શનિવાર, 26 જાન્યુઆરી, 2019

પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન
- ચાર વર્ષના અંતરાલ બાદ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત થશે

- સમાજ સેવા ઉપરાંત નાનાજી દેશમુખે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો:હજારિકાએ નોર્થ-ઈસ્ટને મોટી ઓળખ આપી

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે સરકારે ૩ મહાનુભાવો માટે ભારત રત્નની જાહેરાત કરી હતી. આ ત્રણ મહાનુભાવોમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સંગીતજ્ઞા ભૂપેન હજારીકા અને સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખનો સમાવેશ થાય છે. ભારતમાં અપાતો આ સર્વોચ્ચ એવૉર્ડ છે, જે દેશસેવામાં અસાધારણ પ્રદાન બદલ આપવામાં આવે છે.

મૂળ કોંગ્રેસી નેતા તરીકેની ઓળખ ધરાવતા બંગાળી બાબુ પ્રણવ મુખર્જી ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ભારતના તેરમાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી પાંચ દાયકા કરતા વધુ સમયમાં ફેલાયેલી છે. હવે જોકે તેઓ રાજકારણમાં નથી, પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે નિવૃત્ત જીવન ગાળે છે.

પ્રણવ મુખર્જી કેન્દ્રમાં સંરક્ષણ, નાણા સહિતના વિવિધ મંત્રાલય સંભાળી ચૂક્યા છે. જોકે તેમની નોંધપાત્ર કામગીરી નાણામંત્રી તરીકેની ગણાય છે. તેમના કાર્યકાળમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ તળિયે પહોંચી ગયુ હતુ. એ વખતે પ્રણવ મુખજીેએ પોતાની આવડત દ્વારા દેશની હુંડિયામણ તિજોરી ભરી આપી હતી. 
પ્રણવ મુખર્જી સિવાયના બન્ને એવૉર્ડ મરણોપરાંત છે. મહારાષ્ટ્રના હુગલીમાં ૧૯૧૬માં જન્મેલા નાનાજીનું ૨૦૧૦માં અવસાન થયુ હતુ. તેઓ સામાજિક કાયકર્તા તરીકે વધુ જાણીતા હતા. જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનામાં તેમની સક્રિય ભૂમિકા હતી. ભાજપના પૂર્વ પક્ષ જનસંઘના તેઓ નેતા હતા.

૧૯૯૯માં તેમને પદ્મ વિભૂષણનું સન્માન સરકારે આપી દીધું હતું. ઈન્દિરા ગાંધી સામે જય પ્રકાશ નારાયણે શરૂ કરેલી ચળવળમાં પણ નાનાજી દેશમુખે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમને આ સન્માન જાહેર થયા પછી વડા પ્રધાને ટ્વિટ કરી હતી કે ગ્રામોત્થાન માટે નાનાજીએ કરેલી કામગીરીએ આપણને હંમેશા નવી દિશા ચિંધી બતાવી છે. વડા પ્રધાને ટ્વિટ દ્વારા ત્રણેય મહાનુભાવોનું ભારતના ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન હોવાનું જણાવ્યુ હતુ.
આસામના સંગિતજ્ઞા, ગીતકાર, ફિલ્મ સર્જક, કવિ ભૂપેન હજારીકાનું ૨૦૧૧માં અવસાન થયું હતુ. તેમને પણ આ સન્માન મરણોપરાંત અપાશે.
 નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સર્જાતી ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાનું કામ ભૂપેન હજારીકાએ કર્યું હતુ. દસ વર્ષની વયે જ તેમણે અસમિયા ભાષાની ફિલ્મો માટે ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. હિન્દી ફિલ્મ રૂદાલીમાં ભૂપેન હજારીકાએ લખેલું ગીત દિલ હુમ હુમ કરે.. ગવાયું હતું અને ઘણું લોકપ્રિય પણ થયું હતુ.
 તેમને પણ નેશનલ ફિલ્મ એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી, પદ્મભૂષણ વગેરે સન્માન મળી ચૂક્યા છે. દેશની સેવામાં અસાધારણ પ્રદાન કરનારા મહાનુભાવોને ૧૯૫૪થી દર વર્ષે ભારત રત્ન તરીકે સન્માનિત કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો