ગુજરાતની
ઈલાવેનિલને શૂટિંગ વર્લ્ડ કપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ
- વર્લ્ડ કપમાં 10 મીટર
એર રાઈફલમાં ગોલ્ડ જીતનારી ભારતની ત્રીજી મહિલા શૂટર
- વર્લ્ડ કપમાં ગોલ્ડ
છતાં ઓલિમ્પિકની ટિકિટ ન મળી
ગુજરાતની આંતરરાષ્ટ્રીય શૂટર ઈલાવેનિલ
વાલારિવને સીનિયર લેવલના શૂટિંગમાં પણ શાનદાર દેખાવ કરતાં રિયોમાં યોજાયેલા વર્લ્ડ
કપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઈલાવેનિલે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ
ઈવેન્ટમાં ૧.૧ પોઈન્ટ્સના અંતરથી સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે તે ૧૦ મીટર એર
રાઈફલ ઈવેન્ટમાં વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ જીતનારી ભારતની ત્રીજી મહિલા શૂટર બની ગઈ
છે. અગાઉ અંજલી ભાગવત અને અપૂર્વી ચંદેલા આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
રિયોમાં શરૃ થયેલા શૂટિંગના વર્લ્ડ
કપમાં ઈલાવેનિલે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ૨૫૧.૭ના સ્કોર સાથે બધાને પાછળ રાખી
દીધા હતા. બ્રિટનની સેઓનાડ સીન્ટોસને ૨૫૦.૬ના સ્કોર સાથે સિલ્વર મેડલ મળ્યો
હતો.જ્યારે તાઈપેઈની યીંગ-શીન લીનને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો.
ઈલાવેનિલની સાથે ભારતની અપૂર્વી
ચંદેલા અને અંજુમ મુદગીલ પણ સ્પર્ધામાં હતા. જોકે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન
ધરાવતી અપૂર્વી ફાઈનલમાં ક્વોલિફાય કરી શકી નહતી. જ્યારે અંજુમ છઠ્ઠા ક્રમે રહી
હતી. સુવર્ણ જીતવા છતાં ઈલાવેનિલને ઓલિમ્પિકની ટિકિટ મળી શકી નથી કારણ કે અપૂર્વી
અને અંજુમે અગાઉ જ આ ઈવેન્ટમાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરી લીધું છે. આઇએસએસએફના
નિયમ અનુસાર એક ઈવેન્ટમાં એક જ દેશના માત્ર બે જ શૂટરોને ઓલિમ્પિકમાં પ્રવેશ
આપવામાં આવે છે.