ગુરુવાર, 29 ઑગસ્ટ, 2019

દીપા મલિકને ખેલ રત્ન: ગુજરાતના હરમીત દેસાઈને અર્જુન એવોર્ડ એનાયત

 

- રાષ્ટ્રીય સ્પોર્ટસ દિને દેશના શ્રેષ્ઠ રમતવીરોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

- રશિયામાં વર્લ્ડ ચેમ્પિયનશીપની તૈયારી કરી રહેલો બજરંગ પુનિયા કાર્યક્રમમાં હાજર રહી ન શક્યો

 
હોકીના જાદુગર તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવનારા મેજર ધ્યાન ચંદના જન્મદિવસે ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસના ઉપક્રમે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દેશના શ્રેષ્ઠ રમતવીરો અને કોચીસનું સન્માન કરવામા આવ્યું હતુ. દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર - ખેલ રત્ન એવોર્ડ રિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પેરા-એથ્લીટ દીપા મલિકને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ખેલ પુરસ્કાર માટે પસંદ થયેલો કુસ્તીબાજ બજરંગ પુનિયા તેની તાલીમની વ્યસ્તતાના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહતો. આગામી વર્લ્ડ ચેમ્પિયનશીપની પૂર્વતૈયારી માટે પુનિયા હાલમાં રશિયામાં તાલી લઈ રહ્યો છે. 
રાષ્ટ્રપતિના હસ્તે ૧૯ રમતવીરોને અર્જુન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા,જેમાં ગુજરાતનો આંતરરાષ્ટ્રીય બેડમિંટન સ્ટાર હરમીત દેસાઈ પણ સામેલ હતો. હરમીતે ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. તેણે એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે તાજેતરમાં ઘરઆંગણે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતાડવામા મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ વ્યક્તિગત ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તાજેતરમાં તેણે સાઉથ ઝોનની નેશનલ રેન્કિંગ ઈવેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતીને દેશના નંબર વન ખેલાડી બનવાનું ગૌરવ પણ મેળવ્યું હતુ.
સૌરાષ્ટ્રના દિગ્ગજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પણ અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે તે હાલમાં વિન્ડિઝમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો હોવાથી કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહતો. આ ઉપરાંત અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓમાં તાજેતરમાં બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારો સાઈ પ્રણિત સામેલ હતો. હેપ્ટાથ્લીટ સ્વપ્ના બર્મન, મહિલા ક્રિકેટર પૂનમ યાદવ, ફૂટબોલર ગુરપ્રિત સિંઘ સંધૂ, બે વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીતી ચૂકેલી સોનિયા લાઠેર, એશિયન ગેમ્સમાં ઘોડેસ્વારીનો સિલ્વર જીતનારા ફોઆદ મિર્ઝા, ભૂતપૂર્વ કબડ્ડી ટીમનો કેપ્ટન અજય ઠાકુર, મોટરસ્પોર્ટસ રેસર ગૌરવ ગીલને અર્જુન એવોર્ડ એનાયત થયો હતો.