શનિવાર, 26 જાન્યુઆરી, 2019

રાજકોટ સત્યાગ્રહ.. પ્રજા ઉપર દમન ગુજારાતા વર્ધાથી રાજકોટ આવ્યા'હતા પૂ. કસ્તુરબા

 

- જયારે ગાંધીજી ઉપર હૂમલો કરવા ગિરાસદારો ખુલ્લી તલવારો સાથે રાષ્ટ્રીય શાળા પહોંચ્યા હતાં

- રાજકોટ સ્ટેટ સામેના સત્યાગ્રહમાં કુલ ૧૫૫૮ વ્યક્તિઓએ વ્હોરી હતી ધરપકડ, હલેન્ડા સુધી યોજાઈ હતી કૂચ

- આઝાદીની લડતમાં વિશિષ્ટ યોગદાન ધરાવતા રાજકોટ સત્યાગ્રહને આજે ૮૦ વર્ષ પુરા થશે: રાષ્ટ્રીય શાળામાં  પુ. બાપુએ કર્યા 'તા પાંચ દિ'ના ઉપવાસ


૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન પરંતુ રાજકોટના ઈતિહાસમાં ૨૬ જાન્યુઆરી ૧૯૩૯નો દિન એ પ્રજાકીય દમન સામેનાં સત્યાગ્રહના પ્રારંભ સાથે જોડાયેલા છે. આ દિવસે રાજાશાહી અત્યાચારનાં વિરોધમાં પ્રજાકીય ચળવળ શરૂ થઈ હતી. 

આંદોલનમાં જોડાયેલા અહિંસક સેનાનીઓ ઉપર લાઠીમાર થયો હતો. ધરપકડો થઈ હતી. સત્યની લડત માટે વર્ધાથી પુ. કસ્તુરબા રાજકોટ દોડી આવ્યા હતાં. તેમની સાથે સરદાર પટેલના પુત્રી મણીબેન પણ આવ્યા હતાં. તેઓને સૌ પ્રથમ સરધારની જેલમાં અને ત્યાર પછી ત્રંબા ખાતે નજરકેદ રાખવામાં આવ્યા હતાં. 
આઝાદીના ઈતિહાસના અનેક પ્રકરણો રાજકોટ ાસથે જોડાયેલા છે પરંતુ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પ ટેલ અને ખાદી વિચારને વરેલા ઉછરંગરાય ઢેબરથી માંડીને અનેક સત્યાગ્રહીઓ માટે રાજકોટએ અહિંસક આંદોલનની પાઠશાળા તરીકે જાણીતું રહ્યું છે. અહીના અહિંસક આંદોલને જ દેશમાં સ્વતંત્રતાની લડતને મજબુતી બક્ષી હતી. આઠ દાયકા પુર્વેની ૨૬ જાન્યુઆરીની તવારીખ રાજકોટના સત્યાગ્રહ સાથે વિશિષ્ટ રીતે જોડાયેલી છે.
રાજકોટ સત્યાગ્રહની ઈતિહાસના પાના ઉપર નોંધાયેલી તવારીખ એવી છે કે રાજકોટમાં ઈ.સ. ૧૯૩૦માં પ્રજાહિત પ્રેમી રાજા લાખાજી રાજના અવસાન પછી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા તેઓ તેમના દીવાન વીરાવાળાની પ્રબળ અસર હેઠળ હતાં. વીરાવાળા જાણે રાજયનો મનસ્વી રીતે વહીવટ કરી રહ્યાં હતાં. 

તેઓએ દીવાસળી, ખાંડ, બરફ, સિનેમાઘર વિગેરેના ઈજારા આપ્યા દાણાપીઠનું મકાન વેંચવા કાઢયું પાવર હાઉસ ગિરો મુકવાની તૈયારી કરી કાર્નિવલ નામની કંપનીને જન્માષ્ટમીમાં જુગાર રમાડવાનો પરવાનો આપી નોટી ફી વસુલી ખેડૂતો ઉપર વિવિધ કરવેરા લાગુ કર્યા હતાં. સમય દરમિયાન રાજકોટની કાપડ મિલમાં હડતાલ પાડી મજુરોએ સફળતા મેળવી હતી. 

તેથી જન આંદોલનને ચિનગારી ફૂંકવાની જ જરૂર હતી. એ સમયે રાજય સામે લડત શરૂ થઈ મેળામાં જુગારધામ  બંધ કરવા જાહેર સભા ભરાઈ પોલીસે લાઠી માર કરી સભા બંધ કરાવી કાર્યકરોએ સાંગણવા ચોકમાં આવી સભા ભરી તો ત્યાં પણ પોલીસે નેતાઓને પકડી લાઠી ચાર્જ કર્યો. આ ઘટનાના પડઘા મુંબઈ સુધી પડયા હતાં. ૧૮ ઓગષ્ટ ૧૯૩૮નાં મુંબઈમાં સરદાર પટેલે જાહેર સભામાં રાજકોટના વહીવટની ટીકા કરી લડતને આહવાન આપ્યું. 

