શનિવાર, 7 ઑક્ટોબર, 2017

પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે કામ કરતી સંસ્થા ICANને શાંતિનું નોબેલ



- નવ દેશો પાસે કુલ મળીને ૧૫ હજાર જેટલા પરમાણુ શસ્ત્રો છે હોલિવૂડ સ્ટાર માઈકલ ડગ્લાસ, દલાઈ લામા જેવા મહાનુભાવો આ સંસ્થાના તરફદાર છે ઑસ્લો,

પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતી સંસ્થા "ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ican)" ને આજે શાંતિના નોબેલ પારિતોષિકની જાહેરાત કરવામાં આવી હતી. નોર્વેના પાટનર ઑસ્લો ખાતેથી નોબેલ પ્રાઈઝ ફોર પીસની જાહેરાત કરતા નોબેલ સમિતિએ જણાવ્યુ હતું કે પરમાણુ શસ્ત્રોની ઘાતક અસર અંગે જગત આખાને સચેત કરવા માટે આ સંસ્થાએ નોંધપાત્ર કામગીરી બજાવી છે.

હાલ આખા જગતમાં કુલ મળીને ૧૫ હજાર જેટલા પરમાણુ શસ્ત્રો છે. આ બધા શસ્ત્રો મળીને પૃથ્વીને નર્ક બનાવવા માટે સક્ષમ છે. માટે ક્રમશઃ પરમાણુ શસ્ત્રો ઓછા થતાં જાય એ જરૃરી છે. નોબેલ સમિતિએ નોંધ્યુ હતું કે હાલ દુનિયા પર પરમાણુ યુદ્ધનો ખતરો વધતો જાય છે. એ સ્થિતિમાં કોઈ પરમાણુ શસ્ત્રોના ખાત્મા માટે કામ કરતું હોય તો તેમને બિરદાવવા જોઈએ. સૌ જાણે છે એમ પરમાણુ શસ્ત્રો ભલે દુનિયાના ૨૦૦ પૈકી નવ દેશો પાસે જ હોય પરંતુ એ આખા જગત માટે ખતરારૃપ છે.

આઈકાનની સ્થાપના ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયામાં થઈ હતી. હાલ આ સંસ્થા સ્વિત્ઝરલેન્ડના જીનિવામાં રહીને આખા વિશ્વમાં પરમાણુ શસ્ત્રો ઠારવા માટે કામ કરે છે. દુનિયાભરના સાડા ચારસોથી વધારે સંગઠનો અને ૧૦૧ દેશો આઈકાન સાથે જોડાયેલા છે. શાંતિનું નોબેલ પ્રાઈઝ દર વખતે કોઈ વ્યક્તિને જ મળે એવું નથી. શાંતિ માટે કામ કરનારી સંસ્થાઓને પણ આ પ્રાઈઝ આપવામાં આવે છે.

શાંતિના નોબેલ માટે આ વર્ષે સમિતિને વિશ્વભરમાંથી કુલ મળીને ૩૧૮ નામ મળ્યા હતા. તેમાંથી આ સંસ્થાની પસંદગી થઈ હતી. આઈકનના વારંવારના પ્રયાસોને કારણે જ ચાલુ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે પહેલી વખત પરમાણુ નિઃશસ્ત્રીકરણ અંગે સંધિ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. દુનિયાના સવાસો જેટલા દેશોએ એ પ્રસ્તાવની તરફેણ પણ કરી હતી.


શાંતિનું નોબેલ મેળવી ચૂકેલા દલાઈ લામા, હોલિવૂડ સ્ટાર માઈકલ ડગ્લાસ, ક્રિકેટર ઈયાન ચેપલ જેવા ઈન્ટરનેશનલ સેલિબ્રિટી આ સંસ્થાના તરફદાર છે. હાલ ઉત્તર કોરિયાને કારણે દુનિયા પર અણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો