શનિવાર, 5 જાન્યુઆરી, 2019

અરૃણિમાએ એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખરને સર કરી ઇતિહાસ રચ્યો

- માઉન્ટ વિન્સન પર પહોંચનારી સૌપ્રથમ દિવ્યાંગ મહિલા બની

- અરૃણિમા એવરેસ્ટ પણ સર કરી ચૂકી છે



એવરેસ્ટના શિખર પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ દિવ્યાંગ મહિલા તરીકેનો વિશ્વવિક્રમ સર્જનારી ભારતની અરૃણિમા સિન્હાએ એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખર - સેંટ. વિન્સન - ને સર કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તે સેંટ. વિન્સન પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ દિવ્યાંગ મહિલા બની ગઈ છે. 
૩૦ વર્ષની અરૃણિમા ભૂતપૂર્વ નેશનલ વોલીબોલ પ્લેયર રહી ચૂકી છે. તેણે એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખરને સર કરવાની સિદ્ધિની જાહેરાત ટ્વિટર પર કરી હતી. અરૃણિમાની સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ બિરદાવી હતી. 
વર્ષ ૨૦૧૧માં પદ્માવતિ એક્સપ્રેસ ટ્રેનમાં તોફાની તત્વોના ચેન સ્નેચિંગના પ્રયાસનો અરૃણિમાએ વિરોધ કર્યો હતો. જેના કારણે તેને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી અને આ દુર્ઘટનામાં તેને એક પગ ગુમાવવો પડયો હતો. જોકે આ ઘટના બાદ તેણે હિંમત ન હારી અને પર્વતારોહણ શરૃ કર્યું હતુ. તેણે વર્ષ ૨૦૧૩માં એવરેસ્ટ પર પહોંચવામાં સફળતા હાંસલ કરી હતી.