સોમવાર, 8 ઑક્ટોબર, 2018

યુથ ઓલિમ્પિકના રંગારંગ ઉદ્ઘાટન બાદ શૂટિંગના સિલ્વર સાથે ભારતનો શુભારંભ

- શાહુ તુષાર માને ૧૦ મીટર એર પિસ્તોલમાં ભારતનો પહેલો મેડલ જીત્યો
- ભારતની જુડો ખેલાડી તાબાબી દેવી ફાઈનલમાં પ્રવેશતા ગોલ્ડની તક
 
આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનોસ એર્સ ખાતે ત્રીજા યુથ ઓલિમ્પિક્સનો રંગારંગ પ્રારંભ થયો હતો. ૧૮મી ઓક્ટોબર સુધી ચાલનારા યુથ ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારંભમાં ભારતની આશાસ્પદ શૂટર મનુ ભાકેરે તિરંગો લહેરાવ્યો હતો. વિશ્વના ૨૦૬ દેશોના આશરે ૪,૦૦૦ જેટલા ખેલાડીઓ યુથ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. ૧૫ થી ૧૮ વર્ષની વચ્ચેની વયજૂથના દુનિયાના ટોચના ખેલાડીઓ વચ્ચેની મેગા ઈવેન્ટમાં ભારતે શૂટિંગમાં સિલ્વર મેડલથી શુભારંભ કર્યો હતો. 
જ્યારે જુડોમાં ભારતની તાબાબી દેવી થાન્ગજામે -૪૪ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં પ્રવેશ મેળવતા ગોલ્ડ મેડલની આશા જીવંત રાખી હતી. તાબાબી દેવીએ હવે સેમિ ફાઈનલમાં ક્રોએશિયાની પુલ્જીઝને હરાવીને ગોલ્ડ મેડલ બાઉટમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે અગાઉ કોસોવોની ઈઝરા મુમીનોવીકને ક્વાર્ટર ફાઈનલમાં ૨-૦થી અને તે અગાઉ ભુતાનની યાન્ગચેન વાન્ગમોને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ૧-૦થી હરાવી હતી.
ભારતના શાહુ તુષાર માનેએ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ૨૪૭.૫ના સ્કોર સાથે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ ઈવેન્ટમાં રશિયાના શામાકોવને ૨૪૯.૨ના સ્કોર સાથે ગોલ્ડ મળ્યો હતો. જ્યારે સર્બિયાના મિટ્રોવિચને ૨૨૭.૯ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 
ફાઈવ-અ-સાઈડ હોકીની ઈવેન્ટમાં પણ ભારતે ૧૦-૦થી બાંગ્લાદેશને કચડી નાંખ્યું હતુ. ગૂ્રપ-બીની ગ્રૂપ મેચમા ભારતીય હોકી ટીમે આ સફળતા હાંસલ કરી હતી.  
ભારતે યુથ ઓલિમ્પિકમાં જુદી-જુદી ૧૩ રમતોમાં કુલ ૪૬ ખેલાડીઓને સ્પર્ધામાં ઉતાર્યા છે. જેમાં ભારતને શૂટિંગમાં મનુ ભાકેર તેમજ બેડમિંટનમાં લક્ષ્ય સેન પાસેથી ગોલ્ડન સફળતાની આશા છે. હોકી સહિતની અન્ય રમતોમાં પણ ભારતીય ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. 
અનોખા ઉદ્ઘાટન સમારંભમાં રોશની અને સંગીતમય માહૌલ સર્જાયો હતો. એક વિશાળ સ્ક્રિન પર દેશનું નામ પ્રદર્શિત કરવામાં આવ્યું હતુ અને તે સમયે જેતે દેશના ફ્લેગબેરર પોતપોતાના દેશના રાષ્ટ્રધ્વજને લઈને તેની આગળથી પસાર થયા હતા.
જુન મહિનામાં થાઈલેન્ડની એક ગુફામાં આશરે બે સપ્તાહ સુધી ફસાયેલા રહેલા ફૂટબોલ ટીમના ખેલાડીઓને પણ આ યુથ ઓલિમ્પિકના ઉદ્ઘાટનમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.
ઉદ્ઘાટન સમારંભના સરળ આયોજન માટે બે હજાર જેટલા સ્વયંસેવકોએ જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત ૩૫૦ જેટલા કલાકારો, સંગીતકારો અને પર્ફોર્મર્સે તેમની કલાથી દુનિયાને ચકિત કરી દીધી હતી. 
ભારતીય ટીમમાં ગુજરાતના માનવ ઠક્કરનો સમાવેશ
ભારતે બ્યુનોસ એર્સમાં શરુ થયેલા યુથ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ૪૬ ખેલાડીને પસંદ કર્યા છે. આ ખેલાડીઓ ૧૬ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ટીમમાં કોચિસ-સપોર્ટ સ્ટાફ અને ઓફિસિઅલ્સ સહિત કુલ ૬૮ જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડી માનવ ઠક્કરને ટેબલ ટેનિસ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. હોકીનું ફાઈવ-અ- સાઈડ વર્ઝન ઓલિમ્પિકમાં સમાવવામાં આવ્યું છે અને ભારતે મેન્સ અને વિમેન્સમાં ૯-૯ ખેલાડીઓની ટીમ મોકલી છે. ટ્રેક એન્ડ ફિલ્ડના સાત અને શૂટિંગના ચાર ખેલાડીઓ છે. રેક્યુર્વે તીરંદાજી, બેડમિંટન, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વેઈટલિફ્ટિંગ, કુસ્તી અને રોવિંગમાં ૨-૨ અને બોક્સિંગ-જુડો અને સ્પોર્ટ ક્લાઈમ્બિંગમાં ૧-૧ ભારતીય ખેલાડી સામેલ છે.