સોમવાર, 3 સપ્ટેમ્બર, 2018


ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાધીશજી તરીકે કર્યું હતું ૧૦૦ વર્ષ સુધી રાજ
 


ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરી ભગવાનનો જન્મોત્સવ ઉજવવા આતુર બની છે. પુરાણોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે તેમણે દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી અને દ્વારકાધીશજી તરીકે ૧૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું.

ભગવાન વિષ્ણુના દશ અવતારમાંના આઠમા અવતારથી પ્રસિદ્ધ થયેલ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. તેમની બાળલીલા અદભૂત અને અલૌકિક રહી છે. મથુરા રાજ્યના રાજા કંસનો વધ તેમણે કરતા ક્રોધિત બનેલા કંસરાજાના સસરા જરાસંઘે પોતાના સૈન્ય સાથે મથુરા ઉપર ૧૭ વખત ચડાઈ કરી અને તમામ વખતે શ્રીકૃષ્ણએ તેમને હરાવી અને મથુરાથી ખદેડી મૂક્યા હતા. અંતે જ્યારે કલ્યાવનની સહાય લઈ ખુબ મોટી સેના સાથે ૧૮મી વખત જરાસંઘે મથુરા ઉપર આક્રમણ કર્યું ત્યારે પોતાના કુળની રક્ષા માટે શ્રીકૃષ્ણ રણભૂમિ છોડી દ્વારકા આવ્યા. આમ તેઓ રણછોડ તરીકે ઓળખાયા.

ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી દ્વારકાધીશજી તરીકે ૧૦૦ વર્ષ રાજ્ય કર્યું હતું. શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન દુષ્ટોના દમન માટે તથા સતપુરૃષોના કલ્યાણ માટે રહ્યું અને તેમણે સોમનાથના ભાલકા તીર્થ ખાતે પોતાની જીવનલીલા સંકેલી. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દ્વારકામાં જગત મંદિરે ભારે ધામધૂમથી ઉજવાય છે. ભાવિકો જન્મોત્સવમાં ભાગ લેવા ઉમટી પડે છે.


આજે જન્માષ્ટમી:કાનુડાને વધાવવા ભાવિકોમાં થનગનાટ
 
-આજે 'નંદ ઘેર આનંદ ભયો' નો જયઘોષ કરાશે