ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2019

ઇલેક્શન કમિશનર તરીકે સીબીડીટીના ચેરમેન સુશીલચંદ્રાની નિમણૂક કરાઈ


-     સીબીડીટીના ચૅરમૅને ગુજરાતમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે પણ સેવા આપી હતી


સીબીડીટીના ચૅરમૅન સુશીલ ચંદ્રાની ભારતના ઇલેક્શન કમિશનર તરીકે આજે નિમણૂક કરવામાં આવી છે. આગામી મહિનાઓમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુશીલ ચંદ્રા ૧૯૮૦ના બૅચના આઈઆઈટીના ગ્રેજ્યુએટ છે અને તેઓ ઇન્ડિયન રેવન્યુ સર્વિસની ઇન્કમટેક્સ કેડરમાં જોડાયા હતા. તેમણે ગુજરાતમાં આવકવેરાના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે સેવા આપી હતી. તેમ જ તેઓ ડિરેક્ટર જનરલ ઇન્કમટેક્સ તરીકેની સેવા પણ ગુજરાતમાં આપી ચૂક્યા છે.
ચીફ ઇલેક્શન કમિશનર તરીકે અત્યારે સુનિલ અરોરા છે. તેમ જ અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સાથી કમિશનર તરીકે સેવા આપશે. કાયદા મંત્રાલયે તેમની નિમણૂક કરતું જાહેર નામું બહાર પાડયું છે. સુશીલ ચંદ્રાએ ઇલેક્શન કમિશનર તરીકેનો હોદ્દો ગ્રહણ કરતાં પહેલા સીબીડીટીના ચૅરમૅનના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે.

ડાંગમાં 32 હેક્ટરમાં લેપર્ડ (દિપડા) સફારી એન્ડ રેસક્યુ સેન્ટર બનશે

- આગામી નાણાંકીય વર્ષમાં કામ શરૂ થશે

- વઘઈ બોટાનિકલ ગાર્ડનની સામે ડુંગરાળ વિસ્તારમાં ૩ર હેક્ટરનાં વિસ્તારને કુદરતી મહોલમાં ઢાળી દિપડા પાર્ક નિર્માણ થશે

ડાંગ પ્રાકૃતિક સંપદા માટે જાણીતું સ્થળ છે. અહીં ગીરાધોધ, ગીરમાળ ધોધ, બોટાનીકલ ગાર્ડન, મહાલ ઈકો કેમ્પ સાઈટ, નેશનલ પાર્ક જેવા વન્ય સૃષ્ટિથી ભરપૂર સ્થળો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, તેવામાં ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલા બોટાનિકલ ગાર્ડનની સામે વિશાળ લેપર્ડ (દિપડા) સફારી  એન્ડ સેન્ટર બનાવવાની મંજૂરી મળતા હવે ડાંગ પ્રવાસીઓને નવું નજરાણું મળશે.
દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વઘઈ નજીકનાં બોટાનિકલ ગાર્ડનની સામે જંગલ વિસ્તારમાં ૩ર હેક્ટર લેપર્ડ સફારી પાર્ક વીથ રેસક્યુ સેન્ટરની મંજૂરી મળતા ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોમાં નવું પીછું ઉમેરાતા પ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. ૩ર હેક્ટરનાં વિશાળ જંગલ વિસ્તારને આવરી બનાવામાં આવનાર લેપર્ડ પાર્કમાં અદ્યતન ટેકનોલોજી અપનાવવા સાથે અન્યો જિલ્લાઓમાં છાશવારે પકડાતા દિપડાઓને  રેસક્યુ સેન્ટરમાં લાવી સારવાર કર્યા બાદ પાર્કમાં છોડી દેવાશે. 

આ અંગે નાયબ  વન સંરક્ષક ડી.બી.ત્રિવેદીએ જણાવ્યું કે, ડાંગમાં પ્રાકૃતિક સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેથી વઘઈ નજીકનાં ગીરાધોધ પાર્ક કે ઈકો કેમ્પ સાઈટનો વિકાસ કરી સ્થાનિકોને ઘરઆંગણે રોજી ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે. સાથો સાથ કિલાદ કેમ્પ સાઈટ, બોટાનિકલ ગાર્ડન વધુ લોકભોગ્ય બનાવવામાં આવશે. 

રાજ્યનું સાશણગીર જેમ સિંહો માટે જાણીતું છે. તેમ દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો દિપડા માટે ઉત્તર સ્થળ હોય તેને એક સ્થળે લાવી પ્રવાસીઓને નવલું નજરાણું મળી રહેશે. વઘઈ બોટાનિકલ ગાર્ડનની સામેની બાજુમાં ડુંગરાળ વિસ્તાર આવેલો હોય ૩ર હેક્ટર વિસ્તારને કુદરતી માહોલમાં જ ઢાળી દિપડા પાર્ક નિર્માણ કરાશે. 

આ પાર્કનું નિર્માણ આગામી નાણાંકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં શરૂ કરી ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. ડાંગનાં પ્રાકૃતિક સ્થળો બાદ લેપર્ડ પાર્કની સુવિધા લાવનારા દિવસોમાં પ્રવાસીઓથી ધમધમી ઉઠે તે સ્થાનિકોને ઘરઆંગણે રોજી રોટી સાથે પ્રકૃતિનાં દર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં બેમત નથી.
J&K: અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો, 40 જવાન શહિદ

 

જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે આતંકવાદીઓએ ફરીવાર સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો છે. આ દરમિયાન IED બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં 40 CRPF જવાન શહિદ થયા અને અન્ય 40થી પણ વધારે જવાન ગંભીરપણે ઘાયલ છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, કાફલામાં CRPFની ગાડીઓમાં 2500થી વધારે જવાન સવાર હતા. આતંકીઓએ સુરક્ષાદળોની એક ગાડીને નિશાન બનાવી છે. ઉરી બાદ આ સૌથી મોટો આતંકી હુમલો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સડક પર એક કારમાં IED લગાવવામાં આવ્યો હતો. કાર હાઇવે પર ઊભી હતી. સુરક્ષાદળોનો કાફલો જેવો કાર નજીકથી પસાર થયો, તેમાં બ્લાસ્ટ થઇ ગયો. આ દરમિયાન કાફલા પર ફાયરિંગ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. આ હુમલામાં 40 જવાન શહિદ થયા છે. આ એક રિમોટ કંટ્રોલ્ડ વાહન IED હોવાની સંભાવના છે.