શુક્રવાર, 18 મે, 2018


પોરબંદરમાં ૪૪ કરોડના ખર્ચે બનતા કર્લી રિવરફ્રન્ટનું ૫૦ ટકા કામ પૂર્ણ

Image result for porbandar curly riverfront

-૧૧ મહિના બાદ બની જશે સૌરાષ્ટ્રનો પ્રથમ રિવરફ્રન્ટ

-બે કિ.મી.ની લંબાઇમાં બોટીંગ, બાળ મનોરંજનના સાધનો, વોકીંગ પ્લાઝા, અનવવા વૃક્ષો સહિતની સુવિધા ઉપલબ્ધ

પોરબંદરના ઘુઘવતા સાગરકિનારે પ્રવાસીઓ અને પ્રજાજનો માટે તાજેતરમાં આકર્ષક સુવિધા સાથે ચોપાટીનું નવનિર્માણ પૂર્ણ થયું છે. સાથોસાથ પ્રવાસનને વેગ આપવા  અમદાવાદ-સાબરમતીમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલો છે, એ જ રીતે કર્લી જળાશય સ્થળે રિવરફ્રન્ટ તૈયાર કરવાની કામગીરી પાછળ કુલ રૃા. ૪૪ કરોડના ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

૫૦ ટકા કામ પુર્ણ થયું છે.  ૧૧ મહિના પછી એટલે કે એપ્રિલ-૨૦૧૯માં રિવરફ્રન્ટ તૈયાર થશે. જે  સૌરાષ્ટ્રમાં  સૌ પ્રથમ હશે. પોરબંદર શહેરની પૂર્વ તરફ હાઇવે ઉપર આવેલ કર્લીબ્રીજથી બંધ થઇ ગયેલી એચ.એમ.પી. ફેકટરી સુધી કર્લી રીવરફ્રન્ટ બનાવવાનું કામ હાથ ધરાયું છે. 

સલામતી દિવાલ બનાવવાની કામગીરી ૮૦ ટકા પૂર્ણ થઇ છે. મુખ્ય રિવરફ્રન્ટ બે કિલોમીટરની લંબાઇમાં બનશે. તેમાં ૪૦ મીટરની પહોળાઇમાં ૨૦ બાય ૨૦ ના એ.સી. ગ્રીન હાઉસમાં વિવિધ પ્રકારના ફુલછોડ રાખવામાં આવશે.આ ઉપરાંત ૨૯,૯૧૬ વિવિધ પ્રકારના  વૃક્ષો વાવવામાં આવશે. જેમાં ખાસ કરીને ૩૦૯ પામ વૃક્ષો, ૧૦૦ નાળીયેરી અને અલગ અલગ કલરના ગુલમહોર વગેરેનો સમાવેશ થાય છે.

સમગ્ર રિવરફ્રન્ટમાં લોકોને બેસવા માટે ૩૨૦ બેન્ચો જે બનવાશે. ૪૦ હજાર મીટરમાં ફ્લોરીંગ ગ્રેનાઇટ અને માર્બલથી મઢવામાં આવશે. જુદા જુદા સ્થળે નાના મોટા બગીચાઓ અને તેમાં માછલી, પશુ-પક્ષી સહિતના આકારના વૃક્ષો મહેંદીના તૈયાર થશે. ૪૦ દુકાનો જેમાં રેસ્ટોરન્ટનો પણ સમાવેશ થયા છે. તે તૈયાર થશે. ૨૦ મેડીટેશન સેન્ટર, બાળકો માટેના અલગ વિભાગમાં રમત-ગમતના સાધનો,લપસપટ્ટી-ઝુલા વગેરે રહેશે.  વૃદ્ધો માટે રિવરફ્રન્ટમાં ફરવા ઇલેકટ્રીક કાર અને તે માટે એક ખાસ બસસ્ટોપ, કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી સુસજ્જ સિક્યુરીટી વ્યવસ્થા કરાશે.



ગુજરાતના સંવેદનશીલ દરિયા ઉપર બાજનજર રાખવા 'સૂર' શીપ તૈનાત

Image result for SUR ship at porbandar

-પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાં વધુ એક સુરક્ષા-શસ્ત્રનો ઉમેરો

-અત્યાર સુધી ગોવા ખાતે કાર્યરત રહેલી અદ્યતન મહાકાય શીપમાં એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ સમાવિષ્ટ.

પોરબંદરથી પાકિસ્તાન સમુદ્ર માર્ગે ખુબ જ નજીક છે અને તેની કારણે ગુજરાતનો દરિયા કિનારો સંવેદનશીલ છે ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાં સુર નામની અગાઉ ગોવા ખાતે કાર્યરત રહેલી શીપનો સમાવેશ થયો છે. જે હવે ગુજરાતના દરિયાની સુરક્ષા કરશે. ભારતીય કોસ્ટગાર્ડમાં બે વર્ષ પહેલા ગોવા ખાતે સુર નામની મહાકાય શીપનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ શીપ ત્યાંથી પોરબંદર ખાતે કોસ્ટગાર્ડમાં ફરજ બજાવવા માટે આવી છે ત્યારે તેને આવકારવા માટે કોસ્ટગાર્ડની જેટી ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 
  
જેમાં ઉપસ્થિત કોસ્ટગાર્ડના ડીઆઇજી ચૌહાણે એવું જણાવ્યું હતું કે સુર શીપનો સમાવેશ થવાને કારણે ગુજરાતની દરિયાઇ સુરક્ષાને વધુ મજબુત બનાવી શકાશે અને કોર્ટગાર્ડના જવાનો હરહંમેશ દેશની સુરક્ષા માટે કટીબદ્ધ છે. આ શીપ ૨૦૧૬ની સાલના એપ્રિલ મહિનામાં તત્કાલીન રોડ ટ્રાન્સફોર્ટ અને શીપીંગ મીનીસ્ટરના હસ્તે કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવી હતી. જે સુર શીપનો પોરબંદર કોસ્ટ ગાર્ડમાં સમાવેશ થયો છે. તેણે ૨૦૧૭ની સાલમાં બે મોટા રેસ્ક્યુ કરીને ૫૦થી વધુ ક્રુમેમ્બરોનો જીવ બચાવ્યા છે.

જે અંગેની માહિતી આપતા કોસ્ટગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે તા. ૪-૪-૧૭ના રોજ શ્રીલંકાના કોઇમ્બ્તુર નજીક પનામાની કાર્ગો શીપમાં વિકરાળ આગ લાગી હતા ત્યારે સુર શીપે ત્યાં પહોંચીને પાણીનો મારો ચલાવીને ૨૫ જેટલા ખલાસીઓનો જીવ બચાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તા. ૬-૭-૨૦૧૭ના લક્ષદીપ પાસે એક કન્ટેનર શીપમાં પણ વિકરાળ આગ ભભૂકી ઉઠતા ૨૭ જેટલા ખલાસીઓને  બચાવી લેવામાં સુર શીપના જવાનોને સફળતા મળી હતી.

આ શીપની સાથે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ તેમાં જ સમાવિષ્ટ થતું હોવાથી તેના દ્વારા રેસ્ક્યુનું નિર્દશન કરવામાં આવ્યું હતું. સૌએ તાળીઓનો ગડગડાટ સાથે હેલિકોપ્ટર દ્વારા થયેલા રેસ્ક્યુને વધાવી લીધી હતી. કોસ્ટગાર્ડના જવાનોએ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે સુર નામની આ શીપ ખુબ જ ઉપયોગી સાબિત થશે.