, દાદરાનગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્રીપનો સમાવેશ થાય છે.

કાયદા અનુસાર ૫૦૦ ચો.મી. પ્લોટ તેમ જ આઠ ઘરોથી વધુ મોટા પ્રોજેક્ટની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આવા પ્રોજેક્ટની નોંધણી વિના સંબધિત બાંધકામ વ્યવસાયિક ઘરો વેચી કે રોકાણ કરી શકાશે નહીં. તેની જાહેરાત પણ આપી શકાશે નહીં. આવી નવી જોગવાઈને લીધે  બાંધકામ વ્યાવસાયિકો તરફથી થતી છેતરપિંડી અટકાવી શકાશે.
મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ

ગુજરાતની કન્યાઓ અને મહિલાઓ માસિક સરળ હપ્તેથી સ્માર્ટફોન તથા ટેબ્લેટ ખરીદી શકે તે માટે ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેન્ક દ્વારા નવી સ્કીમ જાહેર થઈ રહી છે, જેનું ઉદ્ઘાટન બીજી મેએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજનાબહેન રૂપાણી દ્વારા થશે.
મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ અંતર્ગત કન્યાઓ તથા મહિલાઓને રૂ.૧,૦૦૦ના ડાઉન પેમેન્ટથી સેમસંગ સ્માર્ટ ફોનના ૪ જુદા જુદા મોડેલ તથા ટેબ્લેટમના ત્રણ મોડેલ ઓફર કરાશે. જેનું બાકી પેમેન્ટ સાત માસના હપ્તામાં ૧ ટકા વ્યાજ સાથે વસૂલવામાં આવશે. મોબાઈલ સાથે ટફન ગ્લાસ, કવર તથા એક વર્ષનો વીમો વિનામૂલ્યે અપાશે. બીજી મેએ એસ.જી. હાઈવે નજીક દિનદયાળ ઓડિટોરિયમમાં આ નવી સ્કીમ લોન્ચ થશે. તે વખતે કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે.


ગુજરાત ગૌરવ દિવસ
Image result for gujarat

ગુજરાત રાજ્યનો ૫૭મો સ્થાપના દિવસ નિમિતે 'ગુજરાત ગૌરવ દિવસ'ના બે દિવસીય કાર્યક્રમની ઉજવણીનો રવિવારથી પ્રારંભ થઇ ગયો હતો.

આજે સવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે :


ઇન્દુચાચાની પ્રતિમા તેમજ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
હોમગાર્ડ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે અને
સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે.

અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શ્રવણ તીર્થ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે.

આ ઉપરાંત સોલા સિવીલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. બિલ્ડિંગનું લોકાર્પણ, નેશનલ બૂક ફેરનું ઉદ્ઘાટન, નવરંગપુરા ખાતે મલ્ટિલેવલ પાર્કિંગનું ઉદ્ઘાટન, ચાંદખેડા ખાતે એલ.આઇ.જી. આવાસોનું લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. 


વોટર સ્પોર્ટ્સ એકેડમી શરૃ કરાશે

અમદાવાદ,પાલડીના એન.આઇ.ડી. નજીક આવેલા રીવરફ્રન્ટ ખાતે સૌપ્રથમ વાર નૌકા સ્પર્ધા યોજાઇ હતી.
30 એપ્રિલ રવિવારની રજા હોવાથી નૌકાસ્પર્ધા જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. વિજય રૃપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 'વોટર સ્પોર્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં વોટર સ્પોર્ટ્સ એકેડમીની રચના કરશે. આ ઉપરાંત રીવરફ્રન્ટને દેશના સૌથી વધુ આકર્ષિત વોટર સ્પોર્ટ્સ તરીકે વિકસાવાશે.
આ નૌકા સ્પર્ધામાં કાયાક, કેનો, ડ્રેગનબોટ, વોટર સ્કિઇંગ, વિન્ડ સર્ફિંગ જેવી સ્પર્ધા તેમજ રેસ્ક્યુ નિદર્શન યોજાયા હતા.
આજે 1 લી મે, 1960 ગુજરાતનો જન્મદિવસ...

ગુજરાત વિશે સામાન્ય વાતો:

સ્થાપના : ૦૧ મે ૧૯૬૦
પૂર્વ પાટનગર : અમદાવાદ
વર્તમાન પાટનગર : ગાંધીનગર

રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
રાજ્યભાષા : ગુજરાતી
રાજ્યપ્રાણી : સિંહ
રાજ્યપક્ષી : સુરખાબ
રાજ્યવૃક્ષ : આંબો
રાજ્યફૂલ : ગલગોટો
રાજ્યનૃત્ય : ગરબા
રાજ્યરમત : કબ્બડી


પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા


M L A સીટ : ૧૮૨
M P સીટ : ૨૬

રાજ્યસભા સીટ : ૧૧

જીલ્લા : ૩૩
જીલ્લા પંચાયત :  ૩૩


નગરપાલિકા : ૧૬૯
મહાનગરપાલિકા : ૮


તાલુકા : ૨૪૯
તાલુકા પંચાયત : ૨૪૯


ગામડા : ૧૮૧૯૨
ગ્રામપંચાયત : ૧૩૧૮૭

કુલ વસ્તી : ૬,૦૩,૮૩,૬૨૮ (૨૦૧૧)

પુરુષો : ૩,૧૪,૮૨,૨૮૨
સ્ત્રીઓ : ૨,૮૯,૦૧,૩૪૬

વર્તમાન મુખ્યમંત્રી : વિજય રૂપાણી
વર્તમાન રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી



લીમડાનાં ઝાડ નીચે ગુજરાતનાં પ્રથમ પ્રધાનમંડળે શપથ લીધા હતા
આજથી 57 વર્ષ પહેલાં ગુજરાતના પ્રથમ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે એ સમારોહનું આયોજન સાબરમતી આશ્રમમાં લીમડાનાં એક ઝાડ નીચે થયું હતું.

30 એપ્રિલ, 1960ની મધરાતે રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે ગુજરાતનો જન્મ થયો.

જેમનાં નામ મંત્રી તરીકે જાહેર થયાં હતાં. એ બધા મહાનુભાવો તા.28 એપ્રિલે ટ્રેન મારફતે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા. સચિવાલય એ સમયે અમદાવાદમાં હતું પાંચ પ્રધાનો અને આઠ નાયબ મંત્રીઓ સાથે આખું મંત્રીમંડળ કુલ 14 સભ્યોનું હતું.


 ગુજરાતના ઇતિહાસનું આ નાનામાં નામું પ્રધાનમંડળ હતું. પાંચ કેબિનેટ પ્રધાનોમાંથી ત્રણ સૌરાષ્ટ્રના હતા અને 14માંથી બે મંત્રીઓ મહિલા હતા.