Wednesday, 6 March 2019

વિશ્વના સૌથી પ્રદૂષિત 20 શહેરમાં 15 ભારતના ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં સૌથી વધુ પ્રદૂષણ

 

- વિશ્વના પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી ૧૧મા ક્રમે

- એક સમયે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ગણાતું બેઇજિંગ હવે આ યાદીમાં ૧૨૨મા ક્રમે પહોંચી ગયું

 
વિશ્વના સૌથી પ્રદૂષિત ૨૦ શહેરો પૈકી ૧૫ શહેરો ભારતમાં છે. ટોચના છ પ્રદૂષિત શહેરોમાં ગુડગાંવ, ગાઝિયાબાદ, ફરિદાબાદ, નોઇડા અને ભિવાડીનો સમાવેશ થાય છે. 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતનું નેશનલ કેપિટલ રિજિયન(એનસીઆર) વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેર હતું. 
આઇક્યુએર એરવિઝ્યુઅલ ૨૦૧૮ વર્લ્ડ એર ક્વાલિટી રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી ૨૦ પ્રદૂષિત શહેરોમાં ૧૮ શહેર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આવેલા છે.
આ અહેવાલ ગ્રીનપીસ સાઉથઇસ્ટ એશિયાના સહકારથી તૈયાર કરવામાં આવ્યું છે.  ૨૦માંથી ૧૫ પ્રદૂષિત શહેર ભારતમાં આવેલા છે. જેમાં ગુડગાવ, ગાઝિયાબાદ સૌથી પ્રદૂષિત શહેર છે. ત્યારબાદ ફરિદાબાદ, ભિવાડી અને નોઇડાનો ક્રમ આવે છે. આ યાદીમાં દિલ્હીનો ક્રમ અગિયારમો છે. 
ચીનની રાજધાની બેઇજિંગ એક સમયે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું જે હવે આ યાદીમાં ૧૨૨મા ક્રમે પહોંચી ગયું છે. જો કે આ હજુ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાર્ષિક સુરક્ષિત મર્યાદાથી પાંચ ગણું વધારે પ્રદૂષિત છે. ત્રણ હજારથી વધુ શહેરોમાં પ્રદૂષણ કણ પીએમ ૨.૫ના સ્તરને પણ દર્શાવતો ડેટાબેઝ ફરી એક વાર વિશ્વને પ્રદૂષણથી વધી રહેલા ખતરાને યાદ અપાવે છે.
પીએમ ૨.૫ ડેટાને આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે.  ભારતીય પર્યાવરણવિદોના જણાવ્યા અનુસાર ભારત માટે આ અહેવાલ નિરાશાજનક છે. ભાકત સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે વધુ પગલા લેવાની જરૃર છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઉદ્યોગો, ઘરો, કારો અને ટ્રકોમાંથી નીકળતા વાયુ પ્રદૂષકો સ્વાસ્થ્ય પર સૌથી ગંભીર અસર કરે છે.