મંગળવાર, 29 મે, 2018

વેદાંતા જૂથને મોટો આંચકો: તમિલનાડુ સરકારનો તુતિકોરનમાં 

સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ કાયમી બંધ કરવા આદેશ

- ગયા સપ્તાહમાં આ જ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર પોલીસે ગોળીબાર કરતા 13 લોકોનાં મોત થયા

- વિરોધ પક્ષોના પ્રહારોથી બચવા વિધાનસભા સત્ર અગાઉ જ લેવાયેલો નિર્ણય

તમિલનાડુ સરકારે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તુતિકોરનમાં આવેલા વેદાંતાના કોપર પ્લાન્ટને સીલ કરવા અને કાયમ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં આ જ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર પોલીસે ગોળીબાર કરતા ૧૩ લોકોનાં મોત થયા હતાં. સરકારનો આદેશ મળતા જ તુતિકોરન જિલ્લાના ટોચના અધિકારીઓએ કોપર પ્લાન્ટનું પરિસર સીલ કરી દીધું હતું અને મેઇન ગેટ પર પોસ્ટર ચોંટાડી દીધું હતું.

પલાનીસામીએ ચેન્નાઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે પ્લાન્ટ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર શરૃ થવાના પહેલા જ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સત્ર દરમિયાન વિરોધ પક્ષના વિરોધનો સામનો કરવો ન પડે.

તુતિકોરિનના જિલ્લા કલેક્ટર સંદીપ નાંદુરીએ જણાવ્યું હતું કે હવે પ્લાન્ટ કાયમ માટે બંધ થઇ ગયો છે.ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટ સામે સ્થાનિક લોકો વર્ષોથી વિરોધ કરી રહ્યાં હતાં. જ્યારે પનાલીસામીને તુતિકોરનના લોકો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ફરીથી શાંતિ સ્થપાઇ છે. લોકો સરકારને સહકાર આપે તે પણ જરૃરી છે. અમ્માની સરકારે લોકોની માગનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં સ્ટરલાઇટના પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં જયલલિતાએ ૨૯ માર્ચ, ૨૦૧૩ના રોજ આ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્લાન્ટનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને યુનિટ બંધ કરી દેવાયું હતું.


જો કે કંપનીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો સંપર્ક સાધતા તેણે ૮ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ પેલાન્ટની કામગીરી શરૃ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમમાં આ કેસ હજુ સુધી ચાલી રહ્યો છે. ૯ એપ્રિલના રોજ ટીએનપીસીબીએ પ્લાન્ટનો લાયસન્સ રિન્યુ કરવાનો ઇનકાર કર્યો હતો.

ભારતીય ચલણી નોટો પરથી ગાંધીજીનો ફોટો હટાવવાની હિંદુ મહાસભાની માંગ

- ગાંધીજીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવાની માંગ કરી

અખિલ ભારતીય હિંદુ મહાસભા(ABHM)એ પોતાનું એક નિવેદન જાહેર કરી નવા વિવાદને જન્મ આપ્યો છે.

ABHM પ્રમુખ સ્વામી ચક્રપાણિએ કેન્દ્ર સરકાર પાસે ભારતીય ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવાની માંગ કરી છે સાથે જ તેમણે સાવરકરને ભારતરત્ન આપવાની પણ માંગ કરી છે.


ઉલ્લેખનીય છે કે, વિનાયક દામોદર સાવરકરને હિંદુત્વ શબ્દના જનક માનવામાં આવે છે. અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી કહેવામાં આવ્યુ કે, વીર સાવરકરે ભારતીય સ્વાધીનતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

માનવરહિત રેલવે ક્રોસિંગ પર સર્જાતા અકસ્માતો અટકાવવાનો ઉપાય અમદાવાદ ઈસરોએ શોધી કાઢ્યો
Image result for railway crossing india

- જાણો કેવી રીતે ઈસરોની એપ્લિકેશન રોકશે અથડામણો

અમદાવાદ સ્થિત 'ઈસરો'ના કેન્દ્ર 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક)' દ્વારા ટ્રેન અકસ્માત નિવારવાની સિસ્ટમ વિકસાવાઈ છે. આ સિસ્ટમ એ એક પ્રકારની 'ઈન્ટિગ્રેટેડ સર્કિટ (ચીપ)' છે, જે રેલવે એન્જીનમાં ફીટ કરી દેવામાં આવશે. આ ચીપનો ઉપયોગ મુખ્યત્વે માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માત રોકવા માટે કરવામાં આવશે. એન્જિનમાં ફીટ થયેલી ચીપ ઉપગ્રહ સાથે જોડાણ ધરાવતી હશે, જ્યાંથી કન્ટ્રોલ રૃમને સતત અપડેટ મળ્યાં કરશે.

ભારતમાં લગભગ ૬ હજાર જેટલા રેલવે ફાટકો માનવ રહિત છે. ત્યાં લોકો બન્ને દિશાએ જોયા વગર આડેધડ પાટા ક્રોસ કરતાં હોય છે. એમ કરવામાં હજારો લોકો મૃત્યુ પામે છે, રેલવેના નામે અનેક અકસ્માત નોંધાય છે અને અકસ્માત થવાથી ટ્રેન મોડી પડવા જેવી સમસ્યા પણ સર્જાય છે. તેના નિવારણનું કામ ઈસરોની

આ સિસ્ટમ કરશે. રેલવેના કુલ અકસ્માત પૈકી ૬૦ ટકા અકસ્માત માનવ રહિત ફાટક ક્રોસ કરતી વખતે સર્જાય છે. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના કુશી નગરમાં માનવ રહિત ફાટકનું ક્રોસિંગ કરતી વખતે સ્કૂલ બસ ટ્રેન સાથે અથડાઈ હતી અને ૧૩ બાળકોના મોત થયા હતા.

આ સિસ્ટમ પ્રમાણે દરેક ફાટક પર એક ભૂંગળું ગોઠવી દેવામાં આવશે. એ ભૂંગળું રેલવે કન્ટ્રોલ રૃમના કાબુમાં હશે. બીજી તરફ એન્જિનમાં ચીપ ફીટ થયેલી હશે, જેના કારણે ફાટકથી ચાર કિલોમીટર દૂર ટ્રેન હશે ત્યારે જ ફાટકને એલર્ટ મળી જશે. ટ્રેન ચાર કિલોમીટર દૂર હશે ત્યારથી ફાટક પર રહેલું ભૂંગળું સાઈરન વગાડશે. જેથી એટલો સમય લોકો સિગ્નલ ક્રોસ ન કરે. ટ્રેન નજીક આવતી જશે તેમ સાઈરનનો અવાજ મોટો થતો જશે અને ટ્રેન પસાર થઈ જશે પછી શાંત થઈ જશે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરે ફેબુ્રઆરી ૨૦૧૬માં જ આ સિસ્ટમ વિકસાવી હતી. એ પછી તેના પર વિવિધ પરીક્ષણ ચાલ્યા હતા. હવે લગભગ બધા ટેસ્ટિંગમાંથી આ સેટેલાઈટ બેઝ્ડ અર્લિ વોર્નિંગ સિસ્ટમ પાસ થઈ ગઈ છે. માટે રેલવે મંત્રાલય ટૂંક સમયમાં તેનો ઉપયોગ કરે એવી શક્યતા છે. રેલવેના રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ) દ્વારા આ પ્રયોગ સંપૂર્ણ સફળ રહ્યાનો અહેવાલ રેલવે મંત્રાલયને આપી દેવામાં આવ્યો છે. 


પ્રાયોગિક ધોરણે કેટલીક ટ્રેનોમાં આ ચીપ ગોઠવીને દેશભરમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. એ ટેસ્ટમાં ચીપ સંપૂર્ણપણે ઉપયોગી સાબિત થઈ છે. હવે રેલવે મંત્રાલય ઈચ્છે ત્યારે તેને રેલવે એન્જિનમાં ફીટ કરી શકે છે. એક વર્ષ સુધી વિવિધ પ્રકારના વાતાવરણ, વિવિધ સમય-સંજોગો વચ્ચે વોર્નિંગ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બધી વાતે ઈસરોની સિસ્ટમ ખરી ઉતરી છે.