ક્રાંતિકારી
દુર્ગાભાભી ભગતસિંહને ધરપકડથી બચાવવા અંગ્રેજ મેડમ બન્યા હતા
- એસેમ્બલીમાં બોંબ ફેંકવા જઇ રહેલા ભગતસિંહને પોતાના લોહીથી તિલક કર્યુ હતું
- તેઓ સ્વાતંત્ર સેનાની ભગવતિ ચરણ બોહરાના ધર્મ પત્ની હતા.
ભારતને આઝાદી અપાવી પ્રજાસત્તાક બનાવવામાં અનેક મહિલાઓએ
યોગદાન આપ્યું છે તેમાં સ્વાતંત્રસેનાની દુર્ગા ભાભીનો પણ મોટો ફાળો છે. સાર્ડસની
હત્યા કર્યા પછી કલકત્તા મેલમાં અંગ્રેજોથી બચવા માટે અંગ્રેજ પતિ પત્ની નો વેશ
ધારણ કરીને ભગતસિંહને કલકત્તા પહોંચાડયા હતા. તે હંમેશા પોતાની પાસે પિસ્તોલ રાખતા
હતા. દુર્ગાભાભીનો જન્મ ૭ ઓકટોબર ૧૯૦૭માં શહજાદપુરમાં થયો હતો. તેઓ સ્વાતંત્ર
સેનાની ભગવતિ ચરણ બોહરાના ધર્મ પત્ની હતા.
ભગવતી ચરણ બોહરાના પિતા રેલવે ખાતામાં ઉચ્ચ પદ પર બિરાજમાન
હતા છતાં તેઓ બ્રિટિશ સરકાર સામે લડવા માટે તૈયાર કરેલા એક ક્રાંતિકારી સંગઠનના
સચિવ બન્યા હતા. દુર્ગાભાભી પણ પતિના પગલે ક્રાંતિકારીઓની મદદ માટે આગળ બહાર આવ્યા
હતા. આ બંને દંપતિએ એ જમાનામાં રુપિયા ૫૦ હજાર ક્રાંતિકારીઓ માટે ખર્ચ કર્યા હતા.
ઇસ ૧૯૨૬માં ભગવતિ ચરણ બોહરાએ ભગતસિંહની સાથે લોહીથી લખાયેલા કાગળ પર હસ્તાક્ષર
કર્યા હતા. ભગવતી ચરણ બોહરા ૨૮ મે ૧૯૩૦ના રોજ રાવી નદીના કાંઠે તેમના સાથીઓની સાથે
બોંબ બનાવી રહયા હતા બોંબના પરીક્ષણ દરમિયાન શહીદ થયા હતા. પતિની શહિદ થયા પછી
દુર્ગાભાભીએ ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ જેવા શહીદોને મદદ
અને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હતું.
૯ ઓકટોબર ૧૯૩૦ના રોજ દુર્ગાભાભીએ ગર્વનર હેલી પર ગોળીઓ છોડી
જેમાં હેલી બચી ગયો પરંતુ તેનો એક સૈનિક અધિકારી ટેલર ઘાયલ થયો હતો. ત્યાર બાદ
મુંબઇના પોલીસ કમિશ્નરને પણ દુર્ગાભાભીએ ગોળી મારી હતી. આથી પોલીસ આ ક્રાંતિકારી
મહિલાની શોધખોળ પાછળ પડી ગઇ હતી. મુંબઇમાં એક મકાનમાંથી દુર્ગાભાભી તથા યશપાલની
ધરપકડ કરવામાં આવી હતી. દુર્ગાભાભી રાજસ્થાનથી ક્રાંતિકારીઓ માટે પિસ્તોલ પુરી
પાડવાની કામગીરી કરતા હતા.
ચંદ્રશેખર આઝાદે અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વ્હોરી
લીધીએ પિસ્તોલ પણ દુર્ગાભાભીએ જ લાવી આપી હતી.તેમણે પિસ્તોલ ચલાવવાની તાલિમ લાહોર
અને કાનપુરમાં લીધી હતી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે જયારે કેન્દ્રીય એસેમ્બલીમાં
બોંબ ફેંકવા જઇ રહયા હતા ત્યારે પોતાના લોહીથી તિલક કર્યું હતું.
ભગતસિંહને ફાંસી અપાયા પછી દુર્ગાભાભી સાવ એકલા પડી ગયા
હતા.પોતાના પાંચ વર્ષના પુત્રને લઇને અભ્યાસ માટે દિલ્હી આવ્યા જેની પોલીસને જાણ
થતા લાહોર જતા રહયા હતા. પોલીસે અહી તેમની ધરપકડ કરીને ત્રણ વર્ષ સુધી નજર કેદ
રાખ્યા હતા. જેલમાંથી છુટીને ૧૯૩૫માં ગાઝીયાબાદમાં પ્યારેલાલ કન્યા વિધાલયમાં
નોકરી કરવા લાગ્યા હતા. ઇસ ૧૯૩૯માં મદ્રાસ જઇને મારિયા મોન્ટેસરીમાં મોટેસરી
પધ્ધતિનું શિક્ષણ લઇને ૧૯૪૦માં લખનૌ કેન્ટ રોડ પાસે નજીરાબાદમાં પાંચ વિધાર્થીઓ
સાથે મોન્ટેસરી શાળા ખોલી હતી જે આજે મોન્ટેસરી ઇન્ટર કોલેજના નામથી ઓળખાય છે. ૧૪
ઓકટોબર ૧૯૯૯ના રોજ ગાજીયાબાદમાં દુર્ગાભાભીનું અવસાન થયું હતું.