સ્થાનિક શાસન સામે લડવા સત્યાગ્રહીઓ તૈયાર થયા. ઠેર-ઠેર સભા સરઘસ યોજાયા. ગાંધી વિચાર સરણી ધરાવતા ઉછરંગરાય ઢેબર સહિતના નેતાઓની ધરપકડ થતા આંદોલન ચાલ્યું. પ્રજામાં જાગૃતિ લાવવા રાજકોટથી ૩૭ કિ.મી. દૂર આવેલા હલેન્ડા ગામ સુધી પગવાળા કૂચ યોજાઈ સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ સ્ત્રીઓ પણ સત્યાગ્રહની લડતમાં સામેલ થઈ પ્રજા જાગુ્રતિની પ્રચંડ લહેર ચારે બાજુ ફરી વળી હતી. લડતનો રંગ જામતો હતો. 

રાજકોટ સ્ટેટે કુલ ૧૫૫૮ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. દરમિયાન દેશી રાજયોને નાણાં ધીરનાર દુર્ગાપ્રસાદ દેસાઈ અને ભાવનગરના દિવાન અનંતરાય પટ્ટણીની દરમિયાનગીરીથી સરદાર પટેલ રાજકોટ આવ્યા. તેમણે સમાધાન માટે જે સમિતિના નામો સુચવ્યા તેનો ભંગ થતા તા.૨૬ જાન્યુ. ૧૯૩૯થી રાજકોટ સત્યાગ્રહનો ફરીથી પ્રારંભ થયો આ સત્યાગ્રહને દાબી દેવા માટે રાજકોટ સ્ટેટ તરફથી આકરા પગલાં લેવામાં આવ્યા. 

પ્રજાએ ઠેર-ઠેર હડતાલ પાડી કેટલાક કાર્યકરોની ધરપકડ થઈ તો કેટલાકને પકડીને ઝાડીમાં ફેંકી દેવામાં આળ્યા. કેટલાક કાર્યકરોનાં કપડા ઉતારી લેવાતા હતાં. આ  બનાવોથી વ્યથિત થઈને વર્ધાથી પુ. કસ્તુરબા ગાંધી રાજકોટ આવી પહોંચ્યા તેમની સામે સરદાર પટેલના પુત્રી મણીબહેન પટેલ પણ હતા. રાજકોટ આવતા તેમની ધરપકડ કરી સરધાર એ પછી ત્રંબામાં કેદ કરવામાં આવ્યા. જયાં કસ્તુરબાને નજરકેદ રાખવામાં આવ્યા હતાં. તે ત્રંબામાં આજે પણ કસ્તુરબા ધામ જર્જરિત હાલતમાં જોવા મળે છે.
રાજકોટ રાજયનાં અંધેરવહીવટ સામે ગાંધીજી રાજકોટ આવ્યા. તેમણે રાજયના નિમંત્રણનો અસ્વીકાર કરીને રાષ્ટ્રીય શાળામાં ઉતરવાનુ નક્કી કર્યું. રાજવીને સમજાવવાનો પ્રયાસો કર્યા. પરંતુ નિષ્ફળ ગયા. ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં પાંચ દિવસના ઉપવાસ કર્યા. છેવટે સમાધાન માટે હિંદના વડા ન્યાયધીશ સર મોરીસ ગ્વાપરના ચુકાદાને સ્વીકારવાનું નક્કી થયું. તેમણે સમાધાન સમિતિના સભ્યો માટે સરદાર પટેલને હવાલો  સોંપ્યો. 

ત્યારપછી તેઓએ જ નામ સુચવ્યા તેમાં પણ વાંધા વિરોધ થતા મંત્રણાઓ પડી ભાંગી ૧૬ એપ્રિલની સાંજે ૫૦૦થી ૬૦૦ ગિરાસદારો ખુલ્લી તલવારો સાથે સરઘસ કાઢી રાષ્ટ્રીયશાળાએ પહોંચ્યા ત્યાં ગાંધીજી ઉપર સાંય પ્રાર્થના સમયે હૂમલો કરવાની યોજના હતી. પરંતુ ગિરાસદાર એસોસોસીએશનના પ્રમુખ હરિસિંહજી ગોહિલે ગાંધીજીને ટેકો આપી મોટરમાં યજમાન નાનાલાલ જસાણીના ઘેર મોકલ્યા. 

અંતે તા.૨૪ એપ્રુલ ૧૯૩૯ના વ્યથિત  મને ગાંધીજીએ રાજકોટ છોડવાનો નિર્ણય કર્યો. કેટલાક કાર્યકરોએ આ નિર્ણયનો વિરોધ કર્યો. કેટલાક હતાશ નિરાશ થયા. પરંતુ ગાંધીજીએ હું હાર્યો છું તેમ કહી રાજકોટ છોડી દીધું આ ઐતિહાસિક પ્રકરણ આજે પણ ગાંધીજીની અહિંસક લડતના ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો