૭૦ વર્ષ પહેલાં ભારતે
ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો…
૨૨મી જુલાઈ ભારતમાં ઝંડા અંગિકરણ દિવસ તરીકે ઉજવાય છે કેમ કે ૧૯૪૭ની ૨૨મી જુલાઈએ વર્તમાન રાષ્ટ્રધ્વજને સ્વિકૃત્તિ આપી હતી. એ વખતે ભારત અંગ્રેજોના તાબામાં હતો. દેશનો કોઈ ચોક્કસ રાષ્ટ્રધ્વજ ન હતો. અલબત્ત, વિવિધ ડિઝાઈનો બનાવાઈ હતી અને વિવિધ દેશભક્તોએ પોતાની રીતે રાષ્ટધ્વજ ફરકાવ્યા પણ હતા. પરંતુ દેશની આઝાદી વખતે સર્વસ્વીકૃત રાષ્ટ્રધ્વજની જરૂર હતી.
૧૯૪૭ની ૨૨મી જુલાઈએ પાર્લામેન્ટ
હાઉસના કોન્સ્ટીટયૂશન હોલમાં સભાના સભ્યો મળ્યાં હતા. આજે સંસદ મળે છે, એ રીતે જ એ
સભા ભરાઈ હતી. સભા સમક્ષ જવાહરલાલે ધ્વજ સ્વીકારવા અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો
અને તેમણે ધ્વજનું વર્ણન પણ કર્યું હતું. એ પછી ધ્વજ અંગે તેમણે ભાષણ કર્યું હતુ.
સભા પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે એ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને હાજર સભ્યોએ તેના
પર સહી કરી હતી. એ સાથે ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકૃતિ મળી હતી. એ પછી ૧૪મી
ઓગસ્ટે મધરાતે ભારતને આઝાદી મળી અને ૧૫મી ઓગસ્ટે સત્તાવાર રીતે ધ્વજને લાલ કિલ્લા
ખાતે ફરકાવાયો હતો.
પિંગલિ વૈંકયા નામના આઝાદીના લડવૈયાએ
૧૯૨૧માં કાકીનાડા ખાતે ભરાયેલી રાષ્ટ્રીય કોંગ્રેસની સભામાં રાષ્ટ્રધ્વજનો વિચાર
રજૂ કર્યો હતો. એ વિચારને હાકારાત્મક પ્રતિભાવ મળ્યાં પછી તેમણે ડિઝાઈન કરી હતી, જે
રાષ્ટ્રધ્વજ આજે આખા દેશમાં અને પરદેશમાં પણ ભારતની ઓળખ તરીકે સ્થાપિત થઈ ચૂક્યો
છે. ૧૮૭૬માં જન્મેલા વેંકૈયાનું ૧૯૬૩માં અવસાન થયું હતું.
૧૯મી સદીમાં ભારત વિવિધ
રજવાડાંઓમાં અને બ્રિટિશરો વચ્ચે વહેંચાયેલુ હતું. માટે ધ્વજ પણ રજવાડાનાં પોતાના
અને બ્રિટનનો યુનિયન જેક હતો. ૧૯૦૬માં પ્રથમવાર બિનસત્તાવાર રીતે ભારતનો
ધ્વજ કલકતામાં લહેરાવાયો હતો, જેમાં વંદે માતરમ પણ લખેલું હતું. તેની ડિઝાઈન જોકે અલગ હતી.
પછી ૧૯૦૭માં મેડમ કામાએ પ્રથમવાર પરદેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
હાલ ભારતમાં પંજાબમાં
પાકિસ્તાન સરહદે આવેલા અટારી ખાતે દેશનો સૌથી ઊંચો ધ્વજ ફરકે છે. માર્ચ ૨૦૧૭માં
ગોઠવાયેલો આ ધ્વજ ૩૬૦ ફીટ ઊંચો છે. એ ધ્વજની પહોળાઈ ૨૪ મીટર છે અને કુલ મળીને
થાંભલા સહિત ૫૫ ટન તેનું વજન છે. એ ધ્વજ પાછળ રૃપિયા ૩.૫૦ કરોડનો ખર્ચ થયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો