મોહનદાસ (ગાંધી)ને અંકગણિતમાં વધુ,વ્યાકરણમાં હતા ઓછા માર્ક્સ
-આજે પણ
કાર્યરત શાળા નં.1માં ભણ્યા હતા
ગાંધીજી
-શિક્ષકે
ધ્યાન રાખવા કરી હતી નોંધ, આ શાળા 2018માં નથી બની એ ગ્રેડ
રાજકોટ મહાપાલિકા સંચાલિત ૭૭ શાળાઓને અનુક્રમ નંબર અને નામ
અપાયા છે, તેમાં નં.૧ શાળા, કિશોરસિંહજી સ્કૂલનું વિશેષ મહત્વ એ છે કે આલ્ફ્રેડ હાઈસ્કૂલ (કે જ્યાં
હાલ કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે) પહેલા પ્રાથમિક શિક્ષણ મહાત્મા ગાંધીજીએ અહીં
મેળવ્યું હતું.
આજે કમિશનરે આ સ્કૂલની મુલાકાત લીધી હતી જે અન્વયે પ્રાપ્ત
માહિતી અનુસાર આજથી ૧૩૮ વર્ષ પહેલા આ જ સ્કૂલમાં મહાત્મા ગાંધીજી ભણતા અને ત્યારે
શિક્ષકો માર્કશીટ કે સ્કૂલ લિવિંગમાં સારુ, સારુ (ગૂડ, ગૂડ) નહીં પણ સાચુ લખતા
અને ગાંધીજીની માર્કશીટમાં નોંધમાં શિક્ષક ચતુરભાઈએ વધુ માર્ક્સ આવ્યા તેનો ઉલ્લેખ
ન કર્યો પણ વ્યાકરણમાં ૨૫માંથી ૧૦ માર્ક્સ આવ્યા તેનો ઉલ્લેખ કરી નીચે નોંધ
કરી-વ્યાકરણ વિષય પર વિશેષ ધ્યાન આપવાની જરૃર છે.
શહેરમાં મહાપાલિકા સંચાલિત કૂલ ૭૭માંથી ૩૮ શાળાઓને એ ગ્રેડ
મળ્યો પણ તેમાં મહાત્મા ગાંધીજી ભણ્યા તે શાળા નં.૧ કિશોરસિંહજી સ્કૂલનો સમાવેશ
નથી. આ સ્કૂલને ચાલુ વર્ષે 'બી' ગ્રેડ મળ્યો છે. મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ
શિક્ષકો પાસેથી સ્કૂલની અને તેના ઈતિહાસની વિગતો મેળવીને અભ્યાસમાં નબળા બાળકોને
અલગથી વિશેષ અભ્યાસ કરાવવા સૂચનો કર્યા હતા.
ગાંધીજીની તા.૨-૧૦-૧૮૮૦ની માર્કશીટમાં દર્શાવેલી વિગત
સવાસો-દોઢસો વર્ષ પહેલાની શિક્ષણ પધ્ધતિનો પણ પરિચય આપે છે. આ વિગતમાં (૧)
નામ-મોહનદાસ કરમચંદ (અટક નથી લખી) (૨) તા.૧૧-૯-૧૮૯૦ના દિવસે ઉંમર-૧૧ વર્ષ ૯ માસ, મતલપ અગિયારમાં વર્ષે ગાંધીજી
ધો.૪માં હતા. (૩) બારમાસની સરાસરી હાજરીના દિવસો-૨૦૮ (૪) પહેલા વિષય અંકગણિતમાં
માર્ક્સ-૧૦૦માંથી ૭૦. (૫) વાંચન,વ્યાકરણ વગેરે બીજા વિષયમાં
૧૦૦માંથી ૩૭. (૬)ડિક્ટેશનમાં ૧૦૦માંથી ૭૦ (૭) ભૂગોળમાં ૩૫માંથી ૯, ઈતિહાસમાં ૫૦માંથી ૨૩, કૂલ ૧૦૦માંથી ૩૭. અંતે લખાયું
'પાસ, ઉપરના ધોરણમાં ચઢાવવો'.
મહત્વની બાબત એ છે કે આ માર્કશીટમાં શિક્ષકનું પૂરું નામ, તેણે કઈ સ્કૂલમાં શિક્ષક
તરીકેની પરીક્ષા કેટલા માર્ક્સે પાસ કરી અને નોકરી કેટલા સમયની છે, ઉંમર શુ તે વિગત પણ અપાઈ છે!
એ સમયે આ રાજકોટ તાલુકા સ્કૂલ ગણાતી. તેમાં સ્કૂલમાં ભણીને
પ્રખ્યાત થયેલા વિદ્યાર્થીઓની પણ નોંધ રખાતી, આવા ત્રણ વિદ્યાર્થીઓમાં (૧) પહેલું નામ અનોપચંદ જગજીવન
બી.એ.એલ.એલ.બી. થઈને રાજકોટ સ્ટેટમાં રૃ।.૧૨૫ના પગારથી મેજિસ્ટ્રેટ થયા,(૨) વૃજલાલ વર્ધમાન એલ.એલ.બી. થઈને હાલ (એ સમયે) વકીલાત કરે છે અને (૩)
મોહનદાસ કરમચંદ 'વિલાયતમાં બેરીસ્ટર થઈ આવી હાલ નાતાલમાં
આફ્રિકામાં પોતાનો ધંધો સારી રીતે ચલાવે છે' લખાયું છે.
એ સમયે સ્કૂલ ફી ન્હોતી, શિક્ષણ ફ્રી હતું અને તેની નોંધ પણ ગાંધીજીની માર્કશીટમાં
જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે મનપા અને સરકારે માત્ર જ્યુબિલી બાગ પાસેની આલ્ફ્રેડ
હાઈસ્કૂલ (મોહનદાસ ગાંધી વિદ્યાલય) કે જે હવે વિદ્યાલય નથી પણ મનપા જંગી ખર્ચે
મહાત્મા અનુભૂતિ કેન્દ્ર તરીકે વિકસાવે છે તેમાં રસ લેવાયો છે પણ ગાંધીજીના આવા
અનેક સંભારણા રાજકોટમાં છે.