બુધવાર, 28 માર્ચ, 2018


માનુ ભાકેર અને અનમોલ જૈનની જોડીએ એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો


- જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને સાતમો ગોલ્ડ મેડલ
- માનુ ભાકેર અગાઉ બે ગોલ્ડ જીતી ચૂકી છે
ભારતની ૧૬ વર્ષીય ગોલ્ડન શૂટર માનુ ભાકેરે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ચાલી રહેલા જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. માનુએ ભારતના અનમોલ જૈનની સાથે જોડી જમાવીને એર પિસ્તોલ મીક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા જુનિયર વર્લ્ડ કપમાં ભારતે કુલ મળીને સાતમો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાે હતો. માનુએ અગાઉ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં વ્યક્તિગત અને ટીમ એમ બંને ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતની જેનેમત સેખોને મહિલાઓની જુનિયર સ્કિટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

જ્યારે ૧૦ મીટર એર રાઈફલની મિક્સ પેર્સ ઈવેન્ટમાં ભારતની શ્રેયા અગ્રવાલ અને અર્જુન બાટુલાની જોડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યાે હતો.  માનુ ભાકેર અને અનમોલ જૈનની જોડીએ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં શરૃઆતથી જ પ્રભાવ પાડયો હતો. તેમણે ક્વોલિફાઈંગમાં હાઈએસ્ટ સ્કોર કરતાં જુનિયર લેવલે નવો વિશ્વકિતમાન સ્થાપિત કરતાં ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ. ફાઈનલમાં નોંધપાત્ર દેખાવ કરતાં માનુ-અનમોલે ૪૭૮.૯નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ વર્લ્ડ રેકોર્ડથી માત્ર ૧.૮ પોઈન્ટ્સ જ દૂર રહ્યા હતા.

અગાઉ તેમણે જુનિયર ક્વોલિફિકેશનમાં ૭૭૦ પોઈન્ટ્સનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ ઈવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ચીનને મળ્યા હતા.  આ જુનિયર વર્લ્ડ કપમાં ભારતના સાત ગોલ્ડ મેડલ થઈ ગયા છે. જ્યારે ભારતના યુવા શૂટરો કુલ ૧૮ મેડલ જીતીને મેડલ ટેલીમાં બીજા ક્રમે છે. પ્રથમ સ્થાન ચીનના નામે છે, જેણે આઠ ગોલ્ડની સાથે કુલ ૨૨ મેડલ્સ જીત્યા છે.